આપણે આગળ જોયું એ મુજબ મીરાં એકદમ શાંત થઈને ક્રિશના પરિવાર સાથે હસી મજાક કરી રહી છે. કુમુદને પણ આઘાત લાગે છે કે "આવું અચાનક કેમ થયું હશે?"
બધાએ સાથે મળી 'ડાકોરના ગોટા'ની મોજ માણી. મીરાં, સંધ્યા અને કુમુદના મનના દ્રંદ્ર ચાલુ જ રહ્યાં. લગભગ નવ વાગ્યા હતા અને ક્રિશ અને રૂહી હવે વિદાય લઈ રહ્યાં હતાં. બધાએ ખૂબ જ ઉમળકાથી રૂહીને અપનાવી. ક્રિશ સાધારણ પરિવારનું સંતાન હતું એટલે એના જીવનમાં ખોટો ભપકો ક્યાંય જ ન હતો. જતાં જતાં રૂહી અને ક્રિશ એ આખા પરિવારને પોતાને ત્યાં રાખેલા 'ડીનર'નું આમંત્રણ આપીને જાય છે.
મહેમાનના ગયા પછી બધું કામ સમેટીને સંધ્યા ફ્રેશ થઈને મીરાંના રૂમ તરફ જાય છે. આ દ્રશ્ય કુમુદ જુએ છે. એ પણ થોડીવાર પછી એ પોતાના રૂમના બારણાની બહાર ધ્યાન રાખે છે. પોતે કોઈના સાથ વગર ચાલી શકતી ન હતી એટલે એ મીરાંના રૂમ સુધી પહોંચી શકે એમ ન હતી. નહિંતર તો એ પળવારમાં જ-
આ બાજુ મીરાંનું બારણું બંધ હતું. એ હળવેથી દાખલ થાય છે. મીરાં અરીસામાંથી જ સંધ્યાને જોવે છે. એ બેડ પર બેસી જાય છે સાથે એની સખી સરખી ભાભી પણ. ધીમો ધીમો અવાજ એ બંનેની વાતનો સંભળાઈ રહ્યો હતો.
સંધ્યા :" મીરાં, તું ઠીક તો છે ને!"
મીરાં : " હાં, કેમ આવું પૂછવું પડ્યું?"
" તું કોનાથી છુપાવે છે તારું માનસિક યુદ્ધ, બોલ તો જરા..( આમ કહી મીરાંને એની સામે નજર મેળવવાની કોશિશ કરતી હોય એમ)
" ભાભી, મેં તો ખાલી એક જ રાતનું સપનું જોયુ હતું. એ તૂટે એમાં હારી જાઉં એ હું નહીં."( મીરાંએ દ્રઢતાથી જવાબ આપ્યો.)
"બોલ હવે આપણે આગળ શું વિચારવાનું છે?" ( મીરાંના વાળને સરખા કરતા કરતા)
" ભાભી, આ વાતની ખરાઈ મારા મોરપંખે આપી દીધી હતી. હું જ્યારે ઉપર આવી ત્યારે. એ જરા પણ નહોતું ઈચ્છતું મને ક્રિશની સાથે."(આમ કહી એ બેડની નીચે ઊંડે સુધી પડેલા મોરપંખને લાકડીની મદદથી ખેંચવા પ્રયાસ કરે છે.)
"એટલે?" ( સંધ્યા પણ મીરાંની સાથે જમીન પર પાથરેલી જાજમ પર જ બેડના ટેકે બેસી જાય છે.)
" ભાભી, ક્રિશના સાથના સપનાને હું ન જોવ એ જણાવવા આ મારો જીવ અહીં નીચે દૂર દૂર સરકી ગયું હતું. ( મોરપંખને ગાલ પર ફેરવતા ફેરવતા આંખ બંધ કરીને બોલે છે.)
"અહાહાહા,તો તમે બેય રોજ વાતો પણ કરો છો એમ ને!"
( ભાભીએ મીરાંને ગાલે ચૂંટલી ખણીને કહ્યું.)
" હા, તમારે કંઈ પૂછવું હોય તો કહો જલ્દી... હમણાં જવાબ મળી જશે." ( મોરપંખ પર હક જમાવતા જણાવ્યું.)
" તો પછી તમને ફઈબા કહેનાર ભત્રીજો કે ભત્રીજી કોણ પહેલા પગલી પાડશે એ કહો."( શરમાઈને પોતાના પેટ પર હાથ ફેરવતા બોલે છે.)
" ભાભી, એટલે તમે-"( બેય એકબીજાને ભેટી પડે છે.)
બન્ને સહેલી સરીખી એકબીજાનો હાથ પકડી હસે છે અને મીરાં તો એના જેવી જ ભત્રીજી આવે એવી ઈચ્છા જણાવે છે. થોડીવાર પછી બેય એકબીજાને શાંતિથી સુવાની સલાહ આપતી અલગ થાય છે. આ વાત સાંભળ્યા પછી તો બારણાની બહાર સાંભળતી કુમુદ પણ જલ્દી એના રૂમ તરફ ભાગે છે. એ એની બારીમાંથી સંધ્યાને હસતા હસતા એના રૂમ તરફ જતી જોવે છે.
કુમુદ અને રાહુલભાઈના રૂમ નીચે જ હોય છે. મીરાં માટે તો સરસ સમાચાર હતાં. એ પોતે નવા મહેમાનના આગમનની કલ્પનામાં જ સૂઈ જાય છે. વહેલી સવારે 'શંખ' ફૂંકાવાના અવાજથી મીરાંની ઊંઘ ઊડી જાય છે.
'ઓહહહહ, કેટલું મોડું થયું!' એમ વિચારી એ જલ્દીથી ફ્રેશ થઈને દાદર ઊતરી નીચે જાય છે.
એ દાદર ઊતરે છે કે સામે જ કુમુદનો ચહેરો દેખાય છે. બધા પૂજા કરી નાસ્તા માટે ગોઠવાય છે. કુમુદ બ્રેડ પર બટર લગાવતા લગાવતા બોલે છે કે " આ ઘરમાં હવે રાત્રે પણ ખાનગી મિટિંગ ગોઠવાય છે. જાણે કોના વિરુદ્ધ શું કાવતરા રચાતા હશે. કદાચ આ ઘરના તમામ સભ્યોને વેર વિખેર કરવાના ખોટા આયોજન.."
બધા એકબીજાની સામે જુએ છે. કોઈને કંઈ સમજાતું નથી. રીટાથી નથી રહેવાતું એ પૂછે છે "કોની વાત કરો છો ?બેનબા.."
"પૂછો તમારી લાડકીને ! એ ને આપણા સંધ્યા વહુ અડધી રાતે મીરાંના રૂમમાં શેની ચર્ચા કરતા હતા." ( કુમુદને એમ કે ક્રિશ સાથે સંબંધ ન ગોઠવાયો એટલે મીરાં પોતાની ભાભીના ખોળે મન મૂકીને રડી હશે.)
સંધ્યા અને મીરાં એકબીજાને ફાટી આંખે જોઈ રહે છે. એ બન્નેએ તો કોઈ જ ખોટી વાત નહોતી કરી. તો પછી આ બધું શું કામ?
"અરે એ તો છે ને પપ્પા, એવું છે ને કે તમે અને રાજુકાકા, મમ્મી અને રીટા આંટી તમે બધા હવે બુઢ્ઢા થઈ ગયા છો એવું ફીલ કરાવવા 'નવું મહેમાન' આવી રહ્યું છે. મોહિતભાઈ આ 'ગુડ ન્યુઝ' માટે હું તો ભારતભ્રમણની ટિકિટ જ માંગીશ..લાવો ચલો પહેલા એ ...એમ કહી એ મોહિતનો કાન ખેંચે છે..
આગળના ભાગમાં જોઈએ કે ભારતભ્રમણની ઘેલછા હવે પૂરી થશે કે કેમ ...
------------ (ક્રમશઃ) ---------------
લેખક : શિતલ માલાણી
મંગળવાર
૩/૧૧/૨૦૨૦