અંગત ડાયરી - જિંદાદિલી Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - જિંદાદિલી

અંગત ડાયરી
============
શીર્ષક : જિંદાદિલી
લેખક : કમલેશ જોષી
ઓલ ઇઝ વેલ
લખ્યા તારીખ : ૦૭, ફેબ્રુઆરી ૨૦૨૧, રવિવાર
જિંદાદિલ મસ્ત શબ્દ છે. જેનું દિલ જીવે છે, જે દિલથી જીવે છે એ જિંદાદિલ. દિલ એટલે કે હાર્ટ એટલે કે હૃદય. કૃષ્ણએ કહ્યું છે કે હું સૌના હૃદયમાં રહું છું. જેના હૃદયમાં કૃષ્ણ કાનુડો હસતો ખીલતો બેઠો હોય એ જિંદાદિલ અને જેના હૃદયમાં કૃષ્ણ કનૈયો ગુસ્સે ભરાયેલો બેઠો હોય એ મુર્દાદિલ બીજું શું? આવા માણસને ઓળખવા કોઈ લેબોરેટરીમાં જવાની જરૂર નથી. નિખાલસ વાણી, વર્તન અને વિચાર જ એનો પોઝીટીવ રીપોર્ટ છે. ખુસપુસિયા, ખટપટિયા, છાનુંમાનું છળકપટ કરતા શકુનિછાપ લોકો જીવતા ભલે હોય, પણ કૃષ્ણ કાનુડો એમના હૃદયમાં તાંડવ કરતો હોય છે.

આજકાલ ‘કમ્પ્લીટ બોડી ચેકઅપ’ મેડીકલ ટર્મ બહુ જાણીતો બન્યો છે. ડોક્ટર તમારા બ્લડ, યુરીન વગેરે તપાસી સર્ટીફિકેટ આપે કે તમે ફિટ છો કે અનફિટ. આશ્ચર્યની વાત એ છે કે એવાં ઘણાં લોકો છે જેની પાસે સંપૂર્ણ ફિટ હોવાનું સર્ટીફિકેટ છે છતાંય જીવનમાં અસુખ, અજંપો વ્યાપેલા હોય છે. એક સજ્જન મિત્રે મસ્ત કહ્યું: આ સર્ટીફિકેટ તમારા બ્લડ પ્રેશરનું કે શુગરનું લેવલ ચેક કરે છે, ઈમાનદારી, સત્ય કે સજ્જનતાનું નહીં. ભીતરે ઘટી રહેલા થનગનાટ, ઉત્સાહ કે ઉમંગ માટે કોઈ ડોક્ટર મારા ધ્યાનમાં નથી. મેં આજ સુધીમાં એવું પ્રિસ્ક્રીપ્શન નથી જોયું જેમાં ડોકટરે દર્દીને સવાર-બપોર-સાંજ સચ્ચાઈ અને ઈમાનદારીથી જીવવાની સલાહ લખી હોય. શુગર ઘટી ગયું હોય એ આપણને પજવે છે પણ પ્રસન્નતા કે પ્રામાણિકતામાં થયેલા ઘટાડાની આપણને ચિંતા નથી.

તમારી પાસે ગાડી ન હોય, બંગલો ન હોય કે બેંક બેલેન્સ ન હોય એટલે સોસાયટીમાં તમને ગરીબ કે નિમ્ન મધ્યમ વર્ગના ગણી લેવામાં આવે, પછી ભલેને તમે તમારા બાળક સાથે ઉત્સાહથી નાચતા હો, પત્નીને સાયકલ પર બેસાડી ‘જિંદગીના સુહાના સફરે’ તળાવ સુધી ચક્કર મારી આવતા હો, મિત્રોની મહેફિલમાં ‘ખુલ્લા દિલે તમારા સુખ દુઃખ શૅર કરી શકતા હો.’ આપણે ત્યાં દુનિયાના ટોપ ટેન ધનવાનોની યાદી બહાર પાડવામાં આવે છે, ટોપ ટેન ઉર્જાવાનો, ઉત્સાહવાનો, પ્રાણવાનોની યાદી બહાર પાડવામાં આવતી નથી.

જે દિવસે તમને બીજાની ખામી કરતા ખૂબી જોવાની ઈચ્છા વધુ થાય તે દિવસથી તમારો માનવ્યનો રિપોર્ટ પોઝીટીવ સમજવો. જે દિવસે તમે સજ્જન વ્યક્તિને જાહેરમાં વખાણો તે દિવસે તમારો યુવાન હોવાનો રિપોર્ટ પોઝીટીવ સમજવો. જે દિવસે પૂજા પાઠ કરતી વખતે ભગવાન સામે તમારી ભૂલોના પસ્તાવા બદલ આંખમાંથી આંસુનું એક બુંદ ગાલ પર સરકી ગયું તે દિવસે તમારો જીવતા હોવાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો એમ સમજી લેવું. જે દિવસે આપણે ઢોંગ, ધતિંગ કે ગરબડ, ગોટાળા કરીએ છીએ એ દિવસે બહાર તો આપણી ‘વાહ વાહ’નું લેવલ હાઈ થતું હોય છે પણ ભીતરે જીવંતતાનું લેવલ લૉ જઈ રહ્યું હોય છે. જેટલી ભલાઈ અને સજ્જનતા બહાર વધે એટલી જીવંતતા અંદર વધે.

કોઈ કળિયુગીયો એમ ન કહે કે ‘લે, પહેલા કહેવું હતું ને? અમને તો ખબરેય નહોતી..’ એટલે જ કૃષ્ણ કાનુડાએ પાંચ હજાર વર્ષ પહેલા કહી દીધું કે ‘સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો’. એવું એ નથી કે આપણને એનો અહેસાસ નથી. ભીતરેથી મળતી પનીશમેન્ટ આપણે સૌએ માણી (કે ભોગવી) જ છે. પાકીટ કે તિજોરી ભરીને પૈસા હોય અને વ્હીલચેર પરથી ઊભા ન થઈ શકતા હોય એવા લોકો આપણે જોયા જ છે. બાવન જાતના પકવાનોથી ભરેલી થાળી પીરસવામાં આવે ત્યારે એમાંથી એક ચપટી પણ ન ભરી શકે એવા લાંચીયાઓ આપણે પ્રસંગોમાં ફોટા પડાવતા જોયા જ છે. છે ને કૃષ્ણની ૨૪ × ૭ ચાલતી અદાલત!

કોણ જાણે કેમ આટઆટલા પ્રત્યક્ષ પુરાવાઓ હોવા છતાં દુર્જનતાની શેરીઓમાં સન્નાટો છવાતો નથી. નવા નવા લોકો રોજેરોજ એડમીશન લઈ રહ્યા છે, ભરતી થઈ રહ્યા છે. એ લોકો દલીલ કરે છે કે એમ તો સમાજમાં એવા કેટલાય સજ્જનો પણ છે જે લંગડા-લૂલા હોય કે ડાયાબીટીસના પૅશન્ટ હોય. આ તો બધા શરીરના રોગો છો. એ સજ્જન, દુર્જન જોઈને ન થાય. એને કેમ સમજાવવા કે રામ જ્યારે શબરીને મળે ત્યારે એના બોર ચાખે અને રાવણને મળે ત્યારે એનો વધ કરે, કૃષ્ણ જયારે અર્જુનને મળે ત્યારે ભેટી પડે અને કંસને મળે ત્યારે એનું માથું ભાંગે.

ખેર, તમારી જિંદાદિલી બરકરાર રહે, કનૈયો તમારા હૃદયમાં સતત ખુશખુશાલ રહે એવી શુભકામનાઓ.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)