Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ કહાની પ્રિયાની....22

પ્રિયા, કમલેશ અને માયા ત્રણે ત્રણ જણાં વૉશિંગ મશીન જોઈને એકદમ ખુશ થઈ ગયાં. સાધારણ પરિસ્થિતિનાં લોકો માટે તો આ એક સપના જેવું હતું.

"ખરાં છે....ને સુશીલ કુમાર. હજી ગઈકાલે અમારી વચ્ચે વાત થઈ ને આજે તો એમણે ઘરે મશીન મોકલાવી પણ દીધું."

આ સાંભળી પ્રિયા અને માયા સ્હેજ ચોંકી ગયાં. બંનેવે કમલેશની સામે પ્રશ્નાથ ભાવમાં જોયું.

"તમારી વચ્ચે વાત....?"

"હા......"

"કઈ....વાત....?"

'અરે.., એમનાં એક ખાસ મિત્રની ઈલેકટ્રોનિક સ્ટોરનું કાલે ઓપનિંગ હતું. એમણે પોતાનાં ઘર માટે એક વૉશિંગ મશીન બુક કરાવ્યું, ને પછી મને પણ મશીન લેવા માટે ફોન કર્યો. પણ મેં કોઈ બહાનું બતાવી વાતને ટાળી દીધી હતી, એમને મોઢાં પર તો કહેવાય નહિ કે હમણાં આટલાં બધાં પૈસા એકસાથે નીકળે એમ નથી. પણ તેઓ ન માન્યા ને પૂરી વાત સાંભળ્યા વગર જ એમણે ફોન મૂકી દીધો ને આજે મશીન મોકલાવી પણ દીધું..."

આ સાંભળી પ્રિયાનાં મનમાંથી સુશીલ માટેની કે એનાં ઘરનાં લોકો માટેની જે પણ કંઈ કડવાશ હતી એ આપોઆપ એકદમ જ નીકળી ગઈ. ' સુશીલનો સ્વભાવ ભલે આમ ગમે તેવો હોય પણ મારાં ઘરનાં લોકોનો કેટલો ખ્યાલ એ રાખે છે....!!!' એણે મનમાં વિચાર્યું.

લગભગ કલાક પછી કંપનનીનો માણસ આવ્યો ને એણે ત્રણેયને મશીન કેમ ચલાવવું એ શીખવ્યું. એનાં ગયાં પછી ત્રણેય જમ્યાં. જમીને વાસણ ખાલી કરીને મૂકી દીધાં જે ઘસવા માટે કાશીબેન આવવાનાં હતાં એટલે પ્રિયા ટેબલ લૂછી,પ્લેટફોર્મ ક્લિન કરી બહાર હૉલમાં આવી બેસી ગઈ.

"કાલથી બેના તું ખાલી રસોઈ બનાવવાનું જ કામ કરજે , કપડાં ધોવાનું કામ હું સંભાળી લઈશ ને વાસણ અને ઝાડૂ - પોતા કરવા માટે તો કાશીબેન છે જ." કમલેશ જરા હસીને બોલ્યો.

"હા.... , એ બરાબર વાત છે, તમારી...." માયાએ હામી ભરી.

"ભલે..., મોટાભાઈ...." પ્રિયાએ પણ ટૂંકમાં પતાવ્યું.

પ્રિયા અંદર રૂમમાં જરા આડી પડવા માટે જતી જ હતી ને ફોનની રીંગ વાગી. પ્રિયાએ જ ફોન ઉપાડ્યો.

"હૅલો..."

"હૅલો....પ્રિયા...., હું સુશીલ...."

"હા..., બોલ સુશીલ..."

"વૉશિંગ મશીન પહોંચી ગયું......?"

"હા....પણ....."

"શું કામ મોકલાવ્યું એ જ ને......."

"હા....."

"આપણાં ઘર માટે લીધું તો મને થયું કે કમલેશભાઈનાં ઘર માટે પણ લઈ લઉં. માયાભાભીની આવી હાલતમાં ઘણું જ ઉપયોગી થઈ પડશે."

"હા..., તારી વાત બરાબર છે.....પણ, હમણાં પૈસાની સગવડ નથી તો....."

"કમલેશભાઈને કહેજે કે પૈસા મને થોડાં થોડાં કરીને આપી દે..."

"હા....એ તો પૈસા આપી જ દેશે....પણ હમણાં આટલો બધો ખર્ચો......માયાભાભીને પણ હવે દસેક દિવસમાં હોસ્પિટલ જવું પડે એમ છે ને....."

"એટલે જ તો મશીન મોકલાવ્યું છે .....કે આવા દિવસોમાં કામ લાગે...."

"એ બરાબર....છે...."

સુશીલ સાથે વાત કરી પ્રિયા રૂમમાં થોડીવાર સૂવા માટે જતી રહી. ને પછી ઉઠીને સાંજે એ અને કમલેશ ઘરનો થોડોક સામાન લેવા માટે નીકળ્યાં. એ લોકો એક મેડિકલ સ્ટોરમાં માયા માટે મેડિસીન લેવા માટે ગયાં. મેડિસીન લઈને પાછાં ફર્યા ને સામેથી લલિત આવતો દેખાયો.

"અરે....., પ્રિયા....તું....!! અહીંયા.....?"

"લલિત...તું....!!!!"

"હા...., અહીંયા મમ્મી માટે મેડિસીન લેવા માટે આવ્યો છું....."

"અમે....માયાભાભી માટે મેડિસીન લેવા આવ્યાં હતાં. તું કાલે ઘરે આવ ને, પછી આપણે નિરાંતે બધી વાત કરીએ. "

"તું અહીંયા જ છે....?"

"હા..., હા....,હમણાં થોડાંક દિવસ અહીંયા જ છું. "

"સારું..તો..કાલે...મળીએ..., બાય..."

"બાય..."

બીજાં દિવસે લલિત ઘરે આવ્યો. ઘણાં વખત પછી પ્રિયા સાથે વાતો કરવાનો મોકો મળવાનો હતો. એટલે પૂરતો સમય લઈને જ આવ્યો હતો. જેવો અંદર આવ્યો કે એણે માયાભાભીને જોયાં. એમનું મોટું પેટ જોઈને ચોંકી ગયો.

"ઓહો....., માયાભાભી....., ગુડ ન્યૂઝ......!!!! મને જણાવ્યું પણ નહિ.....!!"

"લલિતભાઈ ફરિયાદ તો મને છે તમારાંથી....., પ્રિયાબેન અહીંયા હોય ત્યારે જ મળવા માટે આવો...છો..., એમનેમ તો ભાભીનાં ખબર-અંતર પૂછવા માટે અવાતું જ નથી....ને તમારાથી....."

"એવું...નથી...ભાભી...., હું તમને મળવા માટે એક-બે દિવસમાં આવવાનો જ હતો અને જુઓ યોગાનુયોગ કાલે અચાનક જ મેડિકલ સ્ટોરમાં પ્રિયા અને કમલેશભાઈ મળી ગયાં ને પ્રિયાએ મને ઘરે બોલાવ્યો ને તમને મળવાનો યોગ આપમેળે આવી જ ગયો."

"વાતોમાં તમારાંથી કોઈ ન જીતે.....હોં...." હસીને માયાભાભી બોલ્યાં.

"ક્યારે મારાં ભાણિયા કે ભાણીનું મોઢું જોવાં મળવાનું છે....મને....?"

"અઠવાડિયા પછીની ડેટ આપી...છે...."

"વાહ...., વાહ.....સરસ...."

"તમે ને પ્રિયાબેન બેસીને વાતો કરો..., હું ચાલી રૂમમાં થોડો આરામ કરવા માટે..."

એવું કહી માયાભાભી અંદર જતાં રહ્યાં ને પ્રિયા અને લલિત એકબીજાં સાથે વાતો કરવા લાગી ગયાં.