sundari chapter 67 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૬૭

સડસઠ

સુંદરીને માનવામાં પણ નહોતું આવી રહ્યું કે તેની ઈચ્છા વિરુદ્ધ વરુણ અને શ્યામલ એકબીજાને ઓળખવા લાગ્યા હતા એટલુંજ નહીં, પરંતુ શ્યામલને વરુણ એટલો તો ગમે છે કે એ આઈપીએલમાં રમે એના માટે એ આજ સુધી પ્રાર્થના કરતો હતો અને આજે એની એ ઈચ્છા પૂરી થતાં એ એટલો તો ખુશ થઇ ગયો કે તેણે લગભગ નાચવાનું જ બાકી રાખ્યું હતું.

અચાનક જ સુંદરીના મનમાં હજારો...લાખો... કરોડો પ્રશ્નો દોડતા થઇ ગયા. તે પોતાને જ કેટલાક પ્રશ્નો કરવા લાગી.

શ્યામલભાઈ અને વરુણ કેવી રીતે મળ્યા હશે?

વરુણને શ્યામલભાઈના મારી સાથેના સબંધ વિષે ખબર પડી જશે તો?

જો શ્યામલભાઈને મારા વિષે વરુણની લાગણી વિષે ખબર પડી જશે તો?

અરે? આ બંને અત્યારસુધી આ વાત જાણતા હશે તો?

ના, ના જો એવું હોત તો શ્યામલભાઈએ મને અત્યાર સુધીમાં આ વાત પૂછી જ લીધી હોત, પણ જો એ વાત કરવા ઓસંખાયા હશે તો?

જો એવું હોય તો એનો મતલબ શું એવો થયો કે શ્યામલભાઈને વરુણની મારા પ્રત્યેની ખરાબ લાગણી માટે કોઈજ વાંધો નથી?

અને શું એટલેજ મને તે આ રીતે વારંવાર મેચ જોવા બોલાવતા હતા, જેથી જ્યારે પણ વરુણ પહેલી મેચ રમે એટલે એ મને જણાવી શકે અને આમ આડકતરી રીતે મારું મન કળવા માંગતા હોય તો?

તો તો એનો મતલબ એવો જ થયો કે એ પણ ઈચ્છે છે કે હું અને વરુણ... છી છી.. ના એ તો કોઇપણ ભોગે શક્ય છે જ નહીં.

શું કોઈએ સામે ચાલીને અથવાતો જાણીજોઈને આ બંનેને મેળવ્યા હશે?

જો એવું હોય તો એ કોણ હોઈ શકે?

આ વાતની તો બે જ જણને ખબર છે એક તો અરુમા અને બીજી સોનલ, અરુમા તો ભાઈને વાત ન જ કરે તો પછી સોનલ?

ના, ના સોનલ એમ એનું વચન તોડે એવી નથી, એ ઘણી મેચ્યોર છે... પણ એ વરુણમાં એના સ્વર્ગસ્થ ભાઈને જુવે છે, તો કશું નક્કી પણ ન કહેવાય... લાગણીમાં વહી જઇને એ એને કહી પણ શકે છે.

જો એવું જ હોય તો મારે એની સાથે વાત કરવી જ પડે, હવે મારે વધુ બદનામી નથી સહન કરવી, મારી જિંદગીનો સવાલ છે. હા કાલે જ એને મળી લઉં.

આમ પોતાના જ મન સાથે ગડમથલ કર્યા પછી સુંદરીને પહેલી અને એકમાત્ર શંકા સોનલબા પર જ ગઈ કે તેમણે જ વરુણને શ્યામલ વિષે વાત કરી હશે કે તે જેલમાંથી છૂટ્યા બાદ શું કરે છે, કયો ધંધો કરે છે અને ક્યાં કરે છે. કદાચ પોતાના શ્યામલભાઈને ફોસલાવીને વરુણ એમની સાથે સબંધ પાક્કો કરીને એમના થકી તેને મેળવવા માંગે છે એ વિચાર પર સુંદરી પોતાની જાત સાથે જ સહમત થઇ ગઈ અને એટલે એણે સોનલબાને મળવાનું નક્કી કર્યું.

“ભાઈ, હું હવે ઘરે જાઉં? મારે ઘણું કામ બાકી છે. સાંજે જમવા કોઈ આવવાનું પણ છે.” મેચ જોવામાં અને સાથે સાથે ગ્રાહકો માટે ચ્હા બનાવવામાં મશગુલ શ્યામલને સુંદરીએ પૂછ્યું.

“હા, હા. પણ ઘરે જઈને વરુણની બેટિંગ અને બોલિંગ બંને જોજે. પછી કાલે ફોન પર વાત કરીશું એના વિષે.” વરુણ વિષે વાત કરતાં શ્યામલનો આનંદ સમાતો ન હતો.

“હા, આવજો.” શ્યામલનો વરુણ પ્રત્યેનો આનંદ વધારે સહન ન થતાં સુંદરીએ ત્યાંથી તરતજ જતું રહેવાનું પસંદ કર્યું.

==::==

“કૃણાલભાઈ, હમણાંજ મેડમનો મેસેજ આવ્યો.” સોનલબાના અવાજમાં ગભરામણ ન હતી પણ ચિંતા જરૂર વર્તાતી હતી.

“અચ્છા? શું?” કૃણાલે સ્વાભાવિક પ્રશ્ન કર્યો.

“કાલે મને સવારે દસ વાગ્યે નવરંગપુરાના કોફી શોપમાં બોલાવી છે.” સોનલબાએ કહ્યું.

“કેમ?” કૃણાલને આશ્ચર્ય થયું.

“મેં પણ એમ જ પૂછ્યું, તો કહ્યું કે મળીને વાત કરીએ, ઈમ્પોર્ટન્ટ છે.” સોનલબાએ જવાબ આપ્યો.

“એવી તો કઈ ઈમ્પોર્ટન્ટ વાત હશે કે આમ અચાનક જ તમને મળવા બોલાવ્યા?” કૃણાલને પણ નવાઈ લાગી.

“ક્યાંક આપણા પ્લાન વિષે તો...” સોનલબાના અવાજની ચિંતા વધી હોય એવું લાગ્યું.

“પોસીબલ તો છે, પણ એમાં તમે ચિંતા કેમ કરો છો?” વરુણે પૂછ્યું.

“ચિંતા તો થાય જ ને કૃણાલભાઈ. કાલે મને એ કેટલું વઢશે? એમને આપેલું વચન મેં તોડ્યું છે ને? કદાચ મારી સાથે બોલવાનું પણ બંધ કરી દે?” સોનલબાએ એમનો ડર વ્યક્ત કર્યો.

“પણ આપણે ક્યાં વરુણને કશું કીધું જ છે? આપણે તો એવા સંજોગો ઉભા કર્યા કે વરુણ એમના ભાઈને એમની ચ્હાની દુકાને મળે.” કૃણાલે સોનલબાએ યાદ દેવડાવ્યું.

“તમારી વાત સાવ સાચી કૃણાલભાઈ, પણ...” સોનલબા રોકાયા.

“તમે જરાય ચિંતા ન કરો સોનલબેન. તમે તમારી વાત પર ટકી જ રહેજો. અને ટેક્નિકલી તમે વરુણને ક્યાં કશું કીધું જ છે. જે કશું કર્યું છે એ મેં જ કર્યું છે. તમે જ મારી પાસે વાત કરી હતી કે તમે મેડમને વચન આપ્યું છે કે તમે વરુણને એમના ભાઈ વિષે કશુંજ નહીં કહો અને પછી મેં જ એવો આઈડિયા આપ્યો હતો કે આપણે એવા સંજોગો ઉભા કરીએ કે વરુણ અને મેડમનો ભાઈ મળે. એટલે તમે આ ચિંતાને સાવ દૂર કરી દો અને એકદમ ખુલ્લા દિલે કાલે મેડમને મળો, કારણકે તમે એમનું વચન બિલકુલ તોડ્યું નથી.” કૃણાલે સોનલબાને ધરપત આપતાં અને તેમની હિંમત વધારતાં કહ્યું.

“હમમ.. તમારી વાત તો સાચી છે કૃણાલભાઈ. મેં ક્યાં ભઈલાને કશું કહ્યું જ છે. મેં તો મેડમને આપેલા વચનની ખાલી વાત જ તમને કરી છે, બાકી જે થયું એ તો એનીમેળે જ થયું. થેન્ક્સ અ લોટ કૃણાલભાઈ, સારું થયું મેં તમારી સાથે વાત કરી. હવે મને એકદમ હળવાશ ફિલ થાય છે.” સોનલબા સ્મિત કરી રહ્યા હતા.

“તો પછી ઓલ ધ બેસ્ટ, અને કાલે જે કઈ પણ થાય એની વાત મને કરજો એ પણ ડીટેઇલમાં એટલે આપણને આગળ શું કરવું એની ખબર પડે, ઓકે?” કૃણાલે સોનલબાએ સલાહ આપી.

==::==

“સો સર, વ્હોટ યુ હેવ ડિસાઈડેડ અબાઉટ હર ફ્યુચર?” જયરાજે પ્રમોદરાયને પૂછ્યું.

પ્રમોદરાયે આગ્રહ કરીને જયરાજને આજે ડિનર માટે બોલાવ્યો હતો. સુંદરીને એ જરાય ગમ્યું ન હતું પરંતુ પિતાની દરેક મરજીની વિરુદ્ધ જવું પણ એને યોગ્ય ન લાગ્યું એટલે એણે ના ન પાડી. પણ સુંદરીએ નક્કી કરી લીધું હતું કે એ વધુ સમય જયરાજની ખરાબ નજરની સામે નહીં આવે. એટલે જયરાજના ઘરે આવવાના સમયે તેણે તેનું સ્વાગત કર્યું અને પછી રસોઈનું બહાનું બનાવીને રસોડામાં ઘુસી ગઈ.

પહેલા સમયનું ભોજન પીરસ્યા બાદ પણ સુંદરી ફક્ત જયરાજ કે પછી પ્રમોદરાય કોઈ વાનગીની માંગણી કરતા ત્યારે જ તે રસોડામાંથી બહાર આવતી અને એ વાનગી પીરસીને રસોડામાં પરત થઇ જતી. આ બંનેના જમી લીધા બાદ સુંદરીએ વાસણો કામવાળી બાઈ માટે ભેગા કરીને રસોડાની ચોકડીમાં મૂકી દીધા અને પોતે એક ડીશમાં પોતાનું જમવાનું લઈને ઉપર પોતાના રૂમમાં જતી રહી. પ્રમોદરાયને સુંદરીનું આ વર્તન ગમ્યું તો નહીં પણ તે હવે સુંદરી સાથે બહુ ઓછું બોલતા હતા. જ્યારે જયરાજને સુંદરીના અને તેના સુંદર શરીરના દર્શન લાંબો સમય સુધી કરવા ન મળ્યા એનો વસવસો થયો.

અત્યારે એટલેકે જમ્યા બાદ જયરાજ અને પ્રમોદરાય બેઠકમાં વાતો કરી રહ્યા હતા.

“વિચારવાનું શું? હજી એને પીએચડી કરવું છે. સમય તો મળતો નથી એને. કોલેજથી ઘેર આવે એટલે ઘરના કામ કરે છે અને જો સમય બચે તો પેલા નપાવટને મળવા જાય છે એની ચ્હાની દુકાને, આમાં ધૂળ પીએચડી કરવાની?” પ્રમોદરાયે નિરાશાજનક સૂરમાં જયરાજના પ્રશ્નનો જવાબ આપ્યો.

“પીએચડી? ધેટ્સ બેડ આઈડિયા. શી શુડ ગેટ સેટલ્ડ નાવ. એના મેરિજ વિષે શું વિચાર્યું છે તમે?” જયરાજે પૂછ્યું.

“લગ્ન? આજકાલના છોકરાઓ ક્યાં મા-બાપની ઈચ્છાને માન આપે છે? હું પૂછીશ તો વડકું ભરશે. એનાં લક્ષણ જોઇને તો લાગે છે કે કોઈ શોધી લીધો હશે અને ભાઈને મળવાના બહાને એને જ મળવા જતી હશે.” પ્રમોદરાયની નિરાશા ચાલુ જ રહી.

“નો નો નો, શી ઈઝ નોટ લાઈક ધેટ. હું એને ઓળખું છું. ડાહી છોકરી છે. પણ સર, તમને નથી લાગતું કે એને કોઈ મેચ્યોર વ્યક્તિ સાથે પરણાવી જોઈએ? આઈ મીન એઝ યુ નો ધીસ જનરેશન ઈઝ નોટ ધેટ રિસ્પોન્સીબલ. ધે ડોન્ટ નો હાઉ ટુ ટેઈક કેર ઓફ ધેર લાઈફ પાર્ટનર. તમારી છોકરી ક્યાંક દુઃખી ન થઇ જાય કોઈ ઈમમેચ્યોર છોકરાને પસંદ કરીને. તમને આ ઓલ્ડ એઈજમાં એ બધું જોઇને કેટલી તકલીફ પડશે યુ નો?” જયરાજે પ્રમોદરાય તરફ દાવ ફેંક્યો.

“તમારી વાત તો સાચી છે, પણ તમે જ કહ્યું કે આ જનરેશન કેવી છે, હેં? તો પછી આ જનરેશનમાં કોઈ મેચ્યોર છોકરો ક્યાંથી શોધવો?” પ્રમોદરાયે પોતાની સમસ્યા જણાવી.

“તો પછી પાસ્ટ જનરેશનનો શોધો, ભલે એનાથી થોડો મોટો હોય પણ મેચ્યોર હોય જે એને સાચવી શકે.” જયરાજ પોતાની યોજનામાં આગળ વધ્યો અને એણે થોડો મોટો શબ્દ જરા ભારપૂર્વક કહ્યો.

“તમારી વાત તો સાચી છે. એવો કોઈ છોકરો તમારા ધ્યાનમાં હોય તો મને જરૂર કહેજો.” પ્રમોદરાયે જયરાજની ઈચ્છા મુજબનો જ પ્રશ્ન પૂછ્યો.

“કોઈ કેમ? ઇફ યુ ડોન્ટ માઈન્ડ, હું છું ને?” જયરાજે હવે સીધો પ્રસ્તાવ જ મૂકી દીધો.

પ્રમોદરાયને જયરાજનો પ્રસ્તાવ સાંભળીને કદાચ આઘાત તો ન લાગ્યો પણ તે એની સામે ટગરટગર જોવા જરૂર લાગ્યા.

==:: પ્રકરણ ૬૭ સમાપ્ત ::==

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED