Mobile bride books and stories free download online pdf in Gujarati

મોબાઈલ કન્યા

માઉન્ટ આબુની હોટલ હિલ્ટન ના નયનરમ્ય ગાર્ડનમાં સવારના ૯ વાગ્યાથી હું પ્રિયંકાની પ્રતીક્ષા કરતો હતો. એણે કહ્યું હતું કે એ લગભગ દસ વાગ્યા સુધીમાં હોટલ હિલ્ટન પહોંચી જશે. પ્રિય પાત્રને પહેલી જ વાર મળવાની અધીરાઈ કંઈક અલગ જ હોય છે.

હા પ્રિયંકાને આજ સુધી મેં ક્યારે પણ જોઈ નહોતી. આ એક ' કિસ્મત કનેક્શન ' કહો તો પણ ચાલે. મને કલ્પના પણ નહોતી કે 36 વર્ષની મારી ઉંમર માં 30 વર્ષની એક ખૂબસૂરત યુવતી આંધીની જેમ મારા જીવનમાં અચાનક પ્રવેશ કરશે !!

પ્રિયંકા મુંબઈ રહેતી હતી. એ ટીવી સીરીયલ માં કામ કરતી હતી. સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ ના કેટલાક એપિસોડમાં એણે કામ કર્યું હતું. એ એક શૂટિંગ માટે જયપુર આવી હતી અને મુંબઇ પાછા ફરતી વખતે માઉન્ટ આબુ પર મારી સાથે એ બે દિવસ રોકાવાની હતી.

સાચું કહું તો હું એના પ્રેમમાં હતો એના કરતા એ મારા પ્રેમમાં વધારે પાગલ હતી. એ તો મને એનો પતિ માની ચૂકી હતી. પ્રોબ્લેમ એ હતો કે હું પરણેલો હતો અને હું મારી પત્નીને પણ એટલો જ પ્રેમ કરતો હતો. પણ મને પ્રિયંકા નું આકર્ષણ દિન-પ્રતિદિન ખૂબ જ વધતું ગયું હતું કારણકે એ રૂપસુંદરી હતી. ટીવીના પડદા ઉપર એને જોઈને પણ હું પાગલ થઈ જતો.

હદ તો ત્યારે થઇ કે 3 મહિના પહેલાં ' કરવા ચોથ ' ના દિવસે એણે મારા માટે વ્રત પણ રાખ્યું. આખો દિવસ પાણી પણ ના પીધું. રાત્રે ચંદ્ર દર્શન પછી મોબાઇલમાં વિડીયો કોલ કરી મને પગે લાગી અને એણે ઉપવાસ તોડ્યો. ત્યારે મારી આંખમાંથી આંસુ આવી ગયેલા.

અમારો પરિચય માત્ર સાતથી આઠ મહિનાનો. પણ આ પરિચય જાણે જનમો જનમનો હોય એટલા અમે એકબીજાના બની ગયેલા. કિસ્મત પણ ક્યારેક ગજબ ના ખેલ ખેલે છે.
...............................................

અષાઢ મહિનો ચાલુ થઇ ગયો હતો. હું મારી બાલ્કની માં બેઠો બેઠો ઝરમર વરસતા વરસાદનો આનંદ લઇ રહ્યો હતો ત્યાં મારા વોટ્સએપ ઉપર અજાણ્યા નંબર થી એક મેસેજ આવ્યો.

"હાય.."

મેં પણ સામે ' હાય ' થી જવાબ આપ્યો.

" તન્વી તું કાલે સાપુતારા આવી શકીશ ? કાલે મારું શૂટિંગ ત્યાં છે તો આપણે કાલે ત્યાં મળી શકીશું. નિરાંતે બેસીને થોડી વાતો કરીશું "

મને લાગ્યું કે મારા નંબર ઉપર ભૂલથી આ મેસેજ આવી ગયો છે. સામે કોણ છે તે સમજાતું નથી. મેં જવાબ આપ્યો.

" તમે કોણ ? સોરી તમે રોંગ નંબર ઉપર મેસેજ કર્યો લાગે છે. "

" ઓહ... આઈ એમ સો સોરી. હું પ્રિયંકા મુંબઈ થી. મેં મારી ફ્રેન્ડ તન્વી ને મેસેજ કર્યો હતો. એ નાશિક માં રહે છે. તમે કોણ ? "

" નો પ્રોબ્લેમ. હું અનિકેત બરોડા થી. હું પ્રોફેસર છું કોલેજમાં " મેં જવાબ આપ્યો.

" નાઈસ ટુ મીટ યુ સર "

" તમે કોઈ શૂટિંગ ની વાત કરતા હતા. તમે કોઈ ફિલ્મ માં કામ કરો છો ? " મેં વાત ને થોડી આગળ ચલાવી.

" ફિલ્મોમાં નહીં પણ ટીવી સિરિયલોમાં કામ કરું છું. હિરોઈન છું. સાવધાન ઇન્ડિયા ક્રાઈમ પેટ્રોલ અને સીઆઇડીના કેટલાક એપિસોડમાં આવી ગઈ છું. ત્રણ વર્ષથી આ લાઈનમાં છું. તમે જુઓ છો આ બધી સીરીયલો ? "

" હા મને રસ છે. તમે કહી એ બધી સીરીયલો હું જોઉં છું. કદાચ મેં તમને જોયા પણ હશે. "

અને એણે તરત જ પોતાના બે-ત્રણ ફોટોગ્રાફ્સ મને મોકલ્યા.

" હવે પછી સીરીયલ જુઓ તો મને ઓળખી લેજો. કાઇમ પેટ્રોલ ના આવતીકાલના એપિસોડમાં પણ મારો રોલ છે. "

" શ્યોર. આઈ વિલ નોટ મિસ નાઉ "

" થેન્ક્સ એન્ડ બાય "

મને પ્રિયંકા નો સ્વભાવ ખુબ જ સરલ અને નિખાલસ લાગ્યો. જરા પણ અભિમાન નહીં અને વિવેક પણ કેટલો બધો ? ઓળખાણ નહોતી તો પણ તરત પોતાના ફોટા મોકલી આપ્યા. એના ફોટોગ્રાફ્સ ખરેખર ખૂબ જ સુંદર હતા. !!

ચારેક દિવસ પછી પ્રિયંકાનો રાત્રે 11 વાગે મારા ઉપર ફોન આવ્યો. એ ફોન ઉપર રડતી હતી.

" સર મને અર્જન્ટ તમારી મદદની જરૂર છે. મને એક લાખની જરૂર છે. કારણ ના પૂછશો. હું તમને બે-ત્રણ મહિનામાં જ રિટર્ન કરીશ. પ્લીઝ હેલ્પ મી સર ".

" મારી તમામ કમાણી મારા પપ્પાની કેન્સરની બિમારીમાં ખલાસ થઈ ગઈ છે. પપ્પાનું હજુ બે મહિના પહેલા જ અવસાન થયું છે. મારું પોતાનું કહી શકાય એવું નજીકમાં કોઈ નથી. નાછૂટકે તમને ડીસ્ટર્બ કરું છું. મારે કાલે સવારે જ આ પૈસા જોઈએ છે " એ ગભરાયેલી લાગતી હતી.

" મને બેન્ક એકાઉન્ટની વિગતો મોકલો. હું અત્યારે જ ટ્રાન્સફર કરૂ છું. તમે સવારે ઉપાડી લેજો "

" થેંક્યુ સર... થેંક્યુ વેરી મચ. તમામ પૈસા હું તમને રિટર્ન કરી દઈશ. "

" તમે પૈસાની ચિંતા ન કરો. તમારું કામ પતાવો." અને મેં ફોન મૂકી દીધો.

મારી આ મદદ પછી તો અમારા વચ્ચે વોટ્સએપ ઉપર લગભગ રોજ વાતો થતી. ધીમે ધીમે અમે ખૂબ નજીક આવતા ગયાં. એક દિવસ રાત્રે મને એનો મેસેજ મળ્યો.

" અનિકેત ખબર નહી પણ હું તમારા પ્રેમમાં પડી ગઈ છું. હા આજે મને એકરાર કરી જ લેવા દો. તમે પરણેલા છો પણ મારા દિલ ઉપર મારો કોઈ કાબૂ નથી. આ જીવનમાં હું તમને મારા પતિ માની ચૂકી છું અને આ નિર્ણય મારો પોતાનો છે. તમે સ્વીકાર કરો કે ના કરો. હું તમારી રાધા બની ને જીવવા માગુ છું. ભલે આપણે અલગ-અલગ રહીએ પણ એકબીજાના બનીને જીવીશું "

એ મેસેજ મારા માટે ખૂબ જ રોમાંચક હતો. પ્રિયંકા જેવી હિરોઈન મારી વાઈફ બની ચૂકી હતી. પણ હું પરિણીત હતો એટલે અમે ક્યારેય પણ કાયદેસર લગ્ન કરી શકીએ તેમ ન હતા.

જો કે મારી વાઈફ સંધ્યા પોતાના ગર્ભાશય ના પ્રોબ્લેમ ને કારણે ક્યારે પણ મા બની શકે એમ નહોતી. સંધ્યા પોતે મને ઘણીવાર બીજા લગ્ન માટે સમજાવતી પણ મારે એને બિલકુલ દુઃખી નહોતી કરવી. કારણ કે હું એને પણ ખૂબ દિલથી પ્રેમ કરતો હતો.
.............................................

અચાનક મારી મોબાઈલ કન્યા પ્રિયંકાને મેં દૂર થી આવતાં જોઈ એટલે મારા વિચારો અટકી ગયા. વાહ !! પ્રિયંકા રૂબરૂમાં કેટલી બધી સુંદર લાગતી હતી ? જીન્સનું પેન્ટ, ગુલાબી ટી-શર્ટ અને કમર સુધીના છુટ્ટા લાંબા વાળ એને ખૂબ જ મોહક બનાવી રહ્યા હતા. એની ચાલ પણ છટાદાર હતી.

"હાય... વેલકમ ડાર્લિંગ" મેં કહ્યું અને એ મને જાહેરમાં જ વળગી પડી.

" સવારનો નવ વાગ્યાનો પાગલની જેમ તારો ઇંતેજાર કરતો હતો" મેં કહ્યું. હવે હું એને તું કહેતો હતો.

એ હસી પડી અને અમે બંને જણા મારા રૂમમાં ગયા. હોટેલ ખરેખર ખૂબ જ સુંદર હતી.

"બોલો જનાબ, તમારી સેવામાં હાજર છું. હુકમ કરો " એણે આંખો નચાવીને મારી સામે જોયું.

સાવ સાચું કહું તો એને જોયા પછી મારામાં બોલવા ના હોશ જ નહોતા. મેં એનો હાથ હાથમાં લીધો.

" બસ તને મન ભરીને જોવા માગું છું પ્રિયંકા. તારામાં ખોવાઈ જવા માગું છું. પહેલીવાર તને મળી રહ્યો છું. મારું હૈયું હાથ માં નથી. મને તારો અઢળક પ્રેમ જોઈએ છે"

" હું તમારી જ છું ડાર્લિંગ . જનમો જનમ મેં તમને માંગી લીધા છે. તમારો સંપૂર્ણ અધિકાર મારી ઉપર છે. તમે મને ક્યારે પણ છોડી ના દેતા. તમારા વગર હું જીવી નહીં શકું "

અને એ દિવસે મારા જીવનમાં પહેલીવાર આટલું અદભુત સંસાર સુખ એની સાથે મેં માણ્યું. બે ટાઈમ જમવાના સમય સિવાય અમે એક બીજા માં ખોવાયેલા જ રહ્યા. સતત બે દિવસ સુધી એનો રોમાંચક સહવાસ મેં માણ્યો. ત્રીજા દિવસે સવારની ટ્રેનમાં મુંબઈ જવા એ નીકળી ગઈ પણ મને પાગલ કરતી ગઈ.

બીજા દિવસે એનો મેસેજ આવી ગયો. એ એ મુંબઈ પહોંચી ગઈ હતી અને મારાથી ખુબ જ ખુશ અને સંતુષ્ટ હતી.

રોજ અનેક વાર અમારી વચ્ચે વોટ્સએપ મેસેજમાં વાતો થતી રહેતી. ફોન ઉપર હું ભાગ્યે જ વાત કરતો કારણકે ઘરમાં મારી પત્ની સંધ્યા હતી. એ ક્યારે પણ મારો મોબાઇલ જોતી ન હતી એ મારો પ્લસ પોઈન્ટ હતો. છતાં પણ હું ઘર માં સાવધ રહેતો.

લગભગ દોઢેક માસ પછી એનો મેસેજ આવ્યો અને હું ટેન્શનમાં આવી ગયો . એને દિવસો રહ્યા હતા. જો કે મારા આશ્ચર્ય વચ્ચે પ્રિયંકા તો ખુબ ખુશ હતી. પ્રિયંકાના ઘરમાં એની મા સિવાય કોઈ ન હતું તેમ છતાં પણ એ કુંવારી ગર્ભવતી બની હતી એટલે હું ચિંતામાં પડી ગયો હતો. મારે હવે એના વિશે ગંભીરતાથી વિચારવું જ પડશે.

અને કોણ જાણે કેમ એ જ રાત્રે મારી પત્ની સંધ્યાએ મારી આગળ મને સમજાવવાની એ જ જૂની વાત ફરી રજુ કરી.

" જુઓ તમને પણ હવે 36 થયા. હવે યોગ્ય સમય પાકી ગયો છે. તમે કાં તો બીજા લગ્ન કરી લો અથવા આપણે કોઈ બાળકને દત્તક લઈ લઈએ. ઉંમર વધતી જશે પછી સારા પાત્રો નહીં મળે. મારા ધ્યાનમાં એક બે છોકરીઓ છે. તમે કહેતા હો તો હું વાત કરી જોઉં. હું તમને સંતાન આપી શકતી નથી અને બાળક સિવાય આપણી જિંદગી અધૂરી ગણાય. લોકો પણ કેટલી વાતો કરે છે."

મેં સંધ્યાની અત્યાર સુધીની બીજા લગ્ન માટેની કે દત્તક સંતાન માટેની એક પણ વાત ઉપર ધ્યાન આપ્યું નહોતું. પણ મને આજની એની વાત હૃદયને સ્પર્શી ગઈ. પરંતુ મારે પ્રિયંકા સાથે અફેર્સ છે અને મારાથી એ ગર્ભવતી બની છે એ કહેવું કઈ રીતે ? પ્રિયંકાને પરણવાનો મારો માર્ગ મોકળો થતો હતો પણ સંધ્યાને આ બધું કઈ રીતે કહેવું ?

" ઓકે ડાર્લિંગ... હવે હું તારી વાત ઉપર ગંભીરતાથી વિચાર કરું છું પણ મને બે દિવસનો સમય આપ."

મેં બીજા દિવસે કોલેજમાંથી પ્રિયંકા સાથે ફોન ઉપર સીધી વાત કરી.

" પ્રિયંકા તું કાયદેસર મારી સાથે લગ્ન કરવા તૈયાર છે ? તું મુંબઈ છોડી માત્ર મારા માટે કાયમ માટે વડોદરા આવી શકે ? મને લાગે છે કે મારી પત્નીને હું સમજાવી શકીશ. કારણકે એ પણ સંતાન માટે મારા બીજા લગ્ન ઈચ્છે છે. આપણો માર્ગ મોકળો થાય એવો સરસ રસ્તો હું કાઢું છું "

" અનિકેત હું તમારી પત્ની બની ચૂકી છું. તમારે મને પૂછવાનું ન હોય. બસ આદેશ કરો વરરાજા .. તમે જ્યાં કહો ત્યાં આવવા આ કન્યા તૈયાર છે. "

અને રાત્રે મેં સંધ્યાને એક સ્ટોરી બનાવી ને વાત કરી.

" જો સંધ્યા. તેં કાલે આટલી વાત કરી તો મેં પણ આજે તપાસ કરી. મારો મુંબઈ નો ફ્રેન્ડ નિખિલ એક છોકરીને ઓળખે છે. એના સગામાં જ છે. ખુબ જ સરસ છે. એ કોઈના પ્રેમમાં હતી અને જસ્ટ હમણાં જ પ્રેગનન્ટ થઈ છે. પણ એનો પ્રેમી ગર્ભપાત કરાવી નાખવા માગે છે. છોકરી માનતી નથી અને બાળકને જન્મ આપવા માંગે છે તો એનો પ્રેમી એને છોડી દેવાની ધમકી આપે છે ".

" આવા સંજોગોમાં જો હું એની સાથે લગ્ન કરી લઉં તો સંતાન ની આપણી ઇચ્છા પણ પુરી થાય. અને માની લો કે હું બીજા કોઈની સાથે લગ્ન કરું પણ પછી બીજી પત્નીને પણ સંતાન ના થયું તો ? જ્યારે આ તો પ્રેગ્નન્ટ છે. અને દત્તક લેવામાં ઘણાં લફરાં અને જોખમો છે. "

" હા હા... તો તમે નિખિલભાઇ ને વાત કરી લો ને ? અને જરૂર પડે તો એકવાર મુંબઈ જઈ ને એ છોકરીને મળી લો. સમજાવો એને "

અને ત્યારે મારા આનંદ નો કોઈ પાર ના રહ્યો. હવે પ્રિયંકા સાથે લગ્ન કરવાના મારા તમામ બંધનો દૂર થઈ ગયા હતા અને હું મારા પોતાના સંતાનનો જ પિતા બનવાનો હતો !!

અને 15 દિવસમાં જ મારાં લગ્ન મારી મોબાઈલ કન્યા પ્રિયંકા સાથે સાદાઈથી થઈ ગયાં. વકીલ ને ઘરે બોલાવી એક સ્ટેમ્પ પેપર ઉપર સંધ્યાએ પોતાની સંમતિ આપી દીધી અને એ નોટરાઇઝ પણ કરાવી દીધી.

લગ્નની પ્રથમ રાત્રે પ્રિયંકા મારી સાથે બેડરૂમમાં હતી અને સંધ્યા બહાર હોલમાં સુતી હતી. હું આજે ખૂબ જ ખુશ હતો કારણકે પ્રિયંકા હંમેશ માટે મારી બની ગઈ હતી. આજે કાયદેસર અમારી સુહાગરાત હતી !

પણ એ રાત્રે પ્રિયંકાએ મારી સાથે બેસીને જે વાત કરી એ મારી કલ્પના બહારની હતી.

" અનિકેત એક વાત કહું ? તમે ગુસ્સો તો નહીં કરોને ? "

" હું અને ગુસ્સો ? અને એ પણ તારા ઉપર ? ઈમ્પોસિબલ !! "

" અનિકેત મને આ ઘરમાં લાવનાર અને તમારી સાથે મિલન કરાવનાર તમારાં પત્ની સંધ્યાબેન પોતે જ છે !!! "

"વૉટ ? આ તું શું કહે છે ? " પ્રિયંકાની વાતથી મને જબરદસ્ત આશ્ચર્ય થયું હતું.

" હા અનિકેત.. એમના સાચા પ્રેમને તમે હજુ ઓળખી શક્યા જ નથી. પોતે સંતાન આપી શકે તેમ નહોતા એનું એમને બહુ જ દુઃખ હતું. અને કોઈ પણ ભોગે એ તમારા બીજા લગ્ન કરાવવા માગતાં હતાં".

" તમને કદાચ ખબર નથી પણ સંધ્યાબેન ના મારા કુટુંબ ઉપર બહુ જ બધા ઉપકાર છે. તમારા સસરા એટલે કે સંધ્યાબેનના પિતા એક જમાનામાં ખૂબ જ શ્રીમંત હતા અને મારા પપ્પાની હાલત જ્યારે બહુ જ ખરાબ હતી અને અમારે ખાવાના પણ સાંસા હતા ત્યારે તમારા સસરા અમારા ઘરે અવારનવાર આવતા અને દરેક વખતે સારી એવી રકમ પપ્પાને આપતા. અમારા આખા કુટુંબને તેમણે બચાવી લીધા હતા. તમારા સસરા મને પણ પોતાની દીકરી જેવી માનતા હતા."

" તમારા સસરા અને મારા પિતા બંને આજે હયાત નથી. ગયા વર્ષે તમે લોકો મુંબઈ ફરવા આવ્યા ત્યારે તમે એક દિવસ માટે કોઈ કામે આખો દિવસ બહાર હતા ત્યારે સંધ્યાબેન મારા ઘરે માટુંગા આવેલા. સંધ્યાબેને પહેલીવાર મારી સાથે બધી પેટછૂટી વાત કરી. "

" પ્રિયંકા હું તને જ મળવા આવી છું પણ વાત કરતા મારી જીભ ઉપડતી નથી. તું મારી નાની બહેન જેવી છે એટલે અંતરની વેદના ઠાલવવા આવી છું. કહું કે ના કહું એ મને પોતાને જ ખબર નથી પડતી".

" સંધ્યાબેન તમારા પપ્પાએ અમને બચાવ્યા છે. અમારી આજની સુખ શાંતિ માત્ર તમારા પપ્પાના કારણે છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ટીવીમાં મને જે કામ મળ્યું છે એ પણ પહેલીવાર તમારા પપ્પાએ જ અપાવેલું. હું તમારી નાની બહેન છું. તમે જરા પણ સંકોચ ના રાખો. "

" પ્રિયંકા મારા કેટલાક શારીરિક પ્રોબ્લેમ ના કારણે હું મા બની શકું એમ નથી. મારા પતિ અનિકેત ભગવાનના માણસ છે. મને એટલો બધો પ્રેમ કરે છે કે મારા સુખમાં કોઈ ભાગ ન પડાવે એટલા માટે બીજી વાર લગ્ન કરતા જ નથી".

" એ કોઈને દત્તક લેવા માગતા નથી કારણકે એ અનાથ બાળક ના માતાપિતા ના સંસ્કાર કેવા હોય એ આપણે જાણી શકતા નથી. મેં એમને ખૂબ સમજાવ્યા પણ એ મારી કોઈ વાત સાંભળતા જ નથી. સગાં વહાલાં માં પણ લોકો પાછળથી વાતો કરતા હોય છે. "

" મારાથી આ બધું જોવાતું નથી. હું એમને સુખી જોવા માગું છું. તું અનિકેત સાથે લગ્ન કરીશ ? પૈસાની અમારે કોઈ તકલીફ નથી. અનિકેત ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે. એ તને પણ એટલો જ પ્રેમ કરશે. હા કદાચ તારે તારું અભિનય કાર્યક્ષેત્ર છોડી દેવું પડે."

" પ્રિયંકા મારું કોઈ જ દબાણ નથી. લગ્નનો નિર્ણય તારો પોતાનો જ હોવો જોઈએ. તું ના પાડીશ તો પણ મને ખોટું નહીં લાગે. પણ તારા સિવાય હું બીજા કોઈનો વિચાર કરી શકું એમ જ નથી "

સંધ્યાબેનની આંખોમાં વેદના હતી અને એ ખૂબ જ આશા થી મારી પાસે આવ્યા હતા. મારી પણ લગ્નની ઉંમર થઈ ગઈ હતી અને મારા જેવા હજુ સુધી કોઈ આવ્યું નહોતું અને તમારા સસરા ના ઉપકાર નું ઋણ ચૂકવવાનો આ શ્રેષ્ઠ મોકો હતો. મેં તરત હા પાડી દીધી.

" પણ તમે કહો છો કે અનિકેત બીજા લગ્ન માટે તૈયાર જ નથી તો મારી સાથે કઈ રીતે તૈયાર થશે ? "

" પ્રિયંકા મેં ઘણું બધું વિચારી લીધું છે. તું જો હા પાડે તો કઈ રીતે આગળ વધવું એનું પણ હોમવર્ક હું કરીને આવી છું"

" હું તને અનિકેતનો વોટ્સએપ નંબર આપી દઉં છું. અને તારે ધીમે ધીમે એમને તારી તરફ ખેંચવાના છે. તું ટીવી અભિનેત્રી છે અને અભિનય તારા લોહીમાં છે. કેવી રીતે આગળ વધવું એ મારે તને સમજાવવાની જરૂર નથી. હું એટલું જ ઇચ્છું છું કે એક દિવસ તમે બંને ભેગા થાવ અને અનિકેત તારી પાછળ પાગલ બને "

" વડોદરા થી દુર માઉન્ટ આબુ આપણને બંનેને ભેગા કરવાનો પ્લાન પણ તેમનો જ હતો. જયપુરમાં કોઈ જ શૂટિંગ નહોતું. હું સીધી મુંબઈથી જ આવેલી. મને એમણે કહેલું કે તમે લોકો માઉન્ટ આબુમાં બે દિવસ રોકાજો. "

" ઈશ્વરની કૃપાથી આપણી પ્રથમ મુલાકાતમાં જ મને પ્રેગનેન્સી આવી ગઈ. હું ખુશ હતી કારણકે સંધ્યાબેન ની ઈચ્છા પૂરી થઈ હતી. અને એ સમાચાર સૌથી પહેલા મેં સંધ્યાબેનને જ કહ્યા અને પછી તમને મેસેજ કર્યો. સંધ્યાબેન પણ ખુબ ખુશ હતા. એ ફોન ઉપર લગભગ રડી પડેલા કે તમે પહેલીવાર એક બાળકના પિતા બનવાના હતા."

" અને એમણે એ જ દિવસે રાત્રે ફરી વાર તમને બીજી વાર ના લગ્નની વાત કરી. તમે નિખિલ નામના મિત્રની સ્ટોરી બનાવીને એમને કહી ત્યારે પણ બધું જાણતા હોવા છતાં એ તમારી વાત થી મનમાં મલકાતાં હતાં"

" અનિકેત કેટલા જન્મના પુણ્ય હોય ત્યારે આવી પત્ની મળે !! તમારી ખુશીમાં જ એમણે પોતાની ખુશી શોધી છે. મૂક બલિદાન છે એમનું. !! કોઈપણ પત્ની આટલી હદ સુધી ના જઈ શકે અનિકેત !! "

પ્રિયંકાની વાત સાંભળી મારી બંને આંખોમાંથી આંસુ ની ધારા વહી રહી હતી. પ્રિયંકા ની વાત માં મારે ગુસ્સો કરવા જેવું કંઈ હતું જ નહીં. બંને એ પોતપોતાની રીતે મારા માટે બલિદાન આપ્યું હતું !

હું ઉભો થયો. બેડરૂમનો દરવાજો ખોલી નાખ્યો. સોફા ઉપર આડી પડેલી સંધ્યાને ઉભી કરી અને એને વળગી પડ્યો.

" સંધ્યા તારું સ્થાન આ સોફામાં નથી. હું તને સમજવામાં ઘણો કાચો પડ્યો. આપણા બેડરૂમમાં બેડ ઘણો વિશાળ છે અને ત્રણ જણને સમાવવા માટે એમાં પૂરતી જગ્યા છે. મારા માટે જેવી પ્રિયંકા એવી જ તું !! આજથી આપણે ત્રણે એક સાથે જ જિંદગીને માણીશું "

" ના અનિકેત... હું તો દસ વર્ષથી તમારી સાથે જ છું .... પ્રિયંકા નવી નવી પરણીને આવી છે. એને એની પ્રાઈવસી મળવી જ જોઈએ. દરેક સ્ત્રીના પોતાના ઓરતા હોય છે !! હું મર્યાદામાં માનું છું અને સોફામાં જ ઠીક છું. હવે પ્રિયંકાને તમારી વધારે જરૂર છે અનિકેત. એને સંભાળી લો. ગુડ નાઈટ"

અને મેં આ દેવી જેવી પત્નીને મનોમન વંદન કરી મારી મોબાઈલ કન્યાને માણવા માટે બેડરૂમ નો દરવાજો બંધ કર્યો !!!

અશ્વિન રાવલ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED