શાતિર - 9 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

શાતિર - 9

( પ્રકરણ : નવ )

ટ્રાફિક પોલીસવાળાએ ટેકસીની ડીકી ખોલવાનું કહ્યું એટલે પોતાનું મગજ ગુમાવી બેઠેલા હરમને ટ્રાફિક પોલીસવાળાના શરીરમાં રિવૉલ્વરની ગોળીઓ ધરબી દીધી હતી. તો આ દરમિયાન કાંચી ટેકસીની ડીકીમાંથી નીકળીને ગલીના નુક્કડ તરફ ભાગી હતી.

કાંચીને ભાગતી જોઈને હરમનના ચહેરા પર ગુસ્સાનો લાવા ધસી આવ્યો હતો, અને એણે ટેકસીમાં બેસીને ટેકસી કાંચી પાછળ દોડાવી હતી, અને ત્યારે કાંચી એ લાંબી અને સન્નાટાભરી ગલીના નુક્કડ નજીક પહોંચી હતી.

અત્યારે હવે ગલીના નુક્કડ નજીક પહોંચેલી કાંચીએ ડાબી બાજુ જોયું, તો ત્યાં થોડેક દૂર કોઈ ઈમારતનો પાછળનો ભાગ હતો. ત્યાં રસ્તો પૂરો થતો હતો.

કાંચીએ જમણી બાજુ જોયું. એ તરફ થોડાંક મીટર દૂર ખાસ્સો-ઊંચો લોખંડનો ઝાંપો હતો. એ બંધ ઝાંપાની પેલી તરફ-થોડાંક મીટર દૂર જ રસ્તો જઈ રહ્યો હતો. એ રસ્તા પરથી વાહનો પસાર થતા દેખાઈ રહ્યા હતાં.

કાંચી એ લોખંડના ઝાંપા તરફ દોડી. તે એ ઝાંપા પાસે પહોંચી ને તેણે ઝાંપાને ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ ઝાંપો ખુલ્યો નહિ. અને ત્યારે જ તેને એ દેખાયું કે, ઝાંપા પર મોટું તાળું લાગેલું હતું.

કાંચીએ પોતાનો ગભરાટભર્યો ચહેરો ફેરવીને, તે જેે ગલીના નુક્કડમાંથી નીકળીને અહીં આવી હતી, એ તરફ નજર દોડાવી.

હરમનની ટેકસી આ તરફના રસ્તે વળી ચૂકી હતી અને ઝડપથી તેની તરફ આવવા લાગી હતી.

કાંચી લોખંડના ઝાંપા તરફ વળી. તેણે ઝાંપો કૂદીને પેલી તરફ ચાલ્યા જવા માટે ઝાંપા પર ચઢવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઝાંપા પર એક-બે ફૂટથી વધુ ઊંચી ચઢી શકે નહિ. નિરાશાભેર પાછી જમીન પર આવતાં તેણે ઝાંપા પર હાથ પછાડવા માંડયા ને ઝાંપાની પેલી તરફ પચીસેક મીટર દૂર આવેલા રસ્તા તરફ જોતાં મોટેથી બૂમો પાડવા માંડી : ‘હૅલ્પ ! મને બચાવો ! હૅલ્પ ! !’

એ રસ્તા પર વાહનોની અવરજવર એ જ રીતના ચાલુ રહી ! એ વાહનોમાંથી કોઈનું ધ્યાન કાંચી તરફ ખેંચાયું નહિ.

આટલી વારમાં હરમને કાંચીની પીઠ પાછળ ટેકસી લાવીને ઊભી રાખી દીધી હતી. અત્યારે હવે હરમન ઝડપથી ઈન્જેકશનની સીરિંજમાં બેહોશીની દવા ભરવા માંડયો હતો.

‘પ્લી...ઝ !’ કાંચીએ ફરી લોખંડના ઊંચા ઝાંપા પર ચઢવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો અને ગળું ફાડીને ચીસો પાડવા માંડી : ‘પ્લીઝ ! મને કોઈ બચાવો, પ્લીઝ !’

આટલીવારમાં ઈન્જેકશનની સીરિંજમાં બેહોશીની દવા ભરી ચૂકેલો હરમન ટેકસીની બહાર નીકળ્યો.

‘પ્લીઝ ! મને કોઈ બચાવો, પ્લીઝ !’ કાંચીએ ફરી એકવાર મદદ મેળવવા માટેની બૂમ પાડી, ત્યાં જ હરમને કાંચીને પોતાના ડાબા હાથે દબોચી લીધી અને જમણા હાથમાં રહેલી ઈન્જેકશનની સીરિંજની સોય કાંચીની ગરદનની નસમાં ખોંપી અને એમાંની બેહોશીની દવા નસમાં ઊતારી દીધી.

‘ઑહ !’ કાંચીએ હરમનની મજબૂત પકડમાંથી છુટવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં પીડાનો ઊંહકારો કર્યો.

‘તું પણ તારા બાપ જેવી છે !’ હરમને હાથમાંની ઈન્જેકશનની ખાલી સીરિંંજને એક તરફ ફેંકી અને એની પકડમાંથી છુટવા માટેના ઊછાળા મારી રહેલી કાંચીને પોતાના બન્ને હાથથી બરાબર પકડી : ‘તેં મને ઓળખ્યો નહિ, પણ કયાંથી ઓળખે ? ! એ વખતે તું નાની હતી, અને હું પણ આવો નહોતો. હું ખૂબ જ હૅન્ડસમ હતો !’ હરમને બેહોશીની દવાની અસરને કારણે ઢીલી પડી રહેલી કાંચીને ટેકસીની ડીકી તરફ ખેંચીને લઈ જતાં બોલવા માંડયું : ‘મારા હાથની બધી આંગળીઓ આખી જ હતી અને મારા પગ પણ આવા નહોતા. પણ તારા બાપને કારણે જ મારો પગ કપાયો અને મારી આવી હાલત થઈ !’ અને હરમને બેહોશીમાં સરી રહેલી કાંચીને ટેકસીની ડીકીમાં બેસાડી, અને કાંચીના હાથની આંગળીઓ પકડી : ‘તારી આંગળીઓ ખૂબ જ સુંદર છે, કાંચી ! આ આંગળીઓના નિશાન પરથી જ પોલીસવાળા અપરાધીઓને શોધી કાઢે છે.’ કાંચીની આંખો મિંચાઉ-મિંચાઉ થઈ રહી હતી : ‘પોલીસવાળા મને પણ મારી આંગળીઓના નિશાન પરથી શોધી રહ્યા હતા, અને એટલે અચાનક એક દિવસે મારા મગજમાં એક વિચાર આવ્યો. મેં એક લાશ ખોદી કાઢી. એ લાશની હાઈટ-બૉડી લગભગ મને મળતી આવતી હતી. મેં એ લાશના નાના-નાના ટુકડાં કર્યા અને એને સળગાવી નાંખ્યા. પછી મેં મારી આંગળીઓ કાપીને એને પેલી લાશના સળગેલાં ટુકડાંઓ સાથે મિલાવી દીધાં. હવે પોલીસ એવું માને છે કે, હું મરી ચૂકયો છું. પણ હું જીવતો છું. પણ આ જીવવું એ જીવવું ન કહેવાય ! હું..,’ અને હરમન પાગલની જેમ આંખો ફાડીને કાંચી સામે જોતાં, ગળું ફાડીને ચિલ્લાયો : ‘...હું પહેલાં જેટલો હેન્ડસમ લાગતો હતો, એટલો જ અત્યારે હું બદસૂરત લાગું છું !’

કાંચીને હવે સંભળાવાનું અને દેખાવાનું બિલકુલ બંધ થઈ રહ્યું હતું.

‘કાંચી ! આ બધું તારા બાપને કારણે થયું !’ હરમને ફરી એજ વાત દોહરાવી : ‘તારા બાપે મારી જે હાલત કરી છે એની સજા તારા બાપે તો ભોગવવાની જ છે, પણ એની સાથે તારે પણ સજા ભોગવવી પડશે !’ અને હરમને કાંચીને ડીકીમાં નાંખી.

અત્યાર સુધીમાં કાંચી બેહોશ થઈ ચૂકી હતી.

ધમ્‌ ! કરતાં હરમને ટેકસીની ડીકી બંધ કરી, અને લંગડાતી ચાલે ટેકસીની ડ્રાઈવિંગ સીટ તરફ આગળ વધ્યો.

તે ડ્રાઈવિંગ સીટ પર બેસવા ગયો, ત્યાં જ તેને સામેના લોખંડના ઝાંપાની પેલી બાજુએ, રસ્તા પર એક આઠ-નવ વરસનો છોકરો ઊભેલો દેખાયો.

એ છોકરો હાથમાં આઈસ્ક્રીમ કૉન સાથે એની તરફ જોઈ રહ્યો હતો.

‘એ...ય! આમ આંખો ફાડીને શું જોઈ રહ્યો છે ? ચાલ ભાગ, નહિંતર આંખો ફોડી નાંખીશ.’ કહેતાં હરમન ટેકસીમાં બેઠો.

એ છોકરો ત્યાંથી ભાગી ગયો.

હરમને ટેકસી ચાલુ કરી, રિવર્સમાં લીધી અને ત્યાંથી ગલીની બહારની તરફ આગળ વધારી દીધી.

ત્યારે અહીંથી થોડેક દૂર, પેલી ટેકસીમાં આગળ વધી રહેલા કબીરે બાજુમાં બેઠેલા ટેકસીવાળા તરફ રિવૉલ્વર તાકી રાખી હતી.

