પ્રાયશ્ચિત Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાયશ્ચિત

" તો પછી બેટા વાત આગળ ચલાવું ? કમ સે કમ તું એકવાર અંગના નો ફોટો તો જોઈ લે "

ભરેલા ભીંડા નું શાક પોતાના દીકરા શૈશવની થાળીમાં પીરસતા વિભાબેને ફરી વાતનું અનુસંધાન કર્યું.

જમવાનો સમય જ એક એવો હતો કે જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર વિભાબેન શૈશવ સાથે નિરાંતે વાત કરી શકતાં. બાકી તો શૈશવ પોતાની મેડીકલ પ્રેક્ટિસમાં એટલો વ્યસ્ત હતો કે આ બધી વાતો સાંભળવાની એને ફુરસદ જ નહોતી.

" મમ્મી તને કેટલી વાર કહું કે મને છોકરીઓ જોવામાં કોઈ રસ જ નથી. જ્યારે મારે લગ્ન કરવાં જ નથી તો આ બધી ચર્ચા નો અર્થ શું ?"

શૈશવ નાણાવટી ગાયનેક સર્જન થઈ ગયો હતો અને એક હોસ્પિટલમાં સેવાઓ આપતો હતો. તે સિવાય ' કલરવ મેટરનિટી હોમ ' નામનું સ્વતંત્ર નર્સિંગ હોમ પણ છ મહિનાથી ખોલ્યું હતું.

નાગર ફેમિલીમાં જન્મેલો શૈશવ ખૂબ જ દેખાવડો હતો અને સર્જન હોવાના કારણે ઘણી બધી નાગર છોકરીઓના માગા પણ આવતા. 30 વર્ષની ઉમર પરણવા માટે કંઈ નાની તો ના જ કહેવાય પણ શૈશવ એક પણ પ્રપોઝલ ઉપર ધ્યાન નહોતો આપતો.

વિભાબેન ની મોટી દીકરી શિવાની રાજકોટ પરણાવી હતી અને શિવાનીના મામાજી ની દીકરી અંગના વસાવડા ની વાત પોતાના નાના ભાઈ માટે શિવાનીએ જ ચલાવી હતી.

શિવાની ના લગ્ન વખતે અંગના પણ જાનમાં આવેલી અને ત્યારે એણે શૈશવ ને જોયેલો. જોતાં જ ગમી જાય એવો હેન્ડસમ શૈશવ અંગના ના મનમાં તો વસી જ ગયેલો. એટલે શિવાનીએ વાત કરી ત્યારે અંગના નુ દિલ તો ગાર્ડન ગાર્ડન થઈ ગયેલું.

શિવાનીએ અંગના ના ત્રણ ચાર ફોટોગ્રાફ્સ વિભાબેનને મોકલેલા અને આ ખૂબસૂરત રૂપસુંદરી ઉપર વિભાબેન પણ વારી ગયેલા પણ આ છોકરાને સમજાવવો કેવી રીતે ?

શિવાની પોતાના ભાઈનો ગુસ્સો જાણતી હતી એટલે એણે શૈશવ ઉપર એક પણ ફોટો મોકલ્યો નહોતો. બધુ મમ્મી ઉપર છોડ્યું હતું.

આજે વિભાબેને મોબાઈલ માં ફોટો શૈશવ ને બતાવવાની કોશિશ પણ કરી જોઈ પણ શૈશવે ફોટો જોવાની પણ ના પાડી. અને વાત ત્યાં જ પૂરી થઈ ગઈ.

વિભાબેન આજે ખૂબ જ નિરાશ થઇ ગયા હતા. આટલી સરસ દીકરી પોતાના ઘરમાં આવતી હતી અને આ છોકરો કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતો. વિભાબેન ને લાગ્યું કે એક વરસ થઇ ગયું તો પણ અંજલિ ના આઘાતમાંથી શૈશવ હજુ પણ બહાર નીકળી શક્યો નથી.

અંજલિ શૈશવ નો ભવ્ય ભૂતકાળ હતો અને અંજલિ આખા ઘરમાં માનીતી પણ હતી. વિભાબેને એને વહુ તરીકે જ જોયેલી અને શિવાની પણ ક્યારેક અંજલિને ભાભી કહીને ચીડવતી.

શૈશવ અંજલિ સાથે મેડિકલ કોલેજમાં ભણતો અને 3 વર્ષથી રીલેશનશિપ માં હતો.

બંનેએ સાથે એમ.બી.બી.એસ. કર્યા પછી શૈશવે સર્જરીમાં ગાયનીક કર્યું જ્યારે અંજલિએ મેડિસિન્સ માં એમ.ડી કર્યું. અંજલિ અવાર નવાર શૈશવ ના ઘરે આવતી. પાલડીથી આંબાવાડી બહુ દૂર પણ નહોતું એટલે એક્ટિવા લઈને આવી જતી. શિવાની સાથે એને ખુબ સારું બનતું.

પાલડી માં રહેતી અંજલિ જૈન હતી અને વિભાબેન ને એ માટે કોઈ જ વાંધો નહોતો. અંજલિના પપ્પાનો કાપડનો બિઝનેસ હતો અને આર્થિક રીતે ખૂબ જ સુખી હતા. અંજલિ એમની એકની એક દીકરી હતી.

શૈશવકુમારને એ પોતે પણ જમાઈ તરીકે પસંદ કરતા હતા અને વિભાબેન સાથે અંજલિ શૈશવના લગ્ન માટેની ચર્ચા પણ કરી ચૂક્યા હતા. એક વર્ષ પછી ડિસેમ્બરમાં બંનેના લગ્ન લઈ લેવા એવો નિર્ણય પણ લઈ લીધો હતો.

ફેબ્રુઆરી મહિનામાં શૈશવના મિત્ર રાજેશ મીણાનાં લગ્ન હતા અને જાન ઉદયપુર જવાની હતી. મિત્રો માટે અમદાવાદથી લક્ઝરી બસ બુક કરેલી પણ છેલ્લી ઘડીએ શૈશવે પોતાની કારમાં અંજલિ ને લઈને ઉદયપુર ફરવા જવાનો પ્લાન બનાવ્યો.

રાજેશના લગ્નમાં માત્ર બે કલાક હાજરી આપીને શૈશવ અને અંજલિ ઉદયપુર બે દિવસ રોકાઈ ગયા. મન ભરીને ઉદયપુર જોઈ લીધું અને રાત્રે 12 વાગે હોટલ ચેકઆઉટ કરીને અમદાવાદ આવવા નીકળ્યા.

" શૈશવ આપણે સવારે નીકળીએ તો ? રાત્રે 12 થી 4 ડ્રાઇવિંગ કરવું બહુ રિસ્કી છે અને તારું રફ ડ્રાઇવિંગ મને ખબર જ છે. એટલે પ્લીઝ આજની રાત આપણે રોકાઈ જઈએ "

" અંજુ તને મારા ડ્રાઇવિંગ ઉપર વિશ્વાસ નથી ? અને કાલે સવારે મારે હોસ્પિટલમાં હાજર થવું બહુ જરૂરી છે. બે દિવસની રજા લીધેલી. હવે હું રોકાઈ નહિ શકું. અને આઈ પ્રોમિસ, આજે હું બહુ સ્પીડમાં ડ્રાઈવ નહીં કરું બસ ? "

અને અંજલિ માની ગઈ પણ એને મનાવવામાં એના કિસ્મતનો હાથ હતો. રાત્રે ત્રણ વાગ્યે શામળાજીના વળાંક ઉપર રોંગ સાઈડ આવતી એક ટ્રક સાથે શૈશવની કાર અથડાઈ ગઈ. શૈશવ ધડાકા સાથે બહાર ફેંકાઇ ગયો પણ કારમાં બાજુમાં બેઠેલી અંજલીનું મૃત્યુ બહુ જ કમકમાટી ભર્યું હતું .

કારને કાપીને અંજલી નો મૃતદેહ બહાર કાઢવો પડેલો. બેભાન શૈશવને પોલીસ હોસ્પિટલમાં લઈ ગયેલી અને લગભગ ત્રણ કલાક પછી એને ભાન આવેલું. એના પગે ફ્રેક્ચર થયું હતું. માથામાં પણ લોહી નીકળ્યું હતું પણ એ બચી ગયો.

આ ઘટનાને એક વર્ષ થઈ ગયું હતું. અંજલિ ના મૃત્યુ માટે શૈશવ પોતાને જ જવાબદાર માનતો હતો. અંજલિ એ ના પાડી તો પણ પોતે જ જીદ કરીને રાત્રે 12 વાગે ઉદયપુર થી નીકળ્યો હતો. એ પોતાની જાતને માફ કરી શકતો નહોતો અને એટલે જ એણે ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય લીધેલો.

અંગના જેવી રૂપાળી અને સુશીલ નાગર કન્યા ગુમાવવાનું વિભાબેન ને ખૂબ જ આઘાત આપી ગયું. પોતાના એકાકી જીવન માં હવે કોઈ વહુ નહીં આવે એ વાતથી એ ખૂબ જ દુઃખી રહેતા. 60 વર્ષ તો વટાવી ચૂક્યા હતા.

શિવાનીને પરણાવ્યા પછી એ સાવ એકલા પડી ગયા હતા. દીકરો એની જ દુનિયામાં મસ્ત હતો. માની લાગણીને અને મનોવેદના ને સમજવાની એને ફુરસદ જ નહોતી. ઘરમાં કામકાજ અને રસોઈ માટે એક બાઇ રાખી હતી પણ એની સાથે થોડી કઈ બધી મન ની વાતો કરાય ?

ચિંતામાં અને એકાકીપણામાં વિભાબેન ની તબિયત ધીમે ધીમે બગડવા લાગી અને 68 મા વર્ષે તો એમણે પોતાની માયા સંકેલી લીધી.

શૈશવની ઉંમર પણ 38 ની થઈ ચૂકી હતી અને હવે એને મમ્મી ની વાત સમજાતી હતી કે જીવનમાં કોઈક તો પોતાનું જોઈએ જેની સાથે સુખદુઃખની વાતો કરી શકાય. સારા સારા તમામ પાત્રો પરણી ગયા હતા અને હવે તો કોઈ પ્રપોઝલ પણ આવતી નહોતી. અંજલિના શોક માંથી એ સંપૂર્ણ બહાર આવી ગયો હતો પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું.

અંગના જેવી સુંદર છોકરીને જોવાની પણ ભાઇએ ના પાડી એટલે શિવાની ને પણ બહુ ખોટું લાગ્યું હતું. એણે હવે ભાઈ ના લગ્ન માટે વિચારવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. જો કે ભાઈની પ્રગતિથી એ ખૂબ જ ખુશ હતી. કારણકે શૈશવની એક સારા ગાયનેક સર્જન તરીકેની ખ્યાતિ વિસ્તરતી જતી.

શૈશવ ગાયનિક ડોક્ટર હોવાથી ઘણી યુવતીઓ પોતાના પતિ સાથે કે સાસુ સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા અને પછી ફોલો અપ ટ્રીટમેન્ટ માટે આવતી ત્યારે શૈશવને પોતાના નહીં પરણવાના નિર્ણય માટે ખૂબ જ પસ્તાવો થતો. મમ્મીના અને બહેનના આગ્રહ છતાં એણે અંગના ને જોવાની પણ ના પાડી દીધી હતી. ખબર નહીં મમ્મી શા માટે અંગના માટે આટલો બધો આગ્રહ કરતા હતા.

અને આવા જ બધા વિચારો માં એક દિવસે કન્સલ્ટિંગ સમયે એક યુવતીએ એની કેબિનમાં પ્રવેશ કર્યો. યુવતી ત્રીસેક વર્ષની આસપાસની હતી.

" હું રોમા મહેતા. મારી એક ફ્રેન્ડને ત્રીજો મહિનો ચાલે છે. અને એને એબોર્શન કરાવવું છે. મને એ પણ ખબર છે કે તમે ગર્ભપાત કરતા નથી પણ તમે એક સફળ સર્જન છો અને આ કોઈ જાતિ પરીક્ષણનો કેસ નથી."

" જુઓ રોમા. મારા સિદ્ધાંતોમાં હું કદી પણ બાંધછોડ કરતો નથી. મારા માટે એબોર્શન એ એક ગુનો છે. આઈ એમ સોરી."

