આગળ જોયું કે બન્ને ભાઈઓ ઘરે પહોંચે છે. બધા એમને સહીસલામત જોઈ ખુશ થાય છે અને સાથે સાથે ભગવાનનો પણ આભાર માને છે. મીરાં અને કુમુદને મોરપંખ બાબતે થોડી રકઝક થાય છે. હવે આગળ...
સવારના આહલાદક વાતાવરણમાં મીરાં નાહીધોઈને ગાર્ડનમાં લટાર મારતી હતી. ત્યાં જ એના પપ્પા આવે છે. આજ પપ્પા અને મીરાં એકલા જ બેઠા હોય છે. આજ કોણ જાણે એક બાપ એની પોતાની દીકરી સાથે હળવાશથી વાત કરે છે અને પૂછે છે કે...
" મીરાં, મને જ્યારે મુંબઈમાં તબિયત બગડી રહી હતી એવો અણસાર આવ્યો કે મેં ફોન કરવાની કોશિશ કરી અને જે થવાનું હતું એ થઈ ગયું...બાકી આગળ તું જાણે જ છે...ને ...." (આમ કહી મીરાંના માથા પર હાથ ફેરવે છે.)
મીરાં : " પપ્પા, ક્યાં સુધી એ દુઃખદ વાત યાદ કરશો. જોવો તો ખરા, આપણે અત્યારે સાથે બેઠા છીએ.."
" તને ખબર છે એ સમયે હું કોને ફોન કરતો હતો ?"
" તને જ મારી દીકરી ! મને એમ થયું કે મારી દીકરીનું શું થશે જો હું આ દુનિયામાં નહીં હોવ તો ! "( આંખના ખૂણા લૂછતા)
" પપ્પા, તમે મને પણ રડાવશો હોં ! "
બન્ને એકબીજાને ભેટીને રડે છે. આ દ્રશ્ય મોહિત અને સંધ્યા જુએ છે. એ બેયને એકસાથે જ વિચાર આવે છે કે 'હજી તો મીરાંને ભારતમાં વસવું છે. કઈ રીતે શક્ય બનશે આ બધું?'
મીરાં માટે હવે મૂરતિયાની શોધ ચાલું થઈ ગઈ છે. માંગા તો સારા સારા આવતા હતા પણ બધાને અમેરિકામાં સામે આવવું હતું. કોઈને ભારતમાં રહેવું જ નહોતું. મીરાંને આ વાતે વિચાર આવતો હતો કે ' આવી કેવી ઘેલછા રૂપિયાની ! જ્યાં માવતરને છોડવા પણ વ્યક્તિ રાજી થઈ જાય.' ઘરમાં જેટલા છોકરા મીરાંને જોવા આવતા એમાં બધાને કંઈક ખામીઓ દેખાતી. એક 'કુમુદ' જ એવી હતી કે એને બધા સાથે મીરાંનું બરાબર જ ગોઠવાઈ જશે એવું લાગતું.
એક દિવસ રવિવારની સાંજનો સમય હતો. આખો પરિવાર સાથે બેસીને ગપસપ કરી રહ્યું હતું. સંધ્યા અને રીટા (મીરાંના આંટી) બધા માટે ચા બનાવીને લાવે છે. ત્યાં જ રાજુભાઈના ફોનમાં કોઈનો કોલ આવે છે. મીરાં ચાનો કપ આપતી વખતે જુએ છે કે 'અંકલ કોઈ સાથે હસી હસીને વાત કરી રહ્યા છે ' અને ખુશ થઈને કહે પણ છે કે "આવો ,આવો અમે બધા ઘરે જ છીએ.તમારી જ રાહ જોવાઈ રહી છે."
રીટા પૂછે છે, "કોણ મહેમાન આવી રહ્યું છે કહો તો ખરા?"
" એને મળશો એટલે એની વાતોથી બધા રડશો. આજ એ વ્યક્તિને લીધે જ આપણે બધા સાથે બેઠા છીએ. 'મીરાં' ! જલ્દી જઈને સરસ નાસ્તો બનાવો ગરમ ગરમ.. હમણાં જ મહેમાન આવશે."
" હા, અંકલ. " ( મીરાં ફટાફટ જાય છે. સંધ્યા અને રીટા પણ જાય છે.)
" કોણ આવે છે... નાનકા" (કુમુદને જાણવાની તાલાવેલી લાગી છે.)
" તું તો એના પગ ધોજે... માતાજી ! ( હસતા હસતા રાજુભાઈ જવાબ આપે છે.)
" ન કહે તો કાંઈ નહીં ! ભગવાને બે દીવા જેવી આંખો દીધી છે. હું જાતે જ જોઈ લઈશ." ( છણકો કરતાં કરતાં)
" શું બેનબા તમે પણ વાત વાતમાં રિસાતા હો. ( રાજવી વાતને વાળતા કહે છે.)
" કુમુદ, આપણે કાંઈ કોઈની ઉપાધિ ન કરવી. જે આપે એ ખાઈ લેવું. જે કહે એ સાંભળી લેવું અને જે થાય એ મુંગા મોઢે જોયા કરવાનું."( રાહુલભાઈ શાંતિથી સમજાવે છે.)
"શું હું કાંઈ જનાવર છું? તમે લોકો તો મને કાંઈ સમજતા જ નથી. મારે કાંઈ બોલવાનું જ નહીં એમ ને! " ( આમ કહી રસોડા તરફ પોતાની વ્હીલચેર ઝડપથી દોડાવે છે.)
રસોડામાંથી સરસ તીખી તીખી સુગંધ આવી રહી છે. મિકસરનો અવાજ પણ આવી રહ્યો છે. રસોડામાં 'ડાકોરના ગોટા અને લીલી ચટણી' લગભગ તૈયાર જ છે. હવે તો મહેમાન આવે એટલી વાર છે. 'ગોટા, ચટણી અને ચટપટી કઢીની સોડમ બહાર ગાર્ડનમાં પણ ફેલાઈ ગઈ છે. સંધ્યા અને મીરાં બધા માટે પ્લેટ તૈયાર કરી રાખે છે..
" આવો ,આવો " એવો અવાજ સંભળાય છે. મીરાં અને સંધ્યા બેય બારીમાંથી ડોકિયું કરીને જુએ છે કે 'કોના માટે આટલી બધી જલ્દી જલ્દી તૈયારી કરાવી અંકલે.' રીટા તો પાણીનો જગ લઈ નોકરને ગ્લાસ લાવવાની સૂચના આપે છે.
------------ ( ક્રમશઃ) ------------