એ એવી જ છે Bansi Modha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ એવી જ છે

એ એવી જ છે..
એ એવી જ છે.. એને સ્વીકારી શકો તો જ તેના ખોળામાં માથું મૂકીને સુજો… એને સ્વીકારી શકો તો જ તેના હાથે તમારા કાંડા પર રાખડી કે ફ્રેન્ડશીપ બેલ્ટ બંધાવજો.. એને સમજી શકવાના હોવ તો જ માંડવા માં પગ મુકજો..નહીં તો પોખાઈને પણ પાછાં વળી જજો.. એ ઈશ્વરની એવી કૃતિ છે જેનું સર્જન ઈશ્વરે માત્ર ચાહવા માટે જ કર્યું છે..
સ્ત્રી વિના ઘરની કલ્પના કરો તો એ સ્મશાન જ છે. સ્ત્રી મહાન નથી પણ આવશ્યક ચોકકસ છે.. સ્ત્રી એકલપંડે બધે લડી લેશે.. પણ એક પુરૂષ ને માટે એ અઘરું થઈ જશે… વિશ્વાસ ના આવે તો માત્ર રસોઈ નો અખતરો કરી જોવો.. ના પુરૂષો ને રસોઈ નથી આવડતી એમ નહિ પણ 365 દિવસ 2 ટાઈમ વ્યવસ્થિત રસોઈ કરવી અને પછી પણ સ્વાદ વિશે કોમેન્ટ સાંભળવી એ સ્ત્રી નું જ કામ..
સ્ત્રી વિષે લખવું એ અલગ બાબત ને સ્ત્રી ને શબ્દો વડે સાક્ષાત્ કરવી એ અલગ બાબત... સ્ત્રી વિશે લખવું એટલે શું? મહાન થઈ ગયેલા પાત્રો એટલે જ સ્ત્રી? મહાન સ્ત્રી, વિશિષ્ઠ સ્ત્રી એટલે માત્ર રાણી લક્ષ્મીબાઇ કે વિક્ટોરીયા નહીં.. અહલ્યા બાઈ કે મધર ટેરેસા જ નહીં પણ આપણાં ઘરમાં આપણી વચ્ચે રોજ હરતી ફરતી દરેક સ્ત્રી એટલે મહાન સ્ત્રી.. એ સ્ત્રી જે તમારા મકાન ને ઘર બનાવે છે. પણ ઘર ની બહાર તેના નામનું પાટીયું ના લટકતું હોય તો અને વધારે ફરક પડતો નથી...
સ્ત્રી કે જેના માટે દરેક હોળી ને દિવાળી સરખી હોય છે.. સમય બદલે છે સ્ત્રી ની પરિસ્થિતી નથી બદલતી.

સ્ત્રીઓ માટે ખાલી પોશાક, રહેણી કરણી ની રીત જ બદલે છે.. જમાનો અને દ્રષ્ટી નહિં... ઘર ના બધા સભ્યની ઈચ્છા ઓને પાલવ માં બાંધીને ફરતી સ્ત્રીએ એ ઈચ્છાઓને માત્ર જીન્સ ના ખીચ્ચા માં ટ્રાન્સફર કરી છે... ચૂલો કાચ ના ગેસ ફેરવાઇ ગયો છે પણ આંખોની બળતરાં એ જ છે. કપડા મશીન માં ધોવાઈ છે અને દોરી માં સુકાતા કપડા સ્ટેન્ડ માં સૂકાઈ રહ્યાં છે એટલું જ બાકી વરસાદ વખતે કપડાં ભીંજાઇ જશે એની ચિંતા એ દોડતી સ્ત્રી નું સ્વરૂપ વર્ષોથી એકસમાન જ રહ્યુ છે.... રોટલા હોય કે પીત્ઝા.. તમારી જીભ નો સ્વાદ બદલે પણ એ બંને ને બનાવવામાં લાગતી મહેનત માં ફરક નથી.. ડૉક્ટર હોય કે વકિલ સ્ત્રીનુ મા તરીકેનું સ્ટેટસ ક્યારેય બદલ્યું નથી..
સ્ત્રી તરીકે સીતા કે દ્રૌપદી ના કે આધુનિક સ્ત્રી ના કર્મ અલગ હોય શકે .. તેના જ્ન્મ સમય ના યુગ અલગ હોય શકે પણ પીડા દરેક સ્ત્રી ની સમાન જ હતી ને રહેશે.. સ્ત્રી માટે જમાનો કયારેય બદલાતો નથી.. રાવણ અને દુઃશાસન ની સંખ્યા વધતી રહે છે બસ. .. પણ સ્ત્રી હજુ ત્યા જ છે.. "રામાયણ માટે સીતા જવાબદાર અને મહાભારત માટે દ્રૌપદી .." એવાં ભયંકર પૂર્વગ્રહથી પીડાતાં મનુષ્યો હજુ સ્ત્રી ની છેડતી માટે તેના કપડાં ને જ જવાબદાર માને છે.. સ્ત્રી વિશે ઘણી પ્રચલિત માન્યતાઓ હજુ ત્યાં જ ગૂંચળું વળી ને પડી છે..
સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન..
સ્ત્રી નો જીવ ટુંકો..
સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાની એ.. સ્ત્રી ના પેટ માં વાત ન ટકે..
મજા આવે ને સ્ત્રી વિશે આવી one liner short and sweet વાતો કરવાની.. !
પણ થોડું જ વિચારીએ ત્યાં આ બધી જ અફવાઓ ના ચિંથરા ઊડી જાય એવુ બને..
સ્ત્રી ની છેડતી માટે જો તેના કપડા જવાબદાર હોય તો માતા સીતા અને દ્રૌપદી નો વિચાર કરવો..
સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન નથી પણ એક frusted થયેલી સ્ત્રી બીજાં કોઈને કશું નથી કહી શકતી એટલે એ બીજુ સ્ત્રી પાત્ર શોધે છે પોતાના ગુસ્સા ને ટ્રાન્સફર કરવા.. પણ અંતે તો એક સ્ત્રી જ સ્ત્રી ને સમજતી હોય છે…
અને સ્ત્રી ના ટૂંકા જીવ માટે બોલીએ ત્યારે પિતાનું ભર્યું ભર્યું ઘર એક મિનિટ માં છોડી દેતી સ્ત્રી નો ચહેરો તમારી સામે નથી આવતો? સ્ત્રીનો મુળ સ્વભાવ છે.. છોડી દેવું..પણ આમ છતાં સ્ત્રી નો જીવ હમેશાં ટૂકો હોય એવું જ માનવામાં આવે... રોજ પચ્ચીસ વાનગીઓ આરોગીને ઓડકાર ખાવાની પણ ત્રેવડ ન હોય અને ડાઈનીંગ ટેબલ અને તેની ખુરશી વચ્ચે જેનું પેટ સલવાઈ જતું હોય એવાં એક મહાકાય ને મેં એક વખત એવું બોલતાં સાંભળ્યા હતા.... "આનો જીવ બોવ ટૂંકો.. એક ચમચી એક રૂમાલ ખોવાઇ તો પણ જીવ બાળે...! બહાર નીકળ માણસો એ હોસ્પિટલ સ્કુલ ને મંદીર બંધાવવામા આખી જીંદગી ની મૂડી વાપરી નાખી એના નામની તકતીઓ લટકે છે... ને તારો જીવ....!"
એ સ્ત્રી શું બોલે...! ના કદાચ એ કમાતી હોય તો પણ શું બોલે... એને હક કેટલો છે? હ્રદય ઊપર હાથ રાખીને કહેજો પુરુષો કમાતા હોય તે ઘરે આવીને એમ કહે કે મેં આજે 20000 આપણાં ગામના ગરીબ વિદ્યાર્થી માટે આપ્યાં.. જ્ઞાતિ ના મેગેઝિન માં પણ આવતા મહિને આવશે... તો ઘરમાં એ દાનવીર કર્ણના કિસ્સા તમારા છેલ્લા શ્વાસ સુધી સાંભળવાના અને સ્ત્રીને ચોકીદાર ના દિકરા માટે પેન્સિલ નું એક બોક્સ આપવું હશે તો છુપાઈને આપવું પડશે... તમે કયાંય સ્ત્રીઓના નામની તકતીઓ જોઈ છે? કારણકે દાન આપવાનો એને અધિકાર કેટલો છે? એક તુટી ગયેલી રકાબી કે 12 સરખી ચમચીના સેટમાંથી એક ખોવાઈ ગયેલી ચમચી માટે જીવ બાળતી સ્ત્રી ની તમે મજાક કરી હશે પણ કયારેય એ વિચાર્યું કે લાખોની મિલ્કત એ એના ભાઈ માટે ખુશીથી છોડીને જયારે સાસરે જવાં નીકળી ત્યારે એને પાછળ વળીને પણ ન હતું જોયું... એ સ્ત્રી શા માટે એક પડી ગયેલી ચીપટી લેવા ચાર માળના પગથિયાં ઊતરીને નીચે જતી હશે...! તમે કેટલાયે એવાં કિસ્સા સાંભળ્યા હશે જયાં સગા ભાઈઓએ.. પિતા પુત્ર એ મિલ્કત માટે એકબીજાના જીવ લઈ લીધાં હશે પણ કયારેય છાપામાં એવાં કિસ્સા કેમ નહીં આવતાં હોય કે એક સ્ત્રી એ આખી જીંદગી ની કમાણી એક દિકરાને ઘર બનાવવાં માટે આપી દીધી અને એ જ ઘરમાં પોતાની દિકરીને બોલાવવા પણ મંજુરી લેવી પડે! આવા કિસ્સાઓ રોજ બને છે.. અને એને પ્રસિદ્ધ કરવાનો સ્ત્રીઓ ને કોઈ શોખ નથી.. તમે કયાંય પણ મોટા દાન ની તકતી જુઓ ને એમાં પુરુષોના જ નામ હશે! સ્ત્રીઓના ભાગ્યે જ! તમે આ બધું જુઓ ત્યારે વિચાર આવે કે સ્ત્રીઓ કેમ દાન નહીં આપતી હોય...!જયારે વિચાર આવે ત્યારે સ્ત્રી ને પુછજો કે તને મન નથી થતું દાન આપવાનું.. તારો જીવ કયારેય પુરુષો જેવો મોટો નહીં થાય? એકવાર જવાબ ન મળે તો બે વાર પુછજો... અને જો એ એમ કહે કે "આ મકાન મારા નામનું છે ચાલો આજે જ કોઈ ટ્રસ્ટ ના નામે કરી દઈએ.. અથવા તમે આ મકાન મારા નામનું કરી દો હું બીજી જ ક્ષણે તેનાં પર સહી કરી દઊં કે આ મકાન ગરિબ બાળકોને ભણવા માટે છે મારા પર એનો કોઈ અધિકાર નથી.."
અને પછી અરીસામાં તમારું મોઢું જોવું.. શું ગમશે કોઈ સ્ત્રી દાન કરશે તો! અરે કોઈ સ્ત્રી પુછ્યા વિના એક કેરીનું બોકસ કામવાળી ને આપી શકે તો પણ બસ છે...! પછી ભલે ને એ કમાતી હોય! એનો જીવ કેટલો અને કેવો ચાલે છે એ માટે એ ચિપટી લેવા નીચે જાય કે 12 રકાબી માંથી એક રકાબી તૂટી જાય ત્યારે જ એનું મોઢું ના જુઓ… એ સમયે તો સ્ત્રી એટલા માટે જીવ બાળે છે કારણકે એ રકાબી નો પૂર્ણ સેટ ખંડીત થયો… એની એકસમાન ચીપટી માંથી એક રંગ ની ચીપટી ઓછી થઈ… સ્ત્રી ને બઘું પુર્ણ ગમે. એમાંથી ઓછુ થાય કશુંક ખંડિત થાય એનું એને દુઃખ હોય બસ! બાકી આખો સેટ કોઈને આપવાનું કહો તો એ જરા પણ ખચકાટ વીના આપી દેશે.. બાકી ખંડિત થયેલી મૂર્તિ પણ એ દરિયામાં પધરાવી દેશે.. એના જીવ વિશે ક્યારેય ઘસાતું બોલો ત્યારે એ બસ સામું જોશે તમારી.. એને યાદ આવશે એનું ભર્યુ ભર્યું ઘર.. જેને પૂર્ણ સ્વરુપ માં જ એ મુકીને આવી છે અહી તમારા માટે…
સાચું કહું તો સ્ત્રી ને ફરજ આપી પણ અધિકારો નથી મળતા.. તમે કહેશો આજની સ્ત્રી ને કેટલી બધી છુટ છે.. એની મરજી થી ભણે છે..મરજી થી લગ્ન કરે છે.. નોકરી કરે છે.. મન પડે ત્યારે ખરીદી કરે છે.. ઈચ્છા પડે ત્યારે પિયર જાય છે.. મોંઘા ફૉન વાપરે છે .. કલા ના ક્ષેત્રમાં આગળ વધવાની એને છુટ છે.. આનાથી વિશેષ શું જોઈએ? આનાથી વિશેષ હોય પણ શું?
આનાથી વિશેષ હોય સ્ત્રી ની સ્વતંત્રતા.. ! આંખો પહોળી થઈ ગઈ? હા આ બધી એને મળેલી છુટ છે. સ્વતંત્રતા નહિં! સ્વતંત્રતા એટલે ભણ્યા પછી તમે ક્યારેય એના ભણતર નું વળતર ના માંગો એ.. "નોકરી નથી કરવી તો આટલું ભણી શું કામ?" "ગમે તેટલું ભણી હોય.. અમારે નોકરી નથી કરાવવી" આ બંને વાક્યો એની ભણવાની આઝાદી નું ખૂન છે..
"તે પસંદગીથી લગ્ન કર્યા હતા હવે ભોગવ" આવું કહેવું દિકરી ની ભૂલ ને ગુન્હો ગણવાનું પાપ છે.. જે ભૂલ તમારી પસંદગી માં પણ થઈ શકી હોત.. એનો મોંઘોદાટ મોબાઈલ પર તેલ ના ડાઘ પડે ત્યારે એમ કહેવું કે વાપરતા જ નથી આવડતો એ એની આઝાદી નો અવરોધ છે..
મમ્મી બીમાર હોય ત્યારે છોકરી પિયર જાય એ એને આપેલી છુટ છે.. પણ સાસુ બીમાર હોય ને મમ્મી પણ બીમાર હોય ત્યારે એમ કહેવું કે તું ત્યાં નું સંભાળ હું અહી જોઈ લઈશ.. એ સ્વતંત્રતા છે.. નાક નું ટેરવું ચડી જાય એ નાં ચાલે..
આ બધી બાબત મા તો સ્ત્રી પહેલાં વધુ સ્વતંત્ર હતી એમ થાય છે..
લક્ષ્મણ એ લક્ષ્મણ રેખા ખેચી ત્યારે કોઈ બહાર થી અંદર ના આવી શકે એ જ નિશ્ચિત હતું સીતા બહાર ના જઈ શકે એવી કોઈ રેખા ના હતી.. કારણકે સિતામા ની રક્ષા કરવી એ લક્ષ્મણ ની ફરજ હતી પરંતુ સીતા ની સ્વતંત્રતા પર તેનો અધિકાર ના હતો.. રામ એ વનવાસ સ્વીકાર્યો એ તેની વચનબદ્ધતા હતી પણ સીતા એ તેના ભેગા જવું કે અયોધ્યા માં રહેવું એ નિર્ણય લેવાની સ્વતંત્રતા હતી.. ટુકમાં સ્ત્રી પર અત્યાચાર થાય કે દુઃખ આપવામાં આવે ત્યારે સ્ત્રી સહન કરી જાય છે પણ બઘું સહન કર્યા પછી નિર્ણય લેવાની સ્વતંત્રતા પર તેનો અધિકાર હોવો જ જોઈએ..
સ્ત્રી ને આવી સ્વતંત્ર જોઇ શકો.. સ્વિકારી શકો તો જ એને અપનાવજો.. એને ગમે ત્યારે ગમે તેવા શબ્દો બોલી નાખો એ તેને જરા પણ નથી ગમતું.. એ તમારા શબ્દોને સહન કરે છે સ્વીકારાતી નથી.. ક્યારેય ડર થી ક્યારેક મર્યાદા થી.. જેમ એને અપમાનિત કરતાં જશો.. એની મજાક કરતાં જશો એમ એ સ્ત્રી નામનું ફુલ મૂર્જાતું જશે… એને પ્રેમ થી કોઈ વાત કહી તો જુઓ… એ સમર્પીત કરી દેશે… બાકી બીક માં એનાથી બ્રેક નહિ લિવર જ લાગશે.. એ એક્સેલટેર પર પગ મુકીને ગાડી ઠોકી દે ત્યારે એના સામું જોજો.. ગાડી ના નુકશાન સામે નહિ ..… કારણકે તમે ક્યારેક પડી ભાંગી ને આવતા હસો ત્યારે એ ગાડી સામું નહિ જોવે.. એ તમારી પીડા સાવ મટી જાય ત્યા સુધી તમારી સેવામાં હશે.. ગાડી નું શું થયું એ ક્યારેય પુછશે પણ નહિ.. કારણકે એ ગાડી એ તમને નુકશાન કર્યુ હતું..
જ્યારે દાળ શાક ના સ્વાદ માં ક્યારેક ફેરફાર થાય ત્યારે તેની પર તૂટી ના પડાય.. કારણકે જ્યારે એ બીમાર પડશે ત્યારે તમે એને બ્રેડ ના ડૂચા ખવડાવવા સિવાય કે સ્વિગી zomato ને ફોન કરવા સિવાય કંઈ કરી શકવાના નથી… આપણે જ્યારે નોકરી થી અને જવાબદારી થી કંટાળી દિવ ની વાટ પકડતા હોય તો એ ફ્રેશ થવા પિયર જાય ત્યારે ઘર માથે નાં લેવાનું હોય…
એના મેદસ્વી પણા ની નોંધ લઇએ છીયે.. જોકસ બનાવીએ છીએ ત્યારે વિચારવું કે એ કયારેય તમારાં ખરતા વાળ વિશે બોલતી નથી માત્ર ચિંતા કરે છે.. તમારા કુટુંબ ના પ્રસંગો માં તમે જ્યારે સગાં સંબંધીઓ સાથે નિશ્ચિંત થઈ ને તમારા બાળપણ ના કિસ્સા ઓ યાદ કરતાં હોવ છો ત્યારે એ તમારાં બાળકોને સાચવતી સાચવતી પ્રસંગ ની શોભા વધારતી હોય છે.. તમે ઘણા સમય પછી મિત્રવર્તુળ ને મળો ને એમ કહો કે લગ્ન પછી બધું ખતમ થઈ ગયું ત્યારે રસોડામાં તમારા માટે પકવાન બનાવતી એ સ્ત્રી નો વિચાર કરજો જે લગ્ન પછી બધું ખતમ થઈ ગયું તેવો નેગેટિવ વિચાર કરવાને બદલે એક નવી શરુઆત કરે છે… ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે એક પુરુષ ને લગ્ન પછી કેટલો ત્યાગ કરવો પડે છે મા અને પત્ની વચ્ચે પીસાઈ છે.. મિત્રો નો સાથ છૂટી જાય છે.. અરે આવું વિચારો છો તો એ તો વિચારો કે મા સાથે રહી તો શકો છો.. મા માટે પત્ની ને છોડી દેશો તો પણ મહાન જ ગણાશો જ્યારે સ્ત્રી તો પિયર અને સાસરી વચ્ચે આખી જિંદગી પીસાઈ છે.. પોતાના પિતા માટે પતિ ને છોડે તો પણ બુદ્ધિ વિહીન ગણવામાં આવશે.. અને મિત્રો સાથે વિતાવેલો સમય તમને હજી પણ એવો સમય ફરી જીવવા માટે બોલાવતો હોય તો સ્ત્રી ને પણ બહેનપણીઓ હતી…ઘણા સ્થળ પર એની પણ યાદો જોડાયેલી હશે.. પણ તમારી જોડે ફરતી હોય ત્યારે એ બઘું ભૂલીને બસ નવી યાદો બનાવતી હોય છે.. તમારા મિત્રો ના લગ્ન માં કરેલા નાગિન ડાંસ નાં વિડિયો જોઈને જે સ્ત્રી તમારી સાથે ખડખડાટ હસતી હશે એની પોતાની અનેક બહેનપણી ના લગ્ન ની કંકોત્રી સુપડી માં ફેરવાઇ ગઈ હશે અને એ હજુ તેને અભિનંદન પાઠવવા પણ નહિ જઈ શકી હોય… તમે જો મમ્મી ના લાડકા હતા તો એ પણ પપ્પા ની પરી જ હતી.. તમને જો મમ્મી ના હાથની ભાખરી જ ભાવતી હોય તો એને પણ પપ્પા ની સાથે જ ખરીદી કરવી ગમતી હોય કદાચ.. બંને ઓફિસ થી આવોને પત્ની સીધી રસોડામાં જાય અને તમે પંખા નીચે છાપું વાંચવા બેસી ત્યારે એને એનું પિયર યાદ આવે જ જ્યાં એ પણ કામ કરીને આવતી તો આમ જ ખુરશી પર બેસી જતી.. એની દુખતી કમર ને અવગણી ને પણ જ્યારે એ તમારી સાથે ટટ્ટાર ઉભી રહે છે ત્યારે એની આંખોના ખૂણા માં એ આશા હોય છે કે ક્યાંક થી એ કરોડરજ્જુ ને ટેકો મળશે..પણ તમે જમીને જ્યારે તમારી ડીશ પણ જાતે નથી ઉપડતા ત્યારે એ જ આંખો નાં ખૂણા માં પાણી આવી જાય છે..
જો પુરૂષો જાત ને થોડી બદલે તો એમાં કંઈ વાંધો નહિ.. એને બદલેલો જોઈને ઘર ના બધા ને એની દયા આવે તો સામે સ્ત્રી એ કરેલા compromise નું લીસ્ટ ચેક કરી લેવું… સાસરા માં પ્રથમ દિવસે સવાર ના ચા ખાંડ ના ડબલા ની ચમચી ના આકાર થી જ બિચારી મુંજાઈ છે કે કેટલી નાખું? ઘરે કાશ્મીરી મરચું ખાતી છોકરી ચુપચાપ તમારા ઘોલર મરચા ના સ્વાદ ને અપનાવી લે છે.. ને એક જ મહિના પછી પિયર આવે તો એને ત્યાં નું જમવાનું ફિક્કું લાગે ને એ શાકમાં ઉપર થી મરચું નાખે એટલે મા સમજી જાય કે દીકરી સેટ થઈ ગઈ,. આવી તો અગણિત વાતો માં એ વિરોધ કરતી જ નથી બસ અપનાવી લે છે… પણ જ્યારે તમે તેને ના અપનાવી શકો ત્યારે એ રણચંડી ના બને તો શું કરે?
સ્ત્રીઓ માટે લીધેલું આ કોઈ ઉપરાણું નથી પણ આજકાલ સ્ત્રી નું જે ચિત્ર ઉભું થયું છે તે એટલું પણ વાસ્તવિક નથી કે સ્ત્રી સ્વતંત્ર બની ગઈ છે… સ્વછંદી બની ગઈ છે… હા એ બદલાઈ ચોકકસ છે… કારણ માં પણ ઊંડા જશો તો અન્યાય માંથી જ ઉઠેલી આગ છે આ…. હકીકતમાં એ સમજી ગઈ છે કે આખી જીંદગી સહન કરી ને કયું પારિતોષિક મેળવવું છે? એના કરતાં મરજી થી ના જીવું? રોજ રોજ ગેસ ની આસપાસ દિવસ પસાર કરું એના કરતાં રવિવારે તો બહાર જ જમવાનું એવો ચીલો જ ન પાડી દઉં? કમાઈને બધું બીજા માટે જ વાપરવું છે આખી જિંદગી લોન જ ભરવાની છે તો મારા માટે ખુલીને ખરીદી ના કરું? પૂછીશ તો ના પાડશે એના કરતાં જણાવી જ ન દઉં કે આજે પિયર જઈશ.. આંગળી દઈશ તો હાથ માગશે એવા ડર થી એ હવે લાંબા નખ થી જ કામ ચલાવતી થઈ ગઈ છે.. જો ઘર નું કામ માથે લઈને ફરીશ તો એક દિવસ મુવી જોવા જતા પહેલાં પણ થાકીને લોથપોથ થઈ જવાઈ એટલું કામ કરીને જવું પડશે એના કરતા પહેલે થી જ કામવાળી ની ડિમાન્ડ ના કરી દઉં? પહેલે થી જ કઠોર ના બનું કે મનઘડંત વાતો બધાં થોપી ના બેસાડે મારા પર…!!
બાકી “ચુલા ના રોટલા બોવ મીઠા લાગે” એવું બોલતાં પુરૂષો ને ચૂલાની બળતરાં અનુભવી નથી.. “આજ ની બૈરા ઓ ને રસોઈ ની આળસ બોવ.. બહાર જમવું બોવ ગમે” એવું સ્ટેટમેન્ટ આપતા બુદ્ધિજીવી એ સ્વાસ્થ્ય નાં ઠેકેદાર બનીને બીજા જ દિવસે રસોઈનું કામકાજ પોતાના શિરે લઈ લેવું જોઈએ… પત્ની આવ્યા પછી જ જો મા બાપ ને વૃદ્ધાશ્રમ માં જવું પડતું હોય તો એવા કર્મનિષ્ઠ વિચારસરણી વાળા પુરૂષો એ મા બાપ ની સેવા કરવા આજીવન લગ્ન નો વિચાર માંડી જ વાળવો જોઈએ..
એ એવી જ છે.. થોડો પ્રેમ આપશો તો સમર્પિત થઈ જશે… પણ છંછેડો નહીં… ને સાચવી ના શકો તો દૂર જ રહો… ઢોલ વગાડી વગાડીને લાવ્યા છો.. હવે એની જોડે ફાવે નહિ તો ચુપચાપ મૂકી આવો એ ના ચાલે… ઢોલ તો વાગશે જ… એ સાંભળી શકો તો જ સ્વીકારજો… બાકી પોંખાઈ ને પણ પાછાં વળી જજો 🙏🙏🙏🙏

બંસી મોઢા