" સર પ્લીઝ. એબોર્શન કર્યા વગર ચાલે એમ નથી. મજબૂરી છે. વાતને સમજો સર. ગઈકાલે રાત્રે મારી ફ્રેન્ડ નો ફોન આવેલો. એ અમદાવાદમાં નથી રહેતી."

" વેલ, તમારી ફ્રેન્ડને કહો કે એ એના હસબન્ડ ને સાથે લઈને આવે. પતિની હાજરીમાં જ અને સંમતિથી જ આ એબોર્શન થશે."

" સર એના લગ્ન થયા નથી. હજુ કુવારી છે. એની સાથે બહુ મોટી દુઘર્ટના બની ગઈ છે. એનો બોયફ્રેન્ડ અત્યારે આ દુનિયામાં નથી. મારી ફ્રેન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એક વર્ષથી એ કોઈની સાથે રિલેશનશિપમાં હતી. હમણાં લગભગ એકાદ મહિના પહેલાં એના બોયફ્રેન્ડ ડૉ. અભય કોઠારીનું 39 વર્ષ ની નાની ઉંમરે અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. તમે તો નામ સાંભળ્યું જ હશે."

" હા. ખાસ પરિચય નથી પણ નામથી ઓળખું છું. એમના મૃત્યુની મને ખબર પડેલી. અમારા મેડીકલ એસોસિએશનના ન્યૂઝ બુલેટિન માં સમાચાર વાંચેલા."

" હા સર... પ્લીઝ આ અબોર્શન પતાવી આપો કારણકે એ પોતાના સિટીમાં કોઈ ડોક્ટર પાસે જવા નથી માગતી કારણકે ત્યાં એનું નામ જાણીતું છે. આપણો સમાજ તો તમે જાણો છો. "

" ઓકે... તમે એમને પરમ દિવસે ગુરુવારે સવારે 10 વાગે અહીં લઈ આવો. "

રોમાએ વિદાય લીધી અને ઘરે જઈને તરત જ એની ફ્રેન્ડ ને કોલ કર્યો.

" તું આવતી કાલે રાત્રે અમદાવાદ મારા ઘરે આવી જા. પરમદિવસ સવારની ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઇ લીધી છે. ખુબ જ જાણીતા ગાયનીક સર્જન છે. માંડ માંડ એબોર્શન માટે મનાવ્યા છે. અને જો કોઈ ટેન્શન ના કર. જે થવાનું હતું તે થઈ ગયું. રડવાથી કોઈ સોલ્યુશન નહીં આવે. ઇશ્વરનો આભાર માન કે લગ્ન પહેલાં જ આ ઘટના બની ગઈ."

ગુરુવારે સવારે 10 વાગે રોમા એની ફ્રેન્ડ ને લઈને કલરવ મેટરનીટી હોમ પહોંચી ગઈ. રોમાએ જ રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને પેશન્ટનું નામ ઉંમર એડ્રેસ વગેરે લખાવ્યા અને બંને જણા વેઇટિંગમાં સોફા પર બેઠા. રિસેપ્શનિસ્ટે નવી ફાઈલ બનાવી અંદર મોકલી.

" તું ચિંતા ના કર. ડોક્ટર ખૂબ જ સારા છે તને કોઇ તકલીફ નહીં થાય."

થોડી વાર પછી આગળનું પેશન્ટ બહાર નીકળતા જ બંને ડો. શૈશવની ચેમ્બરમાં દાખલ થયાં અને ડોક્ટર ની સામે બેઠક લીધી.

શૈશવ ઘડીભર તો આ અદભુત સૌંદર્ય ધરાવતી યુવતીને જોઈ જ રહ્યો. એકદમ ગૌરવર્ણ અને છેક કમર સુધી લાંબા ખુલ્લા વાળ !! હિરોઈનને પણ ટક્કર મારે એટલી એ ખૂબસૂરત હતી. યુવતી શરમ સંકોચના કારણે સતત નીચું જોઈ રહી હતી અને ખૂબ જ ઉદાસિન હતી.

શૈશવે પોતાની સામે પડેલી ફાઈલ ઉપર પેશન્ટનું નામ વાંચ્યું. મિસ અંગના વસાવડા. રાજકોટ.

શૈશવ નું હૃદય બે ક્ષણ માટે તો ધબકારા ચૂકી ગયું. માય ગોડ !! શું આ જ અંગના માટે મારી મમ્મી અને બહેન મારી પાછળ પડ્યા હતા ? મેં આ જ અદભુત યુવતીને જોવાની પણ ના પાડેલી ?

" આઈ કાન્ટ બિલિવ ધીસ " અચાનક શૈશવથી બોલાઈ ગયું.

અને બંને યુવતીઓએ એકસાથે જ શૈશવની સામે જોયું. પણ શૈશવ સામે નજર પડતા જ અંગના ચમકી ગઈ. અરે આતો શૈશવ નાણાવટી !! જેની સાથે મારા લગ્નની વાત શિવાની ભાભીએ 8 વર્ષ પહેલા ચલાવેલી. કેટલી બધી ખુશ હતી ત્યારે હું ? પણ આ ડોક્ટરે તો મીટીંગ કરવાની પણ ના પાડેલી !!

" ચાલ રોમા... લેટ અસ ગો.... મારે એબોર્શન નથી કરાવવું " કહીને અંગના ઊભી થઈ ગઈ. રોમા કંઈ સમજી નહીં. અચાનક અંગના ને આ શું થઈ ગયું ?

" અંગના બેસી જાવ તમે. બીજી બધી વાતો પછી. અત્યારે તમે મારા પેશન્ટ છો. કેસ નાજુક છે. બી સીરીયસ. ડોન્ટ બી ઈમોશનલ ! " શૈશવે આદેશ આપ્યો અને અંગના બેસી ગઈ

" રોમાજી તમે હવે થોડીવાર બહાર વેઇટ કરશો ? આઈ વિલ ટેક કેર. પ્લીઝ."

"ઓકે સર" અને રોમા ચેમ્બરમાંથી બહાર આવી

" અંગના પ્લીઝ કોઈ ગેરસમજ ના કરશો. હું તમને ઓળખી ગયો છું. તમને ખૂબ જ માઠું લાગ્યું હશે એ પણ હું સમજી શકું છું. પણ મારી જગ્યાએ બેસીને તમે વિચારો. ચાર ચાર વરસથી હું કોઇના પ્રેમમાં હતો. અમારા લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી અને મારી ફિયાન્સી મારી જ કારમાં એક્સિડન્ટમાં મૃત્યુ પામી."

" રાત્રે ડ્રાઇવિંગ કરવાની એણે ના પાડી છતાં જીદ કરીને મેં ગાડી ચલાવી અને એનો ભોગ લેવાઈ ગયો. અંગના આઘાતમાંથી બહાર આવતા મને ત્રણ-ચાર વર્ષ લાગ્યા. મેં તમને રીજેક્ટ નહોતા કર્યા. હું એક ડિપ્રેશનમાં ચાલી ગયેલો અને લગ્ન ન કરવાનો નિર્ણય મેં ત્યારે લીધેલો. મને માફ કરો. આજે તમને જોયા પછી મને પેટ ભરીને પસ્તાવો થાય છે "

અંગના શૈશવની સામે જોઈ રહી. એને લાગ્યું કે શૈશવ ની વાત માં તથ્ય છે. એ દિલથી આ બધું કહી રહ્યો છે. એનો કોઈ વાંક નથી.

" હા અંગના... આજે ખરેખર તમને મળ્યા પછી મારા નિર્ણય માટે સાચા હૃદયથી પસ્તાઈ રહ્યો છું. મારી મમ્મી અને શિવાની એ તમારા અને મારા લગ્ન માટે મને ખૂબ સમજાવેલો પણ મેં તમારા ફોટોગ્રાફ જોવાની પણ ના પાડેલી. અંગના મારું જ કિસ્મત ખરાબ હશે કે હું તમને પામી નહીં શક્યો ! "

શૈશવના સાચા હૃદયના એકરારથી અંગનાની આંખોમાં પણ પાણી આવી ગયાં.

" તમે મને કોઈ જવાબ ના આપ્યો ત્યારે હું પણ ખૂબ નિરાશ થઈ ગયેલી. કોલેજના છોકરાઓ મારી પાછળ પાગલ હતા જ્યારે હું તમારી પાછળ પાગલ હતી. શિવાની ભાભી મને આશ્વાસન આપતાં હતાં કે થોડી ધીરજ રાખ. એક વર્ષ સુધી મેં તમારા જવાબની રાહ જોઈ. પપ્પા મારા માટે સારા મુરતિયાની શોધ કરતા હતા પણ મારે લાયક યોગ્ય પાત્ર મળતું નહોતુ. મારી પાસે સારી ડિગ્રી હતી. મે જોબ જોઈન કરી."

" એક વર્ષ પહેલા અચાનક અભય નો પરિચય થયો અને મને લાગ્યું કે મારા માટે યોગ્ય જીવન સાથી મને મળી ગયો છે. એણે મને ખૂબ પ્રેમ કર્યો. મારી નાના માં નાની બાબતોની કાળજી અભય લેતો. અમારા ઘનિષ્ઠ સંબંધોને લઈને હું પ્રેગ્નન્ટ બની ગઈ. પ્રેગ્નનસી ની ખબર પડતાં જ અમે જલ્દી લગ્ન કરી લેવાનો નિર્ણય લઇ લીધો."

" પણ મારા કિસ્મતે ફરી દગો દીધો. લગ્ન ના નિર્ણયના ચાર જ દિવસમાં અભય ને રાત્રે માસિવ હાર્ટ એટેક આવી ગયો. મને ભયંકર આઘાત લાગ્યો કારણ કે હું એના બાળકની મા બનવાની હતી. અભયના મૃત્યુને એક મહિનો થઈ ગયો હતો. હવે મારે નાછૂટકે એબોર્શનનો નિર્ણય લેવો પડ્યો. મેં મારી ફ્રેન્ડ રોમાને વાત કરી. રાજકોટમાં હું એબોર્શન કરાવી શકું એમ નહોતી."

શૈશવ લાગણી પૂર્વક અંગનાની વાત સાંભળી રહ્યો. અંગના સાથે કિસ્મતે ખૂબ અન્યાય કર્યો હતો. બબ્બે વાર એના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. અને અચાનક શૈશવના મગજમાં એક ઝબકારો થયો. આ જ અવસર છે કોઈ નિર્ણય લેવાનો.

" અંગના એક વિનંતી કરું ? ખુબ જ લાગણી પૂર્વક મારી તમને આ વિનંતી છે. પ્લીઝ "

અંગના કંઈ સમજી નહીં. એ શૈશવ સામે જોઈ રહી.

" તમે મને પ્રાયશ્ચિત કરવાનો એક મોકો ના આપી શકો ? તમારા આવનારા સંતાન ના પિતા બનવાનું સૌભાગ્ય મને મળી શકે ? હા અંગના... બાળક સહિત તમારો સ્વીકાર કરવા તૈયાર છું. તમે ખૂબ સહન કર્યું છે અને હું પણ હજુ કુવારો જ છું. પ્લીઝ ... તમને જે નથી મળ્યું એ હું હવે દિલ થી આપવા માગું છું. મને એક મોકો આપો. મને 8 વર્ષ પહેલાની એ જ અંગના જોઈએ છે જે મારી પાછળ પાગલ હતી !! આઈ નીડ યુ !! "

અંગના સ્તબ્ધ થઈ ગઈ. એને એના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. આ સ્વપ્ન હતું કે સત્ય ? લાગણીઓના પૂરમાં અંગના ખરેખર રડી પડી .

શૈશવ ઉભો થઈ અંગનાની પાસે ગયો. એના માથા ઉપર વહાલથી હાથ પસવાર્યો. અંગના ઉભી થઈને શૈશવને ભેટી પડી. શૈશવની છાતીમાં માથું ઢાળીને એ ખૂબ રડી. શૈશવે એને રડવા દીધી અને એની પીઠ ઉપર હાથ ફેરવતો રહ્યો.

ત્યારે ચેમ્બરમાં રાખેલી વિભાબેન ની વિશાળ તસવીરમાંથી વિભાબેન પોતાના 'દીકરા વહુ' નું આ આલિંગન જોઈ હરખાઇ ઉઠ્યાં. અધૂરી ઈચ્છા પૂરી થતાં જ બંનેને આશિર્વાદ આપી એમનો આત્મા મુક્તિના માર્ગે ચાલી નીકળ્યો !!

અશ્વિન રાવલ (અમદાવાદ)