સુંદરી - પ્રકરણ ૭૩ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૭૩

તોંતેર

“કૃણાલભાઈ, ભઈલાને ઘેર આવો તો! જલ્દી!” સોનલબાએ કૃણાલને કૉલ કરીને તરતજ આવવાનો રીતસર હુકમ જ કર્યો.

“એનું શું કામ છે આમાં?” વરુણને નવાઈ લાગી કે સોનલબાએ કૃણાલને કેમ બોલાવ્યો?

કારણકે વરુણના માનવા અનુસાર કૃણાલ તો પહેલા દિવસથી જ વરુણની સુંદરી પ્રત્યેની લાગણીનો વિરોધી હતો અને તે વારંવાર તેને આ સબંધ વિષે વિચારવાનું જ બંધ કરવાનું કહી ચૂક્યો હતો. પરંતુ વરુણને એ ખ્યાલ ન હતો કે તેના અમદાવાદથી દોઢથી બે મહિના દૂર રહેવા દરમ્યાન અહીં કેટલું બધું બદલાઈ ગયું છે.

સોનલબાએ વરુણના પ્રશ્નનો જવાબ ફક્ત પોતાનો હાથ લાંબો કરીને તેને કૃણાલની રાહ જોવાનો ઈશારો કરીને આપ્યો.

કૃણાલ આમ તો વરુણનો શાખ પાડોશી જ હતો, પરંતુ તેને વરુણના ઘર સુધી આવતાં વાર લાગી. વરુણ માટે આ કોયડા જેવી પળો સહન થાય તેવી ન હતી. ઉપરાંત ઘરમાં અત્યારે રાગીણીબેન પણ હતાં અને આમ અચાનક જ કૃણાલ પણ ઘેરે આવે અને સીધો એના રૂમમાં જ આવી જાય તો એ પણ કેટલાક અણગમતા પ્રશ્નો કૃણાલ અને સોનલબાના ગયા બાદ પોતાને કરી શકે છે એવો ખ્યાલ વરુણને આવી ગયો એટલે વરુણ લિવિંગરૂમમાં ગયો અને ઘરનું મેઈન ડોર ખોલીને કૃણાલના આવવાની રાહ જોવા લાગ્યો. રાગીણીબેન રસોડામાં હોવાથી તેને રાહત થઇ.

“આય આય!” કૃણાલે જેવો ઝાંપો ખોલ્યો કે એની આતુરતાથી રાહ જોઈ રહેલા વરુણથી બોલી જવાયું.

કૃણાલે જવાબમાં સ્મિત આપ્યું અને તેણે ઝાંપો બંધ કર્યો અને વરુણના ઘરમાં એન્ટ્રી કરી. વરુણ તેને સીધો જ પોતાના રૂમમાં દોરી ગયો. આ બંનેના રૂમમાં પ્રવેશવાની સાથેજ સોનલબાએ બંને સામે ફિક્કું સ્મિત કરી અને બંનેને પોતાની સામે બેડ પર બેસવાનો ઈશારો કર્યો.

“કૃણાલભાઈ, આપણા વરુણભાઈ એવું કહી રહ્યા છે કે આપણા મેડમ અને શ્યામલભાઈ વચ્ચે ચક્કર ચાલે છે.” સોનલબા થોડા ગુસ્સા અને થોડા કટાક્ષભર્યા અવાજમાં બોલ્યા.

“આ માણસ થોડો ગાંડો તો હતો જ, પણ લાગે છે કે આઈપીએલ રમીને સાવ ગાંડો થઇ ગયો છે.” કૃણાલે વરુણ સામે મોઢું બગાડતાં કહ્યું.

“તમે આને કેમ બોલાયો? એને જો આ વાતમાં રસ જ નથી તો? ખોટો વચ્ચે ડબડબ કરશે.” વરુણને પણ ગુસ્સો આવ્યો.

“કૃણાલભાઈને તું અને મેડમ કાયમ માટે મળો એમાં પુરેપુરો રસ પણ છે અને તારી અને શ્યામલની મિટિંગ થાય એ પ્લાન એણે મારી સાથે મળીને જ બનાવ્યો હતો.” સોનલબાના ચહેરા પર લાંબા સમય બાદ સ્મિત આવ્યું.

“શ્યામલ? એ કોણ?” વરુણ ગુંચવણમાં હતો કે સોનલબા અને કૃણાલ કયા શ્યામલની વાત કરી રહ્યા છે.

