The sin of the pot books and stories free download online pdf in Gujarati

પોટલીનું પાપ

દશેરાનો તહેવાર હતો ને શહેરમાં હલચલ વધુ હતી. રામમંદિરે તો ભીડ હતી ત્યાં જ ઝુંપડપટ્ટીમાં આગ લાગી ને બધું તહસનહસ.

બીજા દિવસે છાપામાં સમાચાર આવ્યા કે એક ઝુંપડપટ્ટી આગને હવાલે થઈ ગઈ. મિડિયા ને સમાચારપત્રના વરિષ્ઠો ત્યાં મામલો જાણવા આવ્યા કે આખરે થયું શું ?

'બાઘલો' અડધી તુટેલી ચડીએ બધું જોતો હતો. એક પછી એક ગાડીના આવાગમનથી આખું એ મેદાન ભરાઈ ગયું. એનો બાપ ટલ્લી થઈને પડયો પડયો જોતો હતો. બાઘલો દોડીને જોવા ગયો તો એક પોલીસે રોક્યો અને કહ્યું " આઘો જા, ભાગ અહીંથી."

બાઘલો બાઘો થઈ ઊભો રહ્યો. એક પત્રકાર બુમબરાડા પાડતો પાડતો કહેતો હતો કે "આ તબાહીનું કારણ શું છે?" જાણવા માટે આપણે આ ગરીબોની મુલાકાત લેવી પડશે!!

એક પત્રકાર જીંથરેહાલ નિમુ પાસે ગયો ને માઈકને આઘુ રાખી કહે " આ બનાવ વખતે તમે ક્યાં હતાં ?"

નિમુ : હું નહોતી. હું તો રામમંદિરે ખાવાનું આપતા હતા તે લેવા ગઈ હતી. મારા છોકરાવને લઈ ને. ત્યાં તો ધાવણા છોકરાથી માંડી પંદર વર્ષના પાંચ મેલાઘેલા એની ' મા' આગળ ઊભા રહી ગયા.

બાઘલો આ બધું જોતો હતો ત્યાં એને 'મા' યાદ આવી. એ દોડતો એના બાપ પાસે જઈને કહે છે " બાપુ, મારી 'મા' ને 'હકલી' ક્યાં ?

બાપે નશામાં જ એક લત મારી આઘે હડસેલી દીધોને સાત પેઢી સુધીની સંભળાવી દીધી. બાઘલાને આ રોજનું હતું . માર ને ગાળ બેય ભેગું જ આવતું. એ પાછો દોડીને ગયો પેલી ગાડીઓ પાસે.

એક નામી ચેનલના ફોટોગ્રાફર બધાના ફોટા પાડતો હતો ત્યાં બાઘલો વચ્ચે ઊભો રહ્યો. શર્ટ પહેર્યો હતો પણ બટન ને કોલર નહોતા. ચડી પહેરી હતી તો કમરે દોરી બાંધી હતીને એ ચડીનો ચોથિયો ભાગ જ આખો હતો. કપડું ઓછું ને કાણા ઝાઝાં. પેલા ફોટાવાળાએ એનો ફોટો પાડયો પણ એક ભડથું થઈ ગયેલી ઝુંપડી પાસે. એ ઝુંપડી પણ બાઘલાની હતી. પણ હવે ત્યાં કાળા ધુમાડા ને રાખ સિવાય બેક ગાભા ઉલળતા હતા.
એક પત્રકારે બાઘલાને પુછ્યું "તારા મા-બાપ ક્યાં?"
જલ્દી એને બોલાવ કેજે કે ફોટા પાડવા છે.ઉતાવળે જા.

બાઘલો ફરી દોડતો ગયો એના બાપ પાસે ને‌ બોલ્યો,, "બાપુ બોલાવે છે તમને અને‌ મા ને!! એના બાપે લાલ આંખથી ડોળા ફાડી ફરી એક લત મારીને ફરી ગાળ આપી. આ વખતે‌ બાઘલો રોયો. એ ત્યાંથી ભાગ્યો ને બાજુમાં ઊભી ડોશીને વળગી ઊભો રહ્યો.
ડોશીએ પણ પુછ્યું પણ ખરી તારી 'મા' ક્યાં આઈઢી ?બાઘલો કંઈ ન બોલ્યો કારણ આ વખતની લાતે એના બુડા ભાંગી નાખ્યા હતા.

