આધ્વીકા એ હકાર મા માથું હલાવ્યુ, મિતલ ના ચહેરા પર નાનકડું સ્મિત આવ્યુ. આંખો થી આભાર વ્યક્ત કરી એ ગાયબ થઈ ગઈ.
"પપ્પા, હું તમને હોસ્પિટલ લઈ જઉં છું તમે જરાય ચિંતા ન કરતા." રયાન એ એમ્બ્યુલન્સ બોલાવવા ફોન હાથ મા લીધો.
"મેં એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે." જિજ્ઞાસા એ રયાન ના ધ્રૂજતા હાથ પર હાથ મૂકીને કહ્યું. રયાન એ જિજ્ઞાસા નો હાથ મજબૂતાઈ થી પકડી લીધો. જિજ્ઞાસા ના શરીર મા ધ્રૂજારી છુટી ગઈ.
વિસેક મિનિટ મા એક એમ્બ્યુલન્સ રાઠોડ હાઉસ આગળ આવીને ઊભી રહી, હેતલબેન અને રાહુલ રાજેશ ભાઈ ને લઈ ને હોસ્પિટલ જવા નિકળ્યાં.
"જીવન મને લાગે છે કે બાબા આજે આવી જવા જોઈએ, તુ આશ્રમ પર જઈને તપાસ કરી આવ." આધ્વીકા જીવન ને સુચના આપી જિજ્ઞાસા ના ઓરડા તરફ જાય છે.
જિજ્ઞાસા તેના ઓરડામાં આંટા મારી રહી હતી, તેના ચહેરા પર બેચેની ચોખ્ખી દેખાઈ રહી હતી.
"રયાન ની ચિંતા થઈ રહી છે?" આધ્વીકા એ સીધું પુછી લીધું.
"હે.... અમમ, તને કેવી રીતે ખબર પડી?" જિજ્ઞાસા ઊંધી ફરીને બોલી.
"હું જોઉં છું જે રીતે તુ રયાન સાથે વાત કરે છે, જે રીતે એને જૂએ છે, જે રીતે એના દુખે દુખી અને એના સુખે સુખી થાય છે. હું તારી મોટી બેન અને તારી પાક્કી બહેનપણી છું, ભુલી ગઇ?"
"તો એને કેમ ખબર નથી પડતી? એને કેમ નથી દેખાતી મારી લાગણીઓ? હું જાણું છું કે એ તને પ્રેમ કરે છે તો એની પાસે થી આશા રાખવી એ ગાંડપણ છે. છતાંય મન નથી માનતું, આ મન કેમ આવું હોય છે?" જિજ્ઞાસા ના અવાજ મા દુખ ભળ્યુ.
"તુ હમેશાં મને કહે છે ને કે ચિંતા ન કર જે થશે એ સારું જ થશે, તો તું પણ ચિંતા ન કર સૌ સારાં વાનાં થશે." આધ્વીકા એ જિજ્ઞાસા ને આલિંગન મા લીધી.
"જીજ્ઞા મિલાપ પત્યો હોય તો હવે નીચે આવો બન્ને, જીવન બાબા ને લઈને આવ્યો છે." જયશ્રી બેન આટલું બોલી જેટલી ઝડપે આવ્યા હતા એવા જ પાછા વળ્યા.
આરાધના બેન બાબા ને બે દિવસ મા બનેલી ઘટનાઓ વિશે જણાવી રહ્યાં હતાં, બાબા એ એમના પાછળ બનેલી બધી ઘટનાઓ ધ્યાન થી સાંભળી પણ કોઈ પ્રતિક્રિયા ન આપી.
"આ આત્મા ને મુક્તિ કેમ કરીને મળશે?" જયશ્રીબેન એ પુછ્યું.
"જ્યારે જીવતે જીવ માણસ ની કોઈ એવી ઈચ્છા અધૂરી રહી ગઈ હોય જે પુરી કરવા એ માણસ આખી જિંદગી મથ્યો હોય, એવા માણસ ના મૃત્યુ પછી એનો જીવ અધોગતિ એ જાય છે. આ આત્મા ની પણ એવી જ કોઇ ઈચ્છા અધૂરી રહી ગઈ છે, એ ઈચ્છા પૂરી કરી એના શવ ના વિધીવત અંતિમ સંસ્કાર કરશો ત્યારે જ એને મુક્તિ મળશે." બાબા એ જવાબ આપ્યો.
"બાબાજી આત્મા ને મુક્તિ ન મળે ત્યાં સુધી બધા ની સુરક્ષા માટે કંઈ....?" આરાધના બી તેમની વાત પુરી કરે એ પહેલાં જ આધ્વીકા બોલી, "જરૂર નહીં પડે માસી, એ આત્મા હવે અહીં કોઈને પણ નુકસાન નહીં પહોચાડે."
રાઠોડ હાઉસ માં ઘણા દિવસો પછી આજે શાંતિ છવાઈ હતી, ઉંડે ઉંડે બધા ના મન માં હવે બધું ઠીક થશે એવી આશા હતી.
"તું હોસ્પિટલ નહી જાય?" રાહુલ ને પરસાળ માં એકલો બેઠેલો જોઇ આધ્વીકા એ પુછ્યું.
"મારી માં નુ મૃત્યુ થયું એ દિવસે મને ખબર પડી કે મારા પિતા એ આખી જિંદગી મારી માં ને અંધારા માં રાખી, એને દગો આપ્યો. એ દિવસે મારી માં ની સાથે મારા પિતા પણ મારા માટે મરી ગયા હતા, હું અનાથ થઈ ગયો હતો. એ માણસ ના કારણે મારી બેન....., એ ખુની છે. એ માણસ જીવે કે મરે, મને કોઈ જ ફરક નથી પડતો." રાહુલ આટલું બોલતા તો હાંફી ગયો, જાણે વર્ષો નો બોઝ ઊતરી રહ્યો હોય. બન્ને ની પાછળ ઉભેલા જયશ્રી બેન એ પણ આ વાત સાંભળી.
"તારા પિતા એ ગુના કર્યા છે, તારી બેન ના ખુની તારા પિતા નથી પણ એ ખુની તો છે જ, અને એમને સજા પણ મળવી જોઈએ. પણ એમને સજા એ ગુનાઓની મળવી જોઇએ જે એમણે કર્યા છે, એ તારા પિતા હતા, છે અને રહેશે. આ સમયે તારે તારા પિતા પાસે હોવું જોઇએ બેટા, માણસ હયાત હોય ત્યારે જ બધી ફરીયાદ કરી લેવી જોઈએ. જા બેટા તારા પિતા પાસે જા." જયશ્રીબેન રાહુલ ની બાજુ માં બેઠા અને એને સમજાવ્યો.
રાહુલ જયશ્રીબેન ના ખોળામાં માથું મુકી રડી પડ્યો, જયશ્રીબેન પ્રેમ થી રાહુલનો વાંસો પસવારી રહ્યાં હતાં. મન હળવું થતા રાહુલ ઊઠ્યો અને હોસ્પિટલ જવા નીકળ્યો.
"ફઈ તમે કીધુ કે મી. ચૌધરી ખુની છે, એમણે કોનું ખુન કર્યું હતું????" આધ્વીકા એ પુછ્યું.
જયશ્રીબેન એ ઉંડો શ્વાસ લીધો અને એક નિઃસાસા સાથે બોલ્યાં, "તારા મમ્મી પપ્પા નું......"
ક્રમશઃ