“ગાંડા, શ્યામલ એટલે મેડમના મોટા ભાઈ, જેને તેં મેડમને ભેટતાં જોયા હતા.” કૃણાલે પોતાનું કપાળ ફૂટતાં કહ્યું.

“પણ મેડમના ભાઈનું નામ તો શ્યામ છે ને?” વરુણની ગૂંચવણ વધી.

“હે ભગવાન! મારે આનું શું કરવું?” કૃણાલે નિરાશામાં પોતાનું ડોકું આમતેમ હલાવ્યું.

“એમનું મૂળ નામ શ્યામલ છે પણ જ્યારે એ ગુંડા હતા ત્યારે એ શ્યામભાઈના નામે ઓળખાતા હતા. કદાચ તું એમને ઓળખી ન લે એટલે એમણે તેનું નામ બદલીને તને શિવ કહ્યું હશે.” સોનલબાએ ફોડ પાડતાં કહ્યું.

“શ્યામ જ શ્યામલ છે અને શ્યામલ જ શિવ છે. હવે ઉતરી વાત તારા મગજમાં?” કૃણાલે વરુણના માથા પર ટપલી મારતાં પૂછ્યું.

“હ... હા... હા... એ વાત તો ઉતરી મારા મગજમાં પણ તેં પાર્ટી કેમ બદલી અચાનક એ વાત મારા મગજમાં હજી પણ નથી ઉતરતી.” વરુણે તોફાની સ્મિત કરતાં કૃણાલને કહ્યું.

“તું દોસ્ત છે મારો બે, જીગરી. ઠીક છે મને તેં વખતે આ બધું બરોબર ન લાગ્યું એટલે મેં તને એવી સલાહ આપી. પણ જે દિવસે તે મેડમ માટે કોલેજ છોડી એ દિવસે મને ખાતરી થઇ કે આ તારું ગાંડપણ નથી, તું ખરેખર એમના માટે સિરિયસ છે, બસ ત્યારથી તને સપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું.” કૃણાલે હસતાં હસતાં જવાબ આપ્યો.

“કયા બાત હૈ!” કહીને વરુણે કૃણાલને ગળે વળગાડી લીધો.

“તમારો ભરત મિલાપ પત્યો હોય તો આગળ વાત કરીએ કે હવે શું કરવાનું છે?” લગભગ દોઢથી બે મિનીટ બાદ સોનલબા બોલ્યાં.

“હા, કેમ નહીં. હવે તમે બંને મારી સાથે છો એટલે મને વધુ હિંમત આવી ગઈ. હમમમ... હવે મને ખબર પડી કે શિવભાઈ...શ્યામલભાઈ કેમ અચાનક જ ગુસ્સે થઈને અને મારી કારનો દરવાજો પછાડીને જતાં રહ્યાં. નેચરલી આમ અચાનક કોઈ વ્યક્તિ એની જ બહેન પ્રત્યેના પ્રેમનો ઈઝહાર પોતાની સામે કરે તો એમને ગુસ્સો આવે જ. પણ મને ખાતરી છે હું એમને સમજાવી શકીશ. બહુ સારા માણસ છે, ખૂબ લાગણીવાળા પણ છે.” વરુણના અવાજમાં આત્મવિશ્વાસ ડોકાઈ રહ્યો હતો.

“હા, પણ અત્યારે એ ખૂબ હર્ટ થયા છે. ગમે તેવો લાગણીશીલ વ્યક્તિ હોય પણ જ્યારે એ હર્ટ થયો હોય ત્યારે જરા સંભાળીને... શું કહો છો બેનબા?” કૃણાલે સોનલબા સામે જોઇને પૂછ્યું.

“બરોબર છે, કૃણાલભાઈ. આપણે એકદમ સમજી વિચારીને પગલાં ભરવાં પડશે.” સોનલબા કૃણાલની દલીલ સાથે સહમત થયા.

“હા, કારણકે એમની સાથે હવે જો એમના ભાઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે મારી વિરુદ્ધ થઇ જશે તો મારે તો એમને કાયમ માટે ભૂલી જ જવા પડશે.” વરુણને ચિંતા થઇ.

“એટલેજ.” કૃણાલે વરુણ સાથે સહમતી દર્શાવી.

“હું શું કહેતો હતો કે...” વરુણ હજી આગળ બોલે ત્યાંજ એના મોબાઈલની રીંગ વાગી.

પોતાના જીન્સના જમણા ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને વરુણે જેવું સ્ક્રિન તરફ જોયું તો એ સજ્જડ થઇ ગયો. એને આમ અચાનક જ સજ્જડ થઇ ગયેલો જોઇને સોનલબા અને કૃણાલને પણ નવાઈ લાગી. વરુણ મોબાઈલ સ્ક્રિન તરફ સતત જોતો રહ્યો કારણકે તેના પર ‘SVB’ સતત ઝબકી રહ્યું હતું, લગભગ અઢીથી પોણા ત્રણ વર્ષ બાદ...

હા! એ કૉલ સુંદરીનો હતો. સુંદરીએ તો બગીચાની ઘટના બાદ પોતાના મોબાઈલમાંથી વરુણનો નંબર ડિલીટ કરી દીધો હતો, પરંતુ વરુણે એ જ આશાએ સુંદરીનો નંબર સેવ કરી રાખ્યો હતો કે એક દિવસ તે જરૂર તેને કૉલ કરશે અને આજે એની એ આશા ફળીભૂત થઇ રહી છે એવું એને લાગ્યું.

“એ... એ... એમનો કૉલ છે!” વરુણે વિસ્મયથી સોનલબા અને કૃણાલ સામે જોઇને કહ્યું.

“મેડમનો?” સોનલબા અને કૃણાલ બંને એકસાથે બોલ્યા, એમના ચહેરાઓ પણ આશ્ચર્યચકિત હતા.

“હા...” વરુણને ખબર નહોતી પડી રહી કે એ શું કરે.

“ભઈલા, કૉલ રિસીવ કર અને શાંતિથી વાત કર.” સોનલબાએ રીતસર હુકમ કર્યો.

વરુણે જવાબમાં ડોકું હલાવ્યું અને મોબાઈલ સ્ક્રિન પર ઝબકી રહેલા લીલા બટનને ઉપરથી તરફ ધકેલ્યું.

“હહહ...હેલ્લો?

હા...

હા...

ઓકે...

ચોક્કસ! હું પહોંચી જઈશ.” બસ આટલું બોલીને વરુણે કૉલ કટ કરી દીધો.

“શું થયું? કેમ આટલી વારમાં જ કૉલ કટ કરી દીધો?” સોનલબા ઉતાવળાં થયાં.

“મને ટર્નિંગ પોઈન્ટ કાફે, એસજી હાઈવે પર બોલાવ્યો છે, એક કલાકમાં. કશીક વાત કરવી છે.” વરુણનો ચહેરો પરસેવાથી ભરાઈ ગયો હતો.

“તો જા, એમાં આટલો ગભરાય છે શા માટે? હું આવું જોડે?” કૃણાલે કહ્યું.

“ના, તું બેનબાને ઘરે જવા માટે કેબ કરાવી આપ, હું જાઉં છું. અને હા મમ્મીને જરા સંભાળી લેજે.” વરુણે તરતજ સોનલબા જ્યાં બેઠા હતા એ સ્ટડી ટેબલનું ડ્રોઅર ખોલ્યું અને તેમાંથી કારની ચાવી કાઢી.

“ઓલ ધ બેસ્ટ ભઈલા. જેવું તારું મન છે એવું જ વર્તન કરજે. કોઈજ વાત છુપાવતો નહીં, પછી એનું રિએક્શન ભલે ગમે તેવું હોય ઓકે?” સોનલબાએ ઉભા થઈને વરુણને ગળે વળગાડી લીધો.

વરુણે ફિક્કાં અને તાણ અનુભવતાં સ્મિત સાથે હકારમાં ડોકું હલાવ્યું અને રૂમની બહાર નીકળી ગયો.

==::==

“હલ્લો...” થોડો સમય ટેબલ પર સાવ મૂંગા બેઠા બાદ વરુણે સુંદરી સાથે વાત શરુ કરવાની કોશિશ કરી.

“હમમ...” સુંદરીએ જવાબમાં બસ આટલું જ કહ્યું.

સુંદરીએ એકદમ સાદો ડ્રેસ પહેર્યો હતો. મેકઅપના નામે પાઉડર પણ નહોતો લગાવ્યો એવું વરુણને લાગ્યું, પણ સુંદરીની સુંદરતાને કોઈ મેકઅપની ક્યાં જરૂર હતી? વરુણને આટલા વર્ષે સુંદરી સમક્ષ બેસવા મળ્યું અને ભલે એમની વચ્ચે ખટરાગ ઉભો થયો હોય પરંતુ તેની સુંદરતા જોવાની તક મળી તેનાથી જ એ ખુશ હતો અને આ ખુશીએ તેના હ્રદયના ધબકાર બમણાં કરી દીધા.

“કેમ છો?” વરુણે સ્વાભાવિકપણે જ આગલો સવાલ કર્યો.

“તમારા જેવા વ્યક્તિઓની કૃપા હોય હોય પછી કોઈ મજામાં તો ન જ હોઈ શકે.” સુંદરીએ તીર છોડ્યું.

“સોરી! પણ એક પછી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ રહી છે અને ટુ બી ઓનેસ્ટ હું પણ એક પછી એક બ્લંડર્સ કરી રહ્યો છું. મારા લીધે તમને ખૂબ તકલીફ પડી રહી છે એનો મને ખ્યાલ છે પણ...” વરુણે વાક્ય અધૂરું છોડ્યું.

“તમને ખબર છે મને તકલીફ પડી રહી છે? વાહ! ખોટું બોલવાનું તો કોઈ તમારી પાસેથી શીખે વરુણ. તે દિવસે બગીચામાં જે થયું અને મને જે તકલીફ આપીએ એ પણ તમે ભૂલથી બોલી ગયા હતા એવું તમે તમારી બહેન પાસે કહેવડાવ્યું. હવે મારા ભાઈને તમારા પ્લાનમાં સામેલ કરવાનું કામ કર્યું અને અમને બંનેને મોટી તકલીફ આપી . તમે આ બધું જાણીજોઈને જ કરો છો ને વરુણ?” સુંદરીનો સુંદર અને ગોરો ચહેરો લાલ થઇ રહ્યો હતો.

“એવું બિલકુલ નથી. મેં જસ્ટ હમણાં જ કહ્યુંને કે એવું થઇ ગયું, બંને વખત, જે મારે નહોતું કરવું. અને શ્યામલભાઈ એ શ્યામલભાઈ છે એની ખબર તો મને કાલે રાત્રે જ પડી. હું તો એમને શિવભાઈ તરીકે જ ઓળખતો હતો, તમે એમને પૂછી શકો છો.” વરુણે પોતાની નિર્દોષતા સાબિત કરવાની કોશિશ કરી.

“વાહ! વરુણ વાહ! દર વખતે તમે મારી જે થોડીઘણી આશા તમારા પ્રત્યે હોય છે એને તોડતા જ જાવ છો. ખબર નહીં પણ કેમ, ગઈકાલ સુધી મને એમ હતું કે તમારામાં થોડીઘણી સારપ જરૂર હશે, પણ જ્યારે સવારે મને ભાઈએ કાલ રાતની બધી વાત કરી ત્યારે મને સહુથી વધુ અફસોસ થયો કે તમારા પ્રત્યે રાખેલી છેલ્લી આશા પણ ભાંગી પડી. મને એ વાતની ખબર નથી પડતી વરુણ કે તમે...” સુંદરી હજી બોલી જ રહી હતી કે ત્યાંજ...

“... તમે જોઈ શકો છો કે આઈપીએલ સ્ટાર અને આપણા અમદાવાદના હિરો વરુણ ભટ્ટ અહીં તેમની ગર્લફેન્ડ સાથે એસજી હાઈવે પર આવેલા ટર્નિંગ પોઈન્ટ કાફેમાં ડેટ પર આવ્યા છે. આ દ્રશ્યો તમે ફક્ત ને ફક્ત અમારી જ ચેનલ પર એક્સક્લુઝિવલી જોઈ રહ્યા છો. તમે જોઈ શકો છો કે આ બંનેના ચહેરાઓ પર ક્યાંકને ક્યાંક રોમાન્સ દેખાઈ રહ્યો છે અને આ કાફે જે છે તે રોમેન્ટિક કપલ્સ માટે આખા અમદાવાદમાં ફેમસ છે. તો ચાલો આપણે વરુણ ભટ્ટને જ પૂછીએ કે તેમનો અને તેમની ગર્લફ્રેન્ડ વચ્ચેનો પ્રેમ કેટલા વર્ષથી ચાલી રહ્યો છે.” એક ટીવી રિપોર્ટર અચાનક જ કાફેમાં ઘુસી આવ્યો અને બકબક કરવા લાગ્યો અને પછી તેણે વરુણ સામે માઈક ધરી દીધું.

રિપોર્ટરની સામે કેમેરા લઈને એક બીજો વ્યક્તિ પણ ઉભો હતો. વરુણને અચાનક જ થયેલા આ હુમલાથી કળ વળે અને સુંદરીને કશો ખુલાસો કરે એ પહેલાં જ સુંદરીએ તેની સામે ગુસ્સાથી જોવાનું ચાલુ કરી દીધું.

==:: પ્રકરણ ૭૩ સમાપ્ત ::==