મા દીકરી... એક પૂર્ણ છતાં અધુરો સંબંધ Bansi Modha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મા દીકરી... એક પૂર્ણ છતાં અધુરો સંબંધ

લેખ: બંસી મોઢા
To all lovely mother..
આમ તો સ્ત્રી શબ્દ સાંભળીયે એટલે દરેક સ્ત્રી નો વિચાર આવે પણ આપણા જીવન માં સૌ પ્રથમ આવેલી સ્ત્રી એટલે આપણી મા. દુનિયા કરતાં 9 મહિના એની સાથે સંતાન નો સંબંધ વધું હોય છે.. એમાંય મા જ્યારે દીકરી ની હોય ત્યારે!!
એવું કહેવાય કે એક બાપ જે પત્થર જેવો હોય તો પણ દીકરીની વિદાય વખતે સૈાથી વધુ એ રડે છે. પણ મા ની શુ વાત કરવી! એને તો દીકરી ના જન્મ પછી દીકરી ની નાળ કપાય ને નર્સ જ્યારે માતાથી દિકરીને દૂર લઈ જાય ત્યારથી જ મા ના જીવન માં તો એની વિદાય નો દિવસ વસી જાય. કારણ એના જીવનમાં એ વસમો દિવસ એક વાર આવી ગયો હોય છે.
મા દીકરી ને વધુ ટોકે છે એનું કારણ પણ એ જ કે તેને બીજાનાં ઘરે જવાનું છે જ્યાં એની મા જેવા લાડ કોઈ નહિ કરે એટલે એ મધમીઠા લાડ ની વચ્ચે કડવી ટકોર કરતી રહે છે. જ્યારે એક દીકરી ફરિયાદ કરે ને કે મા તુ ભાઈ ને કઈ નથી કહેતી મને જ ટોક ટોક કર્યા કરે છે ત્યારે મા કશું બોલતી નથી પણ એનો હૃદય એક ધબકારો ચૂકી જાય છે. એ ઘણું કહેવા માગે છે પણ કહી નથી શકતી. પણ દીકરી આ બઘું સમજી જાય છે જ્યારે બસ શણગારેલી ગાડીમાં બેસીને એ બીજા ઘરે જાય છે.
વિદાય થી સ્વાગત સુધીના આ અમુક કલાકોમાં દીકરીનું આખું જીવન બદલાય જાય છે. એને સમજાઈ છે કે જે ઘરે થી વિદાય થઈ એ મા ના દિલમાંથી દીકરી ક્યારેય વિદાય નથી થતી અને જે ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં મા ને બહાર મુકીને પ્રવેશવાનું છે.
એક બાપ વિદાય નાં એક જ દિવસ રડે છે,પછી ધીમે ધીમે એ દિકરી વિનાના ઘર સાથે જીવતા શીખી લે છે. પણ એક મા જ્યારે જ્યારે કોઈ દીકરી ની વિદાય જૂએ છે, જ્યારે પણ દીકરીના લગ્ન ના ફોટા જુએ છે, ત્યારે ત્યારે આંખો ભીની કરે છે. દીકરીના લગ્નનો પૂરો વિડિયો જોયા પછી વિદાય વખતનો વિડિયો આવશે એટલે એ આઘી પાછી થઈ જશે. ને બીજા કોઈક રૂમમાં જઈને રડી લેશે. દીકરી નાં કપડા જ્યાં મુકાતા એ કબાટ ને ખોલતા ખોલતા પણ રડશે અને પછી એના જે જૂના કપડા દઈ દેવા માટે કાઢ્યા હશે એ ફરી મૂકી દેશે યાદગીરી રૂપે. દીકરીની દરેક વસ્તુ એને સતત એ વાત નો અહેસાસ કરાવતી રહે છે કે ઘર માં કશુંક ખૂટે છે. જે ખોટ ફરી કયારેય પુરાવાની નથી એવી ખોટ.
એક મા એની દીકરીના ગયા પછી પહેલાં જેવી ક્યારેય નથી થઈ શકતી.. જ્યારે પણ ફૉન કરે ત્યારે પૂછે કે ક્યારે આવીશ? અને પિયર એ આવેલી દિકરી જતી હોય ત્યારે ફરી પૂછે કે પાછી ક્યારે આવીશ?
મા અને દીકરી એટલે બંને બાજુ પ્રેમ ની અવિરત લાગણી ને નસીબ માં તો પણ વિરહ. દીકરીને પારણાં માં ઝુલાવતી હોય ત્યારથી એને એ પીડા હોય કે આ દોરી કોઈ બીજાના હાથમાં આપવી પાડશે.
તો સામે દીકરી પણ મા માટે એટલી જ જુરે છે. નાની હોય ત્યારે મમ્મી “બાબુલ કી દુઆ એ લેતી જા… “ ગીત પર આંખો ભીની કરતી હોય ત્યારે એમ થાય કે એને પોતાનું પિયર યાદ આવ્યું હશે.. પણ મોટી થતી જાય એમ સમજાય કે એને પિયર તો યાદ આવ્યું હશે સાથે પોતાની વિદાય ની કલ્પના પણ એમાં ભળેલી હતી. દીકરી નાની હોય ત્યારે પપ્પા ની લાડકી હોય.. પપ્પા માટે એ મા સાથે પણ લડી લે,વિદાય વખતે પણ પપ્પા થી જુદા પડતી વખતે જ એ સૌથી વધુ રડે પણ સાસરે ગયા પાછી જો એને સૈાથી વધુ કોઈ યાદ આવે તો એ મા છે. પોતાના સાસરિયાં ની અમુક ન ગમતી વાતો વખતે એને અહેસાસ થાય કે પોતાના પપ્પા નું ઘર એ મમ્મી નું તો સાસરું જ હતું.. ક્યારેક અચાનક ઉદાસ થઈ જતી મમ્મની પીડા હવે વધુ સારી રીતે સમજી શકાય છે. જેમ જેમ બંને ની ઉંમર વધતી જાય તેમ મા દિકરી વધુ ને વધું નજીક આવતી જાય. સાસરે થી પિયર આવેલી દીકરી હવે પપ્પા ને ટોકવા લાગે “ પાપા મમ્મીને કઈ કહેતા નહી હો!” એ વાક્યમાં રહેલી પીડા મમ્મી પારખી જાય ને દીકરી વધુ બે દિવસ રોકાઈ જાય એવી માં ને ઈચ્છા થઈ જાય.
દીકરી ને વ્યવહાર સાચવતા સાચવતા અનેક પ્રસંગે મા ની જરૂર પડે પણ મા પાસે ન હોય. સાડીની પાટલી સરખી ન વળે કે ચા માં બઘું નાખ્યા પછી પણ ટેસ્ટ ન આવે.. દાળ ભાત માં પાણી ઓછું પડે કે ઈડલી માં આથો બરાબર ન આવે, સમયસર ટિફિન તૈયાર ન થાય કે કપડામાં કલર બેસી જાય, કબાટ સરખો ન ગોઠવી શકાય કે બહારગામ જતી વખતે પેકિંગ બરાબર ન થાય આ બધી ઘટનામાં સાસરામાં કોઈ મહેણું મારે કે પ્રેમ થી સમજાવે પણ દીકરીને એની મા જ યાદ આવે. આ બધી ઘટના વખતે મા પાસે હોય તો સારું લાગે.. ભલે ને એ ખીજાય તો પણ.
સામે પક્ષે મા ને પણ દરેક ઘટના માં દીકરી ની ખોટ વર્તાય. સાડી માં પિન ભરાવતી વખતે કે મેચિંગ કરતી વખતે.અરીસામાં પાછળ દીકરી દેખાતી એ ન દેખાય એટલે મા વ્યાકુળ થઈ જાય. દાળ અને શાક નાં ટેસ્ટિંગ પછી દીકરીનું ઈશારા થી મસ્ત કહેવું મા કાયમી મિસ કરે. અરે દીકરી નાં ગયા પછી ઘરમાં અમુક વાનગી ક્યારેય બને જ નહિં.. એ વાનગી પિયર આવેલી દીકરી માટે રિઝર્વ હોય. t.v અને મોબાઈલ નું સેટિંગ વિખાય એટલે દીકરો પાસે હોય તો પણ મા પહેલા દીકરીને ફોન કરે.. દીકરી પ્રેમથી સમજાવશે એ મા ને ખબર હોય. દીકરી સાસરે જાય પછી મા બહાર જાય ત્યારે ફોટો પડાવતી વખતે મા ના ચહેરા પર કશુંક ખૂટે. સાંજે શું બનાવવું એ પ્રશ્નનો જવાબ હવે મા એ એકલી એ વિચારવો પડે.
મા અને દીકરીનો સંબંધ એવો છે કે એની વાતો ખૂટે જ નહિં… લખતાં લખતાં થાકી જવાય તો પણ આ સંબંધ વિશે પૂર્ણ ન લખી શકાય.
બસ દીકરીના ગયા પછી એના ચહેરા પર અચાનક કરચલીઓ પડતી જાય અને દીકરી આવે ત્યારે મા ને અચૂક કહે કે “તું ધ્યાન નથી રાખતી.. તું યોગ કર તું તારી મનપસંદ વસ્તુ કર. સારું સારું ખા” પણ મા માટે દીકરી થી મનપસંદ બીજુ કંઈ ન હોય. દીકરી નાં ગાય પછી મા માં દરરોજ કૈંક ખૂટતું જાય.. કૈંક ખૂટતું જાય. આ સંબંધ વિશે લખવામાં પણ કૈંક ખૂટતું રહે.અરે . મા ને ક્યારેક પૂર્ણ મળી પણ ક્યાં શકાય છે? ક્યારેક દીકરી દૂર હોય તો મા એને મળ્યા વિના ચાલી પણ નીકળે. કદાચ બીજી વિદાય એનાથી સહન ન થાય તો ક્યારેક દીકરી એ જ મા ની આંખો મિંચવી પડે.. બંને ઘટના દીકરી માટે અસહ્ય જ છે.
મા ના ગયા પછી દીકરી પિયરમાં ઓછી આવે છે. કશું માંગતી નથી.. બસ મમ્મીની જૂની સાડી ઓ લઈ જાય છે. અને પછી એના ગોદડા બનાવી એમાંથી હુંફ મેળવતી રહે છે. અને એ ગોદડામાં મોઢું છુપાવીને ક્યારેક ડુસકા ભરી લે છે. બાજુમાં સૂતેલી દીકરી પૂછે છે કે મા હવે તો ઠંડી ગઈ આ ગોદડું મૂકી દે ને! અને મા પોતાની દીકરી ને બથ ભરી લે છે.. અને ફરી એક યાત્રા શરૂ થાય છે. મા દીકરી ની… ફરી એક મા બે પીડા સાથે જીવવા લાગે છે.. એક મા ના ગયાની પીડા અને એક દીકરી જશે એની પીડા….
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