શાતિર - 14 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાતિર - 14

( પ્રકરણ : ૧૪ )

તાન્યા ચારેબાજુુથી પોલીસ પલટનથી ઘેરાઈ ગઈ હતી. તેની ટેકસીની આગળ પોલીસની જીપ આવીને ઊભી રહી ગઈ હતી એટલે તેણે ટેકસી ઊભી રાખી દેવી પડી હતી, અને તેણે પાછળ અને આજુ-બાજુ જોયું હતું તો એ ત્રણેય બાજુએ પણ પોલીસની જીપો આવીને ઊભી રહી ગઈ હતી.

અને આ બધી જીપોમાંથી ટપોટપ પોલીસ ઊતરી રહી હતી.

તે જરાય આગળ-પાછળ કે, ડાબે-જમણે જઈ શકે એમ નહોતી, એટલે તે સામેની તરફ જોઈ રહેતાં ટેકસીમાં બેસી રહી.

તો સામેની જીપમાંથી ઊતરી આવેલા ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલે તાન્યા તરફ ધસી આવ્યા હતા.

અત્યારે બન્ને તાન્યાની ટેકસીની આજુબાજુની બારી પાસે ઊભા રહી ગયા અને પોત-પોતાના હાથમાંની રિવૉલ્વરની અણિ તાન્યા તરફ તાકી દીધી.

જ્યારે ત્રણેય જીપોમાંથી ઊતરી આવેલા પંદર પોલીસવાળા તાન્યાની ટેકસીને ચારે તરફથી ઘેરીને-હાથમાંની બંદૂકો તાન્યા તરફ તાકીને ઊભા રહી ગયા હતા.

‘કબીર..,’ તાન્યાની ટેકસીની ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર બેઠેલા આદમી તરફ જોઈ રહેતાં ગોખલેએ ધમકી ઊછાળી : ‘...તું જેમ છે, એમ જ બેસી રહે !’

‘અને તાન્યા, તું...,’ સાઈરસે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી તાન્યા તરફ રિવૉલ્વરની અણિ તાકેલી રાખતાં હુકમ આપ્યો : ‘...તું બહાર નીકળ !’

‘ઈન્સ્પેકટર સાહેબ !’ તાન્યાએ અવાજને સામાન્ય રાખતાં પૂછ્યું : ‘તમે લોકોએ મને આમ ઘેરી કેમ લીધી છે ? ! મારો ગુનો...’

‘...હમણાં હું તને બતાવું છું !’ સાઈરસ ચિલ્લાયો : ‘તું બહાર નીકળ !’

‘ઓ. કે. સાહેબ ! નીકળું છું !’ બોલતાં તાન્યા બહાર નીકળી.

‘ડીકી ખોલ.’

‘પણ સાહેબ, ડીકીમાં....’

‘...કહું છું, ડીકી ખોલ !’

‘ઓ. કે. સાહેબ !’ તાન્યાએ બારીમાંથી હાથ નાંખીને, અંદર લાગેલી ચાવી લીધી ને ડીકી તરફ આગળ વધી.

સાઈરસ પણ તેની પાછળ આગળ વધ્યો.

તાન્યા ટેકસીની ડીકી પાસે પહોંચી. તેણે ડીકીના લૉકમાં ચાવી ભેરવી અને ફેરવી. ખટ્‌ના અવાજ સાથે ડીકીનું લૉક ખુલ્યું.

સાઈરસ અને એ સાઈડ પર ઊભેલા એના સાથી પોલીસવાળા અધીરાઈ સાથે જોઈ રહ્યા.

તાન્યાએ ડીકીનું હેન્ડલ પકડયું અને ડીકી ખોલી.

-ડીકીમાં બેન્કની ચોરીના રૂપિયા નહોતા !

-ડીકીમાં કંઈ નહોતું.

‘તું અહીં જ ઊભી રહે !’ સાઈરસે ધૂંધવાટભેર તાન્યાને કહ્યું અને ડ્રાઈવિંગ સીટની બાજુના દરવાજા તરફ-જે દરવાજાની બારી તરફ હાથમાંની રિવૉલ્વરની અણી તાકીને ગોખલે ઊભો હતો, એ તરફ દોડી ગયો. એણે એ બારીમાંથી હાથમાંની રિવૉલ્વરની અણી અંદર નાંખી અને અંદર બેઠેલા આદમીના લમણે મૂકતાં, ગોખલેને કહ્યું : ‘જલદી પાછલી સીટ પર જો, ગોખલે !’

ગોખલેએ આગળ વધીને પાછલી સીટનો દરવાજો ખોલ્યો અને અંદર નજર નાંખી.

-સીટ પર કે, સીટની નીચે કંઈ જ નહોતું.

‘પાછળ કંઈ નથી.’ ગોખલેએ કહ્યું, એટલે સાઈરસે અંદર બેઠેલા આદમીના લમણે મૂકેલી પોતાની રિવૉલ્વરની અણિને જોરથી દબાવતાં પૂછયું : ‘કબીર ! રૂપિયા ક્યાં છે, જલદી બોલ !’

ત્યાં તો એ આદમી અંદર-ડ્રાઈવિંગ સીટ તરફ ઢળી ગયો.

સાઈરસે એકદમથી જ દરવાજો ખોલી નાંખ્યો. એણે એ આદમીને ખભા પાસેથી પકડીને સીધો કર્યો ને એના ચહેરા તરફ જોયું. અને એ સાથે જ એના મોઢેથી ગાળ નીકળી ગઈ.

-એ કોઈ આદમી નહોતો !

-એ કબીર નહોતો ! !

-એ કોઈ અસલ આદમી લાગે એવું એક પૂતળું હતું ! !

‘આ કબીર નથી, પણ પૂતળું છે !’ બોલતાં સાઈરસ ડીકી તરફ ફર્યો.

ડીકી પાસે ઊભેલી તાન્યાએ ચહેરા પર ગંભીરતા જાળવી રાખી. કબીરના પ્લાન મુજબ જ, બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કર્યા પછી, તેઓ એક ગલીમાં અગાઉથી તૈયાર રાખેલી કાર પાસે પહોંચ્યા હતા. કબીરે ટેકસીમાં તેની જગ્યાએ પૂતળું બેસાડી દીધું હતું અને એ રૂપિયા લઈને કારમાં ચાલ્યો ગયો હતો. તાન્યા ટેકસીમાં આગળ વધી હતી અને આમ પોલીસના હાથમાં પકડાઈ હતી.

‘કબીર કયાં છે ? !’ સાઈરસે તાન્યાની નજીક આવતાં પૂછયું, એટલે તાન્યા વિચારોમાંથી બહાર આવી : ‘સાહેબ ! જેલમાંથી છૂટયા પછી એ મને મળવા આવ્યો હતો, પણ એ પછી એ કયાં ગયો ? એની મને ખબર નથી !’

‘તું અમને મૂરખ ન સમજ !’ સાઈરસ ચિલ્લાયો : ‘તું એની સાથે હતી. એણે બેન્કમાંથી ચોરી કરી ત્યારે તું એની સાથે હતી, અને...’

‘...સાહેબ !’ તાન્યા બોલી : ‘મેં તો ઘણાં વરસો પહેલાં જ આવા કામો છોડી દીધાં છે. અને સાહેબ ! તમે જોઈ જ લીધું, અત્યારે કબીર પણ મારી સાથે નથી અને રૂપિયા પણ મારી પાસે નથી !’

‘હા !’ સાઈરસ ધૂંધવાટભેર બોલ્યો : ‘અને એટલે જ તું અત્યારે મારા હાથમાંથી બચી રહી છે !’ અને સાઈરસે તાન્યાને પૂછયું : ‘પણ હવે તું મને એ કહે, અત્યારે કબીર કયાં ગયો છે ? !’

‘સાહેબ ! મને એ વિશે કંઈ જ ખબર નથી, પણ...’ અને તાન્યા આગળ બોલી : ‘...તમે એક સારા દિલના પોલીસ ઑફિસર છો, એટલે હું તમને એટલું જરૂર કહી શકું એમ છું કે, કબીર અને એની દીકરી કાંચી અત્યારે મુશ્કેલીમાં છે, અને...’

‘...તું અમને કહીશ નહિ કે, અત્યારે એ કયાં છે તો અમે એની મદદ કેવી રીતના કરી શકીશું ?’

‘સાહેબ ! એ તમારી પાસે મદદ લેવા માટે આવ્યો જ હતો, પણ તમને એની વાત પર વિશ્વાસ બેઠો નહિ !’ તાન્યાએ કહ્યું : ‘અને અત્યારે હવે તમે મારી વાત પર વિશ્વાસ કરો, મને ખરેખર ખબર નથી કે, અત્યારે કબીર કયાં છે ?’

સાઈરસ પળ બે પળ તાન્યાને તાકી રહ્યો.

સાઈરસને અફસોસ થયો. જો એણે કબીરની વાત માની લીધી હોત તો કબીરે હરમનને પચાસ કરોડ રૂપિયા આપવા માટે બેન્કમાં ચોરી કરવી ન પડી હોત. પણ હરમનના બચ્ચાએ પોતાની મોતનો પુરાવા એવા ઊભા કર્યા હતા કે, કબીરની હરમનના જીવતા હોવાની, અને હરમને કબીરની દીકરી કાંચીનું અપહરણ કર્યાની વાત જ એના માનવામાં આવી નહોતી. પણ ખેર, હજુ પણ મોડું થયું નહોતું. તે આ કેસને ખૂબ જ સારી રીતના સુલઝાવી બતાવશે.’ અને એણે વિચારોમાંથી બહાર આવતાં તાન્યાને કહ્યું : ‘તું કયાંય આઘી-પાછી થઈશ નહિ. જરૂર પડશે ત્યારે તને કૉલ કરીશ.’

‘જી, સાહેબ !’ તાન્યા સહેજ રાહતનો શ્વાસ લેતાં બોલી.

હવે સાઈરસે ગોખલે તરફ જોયું : ‘ચાલો ! હજુ કબીર ખાસ દૂર નહિ ગયો હોય !’ અને સાઈરસ પોતાની જીપ તરફ આગળ વધી ગયો.

અને ગણતરીની પળોમાં જ સાઈરસ પોતાની પોલીસ પલટન સાથે ત્યાંથી હંકારી ગયો.

તાન્યા ટેકસીમાં બેઠી. તેણે પ્રાર્થના કરી : ‘હે ઈશ્વર ! કબીર હરમનને આપવા માટેના પચાસ કરોડ રૂપિયા મેળવવામાં તો સફળ થઈ ગયો છે, પણ હવે કબીર એ રૂપિયા શયતાન હરમનને આપીને, કાંચીને હરમનના શિકંજામાંથી હેમખેમ છોડાવવામાં સફળ થઈ જાય એવું કરજે !’ અને આ સાથે જ તાન્યાએ ત્યાંથી ટેકસી આગળ વધારી,

ત્યારે અહીંથી થોડેક દૂર, કારમાં આગળ વધી રહેલા કબીરના ચહેરા પર ટેન્શન હતું.

તેણે ઘડિયાળમાં જોયું.

સાંજના પોણા છ વાગવા આવ્યા હતા.

તેની પાસે પચાસ કરોડ રૂપિયા આવી ગયા હતાં, અને હરમને તેને રૂપિયા પહોંચાડવા અને કાંચીને છોડી મૂકવા માટે રાતના એક વાગ્યા સુધીની ટાઈમ લિમિટ આપી હતી. એ ટાઈમ લિમિટને હજુ સાતેક કલાકની વાર હતી, પણ તે વહેલી તકે આ રૂપિયા હરમનને આપીને, એની પાસેથી કાંચીને હેમખેમ મેળવી લેવા માંગતો હતો. પણ તકલીફ એ હતી કે, હરમને છેલ્લે તેની સાથે જે મોબાઈલ નંબર પરથી વાત કરી હતી, એ મોબાઈલ નંબર પર તેણે કૉલ લગાવ્યો હતો, તો એ નંબર ‘કવરેજ એરિયા’ની બહાર બતાવી રહ્યો હતો. અને એટલે તેણે હરમનનો કૉલ સામેથી આવે નહિ, ત્યાં સુધી તેણે તેની પાસેના બેન્કમાંથી ચોરેલા પચાસ કરોડ રૂપિયા સાથે આમ કારમાં શહેરમાં ફર્યા વિના છૂટકો નહોતો.

તેણે ટેન્શન સાથે એ રીતના જ કાર આગળ વધારે રાખી,

ત્યારે મુંબઈ-પૂના હાઈવે પર ટેકસીમાં આગળ વધી રહેલા હરમને ટેકસીને ડાબી બાજુ, કાચા રસ્તા પર વાળી અને એ રસ્તા પર ટેકસી આગળ વધારી.

થોડેક આગળ ટેકસી પહોંચી એટલે જમણી બાજુ મોટા-મોટા ગોડાઉનો આવ્યા. ગોડાઉનોની હાલત ખરાબ હતી અને ત્યાં આસપાસમાં ઝાડી-ઝાંખરાંઓ ઊગેલાં હતા. આસપાસમાં કોઈ માણસ કે, જાનવરનું નામ નિશાન દેખાતું નહોતું. હરમને એ ગોડાઉનોની વચ્ચેના પહોળા-ધુળિયા રસ્તા પર ટેકસી આગળ વધારી અને પછી બે ગોડાઉનો વચ્ચે ટેકસી ઊભી રાખી.

એ બહાર નીકળ્યો અને લંગડાતી ચાલે ડીકી પાસે પહોંચ્યો.

એણે ડીકી ખોલી.

ડીકીમાં કાંચી અર્ધ બેહોશીની હાલતમાં ટુંટિયું વાળીને પડી હતી.

‘ચલ !’ હરમને કાંચીનો હાથ પકડી લીધો : ‘બહાર નીકળ !’

કાંચી જેમ-તેમ બહાર નીકળી, પણ તે બેહોશીની દવાની અસરમાંથી હજુ પૂરી બહાર આવી નહોતી. તે ઊભી રહી શકી નહિ, તે ત્યાં જ બેસી પડી.

હરમન કાંચી તરફ તાકી રહેતાં મોબાઈલ ફોનમાંથી કબીરનો મોબાઈલ નંબર લગાવ્યો.

સામેથી બીજી જ પળે કબીરનો અધીરો અવાજ સંભળાયો : ‘હરમન !’

‘મેં તને જે સમય આપ્યો હતો એને હવે ખૂબ જ થોડાંક કલાકો બાકી રહ્યાં છે, દોસ્ત !’ હરમને એના કાન પર મુકાયેલા મોબાઈલ ફોનમાં કહ્યું.

‘હરમન !’ મોબાઈલ ફોનમાં સામેથી કબીરનો ઉતાવળિયો અવાજ સંભળાયો : ‘તારું કામ થઈ ગયું છે !’

હરમન ખુશીથી ખડખડાટ હસી પડયો : ‘મને ખૂબ જ ખુશી થઈ, દોસ્ત !’ અને વળી હરમન ખડખડાટ હસી પડયો : ‘આ વખતે પણ તું રૂપિયાની વ્યવસ્થા કરવા ગયો ત્યારે તે પેલું તારું ફેવરિટ, જૂની હિન્દી ફિલ્મનું સૉન્ગ સાંભળ્યું હતું કે, નહિ !’

‘હું તારી આવી બકવાસ સાંભળવા નથી માંગતો.’ મોબાઈલ ફોનમાં સામેથી કબીરનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો : ‘હું મારી કાંચીનો અવાજ સંભળવા માંગું છું. તું એની સાથે વાત કરાવ !’

‘નહિ !’ હરમન બોલ્યો : ‘પચાસ કરોડ રૂપિયા મારા હાથમાં આવશે એ પછી જ તારી લાડલી દીકરી સાથે તારી વાત થશે-મુલાકાત થશે !’

‘તને બરાબર ખબર છે, હરમન, હું કેવો જિદ્દી માણસ છું.’ મોબાઈલ ફોનમાં સામેથી કબીરની જાણે બૂમ સંભળાઈ : ‘મારે કાંચી સાથે વાત કરવી છે, અત્યારે જ !’

હરમને કાન પરથી મોબાઈલ ફોન ખસેડ્યો.

કાંચી નજીકમાં જ જમીન પર ટેકસીના ટેકસીના ટેકે બેઠી હતી ને હરમન તરફ જોઈ રહી હતી.

‘લે !’ હરમને કાંચી તરફ મોબાઈલ ધર્યો : ‘તારા બાપ સાથે વાત કર !’

કાંચીએ હરમનના હાથમાંથી મોબાઈલ ફોન લઈ લીધો અને કાન પર મૂકતાં બોલી : ‘ડેડી...!’

‘...કાંચી !’ કાંચીના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી કબીરનો િંચંતાભર્યો અવાજ સંભળાયો : ‘કેમ છે, બેટા ! આ...આ હરમને તને કંઈ કર્યું તો નથી ને ? !’

‘ના, ડેડી !’ કાંચીની આંખોમાં આંસુ આવી ગયાં : ‘બસ, એ મને વારેઘડીએ ધમકાવતો રહે છે અને મને બેહોશીના ઈન્જેકશન આપતો રહે છે !’

‘કાંચી બેટા !’ મોબાઈલ ફોનમાંથી કબીરનો લાગણીભીનો અવાજ સંભળાયો : ‘તું હિંમત રાખજે. હું જેમ બને એમ જલદી તારી પાસે પહોંચું છું અને હરમનના હાથમાંથી તને છોડાવી જાઉં છું !’ અને મોબાઈલ ફોનમાં સામેથી કબીરનો દિલગીરીભર્યો અવાજ સંભળાયો : ‘સૉરી, કાંચી બેટા ! બધો જ વાંક મારો છે. મારા કારણે તારે આવી તકલીફમાં...’ અને કબીરની પૂરી વાત કાંચી સાંભળે એ પહેલાં જ બાજુમાં ઊભેલા હરમને તેેની પાસેથી મોબાઈલ છીનવી લીધો અને પોતાના કાન પર મૂક્યો : ‘...પણ તું ફિકર ન કર, હું આવું જ છું !’ કબીરનો અવાજ સંભળાયો, એટલે હરમન હસ્યો.

મોબાઈલમાં સામેથી કબીરનો નિશ્વાસ સંભળાયો.

‘સાંભળી લીધો ને, તારી લાડલીનો અવાજ !’ હરમને મોબાઈલ ફોનમાં કબીરને કહ્યું : ‘હવે સીધો મુંબઈ-પૂના હાઈવે પર, હું તને કહું ત્યાં આવી જા.’ અને હરમને કબીરને આસાનીથી અહીં પહોંચી શકે એ રીતના અહીંનું એડે્રસ સમજાવ્યું.

‘હું વહેલામાં વહેલી તકે પહોંચું છું !’ મોબાઈલમાં સામેથી કબીરનો અવાજ સંભળાયો.

‘ઓ. કે, દોસ્ત !’ કહેતાં હરમને મોબાઈલ ફોન કટ્‌ કર્યો અને જમીન પર બેઠેલી કાંચી તરફ જોયું અને હસ્યો. ખૂબ જ ખતરનાક ને વિચિત્ર હસ્યો.

ત્યારે અહીંથી થોડાંક કિલોમીટર દૂર, કારમાં પૂરપાટ ઝડપે આ તરફ આગળ વધી રહેલા કબીરનો ચહેરો ટેન્શનથી પીળો પડી ગયો હતો. તે હજુ મુંબઈની અંદર જ હતો અને હરમને તેને મુંબઈ-પૂના હાઈવે પરનું જે એડ્રેસ આપ્યું હતું, ત્યાં પહોંચવામાં તેને અડધો-પોણો કલાક લાગે એમ હતો. અને અત્યારે એક-એક પળ તેને ભારે લાગી રહી હતી.

તેની નજર રસ્તા પર થોડેક આગળ પડી.

-થોડેક આગળ, મુંબઈથી બહાર નીકળીને પૂના હાઈવે પર ચઢવાના નાકા પર પોલીસે નાકાબંધી કરી હતી.

પોલીસ એક-એક વાહનને ચેક કરીને એને આગળ વધવા દઈ રહી હતી.

કબીરને પોલીસ શોધી રહી હતી. કબીરની કારની ડીકીમાં બેન્કમાંથી ચોરેલા પચાસ કરોડ રૂપિયા હતા. તે નાકા પરની પોલીસના હાથમાં પકડાઈ જાય એમ હતો, છતાં તેણે ટેકસીને નાકા તરફ આગળ વધારવાની ચાલુ રાખી.

તેણે કાંચીને બચાવવા માટે શયતાન હરમન પાસે વહેલામાં વહેલી તકે પહોંચવાનું હતું, અને એટલે અત્યારે તેણે નાકાબંધી પરની પોલીસથી ડર્યા વિના-એમની પરવા કર્યા વિના, આગળ વધ્યા વિના છુટકો નહોતો !

( વધુ આવતા અંકે )