પેલો ફોટોગ્રાફર પાછો બાઘલા પાસે આવીને ભડથું થયેલી ઝુંપડી પાસે રોતો હોય એવો ફોટો પાડીને જતો રહ્યો.

આ બાજુ એ રાતે બાઘાએ એની 'મા' ને યાદ કરી કરીને સંસ્થાએ આપેલું ખાણું ખાઈ લીધું. એ એના ભાઈબંધ જગલાને કેતો તો કે "રોજ બધું સળગે તો રોજ ખાવા મળે નહીં ?" જગલો તો કેટલા દિ નો ભુખ્યો હશે કે ઊંચું ઉપાડીને જોયા વગર હા પાડી દીધી. બાઘલાએ ત્યાં એક પિરસનાર બહેન પાસે જઈને 'મા' અને હકલીના ભાગનું ખાવાનું માગ્યું.
તો પેલા બહેને પણ પ્રેમથી પુછ્યું ' ક્યાં છે તારી મા ? '
તો બાઘલો ખબર નહી બોલી પાછો એના બાપ પાસે જાય છે‌ કે જોતો રહી જાય છે. એના બાપનો ભાઈબંધ નલીયો ને એનો બાપ બેઠા બેઠા દેશી પોટલીઓ પીતા હોય છે. એ મારની બીકે એના બાપ પાસે નથી જતો.

બાઘલો પેલા બહેનને કહે છે મારી 'મા' મળતી નથી. હકલી પણ નથી મળતી. પછી ભેંકડો તાણે છે.

બીજે દિવસે સુરજ રોજની જેમ ઊગે છે. કાલ જેટલી ભીડ હતી એવી જ આજ શાંતિ હતી. ત્યાં તો નીમુની ચીસ સંભળાય છે. બાઘલો રોડ પર સુતો હોય છે કે ઊઠી જાય છે. એ દોડે છે નીમુડી ભાંભરતી હોય છે ત્યાં. ઝુંપડપટ્ટીની બાજુમાં એક કુવો હોય છે. ત્યાં થી બધા પાણી વાપરતા. એ કુવામાં સળગેલી લાશ દેખાય છે.

ફરી એકવાર મિડિયા ને સમાચારપત્રમાં છપાયેલા આ સમાચારની જાણકારી માટે ફોટોગ્રાફર અને પત્રકાર ભેગા થાય છે. લાશ બહાર કાઢવામાં આવે છે. મોઢું તો ઓળખાતું જ નથી. બાઘલાને કોઈ ત્યાં સુધી પહોંચવા નથી દેતું. આજ એનો બાપ તો એને ક્યાંય દેખાતો નથી. એ ઠેકડા મારી મારીને કૂવાની અંદર શું છે જોવા મથે છે. પોલીસકર્મીઓ કોઈને જોવા કે ત્યાં પહોંચવાના એ પ્રયાસને નિષ્ફળ બનાવે છે.

છેલ્લે,,, બાઘલો એમ્બ્યુલન્સના અવાજથી ચોંકી જાય છે. હવે એ ઓલી લાશને ભુલી એમ્બ્યુલન્સ પાસે જાય છે. ત્યાં ઊભો રહી જોવે છે તો એને એ લાશના એક પગમાં લીલો દોરો બાંધેલો દેખાય છે ને એ સાથે જ એક નાના લટકતા પગની આંગળીઓમાં એક આંગળી ઓછી દેખાય છે. એ એમ્બ્યુલન્સ વાળા પાસે દોડીને જાય છે ને કહે છે "આ મારી મા ને હકલી છે." કોઈ એની વાત સાંભળતું નથી. પછી એને એટલી ખબર હોય છે કે ડોકટર એની બહેન હકલી અને એની 'મા'ને ક્યાંક લઈ ગયા.

. થોડા દિવસ પછી પેલો ફોટોગ્રાફર એ ઝુંપડપટ્ટીમાં આવી બધાને બાઘલાનો ફોટો દેખાડે છે. જગલો કહે છે કે બાઘલો કુવા પાસે હોય આખો દા'ડો. એ ફોટોગ્રાફર બાઘલાની પાસે જઈને કહે છે " જો આ તારો ફોટો." બાઘલો જોવે છે પણ કાંઈ બોલતો નથી. એ ફોટોગ્રાફર બીજો ફોટો દેખાડી બાઘલાને હસાવવાનો પ્રયત્ન કરે છે પણ બાઘલો સુનમુન થઈ બેસી રહે છે.

ફોટોગ્રાફર નવાઈથી એને માથે હાથ ફેરવી પુછે છે શું થયું? ત્યારે એ બાઘલો બે આંસુ સાથે બોલે છે આ કુવો મારી 'મા' અને હકલીને ખાઈ ગયો. હકલી અને 'મા'ને ડોકટર લઈ ગયા.

ફોટોગ્રાફર : તારો બાપ ક્યાં તો?

બાઘલો : એને પાપની પોટલી વ્હાલી છે હું નહીં!!

ફોટોગ્રાફર વિચારે છે પછી એને એક અનાથાશ્રમમાં ભરતી કરાવી દે છે. થોડો સમય પછી એ જ ફોટોગ્રાફરને બાઘલાના લીધેલા ફોટાના દસ લાખ રૂપિયાનું ઈનામ મળે છે. એ બાઘલાને ફરી મળે છે. હવે બાઘલો થોડો સમજદાર ને શાંત લાગે છે.

ફરી એ જ સવાલ બાઘલાને પુછાયો કે " શું થયું હતું એ રાત્રે ઝુંપડપટ્ટીમાં ? "

બાઘલો કહે છે 'મા' અને હું , હકલીને લઈ રામમંદિર ગયા હતા. ખાવાનું લઈને આવ્યા પણ એટલી ભુખ હતી કે બાપા માટે મેં ને હકલીએ કાંઈ ન રાખ્યું. એ રાતે બાપુ પી ને આવ્યો અને ખાવાની બાબતે ઝગડો થયો. હું જાગી ગયો હતો તો 'મા' એ મને રોડે સુવા મોકલી દીધો. પેટ ભરાયેલ હતું તે ઊંઘ ચડી ગઈ. સવારે ઊઠયો ત્યાં બધું સળગી ગયું હતું પછી ફોટામાં હાથ ચીંધીને કે 'આ અમારી ઝુંપડી હતી.'

તે દિવસે ખાવાની લપમાં બાઘલાના બાપે પીધેલી હાલતમાં સુતેલી હકલી અને એની ઘરવાળીને બાળી નાખી
અને સળગી ગયેલી લાશને કુવામાં નાખી દીધી. વાંકમાં ન અવાય એટલે બધી ઝુંપડપટ્ટીમાં આગ લગાવી બધું સળગાવી દીધું. બધા મંદિરે ભોજન લઈ આવ્યા કે અહીં બાઘલાની 'મા'
હોમાઈ ગઈ હતી.

એ ફોટોગ્રાફરે બાઘલાના ફોટાના રૂપિયા બેંકમાં મુકી એને આશ્રમમાં રાખી ભણાવ્યો. સમય જતા એ જ બાઘલો 'બંસન આર્ટ' ખોલી પોતાની મનની વ્યથાને ચિત્રમાં ઢાળે છે અને ફોટો સ્ટુડિયો ખોલી પોતાની જીંદગી જીવે છે. એ ઝુંપડપટ્ટીમાં ઘણી વાર એના બાપને શોધવા જાય છે પણ એ નરાધમ ક્યાં સુતો હશે પોટલી પી ને....કોને ખબર ???


લેખક : શિતલ માલાણી

૨૬/૯/૨૦૨૦

શનિવાર.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED