સુંદરી - પ્રકરણ ૭૫ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૭૫

પંચોતેર

“શુંઉઉઉઉ?” પ્રમોદરાય તરફ પાછળ વળતાંની સાથેજ સુંદરીના હોંઠમાંથી વિજળીક ગતિએ નીકળ્યું, એની આંખો મોટી થઇ ગઈ.

“મને ખબર છે એ બીજવર છે, પણ જવાબદાર વ્યક્તિ પણ છે. એને તું ખૂબ ગમે છે અને મારી પણ ઈચ્છા છે કે મારા સિધાવ્યા પહેલાં હું તને સારા ઘેર જતી જોઈ લઉં. હવે મારે જીવવાના કેટલા વર્ષ બાકી રહ્યા?” પ્રમોદરાયે શાંતિથી કહ્યું.

“પણ તમે મને એક વખત પૂછવાનું પણ યોગ્ય ન સમજ્યું પપ્પા? મારા જીવનની વાત છે તો પણ? અને તમને કેવી રીતે ખબર કે એ વ્યક્તિ જવાબદાર છે? હું એમની સાથે દરરોજના સાત કલાક વિતાવું છું કોલેજમાં અને એ પણ છેલ્લા લગભગ ત્રણ વર્ષથી એટલે એમના વિષે મને વધુ ખબર હોય કે તમને? એક નંબરનો લબાડ માણસ છે.” સુંદરીએ આક્રોશ સાથે કહ્યું.

“બોલવામાં ધ્યાન આપ. તારો સિનીયર છે અને કદાચ તારો થનારો પતિ પણ.” હવે પ્રમોદરાયનો સૂર પણ ઉંચો ગયો.

“સિનીયર હોય તો એણે સિનીયર જેવું વર્તન પણ કરવું જોઈએ અને એ બિલકુલ મારો પતિ તો નથી જ થવાનો. તમને ખબર નથી એ મને કેટલી ખરાબ નજરે જુએ છે. બાપ-દિકરીની મર્યાદા નડે છે નહીં તો તમને એના કાંડ વિષે વધુ વાત કરત. મારા પર વિશ્વાસ ન હોય તો અરુમાને પૂછી લેજો કે એણે બે-ત્રણ વખત મારી સાથે એકાંતમાં કેવો વ્યવહાર કર્યો હતો.” સુંદરી ધુંવાફુંવા થઇ રહી હતી.

“મારે એ બધું નથી જાણવું. મર્યા પહેલાં તારા પ્રત્યે મારી આ છેલ્લી ઈચ્છા અને માંગણી છે કે તું જયરાજ સાથે લગ્ન કરી લે. લગ્ન તો ધામધૂમથી જ કરશું, તું એની ચિંતા ન કર. આટલા બધા પૈસાનું શું કરવાનું છે? તારા ભાઈના ચડાવે ચડતી નહીં અને એના જેવા કોઈ ગુંડા જોડે સબંધ ન બાંધતી. જિંદગીભર પસ્તાવો કરતી રહીશ.” પ્રમોદરાયે સલાહ આપી,

“અને જયરાજ સર સાથે પરણીને શું હું જિંદગીભર ખુશ રહીશ. કોલેજના કોઇપણ પ્રોફેસરને એકાંતમાં પુછજો એમના વિષે, ખાસ કરીને લેડી પ્રોફેસર્સને. એક નંબરનો લીચડ છે. છોકરી કે સ્ત્રી જોઈ નથી કે લાળ પાડવાની શરુ કરી દે છે. અને અમારી ઉંમરનો તફાવત તો જુઓ. એ મારાથી બાર વર્ષ તો મોટા હશે જ.” સુંદરીના સ્વરમાં ગુસ્સો હજી હતો જ.

“જીવન જીવવા માટે ઉંમરનો બાધ ન જોવાય. જે વ્યક્તિ જીવનભર આપણી સંભાળ રાખવા માટે તૈયાર હોય એ પછી આપણાથી ગમે તેટલી નાની કે મોટી હોય, એ આપણી જ હોય, સમજી? તારી મા થી હું પણ એક દસકો મોટો જ હતો.” પ્રમોદરાયે સામી દલીલ કરી.

... અને સુંદરીને પ્રમોદરાયની આ દલીલ સાંભળીને અચાનક જ વરુણ યાદ આવી ગયો. વરુણ પણ તેનાથી સાતેક વર્ષ નાનો છે અને તે તેને પ્રેમ... ના ખૂબ પ્રેમ કરે છે એવું જ કશુંક તેણે તે દિવસે બગીચામાં તેને જ કહ્યું હતું. હા, સુંદરીના માનવા અનુસાર વરુણ તેને પામવા માટે અત્યારે તેને કોઇપણ રીતે હેરાન કરે છે પણ વરુણના એ પ્રેમ પ્રત્યે સુંદરીનો મૂળ વાંધો ઉંમરના તફાવતનો જ હતો. જ્યારે પ્રમોદરાયે એમ કહ્યું કે જે વ્યક્તિ આપણી સંભાળ રાખવા માટે જીવનભર તૈયાર હોય ત્યારે તેની ઉંમર ન જોવાય, ત્યારે સુંદરીના શરીરમાં અચાનક જ વિજળી પસાર થઇ ગઈ અને વરુણ વિષે તેને વિચારો આવવા લાગ્યા અને એ પ્રમોદરાયને જવાબ આપ્યા વગર જ ઉપર પોતાના રૂમમાં ચાલી ગઈ.

રૂમનું બારણું બંધ કર્યા બાદ સુંદરીના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. વરુણ જે રીતે તેને પામવાની કોશિશ કરી રહ્યો છે તેનાથી એ તો સાબિત થતું જ હતું કે તે તેને કોઇપણ રીતે પામવા માંગે છે અને કદાચ ખૂબ પ્રેમ કરવાની આ પણ એક લાગણી હોઈ શકે છે અને જે વ્યક્તિ કોઈને ખૂબ પ્રેમ કરતી હોય તો એ તેની જિંદગીભર સંભાળ તો રાખવાની જ છે. હા, પણ એની કોઈ ગેરંટી પણ ન જ લઇ શકે ને? સમય જતાં વરુણ પણ બદલાઈ શકે છે.

તો શું તે વરુણના પ્રેમને સમજવામાં થાપ ખાઈ રહી છે? આજે સવારે જે થયું તે પહેલાં વરુણે જાતે જ સ્વિકાર કર્યો હતો કે તે એક પછી એક બ્લંડર્સ કરી રહ્યો છે તો આજ સવારની ઘટના પણ એનું કોઈ બ્લંડર હતું કે આપોઆપ એવા સંજોગો ઉભા થયા કે તેના મન પર વરુણ વિષે ફરીથી નેગેટીવ વિચારો આવવા લાગ્યા. જયરાજ સાથે લગ્ન કરવાનો તો કોઈ સવાલ જ ન હતો, પણ જયરાજને પોતાના જીવનમાંથી તે એમ અચાનક દૂર પણ નહોતી કરી શકવાની.

પોતાના પિતાની એક વાત સાથે એ જરૂર સહમત થઇ કે તેઓ હવે એટલું લાંબુ તો કદાચ નહીં જીવે એટલે એ અત્યારસુધી ભલે ગમે તેવા પિતા રહ્યા હોય પણ તેમને પોતાની પુત્રીની ચિંતા તો હોય જ એ સ્વાભાવિક છે. ભવિષ્યમાં કદાચ શ્યામલ પોતાની સાથે આ ઘરમાં આવીને રહેશે. શ્યામલ પણ આજીવન કુંવારો નહીં રહે. જો એની પત્નીને સુંદરીની ઘરમાં હાજરી નહીં ગમે તો?

અને શું પોતે પણ આજીવન કુંવારી થોડી રહેવાની છે? ભલે પોતાનું અત્યારસુધીનું જીવન એટલું સરળ અને સુખી નથી રહ્યું પરંતુ તેણે કોઈક દિવસ તો લગ્ન વિષે વિચારવું પડશેને? અને તે ઓલરેડી સત્યાવીસ વર્ષની થઇ ગઈ છે અને અઠ્યાવીસમું પૂરું થવાને હવે ખાસ વાર નથી આથી પોતાના સમાજમાંથી છોકરાઓના માંગા આવવાના અમુક વર્ષો બાદ બંધ પણ થઇ જશે. અને એમ લગ્ન કરવાની ઉતાવળ પણ ન કરાય કારણકે આખી જિંદગીનો પ્રશ્ન છે.

તો શું એને સુખી લગ્નજીવન જીવવાનો કોઈ અધિકાર નથી? શું તેને કોઈ સારા જીવનસાથી સાથે જીવન વ્યક્તિત કરવાનો હક નથી? છે બિલકુલ છે. પણ અત્યારસુધી તેણે ભણતર, નોકરી, ત્યારબાદ પિતાની સંભાળ અને છેલ્લે ભાઈ શ્યામલનું જીવન સુધારવામાં લગ્નનો વિચાર સુદ્ધાં નથી કર્યો, પણ હવે જ્યારે એક બાજુ ખીણ અને બીજી તરફ દરિયા જેવી પરિસ્થિતિ આવી ગઈ છે ત્યારે તેણે લગ્ન વિષે ગંભીરતાથી વિચારવું જ પડશે.

તો શું તે ઉતાવળ કરીને વરુણનો ત્રણ વર્ષ અગાઉનો પ્રસ્તાવ સ્વીકારી લે? ના ના એમ ઉતાવળ ન થાય. વરુણની હજી તો તેણે એક જ બાજુ જોઈ છે. ભલે તે મેચ્યોર લાગતો હોય પણ છેવટે તો હજી એકવીસ-બાવીસનો છોકરો જ છે ને?

હજી સવારે તો એણે વરુણને વઢી નાખ્યો હતો, અને જયરાજ સાથે લગ્નના પિતાના પ્રસ્તાવથી આમ ડરીને અચાનક જ વરુણ પાસે જતું રહેવાનું વિચારવાનું? અને દુનિયામાં ફક્ત વરુણ અને જયરાજ સિવાય પોતાને લાયક બીજો કોઈ પુરુષ ન હોય એ પણ શક્ય નથીને? પણ વરુણ એમ સાવ ખરાબ તો નથી જ. પોતે ઉંમરના તફાવતને લીધે વરુણના પ્રેમને નકાર્યો હતો, ધિક્કાર્યો હતો, પણ પોતાના પિતાની એક દલીલે આ તફાવતને વરુણના કહેવાતા પ્રેમ સામે વામણો કેમ કરી દીધો?

સુંદરી આ બધું જ સતત વિચારી રહી હતી. યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવામાં ઉંમરનો બાધ ન નડવો જોઈએ એવી જયરાજને અનુલક્ષીને પ્રમોદરાય દ્વારા કરવામાં આવેલી દલીલે અચાનક જ સુંદરીને વરુણ પ્રત્યેની પોતાની નફરત ઘટાડવામાં મદદ કરી દીધી. ફક્ત પાંચ જ મિનીટમાં સુંદરી જે રીતે વરુણનો ચહેરો નજર સામે આવતાંની સાથે ગુસ્સામાં આવી જતી હતી તે ગુસ્સો વરુણને આટલી વખત યાદ કરતાં એક વાર પણ ન આવ્યો? કેમ?

સુંદરી ગૂંચવાઈ અને જ્યારે પણ સુંદરી કોઇપણ ગૂંચવાડામાં પડતી ત્યારે તેનો ઉકેલ લાવવા તેને એક જ વ્યક્તિ યાદ આવતી અને એ વ્યક્તિ હતી તેના અરુમા. સુંદરીએ કોલેજમાં આ પ્રકારની વાત શાંતિથી ન થઇ શકે એ જાણતી હોવાથી બીજે દિવસે અરુમાને ઘેર જવાનું નક્કી કર્યું ત્યારે તેનું મન થોડુંક શાંત થયું અને તેનું સ્મિત તેના ચહેરા પર પરત ફર્યું.

==::==

“આપણી કોલેજની કેન્ટીનમાં એકદમ બકવાસ ખાવાનું મળે છે. ચલો ખાવાનું તો ન મળે તો ચિપ્સ લઇ લઈએ, પણ ચા પણ કેવી ગંદી બનાવે છે એ લોકો,યક્ક!” લેક્ચર બંક કરીને પોતાની ફ્રેન્ડ્સ સાથે કોલેજની બહાર વોક કરવા નીકળેલી ઈશાની બોલી.

“ઇશાનીને ફૂડ ખરાબ હોય તો નો પ્રોબ્સ બટ ચા મસ્ત હોવી જોઈએ, રાઈટ?” ઈશાનીની ફ્રેન્ડ મોનાલી હસતાં હસતાં બોલી પડી.

“યસ. આ હેબીટ મને અને મારા વરુણભાઈને જ છે. યુનો મારા પેરેન્ટ્સને ચા વગર ચાલી જાય બટ, હું અને ભાઈ? વી કાન્ટ હેન્ડલ અ ડે વિધાઉટ ટી.” ઈશાનીએ પણ મોનાલીને હસીને જવાબ આપ્યો.

“બટ ગાય્ઝ, કોલેજની કેન્ટીન સિવાય આપણી પાસે બીજો ઓપ્શન પણ નથીને?” ઈશાનીની બીજી ફ્રેન્ડ રુહી બોલી પડી.

“એક ઓપ્શન છે.” મોનાલીએ કહ્યું.

“કયો?” ઈશાની, રુહી અને જાનકી એક સાથે બોલી પડ્યા.

“જો, સામે ફૂડ કોર્ટ છે. આઈ એમ શ્યોર ત્યાં ફૂડની સાથે મસ્ત ચા પણ મળશે જ.” મોનાલીએ કોલેજ નજીક આવેલા સાત રસ્તાના એક ખૂણે “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ કોર્ટ” ના બોર્ડ તરફ આંગળી ચીંધતાં કહ્યું.

“એ યાઆઆઆ... બહારની આઈ મીન કિટલીની ચા પીવાની તો કેટલી મજા આવે?” ઈશાની ફૂડ કોર્ટનું બોર્ડ જોતાંની સાથેજ ઉત્સાહમાં આવી ગઈ.

“તો લેટ્સ ગો ગાય્ઝ!” જાનકીએ ઈશારો કર્યો.

અને ચારેય સહેલીઓના ચાલવાની ગતિ વધી ગઈ. રસ્તો ક્રોસ કરીને તમામ ફૂડ કોર્ટના દરવાજે આવી ગયા અને પછી તેમાંથી અંદર પ્રવેશ કર્યો.

“મારે તો નાસ્તો પણ કરવો છે હોં?” ફૂડ કોર્ટની અંદર પહોંચવાની સાથેજ રુહી બોલી.

“હા, ભૂખ તો મને પણ ખૂબ લાગી છે.” મોનાલીએ રુહીના સૂરમાં સૂર પુરાવતાં કહ્યું.

“મને બિલકુલ ભૂખ નથી, હું ખાલી ચા પીશ અને એ પણ બે કપ.” ઈશાની હસી રહી હતી.

“તો પછી આપણે ત્યાં જઈએ. જો ત્યાં બે ફૂડ ટ્રક્સ સાથે જ છે. આઈ મીન એક ટ્રક છે અને એક ઓટો રિક્ષા જેવું છે. ઇટાલિયન બોનાન્ઝા ટ્રકમાં પિત્ઝા, પાસ્તા બધું મસ્ત યમ્મી મળે છે અને બાજુમાં જ ઇશાનીનો ચાવાળો છે, જો ત્યાં? શિવ ટી સ્ટોલ.” જાનકીએ પોતાનો હાથ લાંબો કરીને તમામને દેખાડતાં કહ્યું.

“વ્હોટ ડુ યુ મીન બાય મારો ચાવાળો?” ઈશાની ખોટેખોટી ગુસ્સે થઈને બોલી.

“અરે બાબા, તારે ખાલી ચા પીવી છે ને? એટલે ચાની દુકાન બતાવી યાર. શું તું બી?” જાનકીએ પણ ખોટો ગુસ્સો કર્યો.

“હા, ચલ ચલ ઠીક છે.” ઈશાનીએ જાનકીને માથે ટપલી મારતાં હસીને કહ્યું.

જાનકી, રુહી, મોનાલી અને ઈશાની, ચારેય સહેલીઓ શિવ ટી સ્ટોલ તરફ ચાલવા લાગ્યા જેની બાજુમાં ઈટાલીયન ફૂડ ટ્રક પણ હતો.


==:: પ્રકરણ ૭૫ સમાપ્ત ::==