ભાવનગરથી હાર્દિક દેસાઈની બેંક ટ્રાન્સફર જામનગરની ગ્રેઇન માર્કેટ બ્રાંચમાં થઈ ત્યારે જામનગર સ્ટેશને ઉતરીને સૌથી પહેલાં એણે નજીકની એક હોટલમાં રૂમ લઈ લીધો. મકાન શોધવામાં કદાચ ત્રણ ચાર દિવસ થઈ જાય તો તત્કાલ રહેવા-જમવાની વ્યવસ્થા કરવી જરૂરી હતી.
જો કે એની ટ્રાન્સફર થઈ ત્યારે બેંકની ભાવનગર બ્રાન્ચના જનરલ મેનેજર શાહ સાહેબે જામનગરમાં રહેતા એમના બનેવી ચિનુભાઈ શાહ ઉપર એક ભલામણ ચિઠ્ઠી લખીને હાર્દિકને આપી હતી અને ખાસ આગ્રહ કર્યો હતો કે -- જામનગર જઈને પહેલાં ચિનુભાઈ ને મળી લેજો. મેં એમની સાથે ફોન ઉપર વાત પણ કરી લીધી છે. એ તમને સારી લોકાલિટીમાં મકાન શોધી આપશે.
નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા પછી સૌથી પહેલું કામ હાર્દિકે ચિનુભાઇને મળવા માટે પટેલ કોલોનીમાં જવાનું નક્કી કર્યું. ચાર નંબરની શેરીમાં ચિનુભાઇનું મકાન હતું. લગભગ નવ વાગે હાર્દિક રીક્ષા કરીને એમના ઘરે પહોંચી ગયો. ડેલીબંધ મકાન હતું. ઝાંપો ખખડાવતાં જ ચિનુભાઈએ દરવાજો ખોલ્યો.
" જય જિનેન્દ્ર વડીલ !! ભાવનગર થી આવું છું. બેંક મેનેજર વિરેન્દ્રભાઈ શાહે આપના ઉપર એક ચિઠ્ઠી લખીને મને આપી છે. મારી બદલી અહીં સેન્ટ્રલ બેંકની ગ્રેઇન માર્કેટ બ્રાંચમાં થઈ છે. " કહીને હાર્દિકે ચિનુભાઈ ને કવર આપ્યું.
" આવો... આવો અંદર આવો. "
હાર્દિકે ડ્રોઈંગ રૂમમાં જઈને સોફામાં બેઠક લીધી. ચિનુભાઈએ કવર ફાડી ને ચીઠ્ઠી વાંચી લીધી.
" એ મારા સાળા થાય. એમનો ફોન પણ ગઈ કાલે મારી ઉપર આવી ગયો છે. મકાનની તમે કોઈ જાતની ચિંતા ના કરશો. મકાન તૈયાર જ છે. મારું કામ જ રિયલ એસ્ટેટનું છે. હવાઈ ચોક માં મારા પોતાના બે ફ્લેટ છે. સંપૂર્ણ ફર્નિચર કરેલું છે. તમારે કોઈ ચીજ બહારથી લાવવી નહિ પડે. ભાડું જરા...."
" ભાડાની તમે ચિંતા ના કરો વડીલ. જે પણ ભાડું થશે તે હું આપીશ. " હાર્દિકે કહ્યું.
" બસ મારે તમારા જેવા જ ભાડુઆત જોઈએ. સાળા સાહેબે ભલામણ કરી છે એટલે હું ડિપોઝિટ નહીં લઉં. ભાડું બાર હજાર રહેશે. "
" નો પ્રોબ્લેમ...હું અત્યારે જ આપી દઉં છું. " કહીને હાર્દિકે બાર હજાર ચિનુભાઇને ગણી આપ્યા.
" હાર્દિકભાઈ તમે મકાન તો જોઈ લો એક વાર.... મારે ભાડાની કોઈ ઉતાવળ નથી. " ચિનુભાઇ એ વિવેક કર્યો.
" મકાન જોવાની મને કોઈ જરૂર નથી વડીલ. મારા માટે તો અહીં બધા જ એરીયા સરખા છે. મકાન હું આજે જ રાખી લઉં છું. તમે એગ્રીમેન્ટ બનાવી દેજો "
" ચાલો હું તમને ફ્લેટ ઉપર અત્યારે જ લઇ જાઉં. તમારો સામાન વગેરે ક્યાં છે ? "
" સામાનમાં તો માત્ર એક બેગ જ છે. તત્કાલ તો મેં સ્ટેશન પાસેની એક હોટલમાં રૂમ રાખી લીધો છે એટલે બેગ ત્યાં મૂકી છે. કાલે તમારા ફ્લેટમાં શિફ્ટ થઈ જઈશ. જરૂરી વસ્તુ અહીંથી જ ખરીદી લઈશ "
ચિનુભાઇ પોતાની ગાડીમાં હાર્દિકને પોતાના હવાઈ ચોક ના ફ્લૅટમાં લઈ ગયા. ચાર માળનું એપાર્ટમેન્ટ હતું. દરેક માળ ઉપર ત્રણ ફ્લેટ હતા. ચીનુભાઇ ના બે ફ્લેટ બીજા માળે સામસામે હતા. ત્રીજો ફ્લેટ કોઈ ઇન્વેસ્ટરનો હતો જે બંધ જ રહેતો.
ચિનુભાઇ એ લોક ખોલીને ફ્લેટ હાર્દિકને બતાવી દીધો. ફ્લેટ ધાર્યા કરતાં ઘણો મોટો અને સુંદર હતો. બેડરૂમમાં ડબલ બેડ પણ એકદમ તૈયાર હતો. ડ્રોઈંગ રૂમમાં બે સોફા અને ટેબલ પણ લેટેસ્ટ હતા. વોશબેસીન ઉપર મિરર પણ ફીટ કરેલો હતો. ચાર ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ પણ સરસ હતું.
" આ સામે નો ફ્લેટ પેઇંગ ગેસ્ટ તરીકે ભાડે આપેલો છે જેમાં ચાર સ્ટુડન્ટ છોકરીઓ રહે છે. ત્રણ મેડિકલ કોલેજમાં ભણે છે. એક આયુર્વેદિક કોલેજ માં છે. સંસ્કારી ઘરની છે. ત્રણ વર્ષથી રહે છે. હજુ સુધી કોઈ ફરિયાદ નથી આવી. ચાલો તમને ઓળખાણ કરાવી દઉં જેથી એમને પણ કોઈ સંકોચ ન રહે. " ચિનુભાઈએ કહ્યું અને સામેના ફ્લેટનો ડોરબેલ દબાવ્યો.
" મેઘા આ હાર્દિકભાઈ છે........ કાલથી સામેના ફ્લેટમાં ભાડે રહેવા આવી જશે. અહીં સેન્ટ્રલ બેન્ક માં મેનેજર તરીકે એમની ટ્રાન્સફર થઇ છે. મારા સાળાએ તેમના માટે ખૂબ સારો રિપોર્ટ આપ્યો છે. એમને કંઈ કામકાજ હોય તો હેલ્પ કરતાં રહેજો તમે લોકો "
" ચોક્કસ અંકલ...તમે ભલામણ કરી એટલે અમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી..... વેલકમ સર " મેઘાએ હાર્દિક સામે બે હાથ જોડીને કહ્યું.
એટલામાં તો બાકીની ત્રણ સ્ટુડન્ટ્સ પણ દરવાજા પાસે આવી ગઈ.
" હું મેઘા..આ મોના..પેલી દિશા અને સહુથી પાછળ છે એ તર્જની " મેઘાએ એક પછી એક સહુની ઓળખાણ કરાવી.
" ચાલો હવે અમે રજા લઈએ. કાલથી તો રોજ તમારાં દર્શન થશે " હસતાં હસતાં હાર્દિકે કહ્યુ અને લીફ્ટમાં બંને નીચે ઉતરી ગયા. ચિનુભાઈએ હાર્દિકને ચાવી આપી દીધી.
બીજા દિવસે સવારે વહેલો ઊઠીને સાત વાગે જ હાર્દિક બેગ લઈને ફ્લેટ ઉપર રહેવા માટે આવી ગયો. ચા તો એણે રસ્તામાં એક રેકડી ઉપર પી લીધેલી એટલે ચાની કોઈ ચિંતા ન હતી. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો.
રસ્તામાંથી જ ખરીદેલું ન્યૂઝ પેપર એ વાંચી રહ્યો હતો ત્યાં જ ડોર બેલ વાગ્યો.
એણે ઉભા થઇને દરવાજો ખોલ્યો તો સામે હાથમાં ચાનો કપ લઈને મેઘા ઊભી હતી.
" અરે મેઘાબેન તમે આ બધી તકલીફ કેમ લીધી ? ચા તો રસ્તામાં જ એક રેકડી ઉપર પી લીધેલી. " હાર્દિક બોલ્યો.
" એટલો તો પડોશી ધર્મ બજાવવો પડે ને ? હમણાં બે-ત્રણ દિવસ તમે સેટ ના થઈ જાઓ ત્યાં સુધી ચા નાસ્તો અમે બનાવીને મોકલી દઈશું. "
" નસીબદાર છું હું પણ. આટલા બધા સરસ પાડોશી મળ્યા છે !! " હાર્દિકે હસીને કહ્યું.
એટલામાં તર્જની પણ એક ડીશમાં ગરમ ગરમ ગાંઠીયા અને તળેલાં મરચાં લઈને ત્યાં આવી ગઈ.
" લો આ નાસ્તો પણ આવી ગયો સાહેબ. કાઠિયાવાડમાં બધા વગર ચાલે પણ ગાંઠિયા વગર ના ચાલે. " મેઘાએ કહ્યું.
"તમારે પણ કંઈ કહેવું છે હવે ? " કહીને હાર્દિકે તર્જની ની સામે જોયું.
એ જોઈ જ રહ્યો. અદભુત સૌંદર્યની મૂર્તિ જાણે કે સામે ઉભી હતી !!! એકદમ ગૌરવર્ણ, લાંબા વાળ, અણિયાળું નાક અને નશીલી આંખો !! નજર હટાવી શકાય તેમ જ નહોતી.
" અમારી આ તર્જની ખૂબ જ શરમાળ છોકરી છે. વડોદરાની બ્રાહ્મણ કન્યા છે. મેડીકલ કોલેજમાં એડમિશન જામનગરમાં મળ્યું એટલે ત્રણ વર્ષથી અહીંયા પીજીમાં રહે છે. એના પિતા હયાત નથી. માત્ર મમ્મી છે. મધ્યમ પરિવારની છે એટલે ડોનેશન સીટ ઉપર એડમિશન ના લઈ શકી. " મેઘાએ એનો વિસ્તૃત પરિચય કરાવ્યો.
" અને બાકીની તમારી રૂમ પાર્ટનર ક્યાં છે ? ભેગાભેગો એમનો પણ વિગતવાર પરિચય કરાવી દો " હાર્દિકે હસતાં હસતાં કહ્યું.
" હા સાંજે બધાનો પરિચય કરાવીશું. જમવાનું પણ તમારું અમે બનાવી દઈશું. અત્યારે દિશા નહાવા ગઈ છે અને મોના રસોઈમાં લાગેલી છે. " પહેલીવાર તર્જનીએ પોતાના મધુર અવાજ માં કહ્યું.
" તર્જની તમને સંગીતનો બહુ શોખ લાગે છે અને તમે સારું ગાઈ પણ શકો છો. તમને ક્લાસિકલ સંગીત પ્રત્યે પણ આકર્ષણ છે. બોલો મારી વાત સાચી કે નહીં ? "
" ઓ માય ગોડ !! સર તમને આ બધી બાબતોની કેવી રીતે ખબર ? " તર્જની આશ્ચર્ય થી બોલી ઉઠી.
" તમે માત્ર ચાર વાક્યો બોલ્યાં એમાં તમારા આખા કંઠની કુંડળી મેં બનાવી દીધી " કહીને હાર્દિક હસી પડ્યો.
મેઘાને પણ હાર્દિકની વાતથી ખૂબ જ આશ્ચર્ય થયું કારણકે તર્જની અદભુત ગાતી હતી અને ક્લાસિકલ સંગીતના ક્લાસ ભરવાનું પણ વિચારતી હતી. આ માણસ ખરેખર અદ્ભુત હતો.
" માત્ર એક જ દિવસમાં તમે બધાના દિલ જીતી લીધા સર ! યુ આર જીનીયસ !!" હવે તર્જની ચૂપ ના રહી શકી.
દસ વાગે બેંક ખુલી જતી હતી એટલે થોડીવારમાં જ હાર્દિક બેંક જવા નીકળી ગયો. જઈને બ્રાંચ મેનેજર નો ચાર્જ લઈ લીધો. જુના મેનેજર પાસેથી બધું સમજી લીધું.
આજે તો બારોબાર પાડોશી તરફથી ડિનર હતું એટલે માર્કેટમાં જઈને એણે જરૂરી વાસણો અને થોડો ઘણો ઘરવખરીનો સામાન ખરીદ્યો. ઘરે જઈને થોડો આરામ કર્યો અને ટીવી જોવામાં ટાઈમ પસાર કર્યો.
રાત્રે લગભગ આઠ વાગ્યે મેઘાએ આવીને જમવાનું આમંત્રણ આપ્યું. ચારે ય રૂમ પાર્ટનર્સમાં મેઘા સૌથી મોટી અને સિનિયર હતી અને છેલ્લા વર્ષમાં ભણતી હતી.
આમંત્રણને માન આપીને થોડા સંકોચ સાથે એ સામેના ફ્લૅટમાં ગયો અને ડાઇનિંગ ટેબલ ઉપર પોતાની બેઠક લીધી. આ રીતે એકલી છોકરીઓના ફ્લેટમાં જમવા જવામાં એને બહુ જ શરમ જેવું લાગતું હતું !
એ પોતે પણ છવ્વીસ વર્ષનો એક હેન્ડસમ યુવાન હતો. સ્પોર્ટ્સમાં એને ખૂબ જ રસ હતો અને સ્પોર્ટ્સના કોટામાં જ એનું બેંકમાં સિલેક્શન થયેલું. કસરતી શરીર હોવાથી એની પર્સનાલીટી પણ ખુબ જ પ્રભાવશાળી હતી .
" આ દિશા કાનાણી છે. એમબીબીએસના બીજા વર્ષમાં છે. ભણવામાં ખૂબ જ હોશિયાર છે. એ દ્વારકાની છે. અમારા આ ફ્લેટની સાફ-સફાઈ ની જવાબદારી એ મેડમ સંભાળે છે. " મેઘાએ કહ્યું.
" આ છે મોના માલવિયા. ઉપલેટાની છે. અહીં આયુર્વેદ કોલેજમાં એ ત્રીજા વર્ષમાં છે. અમારાં એ અન્નપૂર્ણા મેડમ અમારા સહુની બે ટાઈમ રસોઈ બનાવે છે. અલબત્ત અમે સૌ એને રસોઈમાં મદદ જરૂર કરીએ છીએ. એ બહુ જ ટેસ્ટી રસોઈ બનાવે છે. તમે જમશો એટલે ખ્યાલ આવી જશે. "
" અને આ મેઘા મેડમ વિશે તર્જની તમે જ પરિચય આપો. " હાર્દિકે તર્જની સામે જોઈને કહ્યું.
" મેઘા દીદી અમારાં સૌથી સિનિયર છે. લાસ્ટ ઇયરમાં છે. ગોંડલનાં વતની છે. આખું નામ મેઘા વિઠલાણી !! તમામ શોપિંગ મેઘા દીદી કરે છે. અમારા બધા માટે ખૂબ ખર્ચા પણ કરે છે. પૈસે ટકે સુખી ઘરનાં છે. સવારે વોશિંગ મશીન એ સંભાળે છે. "
" સર હવે તમે તમારો પરિચય તો આપો !!" પહેલી વાર દિશા નો અવાજ સાંભળવા મળ્યો. બધા જ હાર્દિક સામે જોઈ રહ્યાં.
" વેલ... નામ હાર્દિક સુમનલાલ દેસાઈ ! નવસારીનો અનાવિલ બ્રાહ્મણ છું. છવ્વીસ વર્ષની ઉંમર છે. એમબીએ ફાયનાન્સ કર્યું છે. માતા નાનપણમાં ગુમાવી દીધા છે. પિતાજીનું ગયા વર્ષે અવસાન થયું છે. એક મોટી બેન છે જે સુરત સાસરે છે. સ્પોર્ટ્સમેન છું. ત્રણ વર્ષથી ભાવનગરની બેંકમાં હતો. બેંકની એકઝામ પાસ કરીને હવે બ્રાંચ મેનેજર તરીકે પ્રમોશન ઉપર અહીં જામનગર આવ્યો છું. ઇતિ શ્રી હાર્દિક દેસાઈ કથા !!!"
હાર્દિકના છેલ્લા શબ્દોથી સહુ હસી પડ્યાં.
" સર... ભાભી વિશે તો કંઈ કહ્યું નહીં ? " મેઘા બોલી.
" ભાભી ? હજુ સુધી તો કોઈ કન્યાની નજર આ મુરતિયા ઉપર પડી નથી. બંદા હજુ સુધી તો કુંવારા જ છે. " કહીને હાર્દિક થોડો શરમાઈ ગયો. ચારે છોકરીઓએ એક બીજાની સામે જોયું.
" કંઈ વાંધો નહીં સર... તમારા માટે એક સરસ મજાની કન્યા હવે અમે શોધી કાઢીશું. " મેઘા બોલી અને કોણ જાણે કેમ પણ હાર્દિકથી તર્જની સામે જોવાઈ ગયું. તર્જની પણ એની સામે જ જોઇ રહી હતી.
રસોઈ ખરેખર ખુબ જ સરસ બની હતી. ભરેલા રવૈયાનું શાક, ભાખરી અને શિખંડ સાથે કાઢી અને ભાત પણ બનાવ્યાં હતાં.
" સાંજનો ટાઈમ છે એટલે મેં પુરી ના બદલે ભાખરી બનાવી છે. તમને ફાવશે ને ? " મોના બોલી.
" પ્રેમથી તમે લોકો જે જમાડશો એ જમીશ. તમારા લોકોની આ લાગણી જોઈ ને ખરેખર મને ખૂબ જ આનંદ થયો છે. જમવા આવતાં પહેલા મને ખૂબ જ સંકોચ થતો હતો પણ તમારા બધાનો સ્વભાવ ખુબ સરસ છે. " હાર્દિકે કહ્યું.
બે ત્રણ દિવસ પછી હાર્દિકે ઘરે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. એને તમામ રસોઈ આવડતી હતી. એની એકલાની રસોઈમાં સમય પણ બહુ ઓછો લાગતો. જો કે પંદરેક દિવસમાં જ એક રસોઈ કરનારાં બેન મળી ગયાં હતાં એટલે રસોઈની ચિંતા ટળી ગઈ હતી. બેન સવારે કચરા પોતાં પણ કરી દેતાં. હાર્દિકને પૈસાની તો કોઈ ચિંતા હતી જ નહીં.
બેંક મેનેજર તરીકે ચાર્જ સંભાળ્યા પછીના એક મહિનામાં હાર્દિકે સૌથી પહેલું કામ વાહન ખરીદવાનું કર્યું. રોજ રિક્ષામાં બેંક જવું આવવું એને યોગ્ય નહોતું લાગતું. આમ તો એની ઈચ્છા કાર ખરીદવાની જ હતી પરંતુ પોતે અત્યારે સાવ એકલો હતો અને બેંક પાસે પાર્કિંગના પણ પ્રોબ્લેમ હતા એટલે એણે શો-રૂમ માંથી નવું એકટીવા છોડાવી લીધું.
મેઘા અને દિશા પાસે પણ પોતાનું એક્ટિવા હતું. મોના અને તર્જની એ લોકોના એક્ટિવા ઉપર જ કોલેજ જતાં.
આમ ને આમ છ મહિનાનો સમય નીકળી ગયો. ચારે ય છોકરીઓ અને હાર્દિક વચ્ચે સારી એવી ફ્રેન્ડશીપ થઈ ગઈ હતી. હાર્દિકને તર્જની તરફ ખૂબ જ આકર્ષણ હતું પણ એ ખૂબ મર્યાદામાં રહેતો.
ઘણીવાર એ મનની વાત તર્જનીને કહેવા માગતો હતો પણ તર્જની પોતાના માટે શું વિચારે છે એ બાબતમાં એ ચોક્કસ નહોતો. જો કે હવે પરીક્ષાઓ પણ નજીક આવી રહી હતી એટલે એ લોકોનો સમય મોડી રાત સુધી વાંચવામાં જતો. દિલની વાત રજૂ કરવાનો આ યોગ્ય સમય નહોતો.
છોકરીઓ ની પરીક્ષા પતી ગઈ અને ચારે ય બહેનપણીઓ વેકેશનમાં સૌ સૌના વતનમાં ચાલી ગઈ. જો કે ફ્લેટનું ભાડું તો ચાલુ જ રાખ્યું જેથી બે મહિના પછી ફરી મકાન શોધવું ન પડે.
હાર્દિકને હવે ખૂબ જ સુનું લાગવા લાગ્યું. આખા ફ્લોર ઉપર એ હવે એકલો જ હતો. પહેલાં તો સામેના ફ્લૅટમાંથી છોકરીઓનો કિલકિલાટ સંભળાતો હતો. હવે સૂનકાર થઈ ગયો. તર્જની એને બહુ જ યાદ આવતી હતી.
એ લોકોને ગયાને એકાદ મહિનો થયો હશે. ત્યાં એક દિવસ હાર્દિક ઉપર એની બહેન કિર્તીદાનો ફોન આવ્યો. કિર્તીદા હાર્દિકની મોટી બહેન હતી અને સુરતમાં પરણાવેલી હતી.
" હાર્દિક તારા માટે એક સરપ્રાઈઝ છે !! એક સરસ છોકરી મેં શોધી કાઢી છે. છોકરી તને જરૂર ગમી જશે. તું ક્યારે આવે છે સુરત ? "
" પણ છે કોણ એ તો મને કહે !! "
" તું એકવાર સુરત આવી જા. હમણાં નો તું આવ્યો પણ નથી. "
લગ્નની ઉંમર પણ થઈ હતી અને જમવાની પણ તકલીફ હતી. તર્જની ભલે ગમતી હોય પણ એ ડોક્ટર ના થઈ જાય ત્યાં સુધી લગ્નનો વિચાર પણ ના કરી શકે. અને તર્જની પોતાને પ્રેમ કરે છે કે નહીં એની પણ ખાતરી ક્યાં હતી ? હાર્દિકે સુરત જવાનું નક્કી કર્યું.
ત્રણ દિવસની રજા લઈને હાર્દિક સુરત પહોંચી ગયો. નાહી ધોઈને એ જમવા બેઠો ત્યારે ડાયનિંગ ટેબલ ઉપર જ એણે કિર્તીદા સાથે વાતચીત ચાલુ કરી .
" હવે બોલ.... તું કોની વાત કરે છે કીર્તિ ? "
" તારા બનેવીની ઓફિસમાં ભાવેશભાઈ જોબ કરે છે. એમની એક ભાણી છે. છોકરી ખૂબ જ રૂપાળી છે. કોલેજમાં ભણે છે. એ લોકોની સ્થિતિ સાધારણ છે. તારા વિશે તારા બનેવીએ બધી વાત કરી અને તારો ફોટો પણ બતાવ્યો તો એમની ઈચ્છા એવી છે કે તું એકવાર એમની ભાણીને જોઈ લે. કાલે એમના ઘરે જ આપણે કન્યા જોવા જવાનું છે. "
બહેન બનેવી ની પસંદગી સારી જ હોય એવી હાર્દિકને ખાતરી હતી અને નિર્ણય તો પોતાને જ લેવાનો હતો ! હાર્દિક તૈયાર થઈ ગયો.
બીજા દિવસે સવારે સુરતના વરાછા રોડ ઉપર ભાવેશભાઈ ના ફ્લેટમાં હાર્દિક કિર્તીદા અને નીરવભાઈ પહોંચી ગયા. ભાવેશભાઈ અને કન્યાની મમ્મી ડ્રોઈંગ રૂમમાં સોફા પર જ બેઠેલાં હતાં. એમને તો છોકરો જોતાં વેંત જ ગમી ગયો. હાર્દિકે એમને પ્રણામ કર્યાં.
કન્યા હજુ રસોડામાં જ હતી. થોડીવાર આડી અવળી વાતો ચાલી ત્યાં એકવીસ વર્ષની એક ખૂબસૂરત કન્યા સજી-ધજીને ચાના કપની પ્લેટ લઈને ડ્રોઇંગરૂમમાં આવી.
હાર્દિક તો એને જોઈને આભો જ બની ગયો. બે ઘડી તો એના શ્વાસ જ થંભી ગયા. આ તો તર્જની...!!!
તર્જનીએ જ્યારે ચા નો કપ મુકતાં હાર્દિકની સામે જોયું ત્યારે એના ચહેરા ઉપર રમતિયાળ સ્મિત હતું !!
ચા-નાસ્તો કર્યા પછી બંનેની અંગત મીટીંગ બેડરૂમમાં ગોઠવાઇ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન હાર્દિકે એ જ કર્યો.
