પારિજાતના પુષ્પ ‌- 17 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પારિજાતના પુષ્પ ‌- 17

આપણે ગયા પ્રકરણમાં જોયું કે,
જેમ જેમ અરમાનના અંતિમ દિવસો નજીક આવી રહ્યા હતા તેમ તેમ તેને અદિતિ વધુ ને વધુ યાદ આવી રહી હતી. તેની આંખો જાણે આંસુનો દરિયો બની ગઈ હતી જે અનરાધાર વહ્યે જતી હતી....

તે દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે મારી અદિતિ મને જલ્દીથી મળવા આવી જાય. પણ... તેને ક્યાં ખબર હતી કે તેની અદિતિ તેનાથી કોશો દૂર હતી...!! અને તે ઈન્ડિયા આવી ગયો છે અને તેની આટલી બધી દયનીય પરિસ્થિતિથી માસૂમ ભોળી અદિતિ બિલકુલ અજાણ છે...!!
***********************
આરુષ એકદમ ફરવાના તોફાની મૂડમાં હતો પણ અદિતિને જરા પણ મૂડ ન હતો.

અદિતિ ખૂબજ થાકી ગઈ હતી, થોડીકવારમાં તો તેની આંખ પણ મિચાઈ ગઈ અને નસકોરા પણ બોલવા લાગ્યા.

આરુષ સૂઈ ગયેલી અદિતિને એકીટસે જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે પોતે કેટલો ખુશનસીબ છે કે આટલી બધી ડાહી અને ઠરેલી પત્ની તેને મળી જે કદી પોતાની સામે ઉંચા અવાજે બોલી શુધ્ધા ન હતી.

અદિતિ ફક્ત મનથી જ નબળી ન હતી પડી ગઈ સાથે સાથે શરીરથી પણ નબળી પડી ગઈ હતી. પોતાનું અંગત કહેવાય અને પોતાની અંગત વાત સાંભળી શકે તેવું તેની પાસે કોઈ રહ્યું ન હતું. બસ, મનમાં ને મનમાં એકલી ને એકલી જ અમુજાતી હતી.

ડિસેમ્બરની બરાબર ઠંડી જામેલી હતી.જે દિવસે આરુષ અને અદિતિ મુન્નાર પહોંચ્યા તે દિવસ તો પસાર થઈ ગયો પણ જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ ત્યાંની ઠંડી પણ વધારે જોર પકડતી ગઈ અને બીજે દિવસે સવારે અદિતિ ઉઠી જ ન શકી.

આરુષ તેને ઉઠાડવાની કોશિશ કરતાં તેના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યો તો ખબર પડી કે અદિતિનું શરીર તો તાવથી ધગધગતું હતું. અને ઠંડીને કારણે તેને ધ્રુજારી પણ સખત ચઢી હતી.

આરુષ વિસ્મયમાં પડી ગયો કે અચાનક અદિતિને આ શું થઈ ગયું..!! અને હવે અહીંયા અદિતિ માટે ડૉક્ટર ક્યાંથી શોધવા..? તેણે તરત જ રિસોર્ટના રીસેપ્શનીસ્ટનો કોન્ટેક્ટ કર્યો અને ડૉક્ટર માટે તપાસ કરી. અને અદિતિને ડૉક્ટર પાસે લઈ ગયો અને દવા લઈ આવ્યો.

એક દિવસ, બે દિવસ આજે ત્રીજો દિવસ થયો પણ અદિતિની તબિયતમાં કંઈ જ સુધારો થતો ન હતો. અદિતિની આ હાલત જોઈને આરુષને બિલકુલ ચેન પડતું ન હતું. શું કરવું તે કંઈ જ આરુષને સમજાતું ન હતું...!!

આ પરિસ્થિતિમાં અદિતિને ઘરે પાછી પણ કેમ કરી લઈ જવી...?? તે પણ એક પ્રશ્ન હતો. આરુસ તેને ફરીથી ડોક્ટર પાસે લઇ ગયો તો ડોક્ટરે કહ્યું કે અદિતિને કંઈક માનસિક તકલીફ હોય તેમ લાગે છે તમે તેમને ઘરે જ લઈ જાવ કદાચ તેમની તબીયતમાં સુધારો થઇ જાય તેથી આરુષે ઘરે પાછા ફરવાનું નક્કી કરી લીધું અને ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લીધી

ઘરે પાછા જવાનું છે તે વાત સાંભળીને જ જાણે અદિતિની તબિયત બિલકુલ સુધારા ઉપર આવી ગઈ અને તેના ચહેરા ઉપર રોનક આવી ગઈ.

આરુસ અને અદિતિ હેમખેમ પોતાના ઘરે પાછા આવી ગયા. દુનિયાનો છેડો એટલે ઘર...🏠 એમ અદિતિને અને આરુષને ઘરે પહોંચતા જ જાણે નીરવ શાંતિનો અનુભવ થયો.

જેમ સૂર્યનું પહેલું કિરણ તાજગી અને સ્ફૂર્તિ આપે તેમ પોતાના ઘરની અને બગીચાની ખુશનુમા હવા અદિતિને તાજગી અને સ્ફૂર્તિ આપી રહ્યા હતા.

આરુષ ફેક્ટરીએ જવા નીકળ્યો પછી ફ્રી થઈને અદિતિએ પોતાની મમ્મી સંધ્યાબેનને ખબર-અંતર પૂછવા માટે ફોન કર્યો.

અદિતિના મમ્મી સંધ્યાબેન આજે ખૂબજ દુ:ખી હતા. અદિતિની સાથે વાત કરતાં કરતાં જ રડી પડ્યા... આજે તેમનું રડવાનું બંધ થતું જ ન હતું...!!

મમ્મીનું આમ અચાનક રડવાનું કારણ અદિતિએ પૂછ્યું તો તેનો જવાબ સાંભળીને અદિતિના પગ નીચેથી ધરતી ખસી ગઈ... ફોનનું રીસીવર તેના હાથમાંથી છટકી ગયું અને તે જમીન ઉપર ફસડાઈ પડી.

મમ્મી સંધ્યાબેનના આટલા બધા વિલાપનું શું કારણ હોઈ શકે...??
અદિતિએ એવા શું સમાચાર સાંભળ્યા કે તેના હાથમાંથી ફોનનું રીસીવર છટકી ગયું અને તે જમીન ઉપર ફસડાઈ પડી...??
વાંચો આગળના પ્રકરણમાં....