રાજકારણની રાણી - ૩૭ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૩૭

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૭

રવિના પોતાનું આખું આયોજન પાર પડ્યું એ વાત પર ખુશ થઇ રહી હતી. રવિના સુજાતાબેનને પોતાની હરિફ ગણતી હતી. પરંતુ તેને ખ્યાલ આવી ગયો કે સુજાતાબેનની પક્ષને અને સમાજને તેના કરતાં વધારે જરૂર છે. કામવાળી રમીલા પાસેથી ટીના વિશે ખબર પડ્યા પછી રવિનાને અંદાજ આવી ગયો કે પોતાના રૂપિયા પચીસ લાખ લઇ જનાર સુજાતાબેન જ છે. રમીલા થોડા દિવસ માટે ગામ ગઇ ત્યારે તેની જગ્યા સાચવવા કામવાળી બનીને ટીના આવી હતી. એ ટીના સુજાતાબેનને ત્યાં કામ કરે છે એનો મતલબ સમજતાં વાર ના લાગી. ટીનાએ જ પોતાની ટિકિટ મેળવવા પાટનગર ચાલતી બધી વાત સાંભળી લીધી હતી અને રૂપિયા મેળવી લીધા હતા. અને પછી એ રૂપિયાની બેગનો ફોટો અજાણ્યા મોબાઇલના વોટસએપ પરથી મોકલીને સુજાતાબેને ખરેખર તો એવો ઇશારો કર્યો હતો કે તારા પૈસા સલામત છે. રવિનાને સુજાતાબેન પર માન થઇ આવ્યું. પોતાને ખબર હતી કે ટિકિટ મળવાની ખાસ કોઇ શક્યતા નથી છતાં દાવ રમ્યો હતો. સુજાતાબેનને દુશ્મનને બદલે દોસ્ત ગણવાની જરૂર હતી. તે મહિલાઓના ઉધ્ધાર માટે પણ કામ કરી રહ્યા હતા. તેમને મદદ કરવાની પોતાની ફરજ બનતી હતી. એ માટે રવિનાએ રમીલાની મદદ લીધી. તેને કહ્યું કે ટીના સાથે દોસ્તી કરી લે. રમીલાએ સારો સાથ આપ્યો અને ભોળી ટીના સમજી શકી નહીં.

ટીના પાસેથી માહિતી મળી કે સુજાતાબેન પોતાની સુરક્ષા માટે બખ્તર પહેરે છે. ત્યારે રવિનાના મનમાં તેમના પર હુમલો કરવાનું અને તેમને પ્રચારમાં લાવવાનું સૂઝ્યું હતું. રવિનાની આ ચાલ સફળ રહી હતી. રાજકારણમાં ઘણી વખત સારા કામોથી જે પ્રસિધ્ધિ મળે એના કરતાં ચોંકાવનારી ઘટનાઓથી વધારે મળે છે. હુમલાનું આયોજન એટલું સરસ ગોઠવાયું હતું કે તેમને કોઇ ઇજા ના થાય અને ચૂંટણી પહેલાં નામ ગાજતું થઇ જાય.

સુજાતાબેન પર થયેલા હુમલાની ચર્ચા એક સપ્તાહ સુધી ચાલતી રહી. સુજાતાબેન જ્યાં જતાં ત્યાં તેમના સ્વાસ્થ્યની કામના કરવામાં આવતી હતી. તે ગોળીબારના હુમલામાં બચી ગયા પછી તેમના માટે ઘણાના દિલમાં હમદર્દી ઊભી થઇ હતી. મીડિયામાં આ હુમલા માટે અપક્ષ ઉમેદવારો પર શંકા વ્યક્ત થયા પછી ઘણા અપક્ષ કાર્યકરો સુજાતાબેનની 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) માં સામેલ થઇ ગયા હતા. સુજાતાબેનની લોકપ્રિયતાને કારણે બી.એલ.એસ.પી.ના અન્ય વિધાનસભા વિસ્તારના ઉમેદવારોને પણ મતદારોનો સારો આવકાર મળી રહ્યો હતો. પાટનગરમાં અહેવાલ મેળવતા રાજનેતાઓ શંકરલાલજીની સૂઝબૂઝને માની ગયા હતા. તેમણે કેટલાક ઉમેદવારોની પસંદગીમાં ચંચુપાત કર્યો હોવાનું માનતા નેતાઓની બોલતી બંધ થઇ ગઇ હતી. સુજાતાબેન પર હુમલો થયા પછી રાજકારણમાં એમનું કદ વધી ગયું હતું. પાટનગરમાં સુજાતાબેનના માનપાન વધી ગયા હતા. તેમને સ્ટાર પ્રચારક તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા. તે બી.એલ.એસ.પી.ના અન્ય ઉમેદવારોની સભામાં વિપક્ષ પર એવા હુમલા કરતાં હતા કે પક્ષની સ્થિતિ મજબૂત બની રહી હતી.

રતિલાલ પોતાની પુત્રીની જીત માટે હવાતિયાં મારી રહ્યા હતા. તેમના દ્વારા થતા પ્રચારમાં લોકો જોડાતા ન હતા. તેમને ખ્યાલ આવી ગયો કે સુજાતાબેન માત આપી રહ્યા છે. સુજાતાબેનને ઓછા આંકવાની ભૂલ કરી છે. પોતે અંજનાને ચૂંટણીમાં ઊભી રાખીને આટલા વર્ષોમાં જે માન મેળવ્યું હતું એ પણ ગુમાવી દીધું છે.

ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખે ગજબ થઇ ગયો. સુજાતાબેન ઉપરાંત આઠ જણે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. અને આઠમાંથી સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રતિલાલે હાર સ્વીકારી લીધી હતી. બધાંને ખબર પડી ગઇ હતી કે બૂરી રીતે હારવા કરતાં શરણાગતિ સ્વીકારી લેવાથી માન વધશે. પણ જાહેરમાં દરેકનું કહેવું હતું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે સુજાતાબેન શ્રેષ્ઠ છે. તેમના પર વિશ્વાસ મૂકીને અમે અમારી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

એકસાથે સાત ઉમેદવારો પાણીમાં બેસી ગયા હતા. સુજાતાબેનના નામનો ડંકો વાગવા લાગ્યો. આખા રાજ્યમાં સુજાતાબેન બી.એલ.એસ.પી. ના એકમાત્ર એવા ઉમેદવાર હતા જે બિનહરિફ ચૂંટાઇ આવ્યા હતા. રાજ્યમાં આ પ્રકારનો પહેલો કિસ્સો હતો. અપક્ષની સાથે વિરોધ પક્ષે પણ પોતાના હથિયાર હેઠાં મૂકી દીધા હતા. સુજાતાબેનની આ સિધ્ધિને શંકરલાજીએ વધાવી હતી. તેમણે સુજાતાબેનમાં મૂકેલો વિશ્વાસ સાચો સાબિત થયો હતો. એમની સાથે ખાસ મિત્રતા વિકસી હતી એ નફામાં હતી! ઘણી વખત શંકરલાલજી સુજાતાબેન સાથે વાર્તાલાપ કરતા હતા. તેમણે સુજાતાબેનને ટિકિટ અપાવવાથી લઇ રાજકારણના ઘણા દાવપેચ શીખવ્યા હતા. શંકરલાલજીને ખબર ન હતી કે સુજાતાબેને અગાઉથી જ એમનાથી વધુ દાવપેચ શીખી લીધા હતા.

સુજાતાબેનની સફળતા જોઇ જનાર્દન અને હિમાની ખુશ હતા. ચૂંટણી જીતવા માટે તેમને અંતિમ દિવસોમાં કોઇ મહેનત કરવી પડી ન હતી. સુજાતાબેન લોકોના દિલ જીતી ચૂક્યા હતા એનું જ આ પરિણામ હતું. સુજાતાએ બિનહરિફ ચૂંટણી જીતી ગયા પછી બધાંનો આભાર માન્યો અને તેમના કામો કરવાની ખાતરી આપી.

સુજાતા રાત્રે સૂતાં પહેલાં એક ફોન અચૂક કરતી હતી. તેણે આજે પણ મોબાઇલ લીધો અને ફોન લગાવ્યો. સુજાતા આજે બહુ ખુશ હતી.

ક્રમશ: