ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 23 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 23

જંગલી વરુના દાંત મેરીના પગની ઘૂંટણના નીચેના ભાગે ઊંડે સુધી ખૂંપી ગયા હતા. આવી અસહ્ય વેદના સહન ના થતાં મેરી ચીસ પાડીને બેભાન થઈ ગઈ હતી. રોબર્ટ ફાટી આંખે મેરી તરફ જોઈ રહ્યો હતો. મેરીના બેભાન શરીરની પાસે પેલું જંગલી વરુ નિષ્પ્રાણ થઈને પાડ્યું હતું. રોબર્ટની લાકડીના બે જોરદાર ફટકા વરુના માથા ઉપર પડ્યા એટલે વરુના શરીરમાંથી પ્રાણપંખેરું ઉડી ગયું હતું.


આછું અંધારું હવે ગાઢ થઈ રહ્યું હતું. આજુબાજુ મોટુ ઘાસ હતું એટલે જીવજંતુઓ રોબર્ટને પરેશાન કરી રહ્યા હતા. મેરી બેભાન થઈ ગઈ એટલે રોબર્ટનો ચહેરો તો સાવ ઉતરી ગયો હતો. રોબર્ટ ઉભો અને એણે બેભાન મેરીને પોતાના બન્ને હાથ વડે ઉઠાવી. અને તળાવની તરફની દિશામાં ચાલવા લાગ્યો. ઘાસમાંથી આમ તેમ ઉડી રહેલા જીવડાંઓ રોબર્ટ અને મેરીના મોંઢા ઉપર બેસતા હતા. મેરી બેભાન હતી. એટલે એના ઉપર તો જીવડાંઓની કંઈ અસર થતી નહોતી. પરંતુ મેરીને બન્ને હાથે ઊંચકીને ચાલી રહેલો રોબર્ટ આ જીવજંતુઓથી હેરાન પરેશાન થઈ ગયો હતો. કારણ કે રોબર્ટ પોતાના બન્ને હાથે મેરીને ઉંચકીને ચાલી રહ્યો હતો એટલે એ પોતાના મોંઢા ઉપર બેસી રહેલા જીવડાંઓને દૂર કરી શકતો નહોંતો.


બેભાન મેરીને ઊંચકીને ચાલી રહેલો રોબર્ટ જેમ-તેમ કરીને મોટા ઘાસના મેદાનમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં તળાવ તરફ આગળ વધ્યો. હવે તળાવ થોડુંક જ દૂર હતું. રોબર્ટ છેક સવારે જમ્યો હતો એટલે ચાલી રહેલા એના પગ લથડિયાં ખાઈ રહ્યા હતા.


તળાવના કિનારે આવીને રોબર્ટે મેરીના શરીરને નીચે મૂક્યું. અને થોડીકવાર થાક ખાવા માટે બેઠો. શ્વાસ હેઠા બેઠા એટલે એ ઉભો થયો. ઉભો થઈને એ જેવો મેરીને ઊંચકવા ગયો ત્યાં તો અંધારામાં ત્રણ ચાર આકૃતિઓ એની સામે ઘસી આવી. એકદમ આવો હુમલો થયો એટલે રોબર્ટ હેતબાઈ ગયો. જયારે એ આકૃતિ એની સાવ પાસે આવી ત્યારે એ આકૃતિઓને ઓળખી શક્યો. એ ઘસી આવનાર એ આકૃતિ જંગલી કુતરાઓ હતા.


જંગલી કુતરાઓ લાળ ટપકાવતા રોબર્ટની સામે તાકી રહ્યા. રોબર્ટની લાકડી પણ એણે જ્યાં વરુ માર્યું હતું ત્યાં રહી ગઈ હતી. જંગલી કુતરાઓ બહુજ ખરાબ અને ખૂંખાર હોય છે એ વાતની રોબર્ટને ખબર હતી.આ આફતમાંથી કેવીરીતે છુટકારો મેળવવો એ વિશે રોબર્ટનું મગજ ઝડપીથી વિચારવા લાગ્યું. રોબર્ટ હજુ વિચારતો હતો ત્યાં એક કુતરાએ રોબર્ટની ઉપર છલાંગ લગાવી.ડરના કારણે રોબર્ટ એકદમ પાછળ હટ્યો અને એણે એની ઉપર જે કુતરાએ તરાપ મારી હતી એના બન્ને પગ પાછળથી પકડી લીધા. પછી જીવ ઉપર આવી જઈને એ કુતરાને હવામાં ગોળ ગોળ ઘુમાવ્યો અને દૂર છુટ્ટો ઘા કર્યો. પેલો કૂતરો જેવો રોબર્ટના હાથમાંથી છૂટ્યો એવો બંદૂકની ગોળી છૂટે એવી રીતે ઝડપથી ભાગી ગયો. એની પાછળ બીજા બે હતા એ પણ ભાગી ગયા.


જંગલી કુતરાઓના ગયા પછી રોબર્ટે રાહતનો શ્વાસ લીધો. ત્યાં તો મેરી ભાનમાં આવી ગઈ અને એ વેદનાથી કણસવા લાગી. વરુના દાંત પગમાં જ્યાં ઘૂસી ગયા હતા ત્યાં મેરીને અસહ્ય વેદના થઈ રહી હતી. અને સાથોસાથ ભૂખ પણ ખુબ જ લાગી હતી.


"રોબર્ટ મને બહુજ ભૂખ લાગી છે.' મેરી વેદનાભર્યા અવાજે બોલી.


"હા વ્હાલી પહેલા હું તને માંચડા ઉપર સુવડાવી દઉં પછી કંઈક ખાવાનું શોધી લાવું.' રોબર્ટ પાંદડાઓ મસળીને મેરીના પગ ઉપર લગાડતા બોલ્યો.


રોબર્ટે ફરીથી મેરીને ઊંચકી લીધી. આ વખતે મેરી ભાનમાં હતી એટલે રોબર્ટે એને ઉંચકી ત્યારે મેરીના પગમાં દુખાવો થયો. દુખાવો થયો એટલે મેરીએ ઉંહકારો કર્યો. ત્યારબાદ રોબર્ટ મેરીને વેલાઓ દ્વારા બનાવેલી નિસરણીએ થઈને માંડ માંડ માંચડા ઉપર ચડ્યો. મેરીને માંચડા ઉપર સરખી રીતે સુવડાવીને રોબર્ટ પાછો ફરીથી ખાવાનું શોધવા માટે માંચડા ઉપરથી નીચે ઉતરીને અંધારામાં આગળ વધવા લાગ્યો.



**********************************



જ્હોન,ગર્ગ,માર્ટિન તથા એન્થોલી અચરજ ભરી નજરે વિલીયમ હાર્ડીની પ્રેમિકા માયરા સામે તાકી રહ્યા.


"તમે વિલિયમ હાર્ડીની પ્રેમિકા છો તો પછી વિલિયમ હાર્ડી ક્યાં છે ? માર્ટિને માયરાને પ્રશ્ન કર્યો.


"હાર્ડી હમણાં અહીંયા નથી.' માયરાએ માર્ટિન સામે જોઈને કહ્યું.


"હાર્ડી અહીંયા નથી તો ક્યાં ગયા ? આ વખતે ગર્ગે પ્રશ્ન કર્યો.


"હાર્ડીને આ જંગલના મસાઈ લોકોએ કેદ કરી રાખ્યો છે અને એ એને છોડવાના બદલામાં ઘણા બધા હાથીદાંત માંગે છે.' માયરા નિરાશ અવાજે બોલી.


"હાથીદાંત.' ચૂપ બેઠેલો જ્હોન બબડ્યો.


"હા એ મસાઈ લોકોને હાથીદાંત જોઈએ છે જો આપણે એમને ક્યાંકથી હાથીદાંત લાવી આપીએ તો એ લોકો હાર્ડીને મુક્ત કરે.' માયરા ફરીથી બોલી.


"હાથીદાંત તો ઠીક છે પણ તમે અને હાર્ડી મળ્યા કેવીરીતે અને આ નગર કોણે બનાવ્યું છે ? ગર્ગે માયરાને પૂછ્યું.


"એ બધું હું તમને પછી કહી દઇશ. તમે હમણાં હાથીદાંત કેવીરીતે લાવવા એ વાત ઉપર વિચારો. કારણ કે જો મસાઈ લોકોને આપણે દસ દિવસમાં હાથીદાંત નહીં લાવી આપીએ તો એ લોકો હાર્ડીને નુકશાન પહોંચાડી શકે છે.' માયરા ગંભીર અવાજે બોલી.


"હાથીદાંત માટે તો જંગલમાં ઘણી બધી રઝળપાટ કરવી પડશે.' એન્થોલી ઊંડું વિચારીને બોલ્યા.


"રઝળપાટ કરવી પડે તો કરવી પડે પરંતુ હાર્ડીને તો એ લોકોના ચુંગાલમાંથી છોડાવવા પડશે ને.' માયરા મક્કમ અવાજે બોલી.


બધા ઊંચા વિચારમાં પડી ગયા. હાથીના દાંત ક્યાંથી લાવવા એ પ્રશ્ન બધા મગજમાં ચકરાવા લાગ્યો.


"હાથીદાંત માટે તો હાથીઓનો શિકાર કરવો પડશે.!' ગર્ગ બબડ્યો.


"હા શિકાર પણ કરવો પડશે.' માયરા ધીમેંથી બોલી.


"અહીંયા આજુબાજુના જંગલમાં ક્યાંય હાથીઓ છે ? માર્ટિને પ્રશ્ન કર્યો.


"હા આ જ જંગલમાં હાથીઓના ઘણા બધા ઝુંડ ફરે છે.' માયરાએ શાંતિથી જવાબ આપ્યો.


હાથીનો શિકાર કરીને એમાંથી હાથીદાંત કાઢવા એ કોઈ નાની સુની વાત તો નહોતી જ. જ્હોન હાથીદાંત ક્યાંથી મળશે એ બાબત વિચારવા લાગ્યો.માર્ટિન તો હજુ પણ
માયરા સામે જ તાકી રહ્યો હતો.


.
"રાત બહુ થઈ ગઈ છે હવે તમે બધા આરામ કરો કાલે વહેલી સવારે બધાએ હાથીદાંતની શોધમાં જવાનું છે.' માયરા બધા સામે જોઈને ફીકુ હસતા બોલી.


માયરા સામેના મકાનમાં પેલા દરવાજામાં થઈને ચાલી ગઈ. ગર્ગ,જ્હોન,માર્ટિન અને એન્થોલી પણ ખુબ જ થાકેલા હતા સવારથી જ એટલે એમણે પણ ત્યાં જ લંબાવી દીધું. પછી બધા ઊંઘમાં સરી પડ્યા.


(ક્રમશ)