રેમન્ડો એક યોદ્ધો - 7 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેમન્ડો એક યોદ્ધો - 7

શાર્વી થઈ બેભાન.
તિબ્બુરના સૈનિકો સાથે અથડામણ.
****************************

આખી રાત રેમન્ડો અને શાર્વીએ ખચ્ચર ઉપર બેસી મુસાફરી કરવામાં જ પસાર કરી દીધી.શાર્વી પોતાના દિલથી રેમન્ડોને એનો પ્રેમી માની ચુકી હતી. પણ પ્રેમની આ બાબત એ રેમન્ડો સમક્ષ રજુ કરી શકી નહોતી. ખચ્ચર ઉપર બેઠી-બેઠી શાર્વી પોતાના પ્રેમના ગીતો ગણગણી રહી હતી.

"દિલની જમીન ઉપર મહોબતની નદીના નીર છૂટ્યા છે,
લાગણીના પ્રવાહમાં આજે ઇશ્કના ફણગા ફૂટ્યા છે.!

પહેલા શાર્વીનું ખચ્ચર ગબડી પડ્યું હતું એના પછી આખી રાત શાર્વી અને રેમન્ડોએ ખચ્ચર ઉપર મુસાફરી કરી છતાં રાત દરમિયાન અન્ય કોઈ સમસ્યા સર્જાઈ નહોતી.

"શાર્વી થોડાંક નીચે ઉતરશો.! બિચારું આ ખચ્ચર આખી રાત આપણા બન્નેનું વજન ઉપાડીને થાકી ગયું છે. એને હવે થોડોક આરામ આપવો પડશે.' રેમન્ડો એક તળાવ કિનારે ખચ્ચર ઉભું રાખતા બોલ્યો.

"હા કેમ નહીં.' શાર્વી મીઠાસથી બોલી. અને પછી હળવેક રહીને ખચ્ચર ઉપરથી નીચે ઉતરી. નીચે ઉતરીને એ રેમન્ડો તરફ જોઈને મુસ્કુરાઈ. રેમન્ડોને આજે શાર્વીની આંખોમાં કંઈક અલગ જ ચમક દેખાતી હતી. એ સમજી નહોંતો શકતો કે શાર્વીના દિલ-દિમાગમાં શું રમી રહ્યું છે. બન્ને એકબીજા સામે એકીટશે આંખમાં આંખ પરોવીને જોઈ રહ્યા હતા.તેઓ આજે બધી જ સમસ્યા અને ભય ભૂલી ગયા હતા.

"આવીરીતે શું જોઈ રહ્યા છો ? શાર્વી ગળુ ખંખેરતા બોલી.

"હું કંઈ નહીં બસ એમજ.' રેમન્ડો બોલતા-બોલતા થોથવાઈ ગયો. અને પછી પાસે ઉભેલા ખચ્ચરને પંપાળવા લાગ્યો.

"અરે હવે આને આમ જ પંપાળતા રહેશો કે પછી એને પાણી પણ પીવડાવશો.! ધીમેથી હસી પડતા શાર્વી બોલી.

"હા પાણી તો પીવડાવવું જ પડશેને.' રેમન્ડો શાર્વી તરફ જોઈને હસી જતાં બોલ્યો. અને પછી એ ખચ્ચરને દોરીને કિનારાથી તળાવમાં પાણી પીવા માટે હંકારવા લાગ્યો.

"જુઓ તો ખરા એની હાલત કેવી થઈ ગઈ છે બિચારું આખી રાત આપણુ વજન ઉપાડીને ચાલ્યું છે એટલે એના મોઢામાંથી ફીણ ટપકી રહ્યા છે.' તળાવમાંથી પાણીનો ખોબો ભરીને ખચ્ચરની પીઠ ઉપર પાણી છાંટતા શાર્વી બોલી.

"હા હવે એને થોડોક આરામ પણ આપવો પડશે.' રેમન્ડો બોલ્યો.

જાતર્ક કબીલાની જ્યાંથી હદ શરૂ થતી હતી ત્યાં આ વિશાળ તળાવ હતું. તળાવના કિનારે વિશાળ વૃક્ષો ઉભા હતા. તળાવની ઊંડાઈ અને પહોળાઈ ખુબ જ વધારે હતી એટલે ચોમાસા અને શિયાળાની ઋતુ સિવાય ગરમીની મોસમમાં પણ આ તળાવમાંનું પાણી ક્યારેય ખૂટતું નહોતું.

"શાર્વી હવે અહીંથી અમારા કબીલાની હદ શરૂ થાય છે.' રેમન્ડો એક ઝાડના થડ સાથે ખચ્ચર બાંધતા બોલ્યો.

"તમારા કબીલાના સરદાર તો તમારા પિતાજી છે ને ? શાર્વીએ નીચે બેસીને પૂછ્યું.

"હા મારા પિતાજી સિમાન્ધુ અમારા કબીલાના સરદાર છે.' રેમન્ડો શાર્વીની બાજુમાં બેસતા બોલ્યો. અને પછી નીચું જોઈને નાનકડા લાકડા વડે જમીન ખોદવા લાગ્યો.

"તો તો આ પ્રદેશના રાજકુમાર તમે છો એમ ને ? શાર્વી ધીમું હસતા બોલી.

"મારે રાજકુમાર નથી થવું.! મારે તો બસ આપણા સમગ્ર પ્રદેશને ક્રૂર તિબ્બુરના સંકજામાંથી મુક્ત કરાવવો છે.' રેમન્ડો મક્કમ અવાજે બોલ્યો. તિબ્બુરના એક એક શબ્દ ઉપર એણે ભાર આપ્યો.

"હા આપણો પ્રદેશ તો આપણે મુક્ત કરાવવો જ પડશે. નહિતરક્રૂર માણસ આપણા આખા પ્રદેશને વેરાન અને ઉજ્જડ બનાવી મુકશે.' શાર્વી બોલી. એના શબ્દોમાં ચિંતા હતી.

"આપણે પણ ખુબ જ સાવચેતી રાખવી પડશે. મારા કબીલાના લોકોને જ્યાં સુધી મળી ના લઉં ત્યાં સુધી આપણે તિબ્બુરના સૈનિકોથી બચતા રહેવું પડશે.' રેમન્ડોએ શાર્વીને સચેત કરતા કહ્યું.

"હા તમારી વાત સાચી છે સાવચેતી તો રાખવી જ પડશે. નહિતર એ લોકોના હાથમાં પડ્યા તો આપણને મોત સિવાય બીજું કંઈહાંસિલ નહિ થાય.' શાર્વી રેમન્ડોની વાત સાથે સહમત થતાં બોલી.

બન્ને આમ વાતો કરી રહ્યા હતા ત્યાં તો દૂર કંઈક આવતું હોય એવી દડદડાટી સંભળાઈ. રેમન્ડો એકદમ ઉભો થઈ ગયો અને અવાજની દિશામાં કાન માંડ્યા.

"શાર્વી આફત.' રેમન્ડો ઝડપથી દોડીને ખચ્ચર પાસે ગયો અને ઝાડના થડ સાથે બાંધેલા ખચ્ચરને છોડીને એની ઉપર સવાર થઈ ગયો.

પહેલા તો રેમન્ડો શું કહેવા માંગે છે એ શાર્વી સમજી નહિ. પરંતુ રેમન્ડો એકદમ કૂદકો લગાવીને ખચ્ચર ઉપર સવાર થઈ ગઈ ત્યારે કંઈક અમંગળ ઘટના ઘટશે એવો શાર્વીને ખ્યાલ આવી ગયો. એ પણ ઝડપથી રેમન્ડોની આગળ ખચ્ચર ઉપર બેસી ગઈ. રેમન્ડોએ જોરથી ખચ્ચરને એડી મારી ખચ્ચર વેગ પકડીને દોડવા લાગ્યો.

તિબ્બુરના સૈનિકો પાછળ રેમન્ડો અને શાર્વીનો પીછો કરી રહ્યા હતા. શાર્વી આ વાતથી સાવ અજાણ હતી પણ રેમન્ડોને થોડીક આશંકા હતી કે તિબ્બુરના સૈનિકો જરૂર એમનો પીછો કરતા કરતા પાછળ આવી ચડશે. રેમન્ડો સાચા સમયે ચેતી ગયો અને શાર્વી સાથે ખચ્ચર ઉપર બેસીને ભાગી ગયો. આ બાજુ તિબ્બુરના સૈનિકો તળાવ કિનારે આવીને શાર્વી અને રેમન્ડોને શોધવા લાગ્યા.

"છટકી ગયા.' ખચ્ચર ઉપરથી નીચે ઉતરી જમીન ઉપરના નિશાન જોતાં તિબ્બુરનો એક સૈનિક બોલ્યો.

"તું જલ્દી ખચ્ચર ઉપર બેસ એ લોકો પાસે ખચ્ચર એક છે એટલે એ લોકો ભાગીને વધારે દૂર નહીં ગયા હોય. ચાલો જલ્દી પકડી પાડીએ.' બીજો સૈનિક બોલ્યો અને એણે પોતાના ખચ્ચરને એડી મારી.

શાર્વી અને રેમન્ડો જે તરફ ખચ્ચર ઉપર બેસીને ભાગી ગયા હતા એ તરફ તિબ્બુરના સાત-આઠ સૈનિકોની ટુકડીએ શાર્વી અને રેમન્ડોનો પીછો કરવા પોતાના ખચ્ચરો દોડાવ્યા.

"જો પેલા જાય.' એક સૈનિકે જોરથી બુમ પાડી.

મેદાની પ્રદેશ શરૂ થયો હતો એટલે શાર્વી અને રેમન્ડો ખચ્ચર ઉપર ભાગીને જઈ રહ્યા હતા એ તિબ્બુરના સૈનિકો જોઈ ગયા.બધા સૈનિકો પોતાના ખચ્ચરો તીવ્ર ગતિથી દોડાવવા લાગ્યા.

આ બાજુ તિબ્બુરના સૈનિકોના હાથે પકડાઈ જવાની બીકે રેમન્ડો પોતાના ખચ્ચરને એડી મારી તીવ્ર ગતિએ ભગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ખચ્ચર બિચારું આગળની રાતે પણ ચાલી-ચાલીને સાવ થાકી ગયું હતું. ઉપરથી હમણાં બે લોકોની સવારી લઈને દોડી રહ્યું હતું. રેમન્ડોએ ખચ્ચરને જલ્દી ભગાડવા માટે ફરીથી જોરથી એડી મારી. ખચ્ચર પોતાની દોડવાની ઝડપ વધારવા ગયું ત્યાં અચાનક એકદમ લથડ્યું અને બે ગડથોલીયા ખાઈને દૂર જઈ પડ્યું. રેમન્ડો અને શાર્વી પણ ખચ્ચર ઉપરથી નીચે પટકાયા.

નીચે પટકાતાની સાથે જ શાર્વી ચીસ પાડી ઉઠી પરંતુ રેમન્ડો ઉઠ્યો અને એણે કમરે વીંટાળેલી ચામડાની થેલી કાઢી અને પછી એ ગુફામાં સુતર્બ વનસ્પતિ થતી હતી ત્યાંથી શ્વેત ઘટ્ટ પ્રવાહી ભરીને આવ્યો હતો એ થોડુંક પીધું. એ પ્રવાહી પીતાંની સાથે જ રેમન્ડોના શરીરમાં નવી તાકાત આવી.

થોડીવારમાં તિબ્બુરના સૈનિકો આવી પહોંચ્યા. સૈનિકોએ આવતાની સાથે જ રેમન્ડો ઉપર હુમલો કરી દીધો. પેલું ઘટ્ટ શ્વેત પ્રવાહી પીધા બાદ રેમન્ડોના શરીરમાં નવી શક્તિનો સંચાર થયો હતો. એનું દિમાગ અને શરીર અનેકગણી ઝડપે કામ કરવા લાગી ગયા હતા.

રેમન્ડોએ તિબ્બુરના સૈનિકોને એમના જ ભાલાઓથી ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધા. તિબ્બુરના સૈનિકોને માર્યા બાદ એ શાર્વી પાસે આવ્યો. દોડી રહેલા ખચ્ચર ઉપરથી શાર્વી નીચે ફંગોળાઈ હતી. એને પછાડ વાગ્યો હતો. પડતાની સાથે જ શાર્વી ચીસ પાડીને બેભાન થઈ ગઈ હતી.

રેમન્ડોએ બેભાન શાર્વીને ઉઠાવી. અને તિબ્બુરના સૈનિકોને માર્યા બાદ જે ખચ્ચરો બાકી રહ્યા હતા એના ઉપર સવાર થઈને રેમન્ડોએ પોતાના કબીલા તરફ પ્રયાણ કર્યું.

રેમન્ડો ખચ્ચર ઉપર બેભાન શાર્વીને લઈને પોતાના કબીલા તરફ જઈ રહ્યો હતો. ખોળામાં બેભાન શાર્વીનું નિદોષ અને નિર્મળ મુખ જોઈને એના હ્નદયમાં અલગ જ પ્રકરના ભાવો જન્મી રહ્યા હતા.

"ક્યારે એ લાગણીનોને તું શબ્દોરૂપે મને કહીશ ?
જો હશે ઇશ્ક તો આ દિલમાં હંમેશા તું રહીશ.!

(ક્રમશ)