Radhane Kanaani Preet (poetry collection) books and stories free download online pdf in Gujarati

રાધાને કાનાની પ્રિત (કવિતા સંગ્રહ)

શિર્ષક : પિયુઘેલી

એક રૂપ રમણી
નાર નમણી
ડાબી ને જમણી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

લાલ ઘાઘરી
કમખે કાંગરી
ઓઢી ચુંદડી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

હાથે ખનકતી
પગે છનકતી
કટિ લચકતી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

આંખ કજરી
નાકે નમણી
કર્ણ ઝુમકી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

પિયુ બાવરી
સજી સાવલી
ઠંડી વાયરી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

હૈયે હરખતી
નેણે નિરખતી
હસતી હસાવતી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

ભાગી હરણી
ઊડી ડમરી
ક્યાંય ન રોકાણી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

નદીએ નહાતી
ગીતો ગાતી
સુર રેલાવી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

ભાગી હરણી
જોબનવંતી
શ્યામલ વરણી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

આવી તલાવડી
પિયુ ને ભાળી
થઈ ઉતાવળી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

જોયાને જાણી
ઘણી શરમાણી
રૂઠી એ રાણી
સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય.

રાત એ કાળી
નયનને ઢાળી
વાત ન માની
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

અધરાતલડી
મધરાતલડી
ન ખુટે વાતલડી
સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય.

શિર્ષક : નર્તકી

પાયલ પહેરી પધારે પારેવડી
પળ પળ પ્રેમ પ્રસરાવતી...
પલકે પખાળે, પ્રેમે પુજે
પારકે પાલવડે પ્રિતને..

છમછમ છબીલી છોકરડી
છોગાળાથી છેતરાણી
છણકો છોડી છંછેડે
છલકાવે છમકીલી છોળ

કમળ કળી કંકણ કર થી
કપાળે કરે કંકુવરણો
કલકલ કરતી કિનારીયે
કમખે કોતરે કિર કીનખાબી

જળ જોવા જાયે જોખમે
જાણે જીવંત જોગમાઈ
જળપરી જેમ જોડે જાજેરી
જુવાનીની જાદુઈ જાળી

તરાપે તારે તનના તારોળિયા
તલસાવે તામસી તિખાર
તડપે તુજ તંત-સિતારે તનડું
તરખાટ તોરે તન્મયે તાંડવ

મન માંહ્ય મોરલો મહેકે
મળે માણીગરને માલીપા
મોજ મંદિરે મલકતી મલકતી
મેળવે મોતીડા મેળાપના

સોળે સજેલી સોનીસુંદરી
સારપના સારે સાદ
સંસારમાં સરજે સંગીતનો
સુરીલો સર્જનાત્મક સાથ

હરણી હાલે હળવે હળવે
હોય હૈયડે હારકુસુમિત
હસતા હોઠે હાથ હલાવી
હરખે હુલાવે હોંશીલુ હરિગીત

દામિની દમકે દર્શે દંતિલી
દાસી દામોદરની દાખવે દરદ
દયા દર્શનની દેજો દાનવીર
દીલથી દુવા દર્જે દારૂણી

ભુલી ભાનને ભાસે ભૈરવી
ભોળાને ભાવે ભરમાવતી
ભેટે ભુમીને ભીની ભમરે
ભકિત ભજવતી ભાવિની

શિર્ષક : વિજોગણ

સાજણ સાજણ કરે વિજોગણ
પણ, સાજણ કાને બહેરો
ન સંભળાય વેદના કેમ કરૂં હવે
ઊજાગરાનો વધ્યો પહેરો

સોળ શણગાર શા કામ ના?
નજરનો શિકારી છુપાયો
નથી હજી તે મુજને પામી
ખાલી નજરથી છો ઘવાયો

પગલે પગલે તારી યાદો
તારા સમ આ વાદળું
પળ પળ તું બદલે મારગ
બોલ, ક્યાં કરૂં ફરિયાદો

વિરહની ઓઢણી ઓઢી
ફાડુ વગડે રોજ ડોળા
તું કપટી ભરખી ગયો અમ
રૂદિયાના હૈયા ભોળા

તું પણ દ્રારિકાનો કાન્હા
એટલે થઈ ગયો છો બેફિકર
ભરી બજારે જોવ વાટલડી
રોજ ભાંગી પડુ હું ઠીકર

રણમાં , થળમા કે ભવનમાં કે
છો તું કોઈના જીવનમાં
એકવાર વાળજે જવાબ પાછો
હવે તો છેલાજી, છળ માં 🙏🙏🙏

શિર્ષક : શ્યામલી સાંજ

સમી સાંજની વેળાએ
રૂપરસીલી રાધાગોરી
જમુનાતીરે ઊભી
બરસાનાની છોરી

કાનકુંવર નંદલાલ
વાંસળીના સંગે
એક નજરથી વિંધાય
રંગાઈ પ્રિત રંગે

નાગણસમી વાળની લટ
ગાલે ઝોલા ખાય
બાંધી દઉં ફુલ મહી
એવી ઈચ્છા થાય

કટિએ ઝુલે કમરબંધ
અટકયા ત્યાં અરમાન
એક જ કળીને ખોલું ?
દે તારૂં એક ફરમાન

પગમાં મરડાતી પાયલ
નખરાળી બહુ બોલે
હરણી સમી ચાલ તારી
કોઈ ના આવે તોલે

કંકણ કેરા જડતર
જકડી રાખે આંખ
હાથને તું ન હલાવ
મને લાગે એ તારી પાંખ

બિંદી ચમકે લલાટે
કોરા કંકુની સોહે
ક્યાં સુધી રોકીશ
સુગંધ તનની મોહે

પાલવડે ટાંકી ધુધરી
છમ છમ વાગતી જાય
ઢાંક નવ ચહેરાને
તને જોવાની છે લાય

પરમ સખી તું સપનાની
કેમ ન સામે આવ
વિશ્વાસ રાખ મુજ પર
ન ખેલીશ કોઈ દાવ

ખળખળ વહેતી નદી
જેવી તારી હસી
નથી જોઈ કયારેય
તો પણ રૂદિયે વસી

દંત તારા શ્વેતકમળ
સુરજ પણ ટકરાય
લાલીમા હોઠોની
ગુલાબ પણ શરમાય

નખમાં ભરી તે મહેંદી
કેવા તે ભાવ ખાય
મેઘધનુષની માફક
તેના વળ દેખાય

આ સમી સાંજે રાધા
આવો રમી મહારાસ
યુગોથી ઝંખુ તુજને
કરી લો વિશ્વાસ



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED