વરસાદની રાત શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદની રાત

વરસાદી રાત હતી એ પહેલી..
આખા ગામનો રેઢિયાળ જ ગણાતો. ભટકે ને માન દેખે ત્યાં ટપકે. આખા ગામની નસનો એ જાણકાર. જરાય માન નહીં કે સ્વમાન નહીં. થુંકેલું ચાટવું કે ચાટેલું થુંકવુ એ બધું સરખું એને મન તો..ગરાસિયા ગામનો એ રખેવાળ જેવો.

જગલાની મા એ કુવો પુર્યો. એ કુવો ચાર ભાઈઓના ફળિયાની વચ્ચોવચ હતો. માજી નહોતા એકલા કે નહોતા કોઈ ભેળા. ચાર હાથણી જેવી વહુવારૂઓ સાચવે સમાજની નજરે. બાકી તો સમાજ જાણતો હતું સઘળું.

ઢોરનો વાડો નાનકાને ભાગ આવ્યો. એમાં ડખા થતા ભારે. નકકી કર્યું માજી મરે પછી એ ઢોરનો વાડો નાનકાનો ત્યાં સુધી સહિયારો.

માજીએ કુવો પુર્યો તે દા'ડે કોઈ ઘરે નહીં. મોટીનો ભત્રીજો પરણે તે સૌ ગયા હતા લગ્નમાં. માજીને બાજુવાળીએ રોટલો ટીપી દીધો તે ખાઈને માજી એ કહ્યું , "છોડી, કેવા દન આયા જો તો ખરી ! હું પણ મુલે જાતી કોઈના ખેતરે. ત્યાં તારા બાપા પણ આવતા મુલે. ચૈત્ર-વૈશાખના ઉકળાટે અમારા આ હાડપિંજર જેવા ડીલ દાઝતા પણ મજુરી જ અમારી 'મા' હતી. કપરા કામ ઢસડીને અહીં સુધી પોયગા છીએ. એકદાડે વરસાદ આવ્યો ને અમારા માલિકે અમને અસલ મુલ દીધું."
મારા બાપને કને આ જગલાના બાપાનું માગું આયલુ. તારા બાપાને કાંઈ કમી નહોતી. પણ, મારો હાથ માંગવા હારૂ અને મને ઓળખવા એ ખોટેખોટે ને આમ તો સાચેસાચે મુલ કરતા મારી હારોહાર. એ પેલા વરસાદને દિ જ અમારૂં સગપણ થયું. પછી બીજા વર્ષે લગન લીધા. અહીં આવી ને મેં જોયું તો ડેલીબંધ મકાનનો ધણી મારો ઘરવાળો હતો. ત્યારે ક્યાં કાંઈ એકબીજાને મળવાનું હતું તમારા જેવું. પછે તો અમારે આય ખેતી સામટી તે એક છોકરો થોડો પહોંચી વળવાનો એમાં. તે મેં બીજો જણ્યો હોં ! બે છોકરાએ રાખડીની બાંધનારની ઓછપ ભાળી એટલે અમને ત્રીજી દીકરીની લાલચ જાગી તે એ ખલે પણ છોકરો આયો. પછી પાછી છોકરીની લાલચે આ ચોથો પણ થયો. તે થયા નસીબ ભુંડા આપણા. પણ, જો તો ખરે મારા નસીબ મેં સંધાયને પાણીયારી જમીન , આ હવેલી સમા મકાન , દહ-દહ ઢોરા આલ્યા ને એક આ ઢોરના વાડા માટે મુને આ એકઢાળિયે વળગાડી સમોતરા ચારેય હાલી નીકળ્યા.

બાજુવાળી કાંઈ ન બોલી. 'હાં, માડી કહેતી હાલી નીકળી.' એ જ કાળી રાતે ઉકળાટો માજીના મનમાં ભારે. ક્યાંય ચેન ન પામે. આંખે દેખે ઓછું તે ખાટલાને ફરતે ફરે અને રાતે કયારે વરસી ગયું કાળનું વાદળું કે માજીએ કુવો પુર્યો.

સવારે પડોશણ ચા આપવા આવી ત્યારે એણે ફળિયામાં ભરાયેલા પાણીમાં માજીના ચંપલ તરતા જોયા પણ માજી ન જોયા. ગંધાતા એ ઢોરવાડે એ લથબથ ગારાથી બધે ફરી વળી પણ માજી ક્યાંય ન મળે. અચાનક એને કુવે ડોકિયું કર્યું પછી તો ડરેલી એ બાઈએ બધાને કહ્યું પણ , એનો તો એકેય દીકરો હાજર નહીં. વાયુવેગે સમાચાર પહોંચાડી તેડાવ્યા.

બધાએ રોકકળ આદરી તે ત્યાં વરસાદની જેમ રેઢિયાળ પણ આવ્યો. એણે મરશિયા ગાતા ગાતા કહ્યું ને બધાએ સાંભળ્યું પણ ખરા.

' ડોસી એકલડી બેઠી ઢોલિયાની કોર
કરમફુટલા કપાતર છુપાયા બની ઢોર
એને જાણે એમ કે અમને ન દેખે કોઈ
તમારું કૃત્ય દેખી રેઢિયાળની આંખ રોઈ '

બધાને દાળમાં કાંઈક કાળું જણાયું તો એ બધાએ રેઢિયાળ ને આખી વાત સરખી સમજાવા કહેવા કહ્યું તો એ બોલ્યો, " માજીને આ ચારે દીકરાએ ભેળા મળીને કુવામાં નાંખ્યા છે મેં મારી સગી આંખે જોયું. સમી સાંજના નાના બેય આવી ઢોરભેગા છુપાઈ ગયા. ને આ મોટા બેય આવ્યા ત્યારે માજીના હાથપગે પથરા બાંધી નાંખ્યા છે કુવા માંહ્ય. જીવ છે કે હજી જતો રહ્યો એ તપાસવા આ મોટો અંદર પણ ઉતરેલો. હું કમભાગ વરસાદથી બચવા એકઢાળિયે જ બેઠેલો. આ ચારના હ્રદયે કાળ બેઠો હતો. મને પણ બીક લાગી. મરી ગયાનું પાકું થયા પછી સરખા ભાગે આ ઢોરવાડાના પણ આ માજીના ખાટલે બેસી ભાગ પડયા."

કામ પતી ગયાના અહેસાસે અને વરસાદી ટાઢને ડામવા સાથે બેસી ચા પણ પીધી બાજુના ગામ આ સંધાયે. હવે જે સમજો એ હું તો રેઢિયાળ એટલે આપણને‌ બધી ખબર હોય.. આટલું બોલે છે ત્યાં વાદળા પણ ભરપૂર રોયા મધરાત સુધી....

ચારે છોકરાએ આયોજન કરી એક ઢોરવાડાની જગ્યા માટે માજીને મોતને કુવે ધકેલ્યા...

શિતલ માલાણી"સહજ"
જામનગર