રેમન્ડો એક યોદ્ધો - 6 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

રેમન્ડો એક યોદ્ધો - 6

રેમન્ડો અને શાર્વી જાતર્ક કબીલા તરફ
***********************



રેમન્ડો અમ્બુરાના શરીર સાથે ઝડપથી ગુફામાં ઘુસ્યો. એની પાછળ કમ્બુલા , શાર્વી , કમ્બુલાની પત્ની જેસ્વી અને એમની સાથે રહેલા સૈનિકો પણ ઝડપભેર ગુફામાં ઘુસ્યા. ગુફામાં પહેલેથી જ અંધારું તો હતું જ અને આ બધા એકસાથે ગુફામાં ઘુસ્યા એટલે એમના પગલાંના અવાજથી જોરદાર રીતે ગુફાની દીવાલો ધમધમી ઉઠી. રેમન્ડો પહેલા આ ગુફામાં જઈ આવ્યો હતો. પણ એ ઉતાવળમાં બધાને કહેવાનું ભૂલી ગયો કે ગુફાની અંદર અવાજ ના થાય એ રીતે પ્રેવેશ કરજો નહિતર આખી ગુફા દસઘણા અવાજથી ધમધમી ઉઠશે. આ ગુફાની રચના જ અજીબ રીતે થયેલી હતી જે પણ અવાજ થાય એ દસઘણો મોટો થઈને થોડીવાર સુધી ગુફાની દીવાલો સાથે પડઘાતો રહેતો.


રેમન્ડોએ ત્યાં પગથિયાં પાસે અમ્બુરાનું શરીર નીચે મૂક્યું અને એ પોતાના કાનમાં બન્ને આંગળીઓ ખોસીને ત્યાં જ બેસી ગયો.પણ બાકીના બધાને નીચે બેસાડવા કઈ રીતે.? કારણ કે અંધારું હતું એટલે ઇસારો કરે તો પણ કોઈને કંઈ દેખાય નહીં.અને બોલે તો ગુફામાં અવાજના જોરદાર પડઘા પડે.! એ ઉભો થયો અને હળવેકથી બાજુમાં ખસ્યો એણે આજુબાજુ હાથ ફેલાવ્યો. ત્યાં કોઈક ઉભું છે એવો અહેસાસ એને થયો એટલે એણે હળવે રહીને એ શરીરને સ્પર્શ કર્યો.એ શરીર શાર્વીનું હતું.


'અરે કોણ છે..?? અંધારામાં અજાણ્યા સ્પર્શથી ભયભીત બનેલી શાર્વી બોલી ઉઠી.


એક તો પહેલેથી જ ગુફામાં અંધારું હતું એટલે કંઈ દેખાતું નહોતું અને અંદર પ્રવેશ્યા ત્યારે ગુફામાં થયેલા પડઘાથી ત્રાસી ગયા હતા.ત્યાં તો કોઈકે સ્પર્શ કર્યો એટલે શાર્વી ડરેલા અવાજે જોરથી બોલી ઉઠી.શાર્વીનો આ અવાજ ફરીથી જોરદાર રીતે ગુફામાં પડઘાવા લાગ્યો. ફરી બધા એકદમ ત્રાસી ગયા.


હવે રેમન્ડો મૂંઝાયો. એ વિચારવા લાગ્યો જો આ રીતે એક એકને કાનમાં કહેવા જઈશ તો બધા ડરી જશે.એ જે થાય એ થવા દો. એકવાર ઉતાવળા અવાજે બધાને સમજાવી દઉં પછી શાંતિ.


'બધા એક વાતનું ખાસ ધ્યાન રાખો. કોઈએ પોતાની જગ્યા ઉપરથી હલન-ચલન ના કરવુ કે કોઈ પણ પ્રકારનો અવાજ ના કરવો.. નહિતર થોડીવારમાં જ આ અસહ્ય અવાજ સાંભળીને બધા બહેરા થઈ જશો.. હું હવે બહાર જઈ ગુફાની અંદર પ્રકાશ લાવવા માટે મશાલની વ્યવસ્થા કરી દઉં..' રેમન્ડો ધીમા અવાજે બોલ્યો.


એનો અવાજ થોડીવાર ગુફાની દીવાલો સાથે પડઘાતો રહ્યો અને પછી સમી ગયો. ત્યારબાદ ધીમે રહીને રેમન્ડો ગુફાની બહાર નીકળ્યો.


બહાર ચારે તરફ નજર કરી પણ કોઈ દેખાયું નહીં.કમ્બુલાનો પીછો કરવા આવેલા તિબ્બુરના સૈનિકો ખબર નહીં ક્યારે અહીંથી નીકળી ગયા. રેમન્ડોએ કમ્બુલાના સૈનિકો જે ખચ્ચર લઈને આવ્યા હતા ત્યાં તપાસ કરી.. ત્યાં અંધારામાં માંડ માંડ એક મશાલ એને હાથ લાગી. એણે મશાલ ઉઠાવી અને બે પથ્થરોને અથડાવી અગ્નિ પેટાવ્યો પછી મશાલ સળગાવી. પછી રેમન્ડો ધીમેથી ગુફામાં પ્રવેશ્યો ગુફાના મુખદ્વાર પાસે ઉભા રહી એણે ગુફાની અંદર ડોકિયું કર્યું. ત્યારબાદ ગુફાની અંદરની બાજુએ મશાલ ધરી. મશાલનો પ્રકાશ અંધારી ગુફામાં પડતાની સાથે ગુફામાં રહેલા સૌના ચહેરા દેખાવા લાગ્યા. રેમન્ડોએ બધાને બહાર આવવા ઇસારો કર્યો.જે સૈનિક છેલ્લે હતો એને અમ્બુરાના શરીર તરફ ઇસારો કરીને રેમન્ડોએ બહાર લાવવા સમજાવ્યું. પછી બધા ગુફાની બહાર આવી ગયા.


'રેમન્ડો તે આજે અમારા સૌનો જીવ બચાવ્યો છે.. હું સદાય તારો આભારી રહીશ..' સરદાર કમ્બુલા ગુફામાંથી બહાર આવી રેમન્ડોનો હાથ પોતાના હાથમાં લઈ ભીની આંખે બોલ્યો.


'અરે આપાજી એ મારી ફરજ હતી.. મેં ફક્ત મારી ફરજ જ બજાવી છે..' રેમન્ડો પોતાની પાસે ઉભેલા એક સૈનિકને પોતાના હાથમાં રહેલી મશાલ પકડાવી કમ્બુલાના બન્ને હાથ ચૂમી પોતાની આંખે લગાડતાં બોલ્યો.અને એ કમ્બુલાને ભેંટી પડ્યો. આ જોઈને શાર્વીની આંખમાં આંસુ આવી ગયા.


'રેમન્ડો હવે શું કરીશું આપણે આપણા પ્રદેશને દુષ્ટ તિબ્બુરના સંકજામાંથી મુક્ત કરાવવા માટે..? કમ્બુલાએ રેમન્ડોની આંખમાં આંખ પરોવી પૂછ્યું.


'હું જો મારા કબીલા સુધી પહોંચી જાઉં તો ત્યાંના લોકોને એકઠા કરીને તિબ્બુર સામે યુદ્ધ કરવાની કંઈક યોજના બનાવી શકું..' રેમન્ડો નીચે બેસતા બોલ્યો.


'હમ્મ..' રેમન્ડોની વાત સાંભળીને કંઈક વિચાર કરતો કમ્બુલા ત્યાં આમતેમ આંટા મારવા લાગ્યો.


'પિતાજી જો તમે રજા આપો તો હું અને રેમન્ડો જાતર્ક કબીલા તરફ જવા માટે રવાના થઈએ..' શાર્વી એના પિતા કમ્બુલા તરફ જોઈને બોલી.


'પણ બેટા તું.. રેમન્ડો સાથે....' થોથવાતા અવાજે કમ્બુલા બોલ્યો.


'અરે અહીં બેસી રહેવાથી કંઈ જ નથી થવાનું પિતાજી કંઈક કરવું પડશે અને એ પણ જલ્દી.. જો જલ્દી આપણે તિબ્બુર સામે યુદ્ધનો મોરચો નહીં માંડીએ તો દુષ્ટ તિબ્બુર પોતાની ધાક આપણા પ્રદેશના લોકોમાં એવી બેસાડી દેશે કે પછી આપણા લોકો એની સામે લડવાની વાત તો દૂર રહી પણ એની વિરુદ્ધ એક શબ્દ પણ નહીં ઉચ્ચારે..' શાર્વી કમ્બુલાને સમજાવતા બોલી.


'હા આપાજી ગરમ લોઢા ઉપર હથોડો ઝીંકી દઈએ.. હમણાં લોકો તિબ્બુર પ્રત્યે નફરતના ભાવથી જોવે છે. બધું શાંત થઈ ગયા પછી કંઈ નહીં વળે..' રેમન્ડો ઉભો થતાં બોલ્યો.


કમ્બુલા થોડોક સમય વિચારતો રહ્યો. પછી રેમન્ડો તરફ ફર્યો.

'રેમન્ડો તારા ઉપર મને વિશ્વાસ છે.. તું જરૂર આપણા પ્રદેશને મુક્ત કરાવીશ.. જાઓ અને હા.. શાર્વીનું ધ્યાન રાખજે જો એ ભૂલથી પણ તિબ્બુરના હાથે ચડી ગઈ તો એ દુષ્ટ એની સાથે બળજબરીથી લગ્ન કરી લેશે..' કમ્બુલા રેમન્ડોના ખભા ઉપર એના બન્ને હાથ ટેકવીને બોલ્યો.


'હું જીવીત હોઇશ ત્યાં સુધી શાર્વીને કોઈ નહીં અડકી શકે.. તમે ચિંતા ના કરતા..' રેમન્ડો કમ્બુલાને વચન આપતા બોલ્યો.


'પિતાજી તમે જરાય ચિંતા ના કરો.. જ્યાં સુધી આ વીર યોધ્ધો મારી સાથે હશે ત્યાં સુધી મને કંઈ જ નહીં થાય..' શાર્વીએ એના પિતાને કહ્યું અને પછી પ્રેમભીની આંખે રેમન્ડો તરફ જોયું. રેમન્ડો ધીમું હસીને નીચું જોઈ ગયો.


'આપાજી તમે બધા આ ગુફામાં જતાં રહો મશાલ લઈને.. પણ અંદર ગયા પછી અવાજ ના થાય એનું ધ્યાન રાખજો અને વધારે અંદર ના જતાં જોખમ છે આગળ.. લો આ પ્રવાહી સાથે રાખજો જયારે તરસ કે ભૂખ લાગે તો થોડુંક પી લેજો તરસ અને ભૂખ મટી જશે..' રેમન્ડોએ પોતાની પાસે રહેલું સુતર્બ જડીબુટ્ટીવાળું પ્રવાહી કમ્બુલાને આપતા કહ્યું.


પછી રેમન્ડો અને શાર્વી ખચ્ચર ઉપર સવાર થયા. અને નીકળી પડ્યા જે તરફ જાતર્ક કબીલાના લોકોનો વસવાટ હતો એ તરફ.


રાત જામતી જતી હતી. ચંદ્ર આજે અડધી રાતે આકાશમાં ખીલ્યો હતો. વાતાવરણ હળવી ઠંડીનો અહેસાન કરાવી રહ્યું હતું. રેમન્ડો અને શાર્વી મૂંગા મોઢે પોત-પોતાનું ખચ્ચર હંકાર્યે જતાં હતા.


જાતર્ક કબીલાના લોકોનો વસવાટ ટુમ્બીયા પહાડની ડાબી બાજુએ હતો. બન્નેના ખચ્ચરો એ તરફ ધીમેથી આગળ વધી રહ્યા હતા.


ત્યાં તો શાર્વીએ પોતાના પગરખા વડે ખચ્ચરને એડી મારી. શાંતપણે ચાલી રહેલું ખચ્ચર એડી વાગવાથી એકદમ ભડક્યું અને એકદમ દોડવા ગયું ત્યાં નીચે પડેલા મોટા લીસ્સા પથ્થર સાથે આગળના બન્ને પગ ઘસાયા અને ગબડી પડ્યું. શાર્વી ઉપરથી એક બાજુ ફંગોળાઈ અને ખચ્ચર બાજુમાં પડેલા મોટા ખાડામાં પડ્યું. રેમન્ડો ઝડપથી દોડીને શાર્વી પાસે ગયો.


'અરે શાર્વી તમને કંઈ વાગ્યું તો નથીને..?? રેમન્ડોએ ચિંતાતુર અવાજે શાર્વીને પૂછ્યું.


'કંઈ વધારે નથી થોડોક પછાડ વાગ્યો છે..' શાર્વીએ નીચે પડ્યા પડ્યા જ કહ્યું.


'તમારું ખચ્ચર તો ખાડામાં..' રેમન્ડો માંડ આટલું બોલ્યો.


'ખાડામાં પડ્યું.. કંઈ વાંધો નહીં આપણે બન્ને એક ખચ્ચર ઉપર સવારી કરી લઈશું.. ચાલો હવે મને ઉઠાવો અને તમારા ખચ્ચર ઉપર બેસાડો..' શાર્વી દર્દ ભરેલા અવાજે બોલી. એના મુખ ઉપરનું બનાવટી દર્દ રેમન્ડો પારખી ગયો. છતાં એણે શાર્વીને ઉંચકીને પોતાના ખચ્ચર ઉપર બેસાડી.પહેલીવાર કોઈ સ્ત્રીને આવીરીતે ઉંચકી એટલે રેમન્ડોના શરીરમાં ઝણહણાટ થવા લાગ્યો.


હવે પોતાને ક્યાં બેસવું એવું વિચાર કરતો રેમન્ડો ખચ્ચરની બાજુમાં ઉભો રહ્યો.


'અરે ચાલોને શું વિચારો છો તમે..?? શાર્વી ખચ્ચર ઉપર બેઠા બેઠા બોલી.


'હું બેસું કક્ ક્યાં..? રેમન્ડો થોથવાટ ભર્યા અવાજે બોલ્યો.


'ક્યાં મતલબ.. મારી પાછળ.. મને પીઠમાં વાગ્યું છે.. જો હું પાછળ બેઠી અને ફરી પડી ગઈ તો.. તમે મારા પિતાજીને શું જવાબ આપશો..' શાર્વી બોલી. એના શબ્દો રેમન્ડોના દિલની આરપાર નીકળી ગયા.


રેમન્ડો કૂદકો મારી શાર્વીની પાછળ ખચ્ચર ઉપર ચડી બેઠો. અને ખચ્ચરને હળવેકથી એડી મારી. પોતાના માલિકનો ઇસારો સમજી ખચ્ચર આગળ ચાલવા લાગ્યું.


(ક્રમશ)