Real Hero books and stories free download online pdf in Gujarati

રીઅલ હીરો

વ્હાલા પપ્પા,.
તમારી નાની લાડકી આજ તમને કંઈક કહેવા સક્ષમ થઈ ગઈ છે. તો આજ જે લખું એ એક તમારા માટે એક નાની એવી ભેટ સમજી સ્વિકારશો.

આખા બ્રહ્માંડમાં એક જ સુરજ છે. એ જ કેન્દ્રબિંદુ બની ઝળહળતો હોય છે એમ જ આખા કુટુંબને અંકુરમાંથી ઝાડ બનાવી આજ 'કબીરવડ' જેવી ઉપમા હું તમને પ્રેમથી આપી જ શકું. સૂરજ વગર આ સૃષ્ટિની કલ્પના કોણ કરે ? બસ, જે કહેવું છે એ આ 'સૂરજ' માં જ સમજી લેજો.

પપ્પા, એક દિકરીને મર્યાદાના બંધન બહુ નડે પણ એના માટે બાહુબલિ એના પપ્પા જ હોય. એ પપ્પા જ લક્ષ્મણરેખા દોરતા પણ શિખવે અને જરૂર પડયે ભુંસતા પણ.... હરેક જીવનમાં અડચણો આવે જ. દર વખતે મુસીબતમાં પહેલા પપ્પા પહેલા યાદ આવે જ. પપ્પા બધા માટે ભલે આકરા હોય પણ એક દિકરી માટે રૂ ભરેલું તકિયુ જ સમજો કારણ એ એટલું પોચું હોય કે ત્યાં માથું ટેકવતા શાંતિ અને ત્યાં મોં છુપાવી મનભરી રડી શકાય પણ ખરૂં.

પપ્પા, હું એક એવી વાત કહી રહી છું કે જે દરેક દિકરીને સમજવા જેવી છે. હરેક ઘરને આંગણે ઉંબરો હોય જ એ પણ એક પિતાની શાખ છે. એ ઉંબરો જ પપ્પા અને દિકરીને એક ગાંઠે બાંધે છે. એ ઊંબરો ઉદ્ધતાઈથી ઓળંગી તો એ ઊંબરો દેશનિકાલની સજા જેવો લાગે છે અને પપ્પાની આંગળી પકડીને ઓળંગી ત્યારે એ જ પપ્પા એ ઉંબરાની જેમ ઢાલ બની રક્ષક બને છે. પપ્પા હવે તમારી ઢળતી ઉંમરે હું ઢાલ બનવા તૈયાર છું આ પણ તમારા જ સંસ્કાર છે.

પપ્પા, જીંદગીની શતરંજ મને તો હારે અને થકવે છે. તમે પણ એમાંથી પસાર થયા જ હશો ને ! તો આપની પાસે એવું કયું પ્રેરકબળ હતું જેથી આપ ક્યારેય થાક્યા જ નહીં. પપ્પા, તમારી ડિકશનરીમાં 'નથી' શબ્દ કેમ નહીં હોય? એ મને હજી ન સમજાયું. જે માંગો એ હાજર! ન માંગી એ વસ્તુ તો તમે ચપટીભર માં હાજર કરી જ દો એવું કેમ?
પપ્પા, આ સાસરિયે જ ધંધામાં તેજી-મંદી આવે છે પણ તમારા મોઢે કેમ મેં આ શબ્દો ક્યારેય નથી સાંભળ્યા. આટલી વાતમાં હું સમજુ છું કે તમે કયારેય તમારૂં ન વિચારતા અમારૂં જ હરદમ વિચાર્યું છે.

પપ્પા, એક વાત હજી નથી સમજાતી કે તમે કોઈ જાદુગર છો કે શું ? કયારેય તમને થાક ન લાગે. કયારેય તમને રડતા નથી જોયા. કયારેય ફરિયાદ કરતા નથી જોયા. કયારેય કોઈ માગણી કરતા કે લાગણી વ્યક્ત કરતા નથી જોયા. એક જ વસ્તુ જોઈ છે સદાય હસતા જ.


પપ્પા , તમે અમારી લાઈફના સુપરહીરો છો કારણ સુખમાં બધા સાથે હોય પણ દુઃખમાં ખાલી મારી પડખે એક મારા પપ્પા હોય તો એ એક જ કાફી છે.. બોલિવૂડ અને હોલિવૂડના હીરોને તો હાથમાં હથિયાર હોય જ પણ પપ્પા તમારી પાસે તો બુદ્ધિમતા અને આયોજનના શસ્ત્રો હતા એ જ તમે વાપર્યા અને આ ખુશીઓના ઢગલા કર્યા છે.

પપ્પા, હું હવે આટલું કહી વાત પુરી કરીશ કારણ હવે હાથ અને આંખ બેય સાથ નથી દેતા. મને ખબર છે કે તમે પણ આજ લાગણી અનુભવતા હશો. પપ્પા ,‌આપ સદાય ખુશ રહો, સલામત રહો અને ખિલેલા ચહેરા સાથે અમારા પર આશિર્વાદ વરસાવતા રહો...બસ, હ્રદયથી એવી કોટિ કોટિ પ્રાર્થના....આપે જે આપ્યું અને શિખવ્યું એ નહીં ભૂલી શકું. આ સાથે જ મારું લખાણ અહીં પૂરું કરું છું.


તમારી લાડકી.....

‌‌. શિતલ"સહજ"













બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED