એક ટુકડો Bansi Modha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ટુકડો

લેખન: બંસી મોઢા
પ્રકાર: પૌરાણિક કથાની આજના સંદર્ભમાં કલ્પના

શિર્ષક: એક ટુકડો....

“રાધે રાધે.. રાધે રાધે”
કુંતી પુત્ર એ અવાજની દિશામાં પગ માંડ્યા.
“માધવનો જ અવાજ છે…. પણ અવાજ માં કયાંય દુ:ખ નો ભાવ જણાતો નથી. શું રણછોડ યાદવાસ્થ્ળી થી પણ ભાગ્યા હશે? ભાગ્યા એ તો સમજાયું પણ અહીં આવીને શાંતિથી રાધે રાધે ની માળા જપી રહ્યાં છે? અહીં શ્વાસ માં શ્વાસ નથી રહ્યો ને આ કેશવ!”
ધનંજય અવાજની દિશામાં આગળ વધ્યો. પીપળાના એક વૃક્ષ પાછળ કેશવનું અડધું શરીર દેખાયું ત્યાં જ ધનંજય દોડીને તેની પાસે આવી ગયો. એક મિત્ર પર જેટલો હક કરી શકાય એ બધાં જ હકનો ઊપયોગ અને હિંમત કરીને તે કેશવ પર લગભગ તાડુકયો.
“માધવ… માધવ… ! મહાભારત ના યુદ્ધ માં તો તમે સારથી હતાં એટલે સેનાની પણ જરુર ન હતી. એક તમારાં હોવા માત્ર થી જ હું આશ્વસ્ત હતો કે બસ હવે મોત પણ આવે તો હાથ તમારા ચરણકમળ પર હશે ને છેલ્લા શ્વાસમાં તમારું નામ..! વિશ્વનો સૌથી શકિતશાળી, ગિરિધર મારો સારથી છે એનું અભિમાન હજું થોડી ક્ષણ સુધી મારી હ્રદય ની દરેક ધડકન સાથે ધબકતું હતું. પણ…પણ..”
અર્જુન થી લગભગ રડી પડાયું…તે આંસુ સાથે બોલ્યો
“જે સુવર્ણ નગરીને તમે તમારા પ્રાણ રેડીને બનાવી છે એ દ્વારિકા નગરીનું અસ્તિત્વ હતું ન હતુ થઈ ગયું છે અને તમે ભાગેડું બનીને અહીં આવીને શાંતિથી સુઈ રહ્યાં છો? તમે આવા કઠોર કેમ થઈ શકો? મારા માટે જો લડી શકો તો તમારા જ કુળમાં છેડાયેલા આ આંતરયુદ્ધ ને શાંત ન કરી શકો એવું હું કેમ માની લઊં? મને જીંદગીના આ અંતિમ પડાવ માં તમારું આ જ સ્વરુપ બતાવવું હતું તમારે? આ કરતાં તો યુદ્ધ સમયે જ વિરગતિ પામ્યો હોત તો સારું હોત કેશવ! સારું હોત.”
ધનંજય સમતુલન જાળવવા પીપળાની ડાળ પકડી રહ્યો. પણ હજું માધવના મુખ પર એજ સ્મિત ને મુખ પર એ જ રટણ “રાધે રાધે…”
અર્જુન થી હવે સહન ન થયું ને તે પાછો વળી ચાલવા લાગ્યો. ત્યાં જ તેના પગ રકતથી રંજીત થયેલી ભૂમિ ને સ્પર્શી રહ્યાં. કુંતી પુત્ર એ એ માટીનો સ્પર્શ કર્યો અને આ ધારા નો સ્રોત જયાંથી વહી રહ્યો તે તરફ વળ્યો. રકતનું એક એક ટીપું કેશવના પગમાંથી ટપકી રહેલું તે જોઈ રહ્યો અને કફોર અવાજ લાગણીશીલ બની ગયો.
“સખા…! આ કેમ ન જોયું? આ કેમ ન દેખાયું મને? કોણ છે આ પૃથ્વી પર જેણે તમને તીર મારવાનું દુ:સાહસ કર્યું છે. હું આ જ ક્ષણે એનો વિનાશ કરીશ. હું એને કયારેય નહીં છોડું... હું... હું ”
“હુ... હું...! હવે તો આ હું ની રટણ છોડ પાર્થ! આટલો વિનાશ ઓછો છે કે હજું તારે વિનાશ વેરવો છે? બેસ ને હવે શાંતિથી. અહીં જ મારા પગ પાસે,તે દિવસે તું બેઠો હતો ને જયારે દુર્યોધન અક્ષૌહીણી સેના લઈ ગયો હતો મારી પાસેથી અને તે મને ફકત મને માગ્યો હતો તે દિવસની જેમ આજે ફરી એકવાર માંગ ને મને.
ત્યારે યુદ્ધ માટે માંગ્યો હતો તેમ આજે શાંતિ માટે માંગ ને મને. પેલું ગીત ગા ને પાર્થ..
“કાનુડો માંગ્યો દે ને યશોદા તારો કાનુડો માંગ્યો દે ને!”
“કેશવ! હદ કરો છો તમે. યાદવાસ્થ્ળી ચરમસીમા પર પહોંચી છે.તમારા પગમાંથી વહેતા રકતના આ પ્રત્યેક ટીપા પર મારો જ નહીં પણ પૃથ્વી ની પ્રત્યેક જીવ સૃષ્ટિ નો જીવ નીકળી રહ્યો છે અને તમે અત્યારે મને આવી વાતો કરીને શું સાબિત કરવા માંગો છો? તમે દુનિયામાં સૌથી વધું સહનશીલ છો એમ! તમને દુખ નથી થતું એ કે પછી લીલા જ કરશો છેલ્લા શ્વાસ સુધી?”
અર્જુન બોલતો ગયો અને આંખમાંથી ચોધાર અશ્રુધારા વહેતી રહી. પોતે કૃષ્ણ ના પગ પાસે બેઠો અને તેમનાં પગને હળવેકથી પોતાના ખોળામાં લીધો. અર્જુનના હાથ તીર પર જઈને તેને ખેંચી કાઢવા ઊતાવળા બન્યાં ત્યાં જ કેશવે એ જ શાંત સ્વરે કહ્યું.
“પાર્થ! જો જીવનના એક ક્ષણ માટે પણ મને સખા માન્યો હોય તો તારા હાથ પાછાં ખેંચી લે..”
“કેશવ! દરવખતે આમ શબ્દો થી જ વાત મનાવો છો પણ એ જીદ આજે નહીં ચાલે… જો તમે પણ મને એક પળ માટે પણ સખા માન્યો હોય તો આજે તમારા ઘા પર મને દ્રોપદીના ચીરહરણ વખતે પુરેલા આ ચીરના એક ટુકડાથી તમારા રકતને રોકવાનો અવસર આપો પ્રિય!
જે દિવસથી દ્રોપદીના ચીરહરણ થયા તે દિવસથી આ ટુકડો સાચવીને રાખ્યો છે કે કયારેક કેશવનું ઋણ ચુકવી શકું. આજે આ ચીરનો ટુકડો તમને બાંધીશ પછી જ આ પૃથ્વી પર થી પ્રયાણ કરી શકીશ. ભલે મહાભારત નું યુદ્ધ પુરું થઈ ગયું હોય ભલે પાંડવોને ન્યાય મળી ગયો હોય પણ મારા મનમાં હજું એ દિવસે દ્રોપદીના આંખમાં રહેલો એ ભાવ તાદ્રશ્ય છે જયારે એ પુછી રહી હોય કે તમે કેમ આ દ્રશ્ય જોઈ શકયા?.. તે દિવસે જ એના ચીરમાંથી મેં કોઈ જુએ નહીં તેમ આ એક ટુકડો ચોરી લીધો હતો અને જયારે પણ એકાંત માં હોઉં ત્યારે આ ટુકડો જોઈને તમારું સ્મરણ કર્યાં કરુ. મહાભારત માં સારથી બનીને તમે જે પરાક્રમ કર્યું તેનું ઋણ તો હું પ્રજાની સેવા કરીને ચુકવી દઊં પણ એક કુળવધુના ચીર પૂર્યા તેનું ઋણ કયા જન્મમાં ચુકવીશ એમ વિચારતો હું આજે આ અવસર ને પામ્યો છું ત્યારે મને રોકૉ નહીં કેશવ!”
આટલું બોલતાં જ અર્જુન ના હાથ ફરી કેશવના પગ પર લાગેલા તીર પાસે પહોંચ્યા.
“પાર્થ! મને એકવાર સાંભળી લે. પછી હું ના નહીં પાડું આ તીર કાઢવા માટે.
પાર્થ તું રણભૂમિ માં જે વિષાદ અનુભવી રહ્યો હતો એ જ વિષાદ આજે ફરી અનુભવી રહ્યો હોય એવું લાગે છે. ત્યારે તારામાં શૌર્ય જગાડવા માટે મેં તને ગીતાજી ના અધ્યાય સંભળાવ્યા હતાં. આજે તારામાં શાંતિ ના ભાવ જગાડવા ફરી એક ગીતાજી નું કથન કરવું પડશે મારે
પાર્થ! ચીરહરણ વખતે મેં જે ચીર પૂર્યા તે તો પાંચાલી એ અગાઉ કરેલાં તેનાં કર્મ નું ફળ હતું. એ કર્મફળની વાત તો તે જ ક્ષણે પુર્ણ થઈ ગયેલી. નાહક જ તું આ વસ્ત્ર ના ટુકડાને અત્યાર સુધી સાથે રાખીને આ અવસર માટે તડપતો રહ્યો. અને આ ટુકડો સાથે રાખ્યો તે દિવસથી તે એવું જ ઈચ્છયુ હશે ને કે મને પણ કયારેક દ્રોપદી જેવી જ વેદના થાય અને તું મારો તારણહાર બનીને આવે”
“આ શું બોલો છો શ્યામ? એવું પણ ઈચ્છે કોઈ પોતાની પ્રિય વ્યક્તિ વિશે?”
“એ જ તો આપણો ભ્રમ છે કૌંતેય કે આપણે સૌથી પ્રિય વ્યક્તિ વિશે હમેશાં સારું વિચારીએ છીએ… હકીકતમાં આપણે જ આપણાં પ્રિય વ્યક્તિ ના પતનનું કારણ બનીએ છીએ.”
“કૃષ્ણ! તમે જે કાંઈ બોલો છો એ સમજવાની શકિત મારી પાસે નથી.. જે બોલવું હોય સરળ ભાષામાં બોલો. તમારી રણભૂમિ ની ગીતા તો હું પચાવી ગયો હવે હું કશું જ પચાવવા અસમર્થ છું”
“એ જ ડર મને પણ સતાવી રહ્યો છે ધનંજય! તારાં શબ્દો માં મને કળિયુગ નો આભાસ થઈ રહ્યો છે.. કયાંક એવું ન બને કે ભવિષ્યમાં મારી કહેલી ગીતાજી કોઈ સમજી જ ન શકે... એને પછી મન પડે તેવાં અર્થો કાઢે..”
“કળિયુગ! કેશવ એ કેવો યુગ? આ કયા સમયની વાત કરી રહ્યા છો તમે? “
“પાર્થ! કળિયુગ એટલે જયાં મારા દરેક શબ્દો નો અર્થ વ્યર્થ હશે. મારા મંદિરો ગલી ગલી માં હશે પણ હું કયાં છું એ શોધવા કોઈ આગળ નહીં આવે. મારી ડુબી ગયેલી સોનાની દ્વારિકા ને શોધશે પણ કુપોષણ થી પીડાતા બાળકને શોધીને કોઈ એને માખણ નહી ખવડાવે સખા!
કૃષ્ણ પક્ષની શ્રાવણી આઠમે મને છપ્પન ભોગ ધરાવશે પણ કોઈ બાળક ભૂખ્યું જ સુઈ ગયું હશે એ કોઈનાં ધ્યાનમાં નહીં આવે.
તું આજે મને તીર ખેચીને પીડામાંથી મુક્ત કરી શકીશ પણ હ્રદય માં પીડા છે એને ઓછી કરી શકીશ પાર્થ? બસ કળિયુગ માં આ જ થશે પાર્થ! શરિરની પીડા ચપટી વગાડતાં જ ઓછી થઈ જશે પણ હ્રદય ની પીડા ઓછી નહીં થાય!
માતા પિતા પોતાના સંતાનોને સ્નેહના નામે એટલી સુવિધાઓ આપશે કે સંતાનો છતાં પગે અપંગ થઈ જશે.
માતા યશોદાનો હું પ્રાણ હતો તેમ છતાં એ મને જંગલમાં ગાયો ચરાવવા મોકલતી. તેને મારામાં વિશ્વાસ હતો. કળિયુગ માં માતાને પોતાના સંતાનોમાં વિશ્વાસ કરતાં બકાસુર કાલિયા ને કંશની નકારાત્મક શકિત પર વધુ વિશ્વાસ હશે એટલે તે પોતાના બાળકને કયાંય વિહરવા કે વિચરવા નહીં દે.. સંતાનોને લાગેલા દરેક તીર ને ખેંચીને મા બાપ સંતાનોની જાતે તીર કાઢવાની શકિતને છીનવી લેશે.
પાર્થ! કળિયુગ માં શત્રુ બહાર શોધવા જવો નહીં પડે. પ્રિય વ્યક્તિ જ તમારો શત્રુ હશે. અને એ સમયે કોને મિત્ર ગણવો એ તારે જાણવું છે? તો સાંભળ
“હું છું ને!” એમ નહીં પણ “તું છો ને!”
એમ બોલે તે મિત્ર
“હું કરી આપું છું” એમ નહીં “તું કરી શકીશ” એમ બોલે એ મિત્ર.
“હું તારું ધ્યાન રાખીશ” એમ નહીં પણ “તું તારું ધ્યાન રાખજે” એમ બોલે એ મિત્ર
ધનંજય! હું પણ તારા માટે યુદ્ધ નથી લડ્યો પણ છતાં તું મારો સૌથી પ્રિય સખા છો… કળિયુગ માં મારો આ સૌથી મોટો સંદેશો લોકો ભુલી જશે કે દરેકે પોતાનું યુદ્ધ જાતે લડવાનું છે. હું સારથી ચોક્કસ બની શકું પણ હું તમારા વતી લડી ન શકું. કળિયુગ માં લોકો પોતાની ઈચ્છાઓને માનતા નું નામ આપી બધું મારાં પર છોડી દેશે.. પણ મારી પર બધુ છોડી દેનારા લોકો એ નહીં સમજે કે હું તો રણછોડ છું… રણછોડ એટલે ભાગેડું નહીં પાર્થ! રણછોડ એટલે તમારા યુદ્ધ માટે તમારું રણ છોડી દેનાર… તમે લડો કે શરણાગતિ સ્વીકારો તમે હારૉ કે જીતો.. તમારું કર્મ જ તમને રણભૂમિ માં સાથ આપશે. લોકો એમ માનશે કે હું તારો સારથી બન્યો હતો.. પણ તારું કર્મ તારું સારથી બન્યું હતું એ લોકૉ ભુલી જશે. તે મને માગ્યો એટલે હું આવ્યો હતો.. હું સામેથી આવ્યો ન હતો એતો કળિયુગમાં લોકો યાદ રાખશે એટલે મને માંગશે પણ મને પામવા માટે તે અક્ષૌહીણી સેના નો ત્યાગ કર્યો હતો એ કળિયુગમાં ભુલાઈ જશે. એટલે સેના પણ સાથે રાખશે ને પછી મને માંગશે
અર્જુન.. કળિયુગ માં મારા કહેલા એ શબ્દો છે ને "સંભવામિ યુગે યુગે" એનો પણ ખોટો અર્થ નીકળશે.. ખરાબ સમય આવતાં જ લોકો મારી વાટ જોઈએ બેસી રહેશે... પણ એ નહીં સમજે કે હું તો અત્ર તત્ર સર્વત્ર છું. અને હું કળિયુગ માં પણ જે કોઈ મને બોલાવશે તેની પાસે જઈશ. પણ હું સારથી જ બનીશ.. યુદ્ધ તો જાતે જ લડવું પડશે.. કલિયુગમાં એક વાક્ય યાદ કરવું પડશે...
"કૃષ્ણ આવે એટલે યુદ્ધ શરું કરીએ
એમ નહીં
યુદ્ધ શરું કરો એટલે કૃષ્ણ આવશે"
અને યુદ્ધ માં સારથી સામેથી નહીં બનું તમારે મને માગવો તો પડશે જ અને સામે તમારે સેના છોડવી પડશે.. ક્રોધ,અસત્ય,મોહ,માયા,કુકર્મો,સ્વાર્થ, ઈર્ષ્યા,લાલચ, રાગ,દ્વેષ રૂપી સેના છોડશો તો મને માંગી શકશો...

પાર્થ! આજે મારા પગમાંથી જે રક્ત વહી રહ્યું છે ને એ એક એક ટીપું વહેશે ને એમ મારા પ્રાણ જશે તો જ હું મુક્ત થઈશ. જો તું તીર કાઢીને મને શાતા આપીશ તો મારે ભાગે ભોગવવાની થતી આ પીડા ભોગવવા કેટલાયે જન્મ ભટકવું પડશે મારે! હવે કહે કે તું મારી મુકિત ઈચ્છે છે કે મારું ભટકવું? કહે તું તીર કાઢીને મારો પ્રિયજન કહેવાઈશ કે તીર ન કાઢીને?
પાર્થ ! હું ધારું તો આ તીર ન કાઢી શકું? અનેકને ધર્મ માટે હરનાર હું શું મારા હણનાર ને ન મારી શકું? પણ પાર્થ આ હું જ વિનાશ છે. હું ને ભુલી જા.. હું એટલે અહંકાર હું એટલે વિનાશ. હું એટલે કળિયુગ માં જેનો નાશ કરવાં મારે જન્મ લેવો પડશે એ..

“બસ કેશવ! મને આમ જ બેસી રહેવા દો.. તમારા રકત ને આમ જ વહેવા દો.. અને ફરી એ જ નામનું રટણ કરો.. મને શાંતિ ની ગીતા એ નામમાં જ સંભળાય છે..”
“હા ધનંજય! એટલે જ તો એ નામ રટતો હતો.. જેના નામથી આખી જીંદગી જીવી જવાયું એ નામ નહીં લઉં તો ફરી ભટકવું પડશે…અને તે જેમ દ્રોપદીના ચીરનો ટુકડો સાચવ્યો હતો તેમ કોઈને જાણ ન થાય તેમ મેં આ વાંસ નો ટુકડો સાચવ્યો છે.. મારો જીવ પરલોક તરફ પ્રયાણ કરે ત્યારે આને પણ મારી સાથે અગ્નિ દાહ આપી દેજે... નહીં તો કળિયુગ માં આ વાંસના ટુકડા માટે પણ કેટલુંય રક્ત રેડાશે…એક ટુકડો તું છોડી દે એક ટુકડો હું છોડી દઊં.. બસ આ છોડવું કલિયુગમાં અઘરું થઈ જશે...
રાધે રાધે.. રાધે રાધે..