પહેલો વરસાદ Bansi Modha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલો વરસાદ

*બંસી મોઢા

વાર્તા નું શીર્ષક: પહેલો વરસાદ

"પોટરનો સ્પેલિંગ બોલો બેટા." સુધીરે આરવને અંગ્રેજીના હોમવર્કમાં લખવાનો છેલ્લો સ્પેલિંગ પૂછ્યો. આરવને એ સ્પેલિંગ કરતાં નામમાં વધુ રસ હતો તેણે સામો સવાલ કર્યો "પપ્પા પોટર શું કરે?"
સુધીરે આરવના બંને હાથ પકડી વહાલથી પોતાની પાસે બેસાડીને કહ્યું. "હંમેશા પપ્પા જ કહેતો હોય તો ડેડી કહે એ મને જરા પણ નો ગમે"
આરવે ધીમેથી જવાબ આપ્યો. "મને બી ના ગમે પણ મમ્મી કહ્યું છે ડેડી જ કહેવાનું છે પપ્પા ઈઝ સાઉન્ડ ઓલ્ડ"
સુધીરે ડ્રેસીંગ ટેબલ આગળ બેઠેલી શિલ્પા સામે જોયું. એને થયું કે તે શિલ્પા ને કહી દે એ આરવને એટલી પણ એટીકેટ ન શીખવે કે આરવ તેના મૂળ સ્વભાવને ખોઈ બેસે, પાંજરાના પોપટની જેમ બોલતા તો શીખે પણ ઊડવાનું ભૂલી જાય. પણ તે આરવની સામે શિલ્પા સાથે દલિલ કરવા માંગતો ન હતો. તેણે ફરીથી આરવના હોમ વર્ક પર ધ્યાન આપ્યું.
આરવ મેં તને પૂછ્યું હતું, પોટરનો સ્પેલિંગ શું છે; હજુ જવાબ નથી આપ્યો તે.'
'અને મેં બી તો પૂછ્યું હતું કે "પોટર શું કરે?" તમે પણ ક્યાં હજી જવાબ આપ્યો છે?
'બેટા પોટર મતલબ કુંભાર, જે માટી માંથી વાસણ બનાવે, ઘડો બનાવે, જેમાંથી તું પાણી પીએ છે. હું તને એક દિવસ પોટર પાસે લઈ જઈશ.'
'પપ્પા પોટર માટી માંથી વાસણ બનાવે? માટીને અડવું એ બેડ મેનર છે. મમ્મી કહે છે માટીથી ન રમાય. કીટાણું, બેક્ટેરિયા મારી બોડીમાં ઘૂસી જાય અને મને બીમાર પાડી દે આપણે પોટર પાસે નહીં જઈએ પપ્પા.'
સુધીરે આરવને પોતાની ગોદમાં બેસાડીને કહ્યું "બેટા માટી ગંદી ન હોય. માટી તો મેડીસિન નું કામ કરે છે. અને તુ, હું, મમ્મી બધા માટીના જ બનેલા છીએ. તું રોજ જેને હાથ જોડે છે એ ગોડ પણ પોટર જ છે. તેણે આપણને બધાને ઘડયા છે. આપણે એક કામ કરીએ તો! સેટરડે ના તુ અને હું ઘરે જ હોઈશું મમ્મી ઓફિસમાં. તો આપણે બંને માટીથી રમીશું?"
આરવ ખુશ થઈ ગયો. તે સુધીરની દાઢી પર હાથ ફેરવવા લાગ્યો અને તેને ખીજવવા તે શિલ્પાની અદાથી બોલ્યો " હમમ..દાઢીના વાળ વધી ગયા છે! શેવિંગ નથી કર્યું? બેડ મેનર" સુધીર પણ મજાક ના મૂડ માં આવી ગયો અને બંને બેડ પર જ તકિયા વડે મસ્તી કરવા લાગ્યા. શિલ્પાનું ધ્યાન ગયું એટલે તરત જ ઉભી થઈને તે બેડ તરફ આવી. "વ્હોટ આર યુ ડુઇંગ સુધીર ? આરવ સાથે રહીને તું પણ બાળક જેવું વર્તન કરે છે. અને આરવ તુ! બેડ પર હોમ વર્ક કરાય કે સ્ટડી ટેબલ પર? ગો ટુ યોર રૂમ એન્ડ ડુ યોર હોમ વર્ક.
આરવ રૂમની બહાર ગયો. થોડી વાર દરવાજા આગળ જ ઉભો રહ્યો અને મમ્મી પપ્પાની વાત સાંભળવા પ્રયત્ન કરવા લાગ્યો.
' સુધીર હવે બસ! મેં તને ઘણા દિવસથી કહ્યું છે કે આરવને તેના રૂમમાં જ શિફ્ટ કરી દઈએ હવે તે નાનો નથી.'
'શિલ્પા! આરવ અડધો દિવસ પોતાના રૂમમાં જ તો હોય છે. હવે આરવને આનાથી વધારે તો એકલો કેમ મૂકી શકાય!'
' હું એમ કહેવા માંગુ છું કે હવે આરવે પોતાના રૂમમાં જ સૂવું જોઈએ, બ્રશ કરવું જોઈએ, નાહવું જોઈએ. હવે એ નાનો નથી પોતાના રૂમમાં રહેશે તો જાતે પોતાનો બેડ ઠીક કરતા શીખશે એલાર્મ ગોઠવીને જાતે ઉઠતા શીખશે. ક્યાં સુધી આમ ડરપોક બનાવીને રાખીશું? He has to be strong like a lion.'
' શિલ્પા તું આ નાના બાળક સાથે શું કરે છે એનું જરા પણ ભાન છે તને?'
સુધીર નો અવાજ હવે તેજ થયો. મા બાપ સાથે એક રૂમમાં રહેવાથી કોઈ બાળક ડરપોક બની જાય છે એવું સાંભળ્યું નથી! અને હકીકતમાં ડરપોક તો તું છો, એટલે જ તું આરવને એક રોબોટની જેમ ટ્રીટ કરે છે. અને રહી વાત આરવની,તો આરવ એક જ છે એટલે જુદો રૂમ, જુદો બેડ, જુદા ટોયલેટ બાથરૂમ એ બધું શક્ય છે પણ જે ઘરમાં ચાર પાંચ બાળકો હશે એ બધાના શું અલગ-અલગ રૂમ હશે? તેઓ સાથે રહેતા હશે તો ડરપોક બની જતાં હશે? શિલ્પાએ બેગમાં જરૂરી વસ્તુ નાખતા નાખતા સુધીરને જવાબ આપ્યો 'કીપ યોર મિડલ ક્લાસ મેન્ટાલીટી વિથ યુ. મારે આરવને સર્કસ નો સિંહ નથી બનાવવો. જંગલનો સિંહ બનાવવો છે જે પોતાનો શિકાર જાતે શોધે.'
શિલ્પા જંગલનો સિંહ પણ શિકાર કરતા તો તેની મા પાસેથી જ શીખે છે. સિંહણ પહેલા તેના બચ્ચાને શિકાર કરતા શીખવે છે પછી જંગલમાં એકલું મૂકે છે. તું તો ઈચ્છે છે કે આરવ શિકાર કરતા પણ જાતે જ શીખી જાય!'
શિલ્પા કશો જ જવાબ આપ્યા વિના ઓફિસ જવા માટે નીકળી ગઈ. સુધીર બેડ પર જ બેસી રહ્યો. તેને ખબર હતી કે શિલ્પાએ જે વિચારી રાખ્યું છે તેમાં એ ફેરફાર નહીં કરે.
સુધીર મનમાં જ બબડ્યો 'બનાવવો છે જંગલનો સિંહ અને ટ્રીટ કરે છે રીંગ માસ્ટર ની જેમ.' સુધીરની આંખ સામે જ આરવનું બાળપણ ક્રૂરતાપૂર્વક છીનવાઈ રહ્યું હતું અને તે પોતાની જાતને લાચાર મહેસૂસ કરી રહ્યો હતો.
***
શિલ્પા અને સુધીર બંને એમ. બી. એ. થયા હતા. શિલ્પા એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતી હતી જ્યારે સુધીરે પિતાનો ધંધો જ આગળ વધારવાનું નક્કી કર્યું હતું. તેણે શિલ્પાને પણ તેમાં જોડાવા કહ્યું હતું પરંતુ શિલ્પા જે સ્વતંત્રતાથી ઉછરેલી હતી તે પ્રમાણે તેને જોબમાં પણ સ્વતંત્રતા જોઈતી હતી. જોકે કંપનીના ઉપરી કર્મચારી નીચે કામ કરવું તેને મંજૂર હતું પણ પતિના આદેશથી ધંધો કરવો તેના માટે પરતંત્રતા હતી. શિલ્પા નું બાળપણ મહદંશે ચાર દીવાલની વચ્ચે સ્વતંત્રતાથી વીત્યું હતું જ્યારે સુધીરનું બાળપણ વડીલોની રોક ટોક વચ્ચે ખુલ્લા આકાશ અને વડવાઈઓની વચ્ચે વીત્યું હતું. ચોમાસાનો પહેલો વરસાદ આવે એટલે ભીની માટીની સુગંધ સુધીરને બહાર ખેંચી જાય અને શિલ્પાને ઘરમાં વાંછટ આવે એ પણ ન ગમે. શિલ્પા ઘરના પડદા બંધ કરવા લાગે અને સુધીરના મનના પડદા ખુલવા લાગે. તે મન ભરીને ભીંજાય. શિલ્પાને મન ચોમાસુ એટલે કંટાળાની ઋતુ જ્યારે સુધીરને મન તન-મનથી તરબોળ થવાની ઋતુ. જોકે આરવના આવ્યા પછી શિલ્પાએ સ્પષ્ટ શબ્દોમાં સુધીરને કહી લીધેલુ કે 'સુધીર અત્યાર સુધી તો ઠીક હતું પણ હવે આમ ગામડાના છોકરાની જેમ વરસાદ આવે કે સીધો બહાર ન ચાલ્યો જતો. આરવને મારે એવી ગંદી ટેવ બિલકુલ નથી પાડવી.'
સુધીરને દલીલ કરવી કે ઝગડવું ન ગમતું એટલે તે પોતાના બાળપણની એક એક ટેવ શિલ્પા માટે ગીરવે મૂકતો રહ્યો અને આજે આરવનું આખું બાળપણ પોતાના લીધે ગીરવે મુકાઈ ગયું હતું. એને છોડાવવા સુધીર મથતો, મંથન કરતો પણ 'બચપણની આવી હરકતો જ સાચું ઘડતર કરે છે' એ વાત તે શિલ્પાના ગળે ઉતારી ન શકતો. આજે પણ શિલ્પાની વાત સાંભળી સુધીર ફરી એકવાર વિચારોના વમળમાં અટવાઈ ગયો. અચાનક તેને યાદ આવ્યું કે આરવ રૂમમાં એકલો છે. તે આરવ પાસે ગયો. તેણે આરવના હાથ પર હાથ મૂક્યો. આરવ બહારથી ધ્રુજી ગયો સુધીર અંદરથી ધ્રુજી ગયો. તેણે આરવને બથ ભરી લીધી અને તેને તેડીને બહાર આવ્યો. ગંભીર વાતાવરણને હળવું બનાવવા તેણે આરવને કહ્યું 'આરવ તે ઘણા દિવસથી ચિત્રો નથી દોર્યા. એક કામ કર. તારા કલર અને તારી પેન્સિલ લઈ આવ. આપણે બાલ્કની મા બેસીને ચિત્ર દોરીએ. કલર નું નામ પડતા જ આરવનો ઉદાસ ચહેરો ખીલી ઉઠ્યો અને તે દોડતો પોતાના રૂમમાં ગયો. તેના રિયા ફઈ એ જન્મદિવસ પર આપેલા કલર બોક્સ ને લઈને તે રૂમની બહાર આવ્યો. ત્યાં રૂમની અંદરથી મમ્મીના શબ્દોનો પડઘો પડ્યો. 'આરવને તેના રૂમમાં શિફ્ટ કરી દેવો જોઈએ' આરવના મુખ પર ફરી એકવાર ઉદાસીની રેખાઓ છવાઈ ગઈ. સુધીરે જોયું કે જે ઝડપથી આરવ રૂમમાં ગયો હતો તેટલી જ ધીમી ગતિએ તે બાલ્કની તરફ આવતો હતો. સુધીરે તેના હાથમાંથી કલર બોક્સ લીધું અને તેની આંગળી પકડી બાલ્કની મા આવ્યો એક ડ્રોઈંગ શીટ આરવના હાથમાં મૂકી. સુધીરે તેને ચિત્ર દોરવા કહ્યું. આરવે પેન્સિલ રમાડતા રમાડતા પૂછ્યું. 'પપ્પા કયું ચિત્ર દોરું?'
'તને જે ગમે તે છે તારી ઈચ્છા થાય તે દોર બેટા' સુધીર પોતાના માટે કોફી અને આરવને માટે દૂધ લેવા રસોડામાં ગયો. પાછો ફર્યો ત્યારે જોયું કે આરવની ડ્રોઈંગશીટ હજુ કોરી જ છે. સુધીર ના મનમાં ફરી વિચારોના વાદળો ઉમટ્યા. 'આવડી ઉંમરના છોકરાના હાથમાં કલર અને કોરો કાગળ હોય તો કાંઈ કેટલીયે કલ્પના કાગળ પર ઉતરી આવે અને મારો આરવ,..... શિલ્પા ઈચ્છે છે કે આરવ સેલ્ફ ડિપેન્ડન્ટ થાય પણ હકીકત તો એ છે કે આરવમાં હવે પોતાની મેળે કયું ચિત્ર દોરવું તે નક્કી ફરવાની પણ શક્તિ રહી નથી. શિલ્પાએ આરવને સર્કસમાં મોટો કરીને હવે જંગલમાં છોડી દીધો છે એકલો દિશાહીન...

સુધીર આરવની પાસે આવ્યો. તેણે આરવને માનસિક રીતે તૈયાર કરવો હતો. શિલ્પા તો તેનું ધાર્યું કરશે જ હવે આરવને જ સમજાવવો પડશે.
'આરવ બેટા હમણાં રોજ રાત્રે તારે મોડે સુધી જાગવું પડે છે નહીં! સવારે મારા આરવને ઉઠવાનું પણ મોડું થાય છે ને? પણ શું થાય મમ્મી પપ્પાને મોડે સુધી કામ કરવું પડે છે. એક કામ કરીએ તો? આજથી તું તારા રૂમમાં વહેલો વહેલો સૂઈ જજે. વળી તારા રૂમમાં છત પર મેં ચમકે તેવા સ્ટાર મૂન લગાડ્યા છે. રાત્રે નાઈટ ઓફ કરીશ એટલે એ ચમકશે તું તારા રૂમમાં સુએ તો એ જોવા મળે!'
'હમમ..' આરવે પપ્પા સામે જોયા વિના જ જવાબ આપ્યો. સુધીરે આરવને તો મનાવી લીધો. પણ પોતાનું મન ક્યાં માનતું હતું આરવને આમ એકલો મૂકી દેવા માટે? શું સુધીર નહોતો જાણતો કે આરવની 'હા' માં દર્દ છુપાયેલું હતું? સવારે દરવાજા પાછળથી છુપાઈને સાંભળેલી વાતનો પડઘો આ હા માં સ્પષ્ટ સંભળાયો હતો. સુધીરે આરવના માથે હાથ ફેરવ્યો. દૂર કાળા વાદળો દેખાયા ગામડાથી શહેર તરફ આવતા વાદળ.
બપોરે સુધીરે આરવને શાળાએ જવાની ના પાડી. 'બેટા વાદળો ઘેરાયા છે. કદાચ વરસાદ આવશે તો? શાળાએ નથી જવું. ચાલ આપણે તારા રૂમમાં બેસીએ.'
સુધીર અને આરવ રૂમમાં બેઠા. વાતો કરી. રમકડા સાથે રમ્યા. આરવ થાકયો એટલે તેને સુવડાવી સુધીર બેઠકરૂમમાં બેઠો. પડદાની પાછળ થી જાણે વાદળો બોલાવી રહ્યા હતા. અચાનક એ વાદળો સુધીરના મનમાં વિચારો બનીને સુધીરની ઘેરી વળ્યા.
' હું શા માટે આરવને અન્યાય કરી રહ્યો છું? આજે મારે આરવ તરફથી લડવાનું હતું તેના બદલે હું શિલ્પાની વાત આરવને માનવાનું કહી બેઠો! આજનો દિવસ આરવના બચપણ નો છેલ્લો દિવસ તો નહીં હોય ને? કાલે તે પોતાના રૂમમાંથી મોટો થઈને તો બહાર નહીં આવે ને? આજે આરવના રુમની બહારથી લોક કરીશું કરે તે અંદરથી લોક મારી દેશે તો? ક્યાંક મારા અને શિલ્પા કરતા એ રૂમ તો એને પોતીકું નહીં થઈ જાય ને? અમારો આરવ અમારી સાથે નહીં એ રૂમ સાથે મોટો થશે? બે સમય જમવા જ બહાર આવશે? સ્કૂલ કે કોલેજ થી આવીને સીધો પોતાના રૂમમાં ચાલ્યો જશે? પોતાને મિત્રો સાથે આરવ બહાર ગાર્ડનમાં કે બાલ્કનીમાં બેસવાને બદલે તેમને પોતાના રૂમમાં લઇ જશે? પોતાની મુશ્કેલીઓ,વધતી ઉંમર સાથે થતા પ્રશ્નો અમારી સાથે વહેંચવાની બદલે કમ્પ્યુટરમાં કોઈ અજાણી વ્યક્તિ સાથે વહેંચશે? શું એના કોમ્પ્યુટર માં પાસવર્ડ નાખેલો હશે? સુધીર ને આરવ એક જ ઘરમાં હોવા છતાં ખૂબ દૂર દેખાયો. સુધીર અને આરવ ની વચ્ચે ચાર દિવાલ આવી ગઈ અને આ ચાર દીવાલની અંદર જવાનો એકમાત્ર દરવાજો પણ કદાચ આજે રાત્રે બંધ થઈ જશે. સુધિર અપરાધભાવથી પીડાઈ રહ્યો હતો. તે પોતાના મનને પૂછવા લાગ્યો શું બાળ મજુરી જ અપરાધ છે? બાળક પાસેથી તેનું બાળપણ છીનવી લેવા માટે કોઈ સજા ની જોગવાઈ નહીં હોય? સુધીરને પોતાના જ પ્રશ્ન પર હસવું આવ્યું અને જવાબ પણ પોતાની પાસેથી જ મળ્યો. કાનૂની જોગવાઈ નથી પણ ઉપરવાળી કોર્ટ પાસે બધી જ જોગવાઈ છે આજે જે સત્તાથી હું અને શિલ્પા આરવને તેના રૂમ નો રસ્તો બતાવીએ છીએ એ જ સત્તાથી કાલે આરવ અમને......
વાદળના ગડગડાટે સુધીર ના વિચારની હારમાળા તોડી.. વીજળી બહાર નહીં સુધીર ની અંદર દોડી ગઈ. આરવને આવા સમયે ખૂબ ડર લાગે છે. તે આરવના રૂમમાં ગયો. આરવના બેડ તરફ જોયું તો તે ખાલી હતો. સુધીરે ધીમેથી કહ્યું 'આરવ.. આરવ...' પલંગ નીચેથી ડુસકા સંભળાયા. સુધીરે નીચે વળીને જોયું તો આરવ ધ્રુજી રહ્યો હતો સુધીરે તેને બહાર આવવા કહ્યું આરવે ના પાડી. સુધીરે હાથ લંબાવ્યો આરવે હાથ પકડી લીધો. અને બહાર આવી પપ્પા પપ્પા કહેતો સુધીર ને ગળે લાગી ગયો.સુધીરે તેના માથે હાથ ફેરવ્યો 'આરવ બેટા કેમ ડરી ગયો? હું અહીં બેઠક રૂમમાં જ હતો. મારું કામ પુરુ કરી રહ્યો હતો એટલે રાત્રે મારે પણ જાગવું ન પડે. હું અને તું રાત્રે અહીં જ સૂઈ જઈશું મને ભી તો જોવું છે કે રાત્રે તારા રૂમમાં લગાવેલા સ્ટાર મૂન કેવા લાગે છે! બહાર વરસાદ શરૂ થયો. ભીની માટીની ગંધ એ આજે ફરીથી સુધીરને સાદ પાડયો. તે આરવને લઈ બહાર દોડી ગયો બંનેના ઉપર હવે ખુશીના વાદળો છવાયેલા હતા. આરવ આજે પહેલી વાર વરસાદમાં ભીંજાતો હતો તેની ખુશી અને સુધીરે આરવ નું બચપણ છોડાવ્યું હતું તેની ખુશી..

🌈🌈🌈🌈🌈🌈🌈🌈