એ છોકરી - 6 Violet દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ છોકરી - 6

ભાગ – 6

" એ છોકરી "

(ભાગ-5 માં આપણે જોયું કે તેમ ડાહ્યાભાઈ સાથે વાત થઈ, રૂપલીને શહેરમાં લઈ જવા બાબતે, તેમણે એક અઠવાડિયાનો સમય માંગ્યો)

ડાહ્યાભાઈ સાથે વાત થયા પછી હું એ દિવસે શહેર પરત ફરી. શહેર આવ્યા બાદ સાંજે હું રોનકને મળી. રોનક મારા પતિ છે, તેઓ દિવસે પોતાની ઓફિસ હોવાથી અમે સાંજે મળી શક્યા. ફોન પર આ બધી વાતો જણાવવી યોગ્ય ન હતી એટલે રૂબરૂમાં જ વાત કરીશ એમ મેં નક્કી કરેલું. હું પોતે સરકારી કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતી હતી. મેં ઈંગ્લીશ લીટરેચરમાં પી.એચ.ડી.પુરુ કર્યું હતું.

રોનકને રૂપલી વિશે સાંજે બધુ પરવારીને અમે અમારી અગાશીમાં આરામ કરવા બેઠા હતા ત્યારે મેં બધી વિસ્તારપૂર્વક વાત કરી. અમને ઈશ્વરે બધું આપ્યું હતું. અમારે એક દિકરો હતો જે વધુ અભ્યાસ માટે કેનેડામાં હતો. રોનકે મારી બધી વાત શાંતિથી સાંભળી પછી કહ્યું જો વીણા આજ સુધી મેં કદી તારા કોઈ નિર્ણયમાં તને ના નથી કહી, કારણ તે હંમેશા સારા જ નિર્ણય લીધેલા છે. તો આ બાબતે પણ તે સારૂ જ વિચાર્યુ હશે અને જો કોઈ વ્યક્તિનું આપણા થકી સારૂ થતું હોય તો મને એમાં કશો વાંધો નથી. આપણી પાસે ઈશ્વરે આપેલ બધું છે એટલે નાણાંકીય બાબતોની પણ ચિંતા છે નહી. તારે રૂપલીને લાવવી હોય તો લાવ પરંતુ એ પહેલા તારે બધી તપાસ કરવી પડશે. એ સાત ધોરણ સુધી ભણેલી છે અને તારા કહેવા મુજબ અત્યારે તેની ઉંમર 15 વર્ષની હશે તો સાત ધોરણ પછીનું અત્યાર સુધીનું ભણતર કઈ રીતે પુરુ કરાવવું એ બધી તપાસ કરવી પડશે. આ બધુ વિચારીને આગળ પગલાં લેજે.

મેં કહ્યું હા, મેં બધું વિચાર્યુ છે, હાલના સમયમાં તો બે ધોરણ સાથે કરાવી શકીએ એવી ખાસ કેસમાં જોગવાઈ શિક્ષણખાતાના નિયમો પ્રમાણે મારા માનવા મુજબ છે. આ બાબતે હું મારી સાથે કામ કરતી આશાના પતિ અમિતને મળીને સલાહ લઈશ. એ મુજબ રૂપલીને આગળ ભણાવીશું અને ધોરણ 12 પછી તેણે આગળ કઈ લાઈન લેવી તે નક્કી કરીશું.

હવે રાહ ફક્ત એક અઠવાડીયુ જોવાની હતી, તે પછી જ ખબર પડે કે આગળ શું થશે.

બીજા દિવસે હું મારા રોજના કામ પૂરા કરી કોલજ જવા નીકળી. કોલજ પહોંચીને મારા રેગ્યુલર લેક્ચર્સ પૂરા કરી હું મારી મિત્ર આશાને મળી અને લંચ સમય દરમ્યાન બધી વાત તેની સાથે કરી. આશાના પતિ અમિત ગાંધીનગર શિક્ષણવિભાગમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે એટલે તેમની પાસેથી મને ચોક્કસ સચોટ સલાહ મળે. મેં આશા સાથે વાત કરીને સાંજે આશાના ઘરે અમિતભાઈને મળવાનું નક્કી કર્યું.

સાંજે હું આશાને ઘરે જવા નીકળી. અમિતભાઈ સાથે સામાન્ય વાતચીત કરીને મેં વિસ્તારપૂર્વક રૂપલી વિશે તેમની સાથે વાત કરી અને આગળ તેના ભણવા માટે કેવી વ્યવસ્થા કરવી તેની સલાહ લીધી. તેમણે ખૂબ જ સારી સલાહ આપી અને અમદાવાદની એક ઉચ્ચ શાળાનું નામ મને આપ્યું અને ત્યાંના ટ્રસ્ટીશ્રીનું નામ અને તેમનું વિઝીટીંગ કાર્ડ આપ્યું, અને કહ્યું તમે એપોઈન્ટમેન્ટ લઈને મળવા જજો, હું ફોન દ્વારા તમારી વિશે વાત કરી રાખીશ. મેં અમિતભાઈને ખૂબ જ આભાર માન્યો અને બીજા દિવસે ફોન કરી એપોઈન્ટમેન્ટ લઈને ટ્રસ્ટીશ્રીને મળવાનું નક્કી કરી હું મારા ઘર તરફ પરત ફરી.

આ બાજુ ગામમાં રૂપલી પણ આ બધા વિચારોમાં જ હતી, તેને પણ તેનાં બાપું શું કરશે? એ વિચારો જ આવ્યા કરતા હતા, પણ બાપુને તો કાંઈ પૂછી શકાય નહી એટલે ચૂપચાપ અઠવાડીયાની રાહ જોતી હતી.

બીજા દિવસે સવારે મેં ટ્રસ્ટીશ્રી યોગેશભાઈ શાહ સાથે વાત કરી અને મારી ઓળખાણ આપતા અમિતભાઈનું નામ આપ્યું. તેમણે મને સાંજે 5 વાગ્યે મળવા આવવા કહ્યું. હું ખૂબ જ ખુશ હતી, બધુ સારી રીતે પાર પડી રહ્યું હતું બસ હવે રૂપલીને અહીં લાવવાની જ વાર હતી. રૂપલીને શહેરની રીત-ભાત, બોલ-ચાલ પણ શીખવાડની હતી. હું ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહી હતી કે બધું સારૂ થાય.

સાંજે હું યોગેશભાઈને મળવા નીકળી અને તેમની ઓફિસ પહોંચી.

હવે શું થશે ? યોગશભાઈ રૂપલીના આગળના અભ્યાસ માટે શું સલાહ આપશે? જુઓ આગળ ભાગ - 7