scary incidence books and stories free download online pdf in Gujarati

ડરામણી ઘટના

હું કલકતાથી દસ વર્ષ પછી આવી પિયરમાં...

આવી ત્યાં તો બધું જ બદલાયેલું. જાણે નાનું બાળક પા પા પગલી ભરતા ભરતા કિશોરાવસ્થામાં પહોંચ્યું હોય એવી મારા નગરની દશા સરસ આકારીત થઈ રહી હતી. બે દિવસ સંપુર્ણ આરામ કર્યા પછી હું મારા ભાભી સાથે અમારી જૂની પોળના છેવાડે આવેલે માતાજીના પ્રાચીન મંદિરે દર્શન કરવા ગઈ.

ભાભીને કહ્યું , "આજ ચાલતા જ મજા લેવી છે યાદોની." ભાભીને મેં હરેક જગ્યાની ઓળખાણ મારા બાળપણ સાથે જોડાયેલ ઘટનાઓ સાથે કરાવી. એ આખો વિસ્તાર જીવનની તમામ જરૂરિયાતોની વસ્તુ મળી રહે એવું મોટું બજાર બની ગયું હતું. અંદરની બાજુ જૂનવાણી અવસ્થામાં હતી. રોડ પરની બધી દુકાનોએ નવા વાઘા પહેર્યા હતા. અમુક મારી યાદો આવી નાની દુકાન સાથે પણ જોડાયેલી હતી. હું તો હસતા હસતા એક પછી એક યાદોનો ખજાનો ખોલ્યે જ જતી હતી.

ત્યાં એક અચાનક જુના દાદરવાળું ઘર જર્જરિત હાલતવાળું આવ્યું કે હું ભાભીનો હાથ પકડી 'જલ્દી ચાલો' અહીંથી એમ કહેતી ઉતાવળે ચાલી. ભાભી મારા ડરના હાવભાવ કળી ગયા. પછી, અમે ખરીદી કર્યાં વગર જ સીધા ઘરે પહોંચ્યા..

એ રાતે ભાભીએ મને એક સવાલ પુછી જ લીધો કે "તમે કેટલા ખુશ હતા એ બજારમાં......અને અચાનક....બોલતી બંધ, કપાળે પરસેવો અને હાથ સાવ ઠંડાબોળ ! " આનું શું કારણ ?

મેં જવાબ દેવાનો ટાળ્યો તો ભાભીએ જીદ કરી બાળકની જેમ.

મેં કહ્યું " એ ઘર મારી ખાસ સખી નિયાનું હતું. એના સિવાય એની બીજી બે બહેનો પણ હતી. રિયા અને સિયા..
એની મમ્મીને દીકરો નહોતો એટલે નિયાના દાદી બહુ ત્રાસ આપતા. આવું નિયા મને સ્કુલમાં કહેતી. એની દાદી મારા સિવાય કોઈના ઘરે ન જવા દેતા છોકરીઓને."

એકવાર અમે સ્કુલે હતા ને નિયાની મમ્મીએ પોતાની જાતને સળગાવી દીધી. નિયા બહુ રોઈ હતી એ મને કહેતી દાદી એ જ કેરોસીનનું કેન મમ્મી પર છાંટ્યું હશે. હું પણ સાવ અબુધ હતી એટલે શું બોલું ત્યારે ?

થોડા દિવસ પછી જ્યારે જ્યારે નિયા સરસ તૈયાર થઈ હોય તો હું સ્વાભાવિક જ પુછતી, "કોણે આટલી સરસ તૈયાર કરી તને?"

તો એ હસીને કહેતી 'મમ્મીએ' ! પાછી કહેતી કે બીજા કોઈને ન કહેતી હોં , મમ્મીએ ના પાડી છે.

હું બહુ ઈમાનદાર તો મેં કોઈને ન કહ્યું . કયારેક એ ત્રણે બહેનો એની મમ્મી સાથે રાતે કરેલી મજાક મસ્તીની વાતો કરતી. પરીક્ષાની તૈયારીની પણ વાતો કરતી હતી કે મમ્મીએ મને આ સવાલ જવાબ પાકા કરાવ્યા.કયારેક વાળ ઓળી દીધા છે મમ્મી એ એવું પણ કહેતી.

મેં એકવાર ભુલથી મારી મમ્મીને વાત કરી દીધી આ હરકતોની કે "નિયાની મમ્મી એને કેવી સરસ તૈયાર કરી દે છે. તું તો મને ધ્યાન જ નથી આપતી. તું મને લેશન નથી કરાવતી એની મમ્મી એને લેશન પણ કરાવે છે." આ સાંભળીને મમ્મીએ એક જ તમાચો માર્યો હતો ને કહ્યું હતું કે "મરેલા માણસો આવા કામ ન કરે. નિયા એની 'મા' મર્યા પછી ગાંડી થઈ ગઈ છે. 'પાગલ છોકરી..!"

મેં બીજે દિવસે આખો દિવસ સ્કુલે નિયા ને પાગલ છોકરીથી જ સંબોધી. બિચારી ને બહું હેરાન કરી. એ રોઈ તો પણ મેં મસ્તી ન મુકી. છેલ્લે એને મને એટલું જ કહ્યું કે "તારી
ફરિયાદ મારા મમ્મીને જ કરીશ પછી જો તું."

મેં પણ વટથી કહ્યું "મરેલા કોઈ દા'ડે પાછા ન આવે પાગલ !"

એ જ દિવસે મારા મમ્મીએ રાતે દસેક વાગ્યાના આસપાસ મને સિંગચણા લેવા મોકલી રોડ પર. ત્યારે ડર શું હોય એ હું સમજતી જ નહોતી. હું તો થેલી ઉલાળતી ઉલાળતી અંધારી રાતે નિયા ના ઘર પાસેથી નીકળી . આખી શેરીમાં મારા સિવાય કોઈ જ નહીં. અને એ નિયાના દાદરે 'એક સફેદ કપડાવાળી, લાંબા નખ અને કાનવાળી, આંખ તો હતી જ નહીં ત્યાં આગની જવાળા લપકતી હતી.' આવી એ કોઈ આકૃતિ તો નહોતી જ કારણ એને મને પકડવા માટે દાદરથી હાથ લાંબા કરી મારા સુધી પહોંચાડયા. પગ તો હતા જ નહીં અને હવામાં ઊડતી એ સ્ત્રીએ મારી ફરતી બાજુએ ચકકર લગાવી.

ભાભી, મારા હોંશ ઉડી ગયા હતા. એ આકૃતિ સમી સ્ત્રીએ મને કહ્યું "જોવા છે પાગલ કેવા હોય એમ ?"

મેં એક ચીસ પાડી અને ઘર તરફ એક શ્વાસે દોડ માંડી. ઘરે આવીને કોઈને વાત ન કરી. નકકી કર્યું કે નિયા ની કાલ માફી માંગી લઈશ.

બીજે દિવસે મેં સામેથી નિયા ને બોલાવી એની માફી માંગીને એટલું જ કહ્યું કે "નિયા મેં તારા મમ્મીને કાલ જોયા."
નિયા હસીને કહે "મમ્મીએ વાત કરી મને, હવે તો માનીશ ને કે મેં ખોટું નથી બોલ્યું."

નિયાની મમ્મીએ પ્રેત સ્વરૂપે નિયા, સિયા અને રિયાની સંભાળ લીધી છે. ભાભી, તમે કોઈને ન કહેતા આ વાત. તમને મારી કસમ...

હું આ વાત કરી ભાભીનો હાથ પકડીને જ સુતી. કદાચ ત્યારથી જ હું ડર કોને કહેવાય એ શિખી પણ ગઈ.

શિતલ માલાણી"સહજ"

૨/૧/૨૦૨૧

જામનગર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED