ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 21 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 21

તળાવ કિનારે રોબર્ટ અને મેરીનું નવું રહેઠાણ માંચડો.
******************************




સવારે રોબર્ટ અને મેરી ઉઠ્યા ત્યારે બધા હાથીઓ તળાવના પાણીમાં સૂંઢમાં પાણી ભરીને એકબીજા ઉપર પાણી ફેંકતા નાહી રહ્યા હતા. રાતે જે માદા હાથીએ બચ્ચાને જન્મ આપ્યો હતો એ માદા હાથી પોતાના બચ્ચા ઉપર વહાલપૂર્વક સૂંઢ ફેરવી રહી હતી.


"રોબર્ટ આ બચ્ચું કેટલું સુંદર છે નહીં ? માદા હાથીની સૂંઢ સાથે ગમ્મત કરી રહેલા નાનકડા બચ્ચા તરફ જોઈને મેરી બોલી.


"હા હજુ તો રાતે જ જનમ્યુ છે અને કેટલી મસ્તી કરી રહ્યું છે એની મા સાથે.' રોબર્ટ હસતા બોલ્યો.


હાથીનું બચ્ચું પોતાની માની સૂંઢમાં પોતાની નાનકડી સૂંઢ ભરાવવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ એની સૂંઢ એની માની સૂંઢ ખુબ જ નાની હતી.


"તને તો હાથીના બચ્ચાઓ બહુજ ગમે છે ને મેરી ? રોબર્ટે તળાવમાં નાહી રહેલા હાથીઓના ઝુંડ ઉપર એક નજર નાખીને મેરીને પૂછ્યું.


"હા બહુજ ગમે છે. જો પેલું કેવીરીતે ઊંચી સૂંઢ કરીને દોડવાની કોશિશ કરી રહ્યું છે.' નાનકડું હાથીનું બચ્ચું ઊંચી સૂંઢ કરીને દોડવાની કોશિશ કરી રહ્યું હતું એ તરફ આંગળી ચીંધતા મેરી બોલી.


નાનકડું હાથીનું બચ્ચુ દોડવાની કોશિશ કરી રહ્યું હતું. પેલી તરફ તળાવમાં નાહવા પડેલું હાથીઓનું ઝુંડ નાહીને પાણીમાંથી બહાર નીકળીને ઘાસના મેદાન તરફ ઘાસ ખાવા માટે આગળ વધવા લાગ્યું.


સૂર્યોદય થઈ ચુક્યો હતો. નાના મોટા ઘાસ ઉપર જામેલા ઝાકળબિંદુઓ સૂર્યના કુણા તડકામાં ચમકી રહ્યા હતા.જેમ જેમ તડકો પોતાનું સ્વરૂપે વિકરાળ બનાવતો જતો હતો એમ એમ ઘાસ ઉપર જામેલા ઝાકળબિંદુઓ અદ્રશ્ય બની રહ્યા હતા.


જ્હોન અને ગર્ગની યાદ આવતા જ રોબર્ટ ઉદાસ બની ગયો હતો. એ પોતાના વ્હાલા સાથીદારોથી અલગ પડી ગયો હતો ફક્ત હવે એને એની પ્રેમિકા મેરીનો જ સાથ હતો.
સવારે ઉઠ્યો ત્યારે રોબર્ટને તેઓ હાથી ઉપર બેસીને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જવાનું મન થયું પરંતુ જ્હોન,ગર્ગ,એન્થોલી તથા માર્ટિન હવે કોઈ બીજી દિશામાં આગળ નીકળી ગયા હશે એ વિચારીને રોબર્ટે પાછા જવાનો વિચાર માંડી વાળ્યો.


"રોબર્ટ કયા વિચારોમાં ખોવાયેલો છે ? તળાવ કિનારે પાણી વડે પોતાના પગ ધોઈ રહેલી મેરી બોલી.


"મેરી આપણા સાથીદારોથી આપણે છુટા પડી ગયા એ વાતનું મને દુઃખ છે.' ઉતરેલા ચહેરે રોબર્ટે જવાબ આપ્યો.


પગ ધોઈ રહેલી મેરી અટકી પડી એ રોબર્ટ પાસે આવી અને રોબર્ટનો હાથ પોતાના હાથમાં લીધો. અને વહાલપૂર્વક એ રોબર્ટનો હાથ પંપાળવા લાગી.


"રોબર્ટ આપણે આપણા સાથીદારોથી છુટા પડી ગયા એ વાતનું તો મને પણ બહુજદુઃખ છે પરંતુ આપણે વધારે ચિંતા કરવાની જરૂર નથી. મને જ્હોન અને ગર્ગ ઉપર પુરો વિશ્વાસ છે કે એ બન્ને આપણને શોધતા શોધતા અહીં સુધી જરૂર આવી પડશે.' રોબર્ટની આંખમાં આંખ પરોવીને આત્મવિશ્વાસભર્યા સ્વરે મેરી બોલી.


"હા મને પણ મારા દોસ્તો ઉપર પુરો વિશ્વાસ છે પણ એમની વગર એક દિવસ ગુજારવો પણ મારા માટે તો મુશ્કેલ બની જાય છે.' રોબર્ટ બોલ્યો. એના અવાજમાં એના સાથીદારોની કમી વર્તાઈ રહી હતી.


"થોડાંક દિવસ તો દોસ્તોનો વિયોગ સહન કરવો જ પડશે તારે. હવે એ બધી વાતો છોડ અને અહીંયા રહીશું કેવીરીતે એ વિશે વિચાર કંઈક.' મેરી રોબર્ટની છાતી ઉપર હળવો ધબ્બો મારતા બોલી.


"હા વ્હાલી રહેઠાણનું કંઈક કરવું પડશે.' આમ કહીને અહીં રહેવા માટે શું કરવું એ બાબતે રોબર્ટ વિચારે ચડ્યો.


"શું વિચારે છે તું ? રોબર્ટ થોડીવાર કંઈ જ ના બોલ્યો એ જોઈને મેરીએ પ્રશ્ન કર્યો.


"મેરી આ જો કિનારા ઉપર પેલું ઝાડ દેખાય છે એની ડાળીઓ મજબૂત છે એની ઉપર આપણે માંચડો તૈયાર કરી દઈએ તો કેવું રહે.!' આમ કહીને રોબર્ટ મેરી સામે તાકી રહ્યો.


મેરી થોડીકવાર તળાવના કિનારે ઉભેલા એ ઝાડ તરફ તાકી રહી.


"હા મસ્ત માંચડો તૈયાર થઈ જશે ત્યાં.' મેરી થોડુંક વિચારીને બોલી.


"તો ચાલો હવે વાર શેની.! માંચડો તૈયાર કરી દઈએ.' રોબર્ટ મેરીને ખેંચીને તળાવના કિનારા તરફના એ ઝાડ તરફ જતાં બોલ્યો.


દિવસ ધીમે ધીમે ચડવા લાગ્યો. રોબર્ટ અને મેરી તળાવ કિનારે આવેલા એ ઝાડ ઉપર માંચડો તૈયાર કરવા લાગ્યા.
રોબર્ટે નાની મોટી ડાળીઓને એકબીજા સાથે બાંધી પછી એના ઉપર મેરીએ નીચેથી થોડુંક ઘાસ લાવ્યું એ ઘાસ પાથરીને બપોર સુધીમાં રોબર્ટ તથા મેરીએ પોતાનું નવું રહેઠાણ માંચડો તૈયાર કરી દીધો.



**********************************



વિચિત્ર મકાનો અને ગોરી સ્ત્રી.
*******************



"ગર્ગ આવા પ્રદેશમાં આવું અદ્ભૂત નગર.!' જ્હોનના અવાજમાં નવાઈના ભાવો છલકાતા હતા.


"હા યાર હું પણ એજ વિચારી રહ્યો છું.' રસ્તા ઉપર ચાલતા બન્ને બાજુના પથ્થરના મકાનો તરફ જોતાં ગર્ગ બોલ્યો.


પેલા માણસો જ્હોન,ગર્ગ,એન્થોલી અને માર્ટિનને બંદી બનાવેલી હાલતમાં લઈને ચારે તરફ પથ્થરોના મકાનોથી ઘેરાયેલા નગરમાંથી પસાર થઈ રહ્યા હતા. મકાનોની બનાવટ અલગ જ પ્રકારની હતી. બધા જ મકાનોની બહાર મશાલો સળગી રહી હતી. ગર્ગની નજર જ્યાં સુધી પહોંચતી હતી ત્યાં સુધી મકાનોને દરવાજા હોય એવું ગર્ગને ક્યાંય દેખાતું નહોતું. દરવાજા વગરના મકાનો આ વાત બધાને નવાઈ પમાડે એવી હતી.


રાત હોવાથી ક્યાંય કોઈ માણસ ફરતું દેખાતું નહોતું. ત્યાં તો પેલા માથામાં પીંછા ખોસેલા માણસે પોતાના માણસોને વિચિત્ર ભાષામાં કંઈક કહ્યું. ભાષા કંઈક અલગ જ પ્રકારની હતી એટલે અનેક ભાષાના જાણકાર ભાષાશાસ્ત્રી એન્થોલી પણ આ ભાષા સમજી શકતા નહોતા.


"એન્થોલી તમને આ ભાષા સમજાય છે ? પેલા માણસના વિચિત્ર શબ્દો સાંભળીને માર્ટિને એન્થોલીને પૂછ્યું.


"મારા માટે પણતદ્દન નવી જ ભાષા છે.' એન્થોલી પેલા માણસની વિચિત્ર ભાષા તરફ અણગમો દર્શાવતા બોલ્યા.


પેલો માથામાં પીંછા ખોસેલો માણસ એના માણસોને કંઈક સમજાવી રહ્યો હતો. થોડીક વાર એ લોકો વચ્ચે ગપસપ ચાલી. પછી પેલો પીંછા ખોસેલો માણસ એના એક માણસ સાથે ત્યાંથી ચાલ્યો ગયો. બાકીના માણસો જ્હોન,ગર્ગ, માર્ટિન તથા એન્થોલીને લઈને જમણી તરફ ચાલવા લાગ્યા.


જંગલથી આ નગર સુધી આવતા જ રાત તો પુરી થઈ ગઈ હતી. પેલા માણસો બધાને લઈને ભોંયરા જેવી રચનાનામાં ઉતરવા લાગ્યા. જયારે તેઓ થોડુંક નીચેની તરફ ચાલ્યા ત્યારે એકદમ નીચે સપાટ જગ્યા આવવા લાગી. અંદર મોટા મોટા સુરંગ જેવા ખુલ્લા રસ્તાઓ હતા. અહીંની રચના જોઈને ગર્ગ તથા એના સાથીદારો મોમાં આંગળા નાખી ગયા. કારણે કે ઉપરથી જે મકાનોના દરવાજાઓ નહોતા દેખાતા એ મકાનોના દરવાજોઓ મકાનના તળિયે સુરંગમાં હતા.


"યાર વિચિત્ર ભાષાની સાથે મકાનોની રચના પણ વિચિત્ર છે ગર્ગ અહીંયા તો.! જ્હોન બોલી ઉઠ્યો.


"ભલે આ લોકો વિચિત્ર રહ્યા. આપણે એમનો એક માણસ મારી નાખ્યો છતાં આ લોકોએ આપણને હજુ જરાય નુકસાન પહોચાડ્યું નથી.' માર્ટિન ધીમેથી બોલ્યો.


"પણ મને એ નથી સમજાઈ રહ્યું કે આ લોકો આપણને આવીરીતે પકડી અહીં શા માટે લઈ આવ્યા હશે.' ગર્ગ સુરંગની દીવાલો તરફ જોતાં બોલ્યો.


બધા આવીરીતે અંદરો અંદર ગપસપ કરતા હતા ત્યાં તો પેલા માણસો ચાલતા અટકી ગયા. એક માણસે સુરંગમાં આવેલા બારણાંને હળવેકથી ખખડાવ્યું. બારણું થોડીવાર પછી ખુલ્યું. બારણું ખુલ્યું કે એમાંથી એક ગોરી સ્ત્રીએ બારણા બહાર ડોકિયું કર્યું.


"આવી ગોરી સ્ત્રી અહીંયા.!' ગર્ગ ધીમે રહીને બબડ્યો.


(ક્રમશ)