ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 14 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 14

થોમસ એન્થોલીનો ભેટો.
****************




માર્ટિન એ વિલિયમ હાર્ડીનો જ એક સાથીદાર હતો. એને મસાઈઓના જંગલમાં આવી રીતે ફરતો જોઈને બધા અચરજ પામ્યાં. જ્હોને જેવો માર્ટિનને પાછળથી પકડ્યો. એટલે માર્ટિન ડરથી ફફડી ઉઠ્યો. કારણ કે એણે જ્હોનને બરોબર ઓળખ્યો નહોંતો. એટલે એ જ્હોનના હાથમાંથી છૂટીને ભાગવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

"અરે માર્ટિન હું હાર્ડીનો દોસ્ત જ્હોન છું. તું ડરીશ નહીં. અમે તારા દોસ્તો છીએ.' જ્હોન માર્ટિનનો ડર ઓછો કરવાં માટે બોલ્યો.

જ્હોન આટલું બોલ્યો ત્યારે માર્ટિને જ્હોનના હાથમાંથી છૂટવા માટેના તરફડીયા મારવાના બંધ કર્યા. અને જ્હોને પણ એને પોતાના હાથમાંથી મુક્ત કર્યો.

"જ્હોન તું.' જ્હોનની પક્કડ ઢીલી થતાં માર્ટિન હર્ષઘેલા અવાજે બોલ્યો.

"હા હું જ્હોન જ છું. પણ તું અહીંયા શું કરી રહ્યો છે ? હાર્ડી અને તમારા બીજા સાથીદારો ક્યાં છે ? જ્હોને એકસામટા પ્રશ્નો પૂછી નાખ્યા.

જ્હોને વિલિયમ હાર્ડી વિશે પૂછ્યું એ સાંભળીને માર્ટિનની આંખોમાં આંસુઓ આવી ગયા.

"હું અને એન્થોલી જ બચ્યા છીએ હાર્ડી અને અમારા બીજા સાથીદારો..' આટલું બોલતા-બોલતા માર્ટિન અટકી ગયો.

"હાર્ડી અને તમારાં બીજા સાથીદારોનું શું થયું ? માર્ટિનની અધૂરી વાત સાંભળીને જ્હોન ઉતાવળા અવાજે બોલી ઉઠ્યો.

"હાર્ડી અને અમારા બીજા સાથીદારોનો એક મહિનાથી કોઈજ પત્તો નથી.' રડમસ અવાજે માર્ટિને જવાબ આપ્યો.

"પત્તો નથી. તો ક્યાં ગયા એ લોકો ?? જ્હોને ફરીથી પ્રશ્ન કર્યો.

"અમે લોકો આ જંગલમાં આગળ વધી રહ્યા હતા. એક દિવસ સાંજે આ જંગલમાં અમે લોકોએ પડાવ નાખ્યો. હાર્ડી અને બીજા સાથીદારો રહેઠાણની વ્યવસ્થા કરી રહ્યા હતા.હું અને એન્થોલી કંઈ ખાવાનું નહોતું એટલે સાંજના સમયે શિકાર કરવા માટે ગયા. પણ અમે જયારે શિકાર કરીને પાછા આવ્યા ત્યારે અમારો પડાવ અને અમારી ચીજવસ્તુઓ કોઈકે છિન્ન-ભિન્ન કરી નાખી હતી. પડાવ પાસે મોટી ઝપાઝપી થઈ હોય એવું લાગતું હતું. પડાવમાં અમારા સાથીદારો નહોતા. પડાવનો દેખાવ જોઈને એવું લાગતું હતું કે હાર્ડી અને અમારા સાથીદારોને અન્ય કોઈ જંગલી લોકો બંદી બનાવીને લઈ ગયા હશે.' આટલું બોલીને માર્ટિન શ્વાસ ખાવા રોકાયો.

"પછી તમે બન્નેએ એમને શોધવાનો કોઈજ પ્રયત્ન ના કર્યો ? માર્ટિનની વાત સાંભળી રહેલો ગર્ગ બોલ્યો.

"પહેલા તો અમે ડરી ગયા કારણ કે આગળ આ વિસ્તારમાં વધારે પ્રમાણમાં મસાઈ લોકોનો વસવાટ છે. એટલે એન્થોલીએ કહ્યું કે જો આપણે હાર્ડીને શોધવા નીકળ્યા તો આપણે પણ પકડાઈ જઈશું. આ કામ યોજનાપૂર્વક કરવું પડશે.' માર્ટિન ઉતરેલા ચહેરે બોલ્યો.

