"ઘરડી મા"
આ એક સત્ય ધટના પર આધારીત વાર્તા છે.
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર સવારે વહેલા 5.30 વાગે એક આંધળી 'મા' ને તેનો દિકરો ઉતારીને બાંકડા ઉપર બેસાડીને ચાલ્યો ગયો હતો તો સાંજના 7.30 વાગ્યા સુધી તે પરત ફર્યો ન હતો.
મા ની ધીરજ હવે ખૂટી ગઇ હતી. તેની આંખો ઉંમરને કારણે નબળી પડી ગઇ હતી તેથી તેને બરાબર દેખાતું પણ ન હતું. હમણાં આવું છું કહીને ગયેલો દિકરો રાત પડવા આવી તો પણ કેમ પાછો ન આવ્યો તે એક પ્રશ્નાર્થ ચિન્હ હતું. હવે માનાથી રહેવાયું નહિ એટલે તે રડવા લાગી. ક્યારની મનમાં ને મનમાં તો રડતી જ હતી પણ હવે તેના રુદનમાં પણ અવાજ ભળી ગયો અને તે જોર જોરથી રડવા લાગી. રેલ્વે સ્ટેશનના બાંકડા ઉપર બેઠેલી મા ને રડતાં ઘણાંબધાં મુસાફરો આવતા-જતા જોઈ રહ્યા હતા પણ કોઈ તેની પાસે જઇ તેનું રડવાનું કારણ પૂછી રહ્યું ન હતું.
એટલામાં ત્યાં એક ટ્રેઇનમાંથી એક બેન નીચે ઉતરી, તેને પણ ઘરે જવાનું મોડું થઈ રહ્યું હતું પણ છતાં તેને આ ઘરડી સ્ત્રીને રડતાં જોઇ તેની ખૂબ દયા આવી અને તે તેની પાસે ગઇ, તેની બાજુમાં બેઠી અને તે માજીને રડવાનું કારણ પૂછવા લાગી તો ખબર પડી કે, આ માજી તો કંઈક અલગ જ ભાષા બોલી રહ્યા હતા, જે હિંદી, ગુજરાતી કે ઇંગ્લિશ સિવાયની કોઈ ભાષા હતી.
પછી આ સ્ત્રી, જેનું નામ રેખાબેન હતું તેમણે આ માજીને ઇશારાથી પૂછવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે તેને આંખે બરાબર દેખાતું પણ નથી. પણ આ માજી એ ઇશારાથી રેખાબેનને સમજાવવાની કોશિશ કરી કે મારો દિકરો સવારના વહેલા મને અહીં આ બાંકડા ઉપર બેસાડીને ગયો છે તો હજી સુધી પાછો ફર્યો નથી.
રેખાબેનને માજીની ખૂબ ચિંતા થઇ કે હવે અત્યારે રાત થવા આવી છે અને આ માજી ક્યાં જશે એટલે તે રીક્ષા કરીને માજીને પોલીસ સ્ટેશને લઇ ગઇ ત્યાં તેને રાત રાખવામાં આવ્યા અને બીજે દિવસે સવારે બે-ચાર ભાષા જાણનાર દુભાષિયાને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો જેથી આ માજી ક્યાંના છે અને કેમ અહીં આવ્યા છે તેની જાણ થઇ શકે.
દુભાષિયાના આવ્યા પછી ખબર પડી કે, આ માજીનું નામ, ' રુદરી ' છે અને તે કર્ણાટકના છે અને કન્નાડા ભાષા બોલે છે. પછી આ માજીએ પોતાની આખી જીવન કહાણીની વાત કરતાં કહ્યું કે, " હું કર્ણાટકના એક નાનકડા ગામ ' કોલાર ' ની રહેવાસી છું અમે ખૂબ ગરીબ છીએ. મારા પતિ ત્યાં રીક્ષા ચલાવતા હતા, તેમનું અચાનક છ વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્યુ થયું.
મારે બે દિકરાઓ છે.દીકરી નથી. પહેલેથી ગરીબ એટલે માજી બે-ચાર ઘરના કામ કરી દિકરાઓને ભણાવી-ગણાવીને મોટા કર્યા, બંને દિકરાઓની ઉંમર થતાં તેમને પરણાવી દીધા. માજીના ઘરવાળા ગુજરી ગયા પછી, બંને દિકરાઓએ અને વહુઓએ માજીને ખૂબ વિતાડવાનું ચાલુ કર્યું હતું. માજી પંદર પંદર દિવસ બંનેના ઘરે રહેતા. ઘર પોતાનું હતું એટલે ઉપર મોટો દિકરો રહે છે અને નીચે નાનો દિકરો રહે છે. એમ એક જ ઘરમાં બંને દિકરાઓનો સમાવેશ થઇ ગયો હતો.
માજી જે દિકરાના ઘરે રહેતા ત્યાં તેમની વહુ તેમને આખા ઘરનું કામ કરાવતી અને પછી જ જમવાનું પણ આપતી. પણ માજીની મજબૂરી હતી કે જવું ક્યાં ? એટલે બંને વહુઓનો ત્રાસ સહન કરીને પણ બંને દિકરાઓના ત્યાં વારાફરથી રહેતા.
હવે માજીની ઉંમર વધતી જતી હતી એટલે તેમનાથી કામ પણ થતું ન હતું અને ધીમે ધીમે તેમની આંખોની દ્રષ્ટિ પણ ઓછી થતી જતી હતી. એટલે તે કામ કરી શકતા ન હતા. તેથી બંને દિકરાઓ અને બંને વહુઓ અંદર અંદર રોજ ઝઘડ્યા કરતા.
એક દિવસ મોટા દિકરાને અને તેની પત્નીને માજીને કારણે ખૂબ ઝઘડો થયો એટલે બીજે દિવસે મોટા દિકરાએ મા ને કહ્યું કે, " મા તને બરાબર દેખાતું નથી તો તારી આંખોની તપાસ કરાવવા અને સારવાર કરાવવા માટે મારે તને એક મોટી આંખની હોસ્પિટલમાં લઇ જવાની છે તો તું તારા બે-ચાર જોડી કપડા એક થેલીમાં ભરીને તૈયાર થઈ જા.
માજી એક થેલીમાં બે-ચાર જોડી કપડા ભરી તૈયાર થઈ ગયા હતા. તેમને કલ્પના પણ ન હતી કે આ રીતે મારો દિકરો મને રેલ્વે સ્ટેશને મૂકીને ચાલ્યો જશે. ઉપરથી માજીને તો દિકરાની ચિંતા થતી હતી કે રીક્ષા બોલાવવાનું કહીને ગયો છે અને પાછો નથી આવ્યો તો તેની સાથે કંઇ અજુગતુ તો નહિ થયું હોય ને..!!
માજીને તેમના ઘરનું એડ્રેસ, ફોન નંબર વગેરે પૂછવામાં આવ્યું પણ તેમને કંઇજ આવડતું ન હતું.
પછી પોલીસ સ્ટેશનમાં માજીને પૂછવામાં આવ્યું કે હવે તમારે શું કરવું છે, તમારા ગામમાં, તમારા ઘરે તમને મૂકી જઈએ, તમારે પાછા જવું છે ને ? કે પછી અહીં શહેરમાં તમારા જેવા નિરાધારને રહેવા માટે વૃધ્ધાશ્રમ ચાલે છે ત્યાં જવું છે. ?
તો તેમણે પોતાના ઘરે પોતાના દિકરાઓ પાસે જવાની ચોખ્ખી " ના " પાડી દીધી. અને રડતાં રડતાં કહેવા લાગ્યા કે, " જો મારા દિકરાઓને મને રાખવી જ હોત તો જુઠ્ઠું બોલીને અહીં મને આ રીતે ન મુકી જાત. એ લોકોએ મને રાખવી જ નથી માટે તો મને આટલે બધે દૂર પારકા પ્રદેશમાં મૂકી ગયા છે હવે મારે ત્યાં પાછું જવું નથી મને તમે કોઈ સારા વૃધ્ધાશ્રમમાં જ મોકલી આપો અને જે બેન મને અહીં મૂકી ગયા છે તેમને મારે મળવું છે. "
પોલીસ સ્ટેશનમાં રેખાબેનને બોલાવવામાં આવ્યા તો માજીએ પગે લાગીને તેમનો આભાર માનતાં કહ્યું કે, " તમારો ખૂબ ખૂબ આભાર બેન તમે મારી મદદ કરી. તમે ખૂબ સુખી થશો, તમારા દિકરાઓ તમને ખૂબ સારી રીતે રાખે તેવા મારા તમને આશીર્વાદ છે." અને રડી પડ્યા. અને તેમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવવામાં આવ્યા.
આપણાં માતા-પિતાની આપણે સેવા કરીએ, જેથી આવનારી પેઢી તે જુએ અને આપણને વૃધ્ધાશ્રમમાં ન મૂકી આવે. નમસ્કાર 🙏
-જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