અંગત ડાયરી - ઉદાહરણ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - ઉદાહરણ

*અંગત ડાયરી*
============
*શીર્ષક : ઉદાહરણ*
*લેખક : કમલેશ જોષી*
*ઓલ ઈઝ વેલ*
લખ્યા તારીખ : ૧૪, ફેબ્રુઆરી ૨૦૨૧, રવિવાર
ઉદાહરણ એટલે ઍકઝામ્પલ. કોઈ શબ્દ કે સિદ્ધાંતનો જીવતો-જાગતો પુરાવો એટલે ઉદાહરણ. જેમ કે સત્ય સમજવું હોય તો રાજા હરિશ્ચંદ્ર કે ગાંધીજીના જીવનને જોવું પડે. તમને શું લાગે છે? મારું કે તમારું જીવન શાનું ઉદાહરણ બની શકે? આપણે જે રીતે ચોવીસ કલાક વીતાવીએ છીએ એનો એક શબ્દમાં અર્થ શો? એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, "આપણે મશીનનું ઉદાહરણ છીએ." ઘડિયાળના કાંટે એકધારું વર્તન કરતું મશીન. સમયસર ઉઠે, સમયસર નોકરી-ધંધે જાય, સમયસર ખાઈ-પી લે અને સમયસર સૂઈ જાય. પરણી પણ સમયસર જાય અને મરી પણ સમયસર જાય એવું મશીન એટલે એકવીસમી સદીના આપણે સૌ.
આપણા જીવનનું ટાઈમ ટેબલ જુઓ ને, તો લાગે કે આપણે નોકરી કરવા માટે જ કે પરિવારના લાલન પાલન માટે જ આખી જિંદગી જીવીએ છીએ. ભણીએ એટલા માટે કે નોકરી સારી મળે. કેટલાક કોર્સ તો એટલે કોઈ જોઇન નથી કરતું કે એમાં કરિયર નથી. કેટલાક કોર્સમાં ઍડમિશન માટે વિદ્યાર્થીઓ એટલે ગાંડાતૂર બની મહેનત કરે છે કે એ લાઈનમાં પૈસો બહુ છે. જ્ઞાનની ઉપાસના કે ભૂખ કરતા જોબ અપોર્ચ્યુનિટી વધુ ઈમ્પોર્ટન્ટ બની ગઈ છે. એક બાળકે કહ્યું કે ચકલા - ચકલીઓને કેવું સારું! આખી જિંદગી બસ જીવવાનું, જીવ્યે જ રાખવાનું. બાળપણના પાંચ-પંદર વર્ષ બાદ કરો તો જિંદગી મશીન જેવી જ જીવાઈ રહી છે. આપણે કંઈ એવું કરીએ છીએ, જે મશીન કે અન્ય પ્રાણી ન કરી શકે?
તમે જો એમ કહેતા હો કે આપણે મસ્ત ગાઈ શકીએ તો કોયલના ટહુકાનું શું? તમે જો કહો કે આપણે પ્લેનમાં ઉડી શકીએ તો યાત્રાળુ ફ્લેમિન્ગો જેવા પક્ષીઓનું શું? તમે કહો કે આપણે નાચી શકીએ તો મોરના થનગનાટનું શું? તમે જો એમ કહો કે.....! એક મિનીટ.. વધુ દલીલ કરો એ પહેલા હું તમને પર્સનલી પૂછી લઉં. તમે છેલ્લે ક્યારે ગાયું હતું? નાચ્યું હતું? ઉડ્યા હતા? પથારી, સોફો, ઓફિસચૅર અને વાહનની સીટ, આ ચાર જ જગ્યા પર આપણે નેવું ટકા જિંદગી વીતાવીએ છીએ. માણસ નાચી શકે છે, ગાઈ શકે છે, કૂદી શકે છે, ઉડી શકે છે પણ એ આવું કશું કરતો નથી.. એ જ તો મેઈન પોઈન્ટ છે. એટલે જ આપણે મશીનના ઉદાહરણમાં ફીટ બેસીએ છીએ.
મન હજુ કબૂલતું નથી. ઔર એક દલીલ. મશીન તો નિર્જીવ છે, આપણે જીવંત છીએ. લો, બસ... ટેન આઉટ ઓફ ટેન માર્ક આપી દઉં બસ? બીજું શું? આપણે જીવંત છીએ તો એ જીવંતતા ક્યાં? એ કબૂલ કે આપણામાંના અમુક લોકો જીવંત પણ છે, પણ આપણે છીએ? ગાવા નાચવાનું તો જવા દો આપણે પડતા-આખડતા પણ નથી. વેરી સેફ... બાળપણમાં પડી લીધું, નાચી લીધું, રમી લીધું, હવે બસ.. હવે નાચીએ તો થોડાં સારાં લાગીએ? પેલું વાક્ય છે ને, સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ.

ચાલીસ-પિસ્તાલીસ વર્ષના કોઈ વ્યક્તિ ભરબજારે ઠેબું ખાઈને પડી જાય ત્યારે એનો સીન જોવા જેવો હોય છે. જમીન પર ચત્તા પાટ કે ઊંધે માથે પડ્યા પછી પહેલું કામ એ ચારે બાજુ પોતાને જોઈ જનારા લોકો સામે જોવાનું કરે છે. પગમાં લાગ્યું એનાં કરતાં પોતે પડવાની ભૂલ કરી બેઠા એનો અફસોસ એનાં ચહેરા પર વધુ દેખાય છે. બાળક પહેલી-વહેલી વખત ચાલતા શીખ્યું હોય ત્યારે દિવસમાં સત્તર વખત ‘ભફ’ થતું હોય છે. એ કાં તો રડવા લાગે અને કાં હસવા લાગે. એ કાંઈ ચારે બાજુ ડોકી ફેરવી પોતાને કોણ-કોણ જોઈ ગયું એની પરવા નથી કરતું. મોટી ઉંમરે ‘ભફ’ થનાર વ્યક્તિ તો બિચારો સવારે 'ભફ' થયો હોય તો એની વાર્તા છેક સાંજ સુધી મિત્રો-પરિચિતોમાં કહેતો ફરે છે, ક્યાં ભૂલ થઈ, ક્યાં ચૂક થઈ એના ખુલાસા કરતો રહે છે. બાળક તો પડે-આખડે અને ભૂલી જાય. બાળક જીવંતતાનું ઉદાહરણ છે, આપણે નહીં. જોકે આજકાલ જે શેડ્યુલ્સ બાળકો પર લદાઈ રહ્યા છે, મને નથી લાગતું કે બાળકોમાં જીવંતતા લાંબો સમય ટકશે.

જો આપણે જીવંતતાનું ઉદાહરણ બનવું હોય તો કેટલીક મશીન જેવી વર્તણુંકમાંથી બહાર નીકળવું પડશે. સમજી લો ને કે દરરોજ નવી રીતે જીવવું પડશે. તમે પ્રયત્ન કરજો. જો વાહન પરથી તમને જમણી બાજુથી ઉતરવાની આદત હોય તો ડાબી બાજુથી ઉતરી જોજો. રોજ તો થાળીમાંથી કોળીયો તમારા મોં તરફ લઈ જાઓ છો, આજે જીવનસાથીના મોં તરફ લઈ જજો. એકાદ સોંગ ગાઈને કે ડાન્સનું સ્ટેપ રેકોર્ડ કરીને કે એકાદ આર્ટીકલ લખીને કે નવી રીતે સેલ્ફી લઈને ફેસબુક-વ્હોટસેપ પર શૅર કરી જોજો.. જોજો, તમારી જીવંતતાને સૌથી વધુ લાઈક મળશે.
જોઈએ તમે જીવંતતાનું ઉદાહરણ છો કે યાંત્રિકતાનું!
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)