ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 17 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 17

હાથીઓનું તોફાની ઝુંડ.
*****************



"જ્હોન સામે જો પેલા જંગલીઓ ઝાડી તરફ નાઠા.! ભાષાશાસ્ત્રી એન્થોલી બુમ પાડતા બોલી ઉઠ્યા.

"ઓહ.! તો પછી આ બધું એમનું કારસ્તાન છે.' આમ કહીને જ્હોને રિવોલ્વર આગળ લંબાવી અને ધડા ધડ ગોળીઓ છોડીને ભાગી રહેલા જંગલીઓના ટોળામાંથી ચારપાંચ જંગલીઓને વીંધી નાખ્યા.

તીરકામઠાં વાળા જંગલીઓનો સામનો કર્યા બાદ આખો કાફલો આગળ વધી રહ્યો હતો ત્યાં તો જંગલીઓએ રચેલી વેલાઓની જાળી વડે મેરીના બન્ને પગ સખત રીતે જાળીમાં જકડાઈ ગયા અને મેરી ઊંધા માથે ઝાડની ઉપર ખેંચાયેલી જાળમાં નીચેની તરફ લટકી રહી. અને ચીસો પાડવા લાગી.
જંગલીઓએ દિમાગ લગાવીને આ જાળ પાથરી હતી. પહેલા વેલાઓ વડે જાળ બનાવવામાં આવી હતી ત્યારબાદ એને એક મજબૂત વૃક્ષની ડાળી નીચે નમાવીને જાળને એની સાથે બાંધી દેવામાં આવી. હવે જો કોઈ માણસ અથવા પશુ આ જાળ ઉપરથી પસાર થાય તો જાળ એકદમ ઉપર ખેંચાઈ જાય અને એની ઉપર પસાર થયેલું માણસ અથવા પશું એ જાળમાં સપડાઈ જાય.

"તમે ચિંતા ના કરો હું ઝાડ ઉપર ચડીને મેરીને જાળમાંથી મુક્ત કરું છું.' માર્ટિન આટલું બોલીને ઝાડ ઉપર ચડવા લાગ્યો.

માર્ટિન ઝાડ ઉપર ચડવા લાગ્યો એટલે રોબર્ટના જીવમાં જીવ આવ્યો. માર્ટિન હજુ ઝાડ ઉપર ચડીને ઝાડની ડાળી સાથે ફસાયેલી ઝાડીમાંથી મેરીને મુક્ત કરી રહ્યો હતો ત્યાં તો હાથીઓના ઝુંડની ધરતી ધ્રુજાવી નાખે એવી ચિંઘાડો સંભળાઈ.

"મર્યા આજે તો નક્કી જંગલમાં કોઈક હાથી ગાંડો થયો છે.' ગર્ગ ડરભર્યા અવાજે રોબર્ટ સામે જોઈને બોલ્યો.

"હજુ તો આ ઉપાધિમાંથી તો છૂટ્યા નથી અને ત્યાં તો બીજી આફત તૈયાર.!' રોબર્ટ નિરાશાથી ઘેરાયેલા અવાજે બોલ્યો.

"માર્ટિન થોડુંક જલ્દી કરજે. લાગે છે જંગલમાં કોઈક હાથી ગાંડો થયો છે.' ગર્ગે માર્ટિન તરફ જોઈને બુમ પાડી.

માર્ટિન ઝાડની ડાળી સાથે અટવાયેલી જાળના વેલાઓને ઉતાવળ પૂર્વક તોડવા લાગ્યો. મેરી હવે ચીસ પાડતી બંધ થઇ ગઈ હતી કારણ કે માર્ટિન એને બચાવવા માટે ઝાડ ઉપર આવી ગયો હતો. માર્ટિન હજી જાળના વેલાઓ તોડી જ રહ્યો હતો ત્યાં તો હાથીઓની ભયકંર ચિંઘાડોથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. પાગલ બનેલો હાથી બીજા હાથીઓની પાછળ પડીને મારી રહ્યો હતો એટલે બાકીના હાથીઓ જોરથી ચીસો પાડી રહ્યા હતા.

"આજે આ હાથીઓને શું થયું છે. આખું જંગલ ધ્રુજાવી મૂક્યું છે.' જંગલી માણસોને પોતાની રિવોલ્વર વડે નસાડીને આવેલો જ્હોને ગર્ગને કહ્યું.

"શું થાય વળી.! કોઈક હાથી પાગલ થયો હોય એવું મને તો લાગે છે.' જ્હોનની વાતનો પ્રત્યુત્તર આપતા ગર્ગ બોલ્યો.

"પાગલ હાથીથી તો દૂર રહેવું પડશે કારણ કે હાથી પાગલ થયા પછી કંઈ જ જોતો નથી એ જે વચ્ચે આવે એને પોતાની સૂંઢ વડે પકડીને દૂર ઘા કરી દે છે.' એન્થોલી ગંભીરતા પૂર્વક બોલ્યા.

એન્થોલી બોલી જ રહ્યા હતા ત્યાં તો વૃક્ષો તૂટવાનો અવાજ આવવા લાગ્યો. ભયકંર હાથીઓની ચીંઘાડથી જંગલ ગુંજવા લાગ્યું. આ વખતે ઝાડ ઉપર મેરીની જે જાળમાં અટવાયેલી હતી એ જાળના વેલા તોડી રહેલો માર્ટિન પણ ફફડી ઉઠ્યો. મેરી પણ ચીસો ઉપર ચીસો પાડવા લાગી.

"જ્હોન હાથીઓ આ બાજુ જ આવી રહ્યા છે.' ગર્ગ ડરેલા અવાજે બોલી ઉઠ્યો.

"ઓહહ.! મર્યા આ વખતે તો.' જ્હોનના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા. જ્હોનના શરીરમાં પણ ફફડાટ વ્યાપી ગયો.

જ્હોન અને ગર્ગ વાત જ કરી રહ્યા હતા ત્યાં તો વૃક્ષો તૂટવાનો અવાજ વધવા લાગ્યો. અને થોડીવારમાં તો એક મોટા વિશાળ હાથીની પાછળ ઘણા બધા હાથીઓનું ટોળું એમની તરફ પુરજોશમાં આવતું દેખાયું.

"ગર્ગ હાથીઓ તો આવી ગયા. મેરીનું શું કરીએ.' ડરેલા દયામણા મોઢે રોબર્ટ ધ્રુજતા હોઠે બોલ્યો.

"તું હમણાં આ તરફ આવી જા. મેરીને કંઈ જ નહીં થાય.' ગર્ગ રોબર્ટને આશ્વાશન આપીને ત્યાંથી રોબર્ટને દૂર ખેંચવા લાગ્યો.

"છોડ મને હું મારી મેરી વગર ક્યાંય નહીં આવું ભલે હાથીઓના પગ નીચે ચગદાઈ જાઉં.' રોબર્ટે ડરને દૂર કરીને કહ્યું. એના અવાજમાં મેરી પ્રત્યેની લાગણીઓ છલકાતી હતી.

મેરી જે જાળમાં ફસાઈને ઝાડ સાથે લટકી રહી હતી. એ જાળમાંથી મેરીને મુક્ત કરાવવા માર્ટિન ઝાડ ઉપર ચડીને જાળના વેલાઓ તોડી રહ્યો હતો. બસ હવે થોડાંક જ વેલાઓ તોડવાના બાકી હતા ત્યાં તો માર્ટિનને ખબર પડી કે હાથીઓનું વિશાળ ટોળું આ તરફ આવી રહ્યું છે. એટલે માર્ટિને જાળના વેલાઓ તોડવાનું છોડીને પોતાનો જીવ બચાવવા માટે ઝાડ ઉપરથી ભુસકો માર્યો અને જંગલ તરફ ભાગવા લાગ્યો.

"માર્ટિન..' રોબર્ટે ભાગી રહેલા માર્ટિન તરફ જોઈને જોરથી બુમ પાડી પણ માર્ટિન તો હાથીઓની બીકના કારણે પાછળ જોયા વિના જ દૂર ભાગવા લાગ્યો.

"રોબર્ટ કંઈક કર નહિતરહાથીઓ મને મારી નાખશે.' જાળીમાં ઊંધી લટકી રહેલી મેરી જોરથી રડી પડતા બોલી.

"કંઈ નહીં થાય મેરી થોડીક હિંમત રાખ વ્હાલી.' રોબર્ટ ઝાડની નીચે ઉભો ઉભો બોલ્યો. અને મેરીને કેવીરીતે બચાવવી એ ઝડપથી વિચારવા લાગ્યો.

હાથીઓ નજીક આવી રહ્યા હતા. બસ થોડાંક જ દૂર હતા.
જો મેરીને ઝાડ ઉપર લટકી રહેલી જાળમાંથી મુક્ત ના કરાવવામાં આવે તો હાથીઓ એ વૃક્ષને ઉખાડીને જમીનદોસ્ત કરી નાખે.

"રોબર્ટ જલ્દી કંઈક કર.' ઊંધી લટકી રહેલી મેરી ફરી વેદના ભર્યા અવાજે બોલી. એના અવાજમાં શુષ્ક્તા દેખાઈ આવતી હતી. કારણ કે ઊંધી લટકી હતી એટલે પાણી વગર એની ગરદન સાવ સુકાઈ ગઈ હતી. માંડ માંડ એના ગળામાંથી અવાજ નીકળી રહ્યો હતો.

કંઈ ઉપાય ના મળતા રોબર્ટ મેરી જે ઝાડની ડાળીએ લટકી રહી હતી એ ઝાડ ઉપર ચડવા લાગ્યો.

"મેરી, મારી વ્હાલી ચિંતા ના કરીશ હું તારી પાસે આવી રહ્યો છું. જીવશું તો પણ સાથે અને મરશું તો પણ સાથે.' મોંઢા ઉપર ફીકુ સ્મિત રેલાવતો રોબર્ટ બોલ્યો.

રોબર્ટ ઝાડ ઉપર ચડવા લાગ્યો અને પેલી બાજુથી હાથીઓનું ટોળું પણ પુરજોશમાં આ તરફ આવવા લાગ્યું.
સૌથી આગળ જે વિશાળ હાથી હતો એ વચ્ચે આવતા તમામ વૃક્ષોને તોડીને દૂર ફેંકી દેતો હતો. ગજરાજનું આ આક્રમક સ્વરૂપ જોઈને ગમે તેવા માણસના હાજા ગગડી જાય. હાથીઓનું આ રોદ્ર સ્વરૂપ જોઈને રોબર્ટ અને મેરી નખશીશ ધ્રુજી ઉઠ્યા.

"રોબર્ટ હાથીઓ આપણને આજે મારી નાખશે. આપણી જીંદગી અહીંયા જ ખતમ થઇ જશે.' આટલું બોલતા- બોલતા મેરી રડી પડી.

મેરીને આવી રીતે રડતી જોઈને રોબર્ટની લાગણીઓ ઉપર કાબુ ના રહ્યો એ પણ રડી પડ્યો.

"મેરી વ્હાલી થોડીક હિંમત રાખ. હજુ મર્યા નથી. મૃત્યુ આપણી સુધી ના પહોંચે ત્યાં સુધી મૃત્યુને સ્વીકારી લેવું એ કાયરતા છે.' રોબર્ટ આવી રહેલી આ ભયાનક આફતમાં પણ હિંમત ટકાવી રાખતા બોલ્યો.

"મરવાનું જ છે તો હસતા હસતા મરીએ. રડવાથી મૃત્યુ પાછુ તો નહીં જ વળે.' રોબર્ટની હિંમતભરી વાત સાંભળીને મેરી ફીકુ હસતા બોલી.

રોબર્ટ વેલાઓની જાળી પકડીને મેરીના શરીર સાથે બાઝી પડ્યો. ત્યાં તો ભંયકર અવાજો કરતું હાથીઓનું ટોળું પસાર થયું. આગળ ચાલતા ગજરાજનો એક પગ એ ઝાડ સાથે અથડાયો. અને વેલાઓની જાળી જે ડાળી ઉપર લટકી રહી હતી ત્યાંથી મુક્ત થઇ ગઈ. વેલાઓની જાળી મુક્ત થતાંની સાથે જ રોબર્ટ અને મેરી પેલા વિશાળ હાથીના શરીર ઉપર પછડાયા.

(ક્રમશ)