ભાગ – 5
" એ છોકરી "
(ભાગ-4 માં આપણે જોયું કે વીણાબહેન એટલે કે મેં ડાહ્યાભાઈને રૂપલીને શહેરમાં લઈ જવા માટે વાત કરી. તેઓ બોલ્યા ચાલ્યા વગર ચૂપ થઈ ગયા હતા. હવે જુઓ આગળ)
ડાહ્યાભાઈ ચૂપ થઈને બેસી ગયા હતા, જાણે કે મેં તો શું વાત કરી નાખી હતી એમની આગળ. મેં તેમની વિચારધારા તોડવા પૂછ્યું ઓ ડાહ્યાભાઈ શું થયું ? મારી વાતનું કંઈ ખોટુ લાગ્યું? કેમ ચૂપ થઈ ગયા ? ડાહ્યાભાઈ કહે બૂન તમે વાત જ એવી કરી તો હવે હું શું બોલું ? મને સમજણ નથી પડતી તમને હું શું જવાબ આપુ? મેં કહ્યું કેમ મેં શું કોઈ ખરાબ વાત કરી નાખી તમારી આગળ ડાહ્યાભાઈ ? મેં તો તમારી દિકરીના ઉજ્જવળ ભવિષ્ય માટેની જ વાત કરી. ડાહ્યાભાઈ બોલ્યા તમારી વાત સાચી બૂન, કે તમે અમારા જેવા ગરીબ પરિવાર માટે વિચાર્યું. પણ રૂપલી અમારા ઘરની મોટી છોડી છે, હવે એની બા પણ હયાત નથી, ઘરનાં કામકાજ ઉપરાંત ખેતરનાં કામકાજમાં એક દિકરાની ગરજ મને પૂરી પાડે છે આ મારી રૂપલી. એને જ જો તમે લઈ જાઓ તો હું તો અપાહિજ જ બની જાઉં બૂન. એના ભાઈ બહેન હજુ ઘણાં નાના છે એટલે એમના તરફથી તો હમણાં કોઈ મદદની આશા ના રખાય ને બૂન.
થોડો વિચાર કર્યા બાદ મેં ડાહ્યાભાઈને આ પ્રમાણે જવાબ આપ્યો. ડાહ્યાભાઈ તમારી આ બધી વાત સાચી કે રૂપલી અત્યારે તમને ઘણી મદદરૂપ છે અને એની ગેરહાજરીની તમને ચોક્કસ ખોટ પડશે. પણ તમે આ બાબતને બાજુ પર મૂકીને એક પિતાની નજરે જુઓ, વિચારી જુઓ કે જો આ તમારી રૂપલી ઘણી હોંશિયાર મને તો લાગે છે. ઉપરાંત ઈશ્વરે એને સુંદરતા પણ ભરપૂર આપી છે. શું તમારે તમારી આવી સુંદર અને હોંશિયાર છોકરીનું જીવન ફક્ત ગામડામાં એક ખેતમજૂર અને ઘરના કામકાજમાં જ વિતી જાય એવું ઈચ્છો છો ? શું તમે એવું નથી ઈચ્છતા કે રૂપલી શહેરમાં જાય ત્યાં આગળ ભણે ને આગળ વધે. એ આગળ વધશે તો વિચારો કે તમારા આ બંન્ને નાના બાળકો માટે પણ કેટલું સારૂ રહેશે તમારુ કુટુંબ ઊંચુ આવશે, તમે જે આ મજૂરીમાં જીવન કાઢ્યું છે તેમા સુખરૂપી દિવસો આવશે. ડાહ્યાભાઈ કહેવાય છે ને કે “લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય”. આજે તમારા કુટુંબના જીવનમાં સુખરૂપી આશીર્વાદ આપવા માટે ઈશ્વરે મારા દ્વારા આ કહેણ મોકલ્યું છે તો તેને પાછું ના ઠેલો અને રૂપલીને શહેરમાં જવાની રજા આપો.
થોડીકવાર તો એકદમ મૌન છવાઈ ગયું. રૂપલી બિચારી તો એકદમ શાંત બની સાંભળ્યા કરતી હતી અમારી વાતો. પાંચ મિનિટની શાંતિ પછી ડાહ્યાભાઈએ મોં ખોલ્યું, બોલ્યા બૂન તમારી બધી વાત સાચી, પણ એમ કાંઈ ઝડપથી વિચારી ના લેવાયને. મને થોડો સમય આપો વિચારવા માટેનો.
મારા ચહેરા પર ખુશી ફરી વળી. ચાલો ડાહ્યાભાઈએ વિચારવા તો કહ્યું. મેં કહ્યું હા, હા, ડાહ્યાભાઈ ચોક્કસ. તમારી દિકરી છે માટે ચોક્કસ તમારે વિચારીને જ નિર્ણય લેવો પડે. બોલો તમારે કેટલો સમય જોઈએ છે ? હું તમને મારો મોબાઈલ નંબર આપું છું. તમે મને ફોન કરીને જણાવશો એટલે હું આવી જઈશ. એ અગાઉ મારે રૂપલી માટે વ્યવસ્થા પણ કરવી પડશે, બધી તપાસ પણ કરાવવી પડશે ને.
ડાહ્યાભાઈએ કહ્યું એક અઠવાડીયાનો સમય આપો બૂન, હું તમને ફોન કરીને જણાવીશ.
હવે શું થશે ડાહ્યાભાઈનો શું જવાબ હશે ફોન કરશે વાંચો આગળ ભાગ – 6માં