That was also a time. books and stories free download online pdf in Gujarati

એ પણ એક સમય હતો.

દ્રશ્ય અને અદ્રશ્ય એમ બે રીતે સમયને મૂલવી શકાય.જેને સમયની કિંમત છે તેનાં માટે દ્રશ્ય અને જેને સમયની કિંમત નથી તેનાં માટે અદ્રશ્ય.સમયને ક્યાં કોઈ બાંધી શક્યું છે.તે હંમેશા એક ચમત્કારી રહસ્ય જ બની રહ્યું છે.મારા માનવા મુજબ તમે સમયને અલૌકિક શક્તિ સ્વરૂપે લઈ શકો છો.
જો સમયની તક ઝડપતા આવડે તો માલામાલ બાકી બેહાલ.
સમય દરેકને એક તક,ઉમ્મીદ કે પોતાનામાં રહેલ શક્તિનો આવિષ્કાર કરવાની જાગૃતિ બતાવતો હોય છે.પણ મનુષ્ય સ્વભાવ પોતાની ભૌતિક જરૂરિયાત થી સંતોષ હોય કે પછી આળસુ સ્વભાવ અથવા તેનાં ચંચળ મનને વશ થઈ થાપ ખાઈ જતો હોય છે.અને સરવાળે સમય રેતની જેમ હાથમાંથી સરી જતો રહે છે.
મારી વાત સમયને ધ્યાનમાં લઈને એક એવી વ્યક્તિની છે જેના હાથમાં સમય,તક,પરિશ્રમ,પરિસ્થિતિ બધું જ કુદરતે મેળ કરીને આપ્યું હતું પણ એક ભૂલે આ બધા ઉપર પાણી ઢોર કરી નાખ્યું.તેના જીવનમાં વસંત આવતા આવતા રહી ગઈ..
આ વાત સાવ સત્ય છે.અને નજરે જોયેલી.કદાચ એમ કહેવું ઉચિત રહેશે કે મારી પોતાની જ સમજી લ્યો...
રેવાનો ટૂંકો પરિચય આપું તો નાનપણથી શિક્ષિત વાતાવરણમાં ઉછરેલી માતા-પિતાની બે સંતાનો માંથી નાની અને પપ્પાની વધુ પડતી લાડકી.મમ્મી-પપ્પા શિક્ષક હોવાથી બંને બહેનોને અભ્યાસ બાબતે ક્યાંય રોક-ટોક નહીં.ઉપરાંત નોકરી કરી પગભર થવાની શિખામણ.ખાસ તેના મમ્મી બંને બહેનોને વારંવાર કહેતા કે,'હું પરણીને આવી પછી મને તારા પપ્પા એ ભણાવી ને નોકરી પણ કરવા દીધી,તારા પપ્પાનું કહેવાનું થતું કે કાલ સવારે મને કંઈ થઈ જાય તો તું ઓશિયાળી બની ને ન જીવ અને દીકરીઓને પણ તકલીફ ન પડે અને સ્વમાનભેર જિંદગી જીવી શકીશ.' એટલે કહું છું તમે બંને બહેનો ભણી ને પગભર થાઓ.કોઈપણ સ્ત્રીએ હમેંશા પગભર થવું જ જોઈએ અથવા એટલું તો ભણવું જોઈએ કે કોઈપણ સમયે તે કામ લાગે.રેવાએ આ વાત ધ્યાનમાં રાખીને અભ્યાસમાં ઊંડો રસ લીધો..રેવા સાતમાં ધોરણ માં હશે ને તેનાં પપ્પાનું બ્રેઈન હેમરેજમાં મૃત્યુ થયું.હવે બધી જવાબદારી તેનાં મમ્મી ઉપર આવી પડી.મોટી કોમલ હજુ દસમા ધોરણમાં જ હતી.આટલી નાની ઉંમરે મમ્મીનું વિધવા થવું ને એકસામટી પરિસ્થિતિનો બદલાવ ત્રણેય માટે કપરો હતો.પણ મમ્મીની હિંમતે બધું જ સરખું કરી દીધું.હવે તેની દુનિયા બંને દીકરીઓને ભણાવી પગભર કરી સુખી સંપન્ન સાસરુ મળે તેની હતી.પણ વિધાતાને હજુ આટલું દુઃખ મંજુર ન હોય તેમ રેવાના મમ્મીને બ્રેસ્ટ કેન્સર થયું. રેવાના મમ્મી સાવ ભાંગી ગયાં.તેને થયું મને કંઈક થઈ જશે તો આ બંને દિકરીઓનું કોણ? કોમલે અને રેવા એ હિંમત આપી મમ્મીનું બ્રેસ્ટ ઓપરેશન કરાવીને તેમને નવજીવન જીવવાની પ્રેરણા આપી.થોડાસમયમાં રેવાની મમ્મી પરિસ્થિતિ ને એડજેસ્ટ થઈ રોજિંદી જિંદગી જીવવા લાગ્યાં.પણ મનમાં થતું કે મોટી કોમલ પરણી જાય તો મને જમાઈનો સાથ રહે અને રેવા પણ એકલી ન પડી જાય.અને હજુ તો ગ્રેજ્યુએટ થઈ ત્યાં સારું એવું ઘર જોઈ કોમલનાં લગ્ન કરાવી દિધાં.હવે રેવાને ભણાવી નોકરી કરાવી પરણાવાની ઈચ્છા હતી.
સમય સમયનું કામ કરે છે.રેવાને એક જ ધગશ હતી કોલેજમાં લેક્ચરર બનવાની.પહેલેથી જ સાહિત્યમાં રસ અને સમય પણ તેનું માનતો હોય તેમ અનુકૂળ બની તેની સાથે હતો.
સ્ત્રીની કોઈ મોટામાં મોટી કમજોરી હોય તો લાગણી.આ લાગણી તેની શાન,ભાન ભુલાવીને ન કરવાનાં નિર્ણય કરાવી અને આવેલ તકને ગુમાવતી હોય છે.રેવાની સાથે પણ આવું જ થયું.અત્યાર સુધી જે બંધ બાંધીને રાખ્યો હતો તે સુકેતુના આવવાથી તૂટી ગયો અને લાગણીનાં પ્રવાહમાં ખેંચાઈ ગઈ.રેવા ક્યારેક ભગવાનને ફરિયાદ કરતી કે,'ભણવાની અને પ્રેમની ઉંમર સાથે કેમ રાખી..'
સુકેતુનાં ઘરનું વાતાવરણ પણ શિક્ષિત હતું.મમ્મી-પપ્પા શિક્ષક,બે જ ભાઈ માંથી મોટો ભાઈ ડોકટર અને સુકેતુ રેવા સાથે બી.એડ કરતો હતો.બંને એ નક્કી કર્યું કે લગ્ન પછી બંને નોકરી કરશે.ટૂંક સમયમાં રેવા અને સુકેતુ એ લગ્ન કરી લીધાં.
સમયનું ચક્ર કહો કે રેવાની કિસ્મત રેવાનું લેક્ચરર બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું.તેને એક જ વર્ષમાં લક્ષ્મી જેવી દીકરી આવી.કૌટુંબિક કલેશ,ઘરથી અલગ થવું.મમ્મીની નાજુક પરિસ્થિતિ બધાનો ખાર રેવાના સ્વપ્ન પર ઉતર્યો.રેવા સમજી ગઈ તક હાથમાંથી જતી રહી છે.હવે કોઈ વિકલ્પ નથી.લગ્ન પણ પોતાની મરજી થી કરેલ એટલે કોઈને કહી પણ ન શકે.મન મનાવી ને સમય પસાર કરતી.
ક્યારેક તેને નજર સામે તે સમય યાદ આવતો કે લેક્ચરર બનવાનું ધૂન કેવી સવાર હતી.ભણવું,ભણાવું,સાહિત્યને ઘોરીને પી જવું.એક એવા મુકામ પર જઈને ઉભવું તું કે બધાની વાહ..વાહ..અને એક આગવી ઓળખ હોય પણ....સમયની બલિહારી કહો કે તકદીરની સાજીશ...
આમ રેવાની લેક્ચરર બનવાનું સ્વપ્ન અધૂરું રહ્યું..આજે તે બે દીકરીઓની માં બની પોતાના સંસારને પ્રમાણિકતાથી નિભાવે છે.
નોકરી અને પ્રેમ આ બંને ભાગ્યે જ સાથે હોય.બાકી કોઈ એક હાથમાંથી છૂટી જ જાય.રેવાની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ હું એટલું જ કહેવા માંગીશ કે પ્રેમ જરૂરી છે પણ તમારું સ્વપ્ન પણ એટલું જ મહત્વનું છે.તેને નગણ્ય ન કરો.આપણાં સપના પુરા કરવા જીવનમાં વસંત આવી હોય તો તે તક કે વસંત ગુમાવશો નહીં..

(રેવાની ઓપન કાસ્ટ હોવાથી મનગમતી જગ્યાએ નોકરી ન મળે,વિદ્યા સહાયકમાં બહાર ગામ જાય તો દીકરી કોના ભરોસે,સુકેતુ નું શું?,મમ્મીની સાર સંભાળ કોણ રાખે?આવી ઘણી નાની મોટી પરિસ્થિતિ એ રેવાનું સ્વપ્ન અધૂરું રહ્યું...)
Sonal patadia.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED