આપણે ગયા પ્રકરણમાં જોયું કે...
આરુષ અદિતિને અરમાનથી ખૂબજ દૂર ખેંચીને લઇ જવા માંગતો હતો. બસ, તેના મનમાં એકજ વિચાર ઘૂમરાયા કરતો હતો કે, " અરમાન, અદિતિને મળવો ન જોઈએ " અને તેને માટે આરુષ કંઈપણ કરવા તૈયાર હતો. હવે આગળ....
અદિતિ ઘરે એકલી હતી બસ, એઝયુઝ્વલ તેના ગાર્ડનમાં તે અને બિલાડીના બે બચ્ચા આગળ પાછળ દોડી રહ્યા હતા અને ફેકટરીનો એક માણસ આવીને તેના હાથમાં ફ્લાઈટની બે ટિકિટ આપીને નીકળી ગયો.
અદિતિ વિચારમાં પડી ગઈ, આરુષે ક્યાં બહારગામ જવાનો પ્લાન કરી દીધો અને એ પણ આમ અચાનક કેમ..? તે કંઈજ અદિતિની સમજમાં આવતું ન હતું અને તે આરુષને ફોન કરીને પૂછવાનું વિચારે તે પહેલા આરુષનો ફોન આવી ગયો.
આરુષ: ડાર્લિગ, શું કરે છે..??
અદિતિ: બસ, કંઈ નહીં. હીંચકા ઉપર બેઠી છું.
આરુષ: ડાર્લિગ, ફટાફટ આપણાં બંનેની બેગ તૈયાર કરી દે આપણે પરોઢિયે ચાર વાગ્યે બેંગ્લોર જવા માટે નીકળવાનું છે અને ત્યાંથી પછી કેરાલા જવાનું છે. અને હા, તારી મમ્મીને મેં જાણ કરી દીધી છે.
અદિતિ કંઈ બોલે, ફરવા જવા માટે ઈન્કાર કરે તે પહેલાં તો આરુષે ફોન મૂકી દીધો હતો.
આરુષ ઘરે આવ્યો એટલે બંનેએ જમી લીધું અને પછી અદિતિ આરુષને કહેવા લાગી કે, " અત્યારે આપણે ક્યાંય ફરવા નથી જવું આમ અચાનક તમે કેમ પ્રોગ્રામ બનાવી દીધો..?? અને એ પણ આટલે બધે દૂરનો, મારી તબિયત બરાબર નથી તો આપણે ન જઈએ તો ન ચાલે. " એમ પણ અદિતિએ ઉમેર્યું પણ આરુષ આજે આદિતિની કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતો. આરુષે કહ્યું, " ના મેં બધુજ બુકિંગ કરાવી દીધું છે એટલે આપણે જવાનું જ છે અને ચલ હવે સુઈ જઈએ કારણ કે પરોઢિયે વહેલા ઉઠવાનું છે અને બંને સૂઈ ગયા.
આરુષે તેના પ્લાન પ્રમાણે ટેક્સી બોલાવીને રાખી હતી એટલે બંને તૈયાર થયા એટલી વારમાં તો ટેક્સી ઘર આગળ આવીને ઉભી રહી ગઈ હતી. આરુષ આજે ખૂબજ ખુશ હતો કારણ કે તે પોતાની અદિતિને પોતાની ઈચ્છા પ્રમાણે અરમાનથી ઘણે દૂર લઈ જઈ રહ્યો હતો...!!
અદિતિને અત્યારે ફરવા જવાનો બિલકુલ મૂડ ન હતો. તે જાણ શૂન્યમનસ્ક બની ગઈ હતી. કોઈ તેને પોતાની તરફ ખેંચી રહ્યું હોય તેવો તેને આભાષ થઈ રહ્યો હતો. શું કરવું તે તેને કંઈજ સમજાતું ન હતું.
અચાનક તેને આ રીતે કોણ પોકારી રહ્યું છે. કોણ તેને પોતાની તરફ ખેંચી રહ્યું છે તે તેની સમજમાં આવતું ન હતું. બસ, તે પોતાની જાતને અનકમ્ફરટેબલ ફીલ કરી રહી હતી.
ફાઈનલી આરુષ અદિતિને અરમાનથી ઘણે દૂર લઈ જવામાં સફળ થયો હતો.
આરુષ અને અદિતિ કેરાલા પહોંચી ગયા એટલે આરુષે હાયર કરેલી ટેક્સી તેમને લેવા માટે આવી ગઈ હતી આરુષે પહેલેથી જ સ્ટર્લિંગ રેસીડેન્સીના બ્યુટીફુલ રિસોર્ટમાં બધું જ બુકિંગ કરાવીને રાખ્યું હતું બંને પોતાના બુક કરેલા રિસોર્ટમાં પહોંચી ગયા સુંદર આહલાદક જગ્યાએ રિસોર્ટ હતું જગ્યા જોઈને બંનેએ હાંશ અનુભવી અને રૂમમાં ગયા પછી બંનેને વધારે રીલેક્ષ લાગ્યું.
આરુષ અને અદિતિ બંનેના મોં ઉપર મુસાફરીનો થાક વર્તાતો હતો તેથી બંને બેડમાં આડા પડી ગયા.
અદિતિ આરુષ સાથે અહીં આવી તો ગઈ હતી પણ તેનું દિલો-દિમાગ જાણે અહીં તેની સાથે ન હતાં. એકસામટા સો સો વિચારો તેના મનમાં આવતાં હતાં અને દરિયાનાં મોજાં જેમ રેતીને અથડાઈને પાછા વળે તેમ ફીણ થઈને પાછા વળી જતાં હતાં. આટલા વર્ષોમાં અદિતિને ક્યારેય આવી અસમજંસ નહોતી થઈ. જે તે આજે અનુભવી રહી હતી.
જેમ જેમ અરમાનના અંતિમ દિવસો નજીક આવી રહ્યા હતા તેમ તેમ તેને અદિતિ વધુ ને વધુ યાદ આવી રહી હતી. તે દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે મારી અદિતિ મને જલ્દીથી મળવા આવી જાય.
અરમાનની અંતિમ ઈચ્છા પૂરી થાય છે કે નહિ...અદિતિ અરમાનને મળવા આવી શકે છે કે નહિ... વાંચો આગળના પ્રકરણમાં.....