ઋતુરાજ વસંતના વધામણા Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋતુરાજ વસંતના વધામણા

ઋતુરાજ વસંત ના વધામણા
"રૂડો જુઓ ઋતુરાજ આવ્યો
મુકામ એણે મનમાં જગાવ્યો.
તરુવશે a ઉપકાર કીધો
જાણે મજાનો શિરપાવ દીધો.
બધી ઋતુઓમાં ઉતમ, સુખકર,સર્વપ્રિય એવા ઋતુઓના રાજા વસંતના આગમનની વાત કરતી આ પંક્તિ ઠંડીમાં ઠુઠવાઈ ગયેલા અને ગરમીનો સામનો કરવા સજ્જ થતા લોકોને ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી... સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ સૌદર્ય ની લહાણ કરતી, મધુર મંદ પવન.. સતત દોડતા માનવીને જાણે કહે છે..
"આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લઇ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?
કવિ શ્રી મનોજ ખંડેરિયા નું આ કાવ્ય ઋતુરાજ વસંતને આવકારે છે. તરુ શણગાર પછી નવા આવેલા પાન, ફૂલ અને ફળો તેની સુગંધથી આહ્લાદક બનેલ વાતાવરણે જ આ ઋતુને ઋતુઓનો રાજા બનાવ્યો છે. સમત્વનું પ્રત્યક્ષ દર્શન કરાવતું આ પર્વ જીવનમાં આવતા સુખ દુખ, જયપરાજય, યશ-અપયશ જેવા સંબંધોમાં સમતા રાખતા શીખવે છે. વસંત સૃષ્ટિનું યૌવન છે. અને યુવાવસ્થા માનવ જીવનની વસંત છે.આ ઉંમરે સંયમ કેળવી, જીવનને હરિયાળું બનાવવાનો સંદેશ આપે છે. સાથે પાનખરમાં થી વસંત માં જતા વૃક્ષો આપણને કહે છે કે ઈશ્વર કસોટી કરે છે... પાનખર રૂપે સમસ્યાઓ આવે છે અને આપણે તેમાંથી હિંમત પૂર્વક પાર પડીશું તો વસંત આપણાં જીવનમાં જરુર ફેલાશે.
"વસંતે બ્રાહ્મણ મુપન યેત" શ્રુતિ પ્રમાણે બ્રાહ્મણ આ દિવસે બાળકોને ઉપનયન સંસ્કાર આપે છે અને જેમણે જનોઈ લીધેલી છે તેઓ વર્ષમાં એક વાર એકસાથે આ દિવસે જનોઈ બદલી વેદકાલીન પર્વ તરીકે વસંતને ઉજવે છે.
તો શિક્ષણક્ષેત્રે સરસ્વતી પૂજન માટે આ દિવસ મહત્વનો ગણાય છે. સરસ્વતી એ જ્ઞાન અને વિદ્યાની દેવી છે. બંગાળમાં દેવી સરસ્વતી એ શિવ પાર્વતીના પુત્રી ગણાય છે,ગણેશ કાર્તિકેય તેમના ભાઈ છે, એવા સરસ્વતી દેવી સામે પુસ્તકો અને શાહી નો ખડીયો તથા બરુની કલમ મૂકવામાં આવે છે. કાચા દૂધમાં પાણી,થોડો લાલ રંગનો પાવડર અને રૂપેરી જરી નાખી સહી બનાવવામાં આવે છે. બીજે દિવસે સરસ્વતી જી નું વિસર્જન કરતી વખતે કલમ આ શાહીમાં બોળી, 'ઓહ્ન સરસ્વત્યૈ નમઃ' મંત્ર લખી, વિદ્યાનું પૂજન થાય છે.
કવિ શ્રી સુરેશ દલાલના શબ્દોમાં 'ફ્લાવર વાઝમાં ગોઠવાયેલા ફૂલો ની જઈને પૂછ્યું: 'તમને ખબર છે આજે વસંતપંચમી છે ?!!' સતત એકધારું જીવન જીવતા આપણી સાથે આવું ન થાય એ જોવાનું કહે છે .તેઓ એવું કહે છે કે જાગો,આજે તો ખીલવાનો ઉન્માદ જગાવવા નો દિવસ છે. પ્રકૃતિપુરૂષનું પર્વ છે.આદિ કવિ વ્યાસ થી માંડી કવિ કાલિદાસે વસંતના વધામણા ની અનોખી શબ્દ સૃષ્ટિ રચી છે.
ઋતુરાજ વસંત પ્રકૃતિના શણગાર સાથે માનવ જીવનને તેમની ઋતુચર્યા માં આવશ્યક પરિવર્તન લાવવા પણ સૂચવે છે. તેમના આગમન સાથે જ શરીરમાં રક્તઅભિસરણ માં ફરક પડે છે. હલકું થાય છે, નવો ઉત્સાહ,સ્ફૂર્તિ આપવાની સાથે કામ ઉદ્દીપક પણ હોવાથી ગરમ અને કામોત્તેજક પદાર્થોનું સેવન ઘટાડવાની આયુર્વેદ સલાહ આપે છે. આમ્રમંજરીના મર્દન અને પ્રાશન થી શીત, કફ, પિત્ત થી દૂર રાખી,રુચિવર્ધક હોવા ઉપરાંત ઝાડા,ડાયાબિટીસ અને રક્ત રોગ જેવા દોષોથી દૂર રાખે છે. આમ,ભારતીય સંસ્કૃતિએ 'ઋતુનાં કુસમાકર:'(ભગવદગીતા) એવા વસંત ના પર્વ તરીકે ઉજવવા માટે જીવન તરફ નિર્દેશ કર્યો છે કે જીવનમાં વસંત ખીલવવી હશે તો આશાદીપ સતત પ્રજવલિત રાખવો પડશે.સંયમ અને સમત્વ વૃત્તિ કેળવવી પડશે.રોજિંદા કાર્યોમાંથી જરા થોડી ક્ષણો પ્રકૃતિની ગોદમાં જશો તો આજના દિવસે કવિ સુન્દરમ્ ની પંક્તિ જરૂર સંભળાશે
"વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી.
પરાગની પાવડીએ આવી
મુજને કોણ ગયું ઝબકાવી?"
સહુ વાચકમિત્રો ને ઋતુરાજ વસંતના વધામણાં...