"આજ તો હદ થઈ ગઈ બોલો શું વાત કરૂં તમને ?"
"શું થયું મારી બ્લડ બ્યુટી !"
"લે ,જાવ તમે એકવાર માણસોની વસ્તીમાં તો ખબર પડે.."
આવી વાતો જૂની આંબલીની ટોચે બેઠા બેઠા પિશાચ દંપતી કરી રહ્યા હતા.
એમાંથી પિશાચીણી હતી એ દેખાવે થોડી ડરામણી હતી. એને આખા શરીરે ક્યાંય ચામડીનું આવરણ નહોતું. નર્યા લોહી અને ચિકણા પદાર્થની લાળ એના શરીરમાંથી ટપકતી હતી. પિશાચ તો થોડો દૂર જ બેસતો એનાથી. એ પણ મોઢે જ કહેતો કે 'ન્હાવાના દિવસ હતા ત્યારે 'લક્સ'ની ગોટી તો સંતાડી દેતી. હવે નહાવાની જરૂર છે તો શરીર ક્યાં.?
આવી નાની-મોટી ખટપટ તો બેયમાં ચાલતી. પિશાચ થોડો ચોખલો હતો એટલે એ બધાને મોહતો અને પિશાચીણી શિકાર કરતી. આમ જીવનનું ગાડું હાલ્યા કરતું..
એક દિવસ ક્યાંકથી છાપામાં લખાયેલું વાક્ય વાંચી પિશાચ વિચારે ચડયો હતો. ત્યાં પિશાચીણી આંબલીનો કોલ ખાતી ખાતી કે છે..."જો તો આની ખટાશથી મને જુના દિવસો યાદ આવે છે હોં....."( ખિખીયાટા કરતી એ પિશાચને ગુદગુદી કરે છે.)
પિશાચને ચિંતિત જોઈને એ પૂછે છે 'શું થયું?'
પિશાચ કહે છે નવું ફિલ્મ આવી રહ્યું છે. 'વેમ્પાયર કિંગ'
"હમમમમ.....તો ...?" પિશાચીણી કહે છે..
પિશાચ : "તો શું ?? ઓડિશન આપવા જાવ એવી ઈચ્છા થાય છે."
પિશાચીણી કહે છે "લે , લે ભૂતડાંબાવાને હીરો બનવું છે એમ?"
પિશાચ : "શું ઘટે છે મારામાં બોલ જોઈએ..?"
પિશાચીણી : "વધ્યું છે શું એ તો જો."
પિશાચ : "તું ખાઈ ગઈ મને...આ તારી ઉપાધિમાં હું લટકુ છું આ આંબલીમાં.."
પિશાચીણી : "એમ ?સાથે જ લટક્યા હતા. તારો વિચાર હતો આત્મહત્યાનો..મારો નહીં..."
પિશાચ : "બસ હવે યાદ ન કરાવ કંઈ..! "
પિશાચીણી : "સારૂં, હવે શું ખાશું આજ ?"
પિશાચ : "ભરબપોરે વગડામાં કૂતરા ભટકે છે એ સિવાય શું વિચારવું કહે મને ?"
પિશાચીણી : "આજ હાલને ક્યાંક અનલિમિટેડ પીઝા ખાય."
પિશાચ : "હાલ, મુંબઈ જાય આપણે ક્યાં ભાડા દેવા છે કોઈને. તું પિઝા ખાજે અને હું ઓડિશન આપીશ..બોલ મંજૂર છે ને આ વાત !!"
બેય વેમ્પાયર રાક્ષસી દાંત વચ્ચે જીભડો કાઢી હરખાતા ઊડે છે મુંબઈ બાજું..
બેય એક સાથે જ બાવીસ માળની ઈમારતે ઊતરે છે. એ ઈમારતમાં મોલ, થિયેટર, હોટેલ અને અસંખ્ય સ્ટુડિયો પણ હતા. બેય ખુશખુશાલ હતા. બધું અંધારામાં માણ્યું..પીઝા ખાતા ખાતા કન્ઝ્યુરીંગ પણ જોયું. બેય એ બહુ મોજ માણી.
પછી ગયા બેય ઓડીશનની જગ્યાએ..નાઈટ તો થઈ જ હતી. ત્યાં જઈને બેય જુએ છે કે રૂપરમણીઓ અને દેવદૂત જેવા યુવકો લાઈનમાં હતા. એક એકના અદાકારીના સાક્ષાત ડેમો જોયા. રૂપરમણીઓ જોઈ પિશાચ લટુડોપટુડો થતો હતો. એ એના ડાયલોગની તૈયારી એકટર રાજકુમારની જેમ જ કરી રહ્યો હતો. એણે એક સરસ યુવતી જે રૂપરૂપનો અંબાર હતી એની સામે જોઈને પોતાનો ડાયલોગ ફાડે છે
" એક એક લોહીની બુંદનો સ્વાદ તને શું ખબર પડે...જાનું....એ લોહીમાં જ હું જીવું ને તને પણ જીવાડીશ." આમ , કહી એના જમણા ખભા પર બટકું ભરવા દાંત ખુંચાડવા જાય છે કે.......... જોરદાર થપ્પડ એના ગાલ પર પડે છે અને એ પિશાચ બેભાન થઈ જાય છે..
જયારે એ ભાનમાં આવે છે તો એ જ આંબલી અને એ જ ગંધ મારતો વોંકળો..... પિશાચીણી ટાંપીને જ બેઠી હતી..એ આખી આંબલીને હલાવતી હલાવતી બોલી "મારા રોયા, તારે ખાતર આ આંબલીએ વર્ષોથી લટકું છું ને તું મુંબઈ હીરો બનીશ એમ ?" આજુબાજુના ઝાડના કાગડા, ચામાચીડિયાં ને કૂતરા સાંભળે એમ મોટેથી કહે જોઈ લો આ ' વેમ્પાયર કિંગ'....
બિચારો પિશાચ બોલ્યો અફસોસ કરતા કરતા....આથી માણસજાત સારી, છુટાછેડા તો થાય....આ હું ભલો અને આ આંબલી ભલી...અને સાથે મારી લક્સ ગર્લ 'વેમ્પાયર કવીન'.
કાગડા બધે કાળા જ હોય એ પછી આ યુગના કે પછી પ્રાચીન યુગનાં.....
લેખક : શિતલ માલાણી
૩/૧૧/૨૦૨૦