એ તો એવા જ છે... અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ તો એવા જ છે...

આળસ મરડીને શરીરને ઊંચું નીચું કર્યું, એક પાશા થી બીજા પાશા પર ફેરવ્યું, આંખ ઝીણી કરીને જોયું તો પથારી ખાલી હતી, એક સ્મિત આવી ગયું. ધીરે ધીરે બંને હાથને આંખો સામે લાવી હસ્ત દર્શન કરાવ્યું ને શરીરને બેઠું કર્યું. બંને હાથથી વાળને સહેલાવી સરખા કર્યા અને અંબોડો લીધો. પગ ને ફર્શ પર મૂકતાં પહેલાં મનોમન દર્શન કર્યાને સવાર પડી..

મંદ મુસ્કુરાઈ, ને અછડતી નજરે જોયું પણ નીર્લેપ. મે પણ હંમેશની જેમ મોહ ત્યજી દીધો, કામકાજમાં પરોવાઈ. કાન તો તત્પર જ હતા પણ ક્યારે ??

"એવા જ છે" આ વાક્યની માળા કદાચ આજે જલદી થઇ ગઇ હોય એવું લાગ્યું. દિવસ જ એવો હતો કે વારેવારે યાદ આવે કે ક્યારે એમને યાદ આવશે કે નહીં આવે ? આમને આમ સાંજ કે રાત પડી જશે તો શું થશે ? બીજા વર્ષ સુધી રાહ! મેં તો વચન આપી દીધું હતું એકવાર કે હું ક્યારેય યાદ નહીં કરાવું એટલે સવાલ જ ઉભો નથી થતો.

આ પુરુષો કેમ આવા જ હશે ? (કેટલાક ). યાદ હોય ને મનમાં નખરા કરતાં હશે કે પછી ખર્ચાને બચાવવા માંગતા હશે !! કદાચ સ્ત્રીની સહનશક્તિની હરેક ક્ષણે કસોટી કરવા માંગતા હશે !! પ્રેમ હોય પણ પ્રેમ દર્શાવાથી છુપાવતા હોય કદાચ ઈગો નડતો હશે. અરે ! આ તો દર વર્ષે આવે એમાં શું ? કોઈ તો એમ મનમાં બોલતા હશે માંડ માંડ ગયા વર્ષો, હાશ !! મારા પતિ એમ ઉવાંચે.

સમય સરકવા માંડ્યો, ઘડિયાળ એનું કામ કરતી રહી, મારાં હાથ યંત્રવત રોજિંદા કામ નિપટાવતા રહ્યા ત્યાં મારાં મોબાઈલમાંથી ધીમું સંગીત વાગી ઉઠ્યું ને મારાં હસ્ત એને લેવાં તત્પર બન્યાં. ત્યાં મધુર અવાઝમાં શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો હતો મેં થોડો ઝીલ્યો થોડો તાકજાકમાં પડી ગયો.. મેં દિલ ઉદાસ હોવાં છતાં દિલથી આભાર માન્યો...

મારાં આભાર ભર્યા શબ્દો સાંભળી પતિદેવ આવું છું કહીને બહાર તરફ પ્રયાણ આદર્યું....


પતિદેવ હસતા હસતા બહાર ગયા, મનમાં મલકાયા, આ મને શું સમજે છે, મને કશું યાદ નથી, જેના સાથે જિંદગીના પાંત્રીસ મધુર વર્ષો વિતાવ્યા આ સફરમાં, જાણે આજે મુલાકાત થઇ હોય, અત્યારે પણ મને એવો અહેસાસ થાય છે. મારા પર પ્રેમ અને લાગણી વરસાવે છે, હું સદા એમાં ભીંજાયેલો રહું છું. આજે કેવી રીતે જન્મદિવસ ભૂલી શકુ !! બસ સ્ત્રીને કેમ એવું જ લાગે કે મારા એ તો છે જ એવા, સાવ ભૂલકણા !!!

રસ્તા પર ચાલતા ચાલતા મનમાં વિચારી રહ્યા હતા કે આજે તો એના મનમાંથી અમારા એ તો છે જ એવા ભૂલકણા ભૂસી નાખું સરપ્રાઈઝ આપીને !!! ત્યાં જ એમનો દોસ્ત કહ્યા મુજબ નવી ગાડી કે જે મારી બહુ પ્રિય છે સ્વિફ્ટ ડીઝાઅર, લાલ રંગની, અને એમાં લાલ ચટક સાઈઠ ગુલાબ મારાં જન્મદિવસની ખુશીમાં.

હું પણ આજે એમને કેમ યાદ નાં આવે ? જેવા એ બહાર તરફ ગયા કે હું પણ ઉતાવળી બની યાદ કરાવાની વેત્રણમાં. સરસ મજાની લાલ સાડી પરિધાન કરી, વાળ તો મને ખુલ્લા જ ગમે, હવાથી ફરફર ઊડતાં વાળ હોય એટલે એ તરત જ સરખા કરે, લાલ ચટક બિંદીથી શોભતું મારું ભાલ મારી સુંદરતામાં વધારો કરે, મારા હોઠોને લિપસ્ટિકની જરૂર જ ના પડે એ તો પહેલેથીજ ગુલાબી છે. સાડી મારું મનપસંદ પરિધાન છે એમાં સ્ત્રી નિખરી ઉઠે. આજે મને સાડીમાં સુશોભિત જોઈને જરૂર યાદ આવશે કે આજે કઇ ખાસ છે !!!

હાથથી છુપાવેલા લાલ ચટક ગુલાબને મારા સામે ધરીને જન્મદિવસની શુભકામનાઓ વ્યક્ત કરી, ગુલાબને મારા કેશુઓમાં ગુંથ્યું. હાથમાં હાથ નાખીને કાર પાસે લાવી ચાવી ધરી, જેવી મેં કાર ખોલી સુંગધથી મન તરબતર થઇ ગયું. ગુલાબ પણ મારું સ્વાગત કરવા થનગની રહ્યા હતાં. એક પળમાં એટલું સાથે બની ગયું મારી કલ્પના બહારનું કે આટલા રોમેન્ટિક પણ થઇ ગયા અમારા એ..

બોલો હવે તો આ કહેવાનો હકક પણ છીનવાઈ ગયો.
અમારા એ તો એવા જ છે. બધું યાદ રહે..

""અમી""