" આ કઈ રીતે શક્ય બન્યું ? તમે તો વડોદરા રહો છો . મેડિકલનું ભણતા ભણતા અચાનક આ લગ્નની વાત કેવી રીતે વચ્ચે આવી ? "
" બધું જ કહું છું. તમે તો જાણો જ છો કે મારા પપ્પા નથી. અમારી આર્થિક સ્થિતિ પણ ઘણી નબળી છે. મારી મમ્મી ને મારી ચિંતા ખૂબ જ રહેતી હોય છે. મારા ભાવેશ મામા જ અમારું બધું સંભાળે છે. ઉંમર મોટી થઈ જાય એટલે સારાં પાત્રો મળતાં નથી. મામા ની ઈચ્છા એવી હતી કે એક વાર સંબંધ થઈ જાય પછી લગ્ન ભલે મોડા થાય. અત્યાર સુધી બે થી ત્રણ વાત આવી પણ હું જ ના પાડતી."
" દસ દિવસ પહેલાં અચાનક મામા તમારી જ પ્રપોઝલ લઈને અમારા ઘરે આવ્યા."
અને તર્જની ભૂતકાળમાં સરી પડી. દસ દિવસ પહેલાંની મામાની વાતને યાદ કરી.
-- " બેટા હું જાણું છું કે તને અત્યારે લગ્નની વાતમાં બિલકુલ રસ નથી. પરંતુ તારી ઉંમર પણ એકવીસની થઈ છે. અમે તને લગ્ન માટે મજબૂર નથી કરતા પણ સારું પાત્ર હાથમાંથી જવા દેવું ન જોઈએ. તારી મમ્મીને તારી ખૂબ જ ચિંતા રહે છે. "
" અમારા ઓફીસ મેનેજર નીરવભાઈ ના એક સાળા છે હાર્દિક દેસાઈ. જામનગરની એક બેંકમાં બ્રાંચ મેનેજર છે. આટલી નાની ઉંમરે ઉંચા હોદ્દા ઉપર છે. પગાર પણ સારો છે. કુટુંબ પણ સંસ્કારી છે. મમ્મી કે પપ્પા કોઈ હયાત નથી. એકવાર તું જોઈ તો લે. છોકરો તારા કરતા પાંચ વર્ષ મોટો છે પણ એકદમ હેન્ડસમ છે" --
" અને મામાએ મોબાઇલમાં તમારો ફોટો મને બતાવ્યો. એ દિવસે મારા મનમાં કેવી કેવી લાગણીઓ ઉભરાયેલી એ હું તમને કેવી રીતે સમજાવું !! તમે મર્યાદા રાખીને આજ સુધી ભલે મને તમારો પ્રેમ જાહેર ના કર્યો પણ તમારી આંખોમાં મેં એ ક્યારનો વાંચી લીધેલો. આ તક હું કેવી રીતે જવા દઉં ? " તર્જનીએ હાર્દિકની સામે જોયું.
" તમારી વાત સાચી છે તર્જની..... મારી લાગણીઓને મેં મહાપરાણે કાબૂમાં રાખી છે. ઘણીવાર મનમાં થતું કે હું તમને પ્રપોઝ કરું... પણ પછી વિચાર આવતા કે તમે ભવિષ્યમાં ડોક્ટર થવાના.... અને તમારા મનમાં કોઈ બીજાં સપનાં પણ હોય એટલે હું કંઈ બોલતો નહોતો.... હું દિલથી તમને પ્રેમ કરું છું.... હા તર્જની... આઇ લવ યુ !! "
અને પ્રેમના આવેશમાં હાર્દિકે તર્જનીનો હાથ પકડ્યો, ચૂમી લીધો અને એને ઓચિંતી બાથમાં લઇ લીધી. હાર્દિકના પ્રેમનો શ્રાવણિયો આજે અષાઢ બનીને વરસી રહ્યો હતો અને તર્જની મુગ્ધ બનીને ભીંજાઈ રહી હતી.
બેડરૂમની ચાર દીવાલો વચ્ચે બંનેના શ્વાસોશ્વાસ સંભળાતા હતા પણ વાણી મૌન હતી !!
" હવે બહાર જઈશું ? આપણા જવાબની બધાં રાહ જોતાં હશે !! " તર્જની બોલી.
" હા.... અને તમારી બાકીની ત્રણ રૂમ પાર્ટનર્સ ને પણ જાણ કરી દેજો કે આવતા મહિને તમારી ચોથી પેઈંગ ગેસ્ટ ના લગ્નમાં આવવાનું તમને સહુને ભાવભર્યું નિમંત્રણ છે !! " હાર્દિક બોલ્યો અને બંને જણાં હસી પડ્યાં.
અશ્વિન રાવલ (અમદાવાદ)