"હમ્મ.. કેટલા દિવસ પહેલા હાર્ડી અને તમારા સાથીદારોને મસાઈ લોકો બંદી બનાવીને લઈ ગયા ? ચૂપ રહેલા ગર્ગે પ્રશ્ન કર્યો.

"વીસેક દિવસ થયા હશે લગભગ ? માર્ટિને આંગળીઓના વેઢા વડે દિવસો ગણીને જવાબ આપ્યો.

"તમે તો એકલા છો. તમારી સાથે તમારા સાથીદાર એન્થોલી હતા એ ક્યાં છે ? માર્ટિન સામે જોઈને બધાની વાતો સાંભળી રહેલી મેરી બોલી.

"હા એન્થોલી ક્યાં છે ? જ્હોને પણ પ્રશ્ન કર્યો.

"એન્થોલી થોડેક દૂર છુપાઈને બેઠા છે. તમે લોકો આ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા એટલે તમારી વાતચીતનો ઝીણો અવાજ અમારા સુધી આવતો હતો.તેથી એન્થોનીએ મને કહ્યું કે જોઈ આવ કોણ જઈ રહ્યું છે. કોઈ ભય જેવું તો નથી ને.'' માર્ટિન બોલ્યો. હવે માર્ટિનના ચહેરા ઉપર થોડીક હિંમત આવી હતી કારણ કે એને બીજા નવા સાથીદારો રોબર્ટ,જ્હોન,મેરી અને ગર્ગ મળી ગયા હતા.

"તો ચાલ હવે એન્થોલી પાસે લઈ જા અમને બધાને.' માર્ટિન સામે જોઈને રોબર્ટ બોલ્યો.

"હા ચાલો.' માર્ટિન બધાની આગળ થતાં કહ્યું.

સાંજ પડી ચુકી હતી. સૂર્ય પશ્ચિમમાં ડૂબવાની તૈયારીમાં હતો. બધા માર્ટિન સાથે જ્યાં ભાષાશાસ્ત્રી થોમસ એન્થોલી છુપાયા હતા ત્યાં આવી પહોંચ્યા.

જયારે ભાષાશાસ્ત્રી થોમસ એન્થોલી અને વિલિયમ હાર્ડી ઇટાલીના રોમ શહેરમાં રહેતા હતા ત્યારે જ્હોન અવાર નવાર આ બન્ને પ્રતિભાશાળીઓને મળવા માટે આવતો. જેના કારણે જ્હોન થોમસ એન્થોલીથી સારી રીતે પરિચિત હતો. એન્થોલી જે જગ્યાએ છુપાયા હતા એ જગ્યાથી બધા થોડેક દૂર રહ્યા ત્યારે માર્ટિને જોરદાર અવાજ સાથે એન્થોલીને બુમ પાડીને બહાર બોલાવ્યા.

"શું થયું માર્ટિન હજુ એન્થોલી બહાર આવ્યા નહીં.! ક્યાં ગયા ? માર્ટિને બુમ પાડી તેમ છતાં થોમસ એન્થોલી બહાર ના આવ્યા એટલે જ્હોને માર્ટિનને પૂછ્યું.

"હમણાં આવશે.' જ્હોન તરફ ફરીને માર્ટિને ટૂંકો જવાબ આપ્યો. અને એણે ફરીથી એન્થોલીને બહાર આવવા માટે બુમ પાડી.

થોડીવારમાં ભાષાશાસ્ત્રી થોમસ એન્થોલી પણ આવી ગયા. માર્ટિનની જેમ એમની પણ દાઢી બહુજ વધી ગઈ હતી. સમયસર ખાવાનું ના મળતું હોવાથી એમના મોંઢા ઉપરની ચમક ગાયબ થઈ ગઈ હતી એમનું મોઢું કરચલીઓ યુક્ત બની ગયું હતું. આંખો થોડીક ઊંડી ઉતરી ગઈ હતી. એન્થોલીએ જેવો જ્હોનને જોયો એવી જ દોટ મૂકી અને પાસે આવીને જ્હોનને ભેંટી પડ્યા. કારણ કે જ્હોન એમનો અને વિલિયમ હાર્ડીનો ખાસ મિત્ર હતો.

"જ્હોન, વ્હાલા દોસ્ત તું આવી ગયો.' એન્થોલી જ્હોનને ભેટીને ગળગળા અવાજે બોલ્યા. એમની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ હતી.

જ્હોન, રોબર્ટ અને ગર્ગ જયારે ઇટાલીથી મેસો જંગલમાં આવવા નીકળ્યા હતા ત્યારે એકવખત તાર કરીને વિલિયમ હાર્ડીને ખબર આપી દીધી હતી કે જ્હોન પોતાના બે સાથીદારો સાથે ઇટાલીથી મેસો જંગલ તરફ આવવા નીકળ્યો છે.

"હાર્ડીને તો જંગલીઓ ઉપાડી ગયા.' બોલતા બોલતા એન્થોલીનો સાદ ઢીલો થઈ ગયો.

"ચિંતા ના કરો હાર્ડીને કંઈ જ નહીં થયું હોય કાલે આપણે બધા એમને શોધવા માટે નીકળી પડીશું.' જ્હોન નિરાશ એન્થોલીને આશ્વાસન આપતા બોલ્યો.

ગર્ગને આ માર્ટિન એક વિચિત્ર માણસ લાગી રહ્યો હતો કારણ કે માર્ટિન છૂપી નજરે મેરી તરફ જોયા કરતો હતો. બધા વાતોમાં પડ્યા હતા પણ ગર્ગ આ માર્ટિનની હાલચાલ નું ધ્યાન રાખી રહ્યું હતું.

સૂર્ય આથમી ચુક્યો હતો. જ્હોન,મેરી,રોબર્ટ અને ગર્ગ આજે માર્ટિન અને એન્થોલીનો જ્યાં પડાવ હતો ત્યાં રોકાયા હતા. ગર્ગ અને જ્હોન બન્ને થોમસ એન્થોલી સાથે રાતના ભોજન માટે શિકાર કરવા માટે ગયા હતા. રોબર્ટ, મેરી અને માર્ટિન આ ત્રણ જણ પડાવમાં હતા.

"રોબર્ટ બે દિવસ થઈ ગયા. નાહ્યા વગર મારો જીવ અકળાય છે.' રોબર્ટનો હાથ પકડીને બેઠેલી મેરી રોબર્ટ સામે જોઈને હળવા સૂરે બોલી.

"વ્હાલી આજ પૂરતું સહન કરી લે. આવતી કાલે તો જરૂર કોઈ તળાવ કે સરોવર મળી રહેશે.' રોબર્ટ મેરીનો હાથ પંપાળતા બોલી ઉઠ્યો.

માર્ટિન રોબર્ટ અને મેરીની સાંભળી રહ્યો હતો. માર્ટિને આજે મેરીને જોઈ હતી ત્યારથી જ એ મેરી તરફ આકર્ષિત થઈ ગયો હતો. પણ મેરીને મેળવવી હોય તો રોબર્ટનું કંઈક કરવું પડે તો જ મેરી એને મળી શકે. ત્યાં જ એના શેતાની દિમાગમાં એક વિચાર ચમકી ઉઠ્યો. એ ઉભો થયો અને રોબર્ટ તથા મેરી પાસે આવ્યો.

"જો તમારે બન્નેએ નાહવું હોય તો અહીંયા થોડેક દૂર એક તળાવ છે.' માર્ટિન રોબર્ટ અને મેરી સામે જોતાં બોલ્યો.

"કઈ બાજુ છે તમે અમને લઈ ચાલોને.' તળાવનું નામ સાંભળતા જ મેરી ઉતાવળા અવાજે બોલી ઉઠી.

"પણ અત્યારે આવા સાંજના સમયે ત્યાં જવુ મને ઠીક નથી લાગી રહ્યું મેરી.' રોબર્ટ મેરીને સમજાવતા બોલ્યો.

"મારે નહાવું જ છે. જો તમે સાથે ના આવ્યા તો હું એકલી પણ ચાલી જઈશ નહાવા માટે.' મેરી જિદ્દી અવાજે છણકો કરતા બોલી.

"તું પણ મારી વાત નહીં માને.! ચાલ માર્ટિન અમને તળાવ સુધી મુકવા આવ.' મેરીની જિદ આગળ રોબર્ટે નમતું જોખ્યું. અને એ ઉભો થઈ માર્ટિન સામે જોઈને બોલ્યો.

પોતે પાથરેલી જાળમાં મેરી અને રોબર્ટ બરોબર ફસાઈ રહ્યા છે એ જોઈને માર્ટિનના દિમાગમાં શેતાની હાસ્ય ફરકવા લાગ્યું. પછી એ મેરી અને રોબર્ટને લઈને તળાવ બાજુ ચાલ્યો.

રોબર્ટને બિચારાને ખબર જ નહોતી કે આ માર્ટિન એની સાથે ખૂની ખેલ રમી રહ્યો છે.

(ક્રમશ)