ગામની પ્રેમાળ નદી. Sonalpatadia Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગામની પ્રેમાળ નદી.

હજુ તો રાત્રે દૂધનો ગ્લાસ આપી બાને જય શ્રીકૃષ્ણ કહીને સુવા ગઇને સવારમાં બા એ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી તે માન્યામાં નથી આવતું.
હું ને પારિતોષ સાથે જ ઉઠી જઈએ.સવારમાં બાળકોને અને પરિતોષને ઓફીસે જવાનું હોવાથી હું સીધી રસોડામાં જ મારા કામે લાગી જાવ.સવારમાં સૌથી પહેલા પારિતોષ ઉઠીને બાના રૂમમાં જઈ બાને જય શ્રી કૃષ્ણ કહી વૉક કરવાનીકળે.બા પણ ઉઠીને તેના નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ કરતાં હોય.પણ આજે બાના રૂમમાંથી અવાજ ન આવ્યો.પારિતોષે બાને ઉઠાડવા હલબલાવ્યા પણ બા કોઈ પ્રતિક્રિયા ન આપતા પારિતોષે મને બૂમ પાડી.હું હાંફળીફાફળી થઈને જઈ જોવ છું તો બાનો નશ્વર દેહ અને પરિતોષની આંખમાં બાની કારમી વિદાયના આંસુ.પારિતોષે ફટાફટ ડોક્ટરને ફોન લગાવ્યો.થોડા જ સમયમાં ડોકટર આવી ગયાં બા ને જોઈ એટલું જ બોલ્યા રાત્રે ઊંઘમાં જ એટેક આવી ગયો છે સોરી નો મોર...
બાની આવી વસમી વિદાયે હું મારી જાતને રોકી ન શકીને હૈયાફાટ રુદન વચ્ચે મેં બાની અંતિમક્રિયાની તૈયારી કરી.અમારી વચ્ચે સાસુ વહુ કરતાં માં દીકરીનો સબંધ વધુ હતો.તે કાયમ પારિતોષ સામે મારો જ પક્ષ લેતાં.તે કહેતા 'સૌમ્યા તું વહુ નહીં દીકરી છો મારી.'બાપુજીના ગયા પછી બા બહુ શાંતને કામથી કામ રાખતાં પણ રોજ તે એક કલાક મારી સાથે વાતો કરવા મને બોલાવી લેતા.નાનામાં નાની વાત તે મને કહેતાં.મને પિયરની યાદ ઓછી આવતી તેનું શ્રેય બધું જ બા ને જતું.બે બાળકોને મોટા કરવામાં બા એ મને ખબર નથી પડવા દીધી.ઘણી વખત પિયર જાવ ત્યારે પારિતોષ કહે'વહેલી આવતી રહેજે.'પણ બા એમ કહે 'માવતર જાશ તો શાંતિથી રહીને આવજે.અહીંની ચિંતા ન કરતી બધું હું સાચવી લઈશ.'
બાની ક્રિયાની તૈયારી કરતા કરતા બા સાથે વિતાવેલ પ્રેમાળ સમય યાદ આવી આંખોને છલકાવી જતો.બાને વિદાય આપવાનો સમય થયો ત્યારે હું પોક મૂકી ખૂબ રડી.મને એમ થયું જાણે હું એકલી પડી ગઈ.બા હતાં તો એક સધિયારો હતો.બાની હૂંફ હતી તો હું બેફિકર હતી.હવે સાવ એકલી પડી ગઈ...
સાંજ સમયે પારિતોષે મને કહ્યું'આપણે બા ના અસ્થિ પધરાવવા હરિદ્વાર જવાનું છે.'મેં ફક્ત 'હા..'કહ્યું...
રાત્રે બા ની યાદ આવતા હું રોતી હતી ત્યાં જ અચાનક યાદ આવ્યું.બા એ ઘણીવાર મને કહ્યું હતું કે 'આ વાત તારા સિવાય કોઈને મેં નથી કહી.તારા બાપુજીને પણ નહીં.જયારે મારું મૃત્યુ થાય ત્યારે કબાટમાં એક લાલ બટવો છે તેમાંથી વસ્તુ લઈ મારા અસ્થિ સાથે તેને પણ મૂકી મારા ગામની નદીમાં પધરાવજે..મેં બા ને પૂછ્યું,'એવું તે શું છે એ બટવામાં અને ગંગાની બદલે ગામની નદીમાં જ કેમ અસ્થિ પધરાવાનું કહો છો??' બા એ કહ્યું હું ગુજરી જાવ પછી આ બટવો તું ખોલી જોઈ લેજે, અત્યારે નહીં.અને હા આ વાત તારીને મારી વચ્ચે જ રાખજે.'
હું ઉભી થઇ બાના રૂમમાં ગઈ અને કબાટ ખોલી બટવો કાઢી ખોલીને જોયું તો એક વ્યક્તિનો ફોટો,કાગળ,ચાંદીની પાયલ અને સોનાની નથણી હતી.મેં કાગળ જોયો તો જર્જરિત થઈ ગયો હતો.પણ વાંચી શકાય એમ હતું અમુક શબ્દો બાદ કરતાં.પત્રમાં બા પ્રત્યેની પ્રેમ નીતરતી લાગણી સિવાય કંઈ જ નહોતું.આ પાયલને નથણી પણ તેમની જ ભેંટ હતી.રોજ ગામની નદી કિનારે મળવું,આ નદી જ હતી.જે બંનેનાં પવિત્ર પ્રેમભર્યા સંબંધની સાક્ષી રહી હતી.પણ હરહમેશની જેમ નાતજાતના વાડામાં સમાજ વચ્ચે આવી બંને પંખીડાને દુર કરી દીધા.વાંચતી ગઇને આંખમાંથી અશ્રુધારા વહેતી ગઈ.મને હવે સમજાયું બા આટલા પ્રેમાળ અને લાગણીશીલ કેમ હતા.જેનો પહેલો પ્રેમ અધુરો હોય તે જીવનભર બીજાને પ્રેમ આપતાં રહેતા હોય છે.આખી જિંદગી તેમણે પોતાની ફરજ અને સંબંધોનું માન જાળવી કર્તવ્ય પાલન કર્યું.ક્યારેય કુંવારા પ્રેમની ઝાંખી સબંધ પર ન પડવા દીધી.બા પ્રત્યે મને વધુ માન થયું.મનોમન નક્કી કર્યું કે બા ના અસ્થિ તેમના ગામની નદીમાં જ પધરાવવા.બા આત્માને શાંતિ મળશે.
સવારમાં જ પરિતોષને કહી દીધું 'બા ના અસ્થિ આપણે બા ને ગામ જઈ ત્યાં જ પધરાવશું.બા એ મને કહેલું પણ હું ભૂલી ગઈ હતી.' પારિતોષને ખબર હતી મારા ને બા નો સબંધ કેવો હતો એટલે તેમણે જીદ ન કરતા હા ભણી..
બાના અસ્થિ લઈ બાને ગામ જઈ નદી પાસે જઈ કોઈ ન જોવે તેમ બટવાનો સમાન મેં અસ્થિકુંભમાં મૂકી લાલ કપડું બાંધી દીધું.જયારે પારિતોષે અસ્થિ વિસર્જન કર્યું ત્યારે બા ઉપર થી ખોબલે ખોબલે આશીર્વાદ આપતા હોય તેવો ભાસ થયો.મેં પણ પવિત્ર નદીનું જળ માથે ચડાવ્યું ને બાને તેમના પ્રેમ સાથે પ્રેમભરી વિદાય આપી..

સોનલ પાટડીયા.