રેમન્ડો શાર્વીનું મિલન.
તિબ્બુરનો અંત.
કમ્બુલા ફરીથી વેલ્જીરિયાનો સરદાર બન્યો.
રેમન્ડો બન્યો સેનાપતિ.
****************************
સરદાર સિમાંન્ધુ,રેમન્ડો,હિર્યાત અને આર્ટુબ સૈનિકો સાથે મહેલના ત્રીજા માળના એક ખંડમાં પહોંચી ગયા. બધા દોરડા વડે ઉપર ચડ્યા હતા. સૌથી પહેલા રેમન્ડો ઉપર પહોંચ્યો હતો. રેમન્ડો સાવચેતી પૂર્વક બારીમાં થઈને એ ખંડમાં પ્રવેશ્યો. એ ખંડમાં એક સ્ત્રી બેભાન થઈને પડી હતી. બેભાન સ્ત્રીને જોઈને રેમન્ડોએ અનુમાન બાંધ્યું કે એના પિતાજી સિમાંન્ધુએ જ્યારે આ બારીનું નિશાન લઈને તીર માર્યું હતું ત્યારે એ તીર બારી પાસે ઉભેલી આ સ્ત્રીની ગરદન સાથે થોડુંક ઘસાઈને પસાર થયું હતું. જોકે એને વધારે ઇજા થઈ નહોતી. સામાન્ય ઘસરકો જ થયો હતો. એની ગરદન ઉપર લાલ નિશાન ઉપસી આવ્યું હતું. તીર વાગી જવાના ડરથી એ સ્ત્રી બેભાન થઈ હશે એવું રેમન્ડોએ ધારી લીધું. વધારે વાગ્યું છે કે નહિ એ તપાસવા માટે રેમન્ડોએ એ સ્ત્રીની ગરદન ઉપર હાથ મુક્યો. અને થોડોક નીચો નમ્યો. રેમન્ડો જેવો નીચો નમ્યો કે તરત જ એને પેલી સ્ત્રીના મોંઢામાંથી મદિરાની તીવ્ર વાસ આવી. રેમન્ડો પણ ક્યારેક ક્યારેક મદિરા પીતો હતો. પણ આવી ઉચ્ચ પ્રકારની મદિરાની વાસ રેમન્ડોએ પહેલીવાર અનુભવી હતી.
(નોંધ:- મદિરાનો મતલબ દારૂ અથવા શરાબ થાય છે.)
આવી ઉચ્ચ પ્રકારની મદિરા પીનાર સ્ત્રી તિબ્બુરની ખાસ હોવી જોઈએ. બાકી સામાન્ય રાણીઓ અથવા સ્ત્રીઓને આવી કિંમતી અને ઉચ્ચ પ્રકારની મદિરા મળવી મુશ્કેલ હતી.
રેમન્ડો આ સ્ત્રીને નીરખી રહ્યો હતો. એટલી વારમાં સરદાર સિમાંન્ધુ, આર્ટુબ,હિર્યાત તથા અન્ય સૈનિકો પણ ધીમે ધીમે દોરડા વડે અંદર આવી ગયા. ચાર પાંચ સૈનિકો હજુ નીચે હતા. ત્યાં તો તિબ્બુરના સૈનિકો આવી આવી ગયા. અને એમણે નીચે રહેલા રેમન્ડોના પાંચેય સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા. પોતાના સૈનિકોને પોતાની માટે કપાતા જોઈને રેમન્ડોને ખુબ જ દુઃખ થયું. નીચે ઉભેલા તિબ્બુરના સૈનિકો ઉપર ના આવે એ માટે રેમન્ડોએ નીચે લટકી રહેલું દોરડું ઉપર ખેંચી લીધું.
"સરદાર હવે શું કરીએ ? તિબ્બુરના સૈન્યને આપણે એના મહેલમાં ઘુસ્યા છીએ એ વાતની ખબર પડી ગઈ છે.' ચિંતાથી ઘેરાયેલા અવાજે આર્ટુબ બોલ્યો.
"જલ્દી આગળ વધો. પહેલા તિબ્બુરને શોધીને જીવતો પકડી લો. વચ્ચે આવે એને કાપી નાખો.જો એ આપણા અંકુશમાં હશે. તો આપણે સરળતાથી તિબ્બુરના સૈન્યને કાબુ રાખી શકીશું.!' સરદાર સિમાંન્ધુએ પહાડી અવાજ ગુંજી ઉઠ્યો.
સરદાર સિમાંન્ધુની આજ્ઞા થતાંની સાથે જ બધા ખંડની બહાર નીકળી ગયા. અને મહેલના દરેક ખંડમાં તિબ્બુરને શોધવા લાગ્યા. જે સૈનિકો વચ્ચે આવતા ગયા એમને ગાજર-મૂળાની જેમ કાપવા માંડ્યા. થોડીક વારમાં તો રેમન્ડો અને તેના સૈનિકોએ મહેલમાં હાહાકાર મચાવી દીધો. નીચેથી ઉપરની તરફ આવતા તિબ્બુરના સૈનિકો ઉપર રેમન્ડો વીજળી વેગે ત્રાટકતો અને બધાને ત્યાં જ ભોંયભેગા કરી નાખતો.
ખૂંખાર બનેલા રેમન્ડોના સૈનિકોએ તિબ્બુરના આખા સૈન્યને બે કલાકમાં તો ધૂળ ચાટતું કરી નાખ્યું. ત્યાં તો નીચેના એક ખંડમાંથી સૂઈ રહેલો તિબ્બુર જાગ્યો. પોતાનું સૈન્ય પરાજિત થઈ ગયું એ વાતની ખબર પડતા જ તિબ્બુર ભાંગી પડ્યો. એ એના ખંડના છુપા રસ્તે થઈને પેલા ભોંયરામાં ટુમ્બીયા પર્વત તરફ ભાગવા લાગ્યો.
રેમન્ડો અને એના સૈનિકો તો હજુ પણ તિબ્બુરને શોધી રહ્યા હતા. એટલામાં એક સ્ત્રી પાસેથી જાણવા મળ્યું કે તિબ્બુરે શાર્વીને એક ખંડમાં બંધ કરી રાખી છે. રેમન્ડો, હિર્યાત, સરદાર સિમાંન્ધુ તથા આર્ટુબ જલ્દીથી શાર્વીને મુક્ત કરાવવા માટે એ ખંડ તરફ આગળ વધ્યા. એ ખંડ છેક મહેલની નીચે એક ખૂણામાં હતો. બહાર દરવાજા ઉપર મોટુ તાળું મારી દેવામાં આવ્યું હતું.
તાળું ખુબ જ મજબૂત હતું. તૂટતું જ નહોતું. તાળું જલ્દી તૂટતું નહોતું એટલે અકળાયેલા રેમન્ડોએ દરવાજો તોડી નાખવાનો એના સૈનિકોને હુકમ કર્યો. બધા દરવાજો તોડવા મંડી પડ્યા અને થોડીકવારમાં તો દરવાજાને તોડી પાડ્યો. દરવાજો તૂટતાની સાથે જ રેમન્ડો એ ખંડમાં ઘૂસી ગયો. એ ઓરડાના એક ખૂણામાં પલંગ ઉપર આંસુઓથી ખરડાયેલા ચહેરે શાર્વી બેઠી હતી.
દરવાજો તૂટવાના અવાજથી શાર્વી ગભરાઈ ગઈ હતી. એનું શરીર થર-થર કંપી રહ્યું હતું. રેમન્ડો પાસે આવ્યો છતાં શાર્વી રેમન્ડોને ઓળખી શકી નહિ. રેમન્ડોએ નજીક જઈને શાર્વીને સ્પર્શ કર્યો. અને નીચું મોઢું કરીને આંસુ સારી રહેલી શાર્વીના ચહેરાને હળવેથી ઉપર ઉઠાવ્યો.
"શાર્વી.' દબાયેલા અવાજે રેમન્ડો બોલ્યો.
જાણીતો અવાજ સાંભળીને શાર્વીના મોંઢા ઉપર ચમક આવી. પાછળની રાતે એ રડી હતી. રડી-રડીને એની આંખો સૂઝી ગઈ હતી. શરીરમાં અશક્તિ આવી ગઈ હતી એટલે એની આંખો પરિચિત ચહેરાને ઓળખવામાં પણ અસમર્થ બની રહી હતી. બસ એ રેમન્ડોની સામે આંખો ફાડીને જોઈ રહી હતી.
"શાર્વી વ્હાલી હું રેમન્ડો છું.' રેમન્ડોનું નામ સાંભળતાની સાથે જ શાર્વીને એના પ્રેમી રેમન્ડો ચહેરો સ્પષ્ટ થવા માંડ્યો.
દુઃખી અને લાગણીઓથી ઘેરાયેલી શાર્વી રેમન્ડોને ભેંટી પડી. રેમન્ડોની આંખો પણ છલકાઈ ગઈ. ઓરડાના તૂટેલા દરવાજા પાસે ઉભેલા સરદાર સિમાંન્ધુ,હિર્યાત,આર્ટુબ તથા એમનાં સૈનિકોની આંખો પણ આ પ્રેમીઓનું મિલન જોઈને છલકાઈ ગઈ. ત્યાં તો એક સૈનિકે આવીને સરદાર સિમાંન્ધુને સમાચાર આપ્યા કે તિબ્બુર ભોંયરાના માર્ગે ટુમ્બીયા પહાડ તરફ ભાગી ગયો છે.
"શું તિબ્બુર ભાગી ગયો ? સરદાર સિમાંન્ધુ ગુસ્સાથી ધૂંધવાયેલા અવાજે બોલી ઉઠ્યા.
"એ હરામખોરને જીવતો નહિ જવા દઉં.' શાર્વીને બાહુપાશમાં જકડીને ઉભેલા રેમન્ડોએ ગર્જના કરી.
"રેમન્ડો.. બેટા શાર્વીની હાલત મને ઠીક નથી લાગી રહી. તું અને આર્ટુબ અહીંયા જ રહો. હું અને હિર્યાત તિબ્બુરની પાછળ જઈએ છીએ.' સરદાર સિમાંન્ધુ આટલું બોલ્યા અને તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. હિર્યાત પણ સરદારની પાછળ ચાલ્યો ગયો. થોડાંક સૈનિકો પણ સરદારની સાથે ગયા.
સરદાર અને હિર્યાત એમના સૈનિકો સાથે ઝડપથી ટુમ્બીયા પર્વત તરફ જવા નીકળી પડ્યા. ટુમ્બીયા પહાડથી તેઓ થોડેક દૂર હતા. ત્યા એમણે ખુલ્લા મેદાનમાં તિબ્બુરને બે ત્રણ યોદ્ધાઓ સાથે લડતો જોયો. એ યોદ્ધા બીજું કોઈ નહિ પણ અમ્બુરા અને વેલ્જીરિયા પ્રદેશના પહેલાના શરદાર અને શાર્વીના પિતા કમ્બુલા હતા.
તેઓ એમના સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં અમ્બુરા અને કમ્બુલાએ તિબ્બુરને પુરો કરી નાખ્યો હતો. સરદાર સિમાંન્ધુ અમ્બુરા અને કમ્બુલાની પાસે પહોંચ્યા ત્યારે અમ્બુરા અને કમ્બુલા એમને વહાલપૂર્વક ભેંટી પડ્યા.
રેમન્ડો અને શાર્વીએ જયારે જાતર્ક કબીલા તરફ પ્રસ્થાન કર્યું હતું ત્યારે અમ્બુરા બેભાન હતો. એક દિવસ પછી એ જયારે ભાનમાં આવ્યો ત્યારે સરદાર કમ્બુલાએ એને આગળની બધી વાતો (રેમન્ડોએ એને બચાવ્યો સુતર્બ જડીબુટ્ટીનું પ્રવાહી પીવડાવીને) કરી. અમ્બુરાએ તો મનોમન રેમન્ડોનો આભાર માન્યો હતો.
તિબ્બુરનો અંત થઈ ગયો. એટલે સમગ્ર વેલ્જીરિયા પ્રદેશમાં લોકો ઉત્સવ મનાવવા લાગ્યા. કમ્બુલાને ફરીથી વેલ્જીરિયા પ્રદેશના સરદાર ઘોષિત કરવામાં આવ્યા. રેમન્ડો અને શાર્વીના લગ્ન પણ થઈ ગયા. રેમન્ડોને વેલ્જીરિયા પ્રદેશનો સેનાપતિ બનાવવામાં આવ્યો.
ચારેય કબીલાના લોકો હવે સંપીને રહેવા લાગ્યા. કારણ કે રેમન્ડો જેવો વીર યોદ્ધો એમનો સેનાપતિ હતો. રેમન્ડોએ સેનાપતિ બન્યા બાદ આખા વેલ્જીરિયા પ્રાંતમાં ઘણા સુધારાઓ કર્યા અને સમગ્ર વેલ્જીરિયા પ્રાંતને હરિયાળો બનાવી દીધો. યુગાન્ડાની ભૂમિ ઉપર આવેલો વેલ્જીરિયા પ્રદેશ એના સુંદર પર્યાવરણ અને હરિયાળી માટે પ્રખ્યાત બન્યો.
પાછળથી આખા વેલ્જીરિયા પ્રદેશમાં રેમન્ડો અને શાર્વીની પ્રેમગાથા પ્રખ્યાત બની.
(સમાપ્ત)