ટેકસીવાળાના ચહેરા પર ગભરાટ હતો અને એ કબીરને કહી રહ્યો હતો : ‘જો, દોસ્ત ! તું ટેકસી લઈ જા, મારી પાસે જે પૈસા છે એ લઈ જા ! એવું હોય તો ટેકસી અને પૈસા બન્ને લઈ જા, પણ તું મને મારીશ નહિ ! ઘરે મારા મા-બાપ છે, મારા બાલ-બચ્ચાં...’

‘હું કહું એમ જો તું કરીશ તો હું તને નહિ મારું !’ કબીરે કહીને સામે ડેશબોર્ડ પર મીટરની બાજુમાં લગાવેલા નાનકડા ટી.વી. જેવા સ્ક્રીન પર દેખાઈ રહેલા મુંબઈના નકશા તરફ ઈશારો કરતાં પૂછયું : ‘આ શું છે ? !’

‘આ તો મીટર છે ને !’ ટેકસીવાળાએ કહ્યું.

‘બેવકૂફ ! મને ખબર છે કે, આ મીટર છે !’ કબીર ચિલ્લાયો : ‘મીટરની બાજુમાં છે, એ શું છે ? !’

‘આને જીપીએસ કહે છે !’ ટેકસીવાળો બોલ્યો : ‘જો ટેકસી ચોરાઈ જાય તો આની મદદથી મળી જાય છે !’

‘તો આનાથી આ ટેકસી કયાં છે ? એ પણ ખબર પડી જાય છે ને !’ કબીરે અધીરાઈ સાથે પૂછયું.

‘હા !’ ટેકસીવાળાએ જવાબ આપ્યો : ‘આનાથી એટલો અંદાજો જરૂર આવી જાય છે કે, ટેકસી લગભગ કયા સ્થળ પર છે ?ે !’

‘ઠીક છે !’ કબીરે હાથમાંની રિવૉલ્વરની અણી ટેકસીવાળાની કમરે લગાવેલી રાખતાં કહ્યું : ‘તારી કંપનીના કન્ટ્રોલ રૂમમાં મોબાઈલ ફોન લગાવ, અને...’

‘પણ તારે શું કામ...’

‘કહું છું તારા કન્ટ્રોલ રૂમમાં મોબાઈલ લગાવ ! અને..,’ કબીરે ટેકસીવાળાની કમરે રિવૉલ્વરની અણી દબાવતાં કહ્યું : ‘...અને હું કહું એ રીતના વાત કર. અને મોબાઈલનું હૅન્ડ્‌સ ફ્રી નું બટન પણ દબાવી દે જેથી હું સામેવાળાની વાત સાંભળી શકું.’

‘હા-હા તું કહે છે એમ હું કરું છું !’ કહેતાં ટેકસીવાળાએ સામે ડેશબોર્ડ પર પડેલો એનો મોબાઈલ ફોન હાથમાં લીધો અને એની કંપનીની ઑફિસમાં કૉલ લગાવવા લાગ્યો,

ત્યારે ત્યાં એની ટેકસીની કંપનીમાં અત્યારે ગરમ દિમાગનો મેનેજર પીટર બેઠો હતો. પીટરની સામે ટેબલ પર કૉમ્પ્યુટર પડયા હતા, ને કૉમ્પ્યુટર પર એ શહેરમાં ફરી રહેલી કંપનીની ટેકસીઓનું સંચાલન કરી રહ્યો હતો.

ત્યાં જ પીટરના મોબાઈલ ફોનની રિંગ વાગી.

પીટરે મોબાઈલ ફોનના સ્ક્રીન પર નામ વાંચ્યું એ સાથે જ એના ચહેરા પર ગુસ્સો આવી ગયો. એણે મોબાઈલનું બટન દબાવ્યું અને મોબાઈલ કાને મૂકયો, ત્યાં જ સામેથી કબીર જે ટેકસીવાળાની ટેકસીમાં હતો એ ટેકસીવાળાનો અવાજ સંભળાયો : ‘હૅલ્લો પીટર !’ અને હજુ તો સામેથી એ ટેકસીવાળો આગળ કંઈ કહે એ પહેલાં જ પીટરે પોતાનો ગુસ્સો ઓકવા માંડયો : ‘બલ્લુ ! તને મેં કેટલી વાર કહ્યું કે, રાતના ટેકસી મૂકીને જાય ત્યારે બરાબર સાફ કરીને મૂકવાની ! ગઈકાલે રાતના તારી ટેકસી એટલી બધી ગંદી હતી કે, મારે એને ઍન્ટીસેપ્ટીક લિક્વિડથી સાફ કરાવવી પડી અને તોય વાસ ગઈ નહિ ! હવે જો તેં મારી વાત કાન પર ધરી નથી અને જો મને તારી ટેકસી જરાપણ ગંદી જોવા મળી તો સમજી લેજે કે, તારી નોકરી ગઈ !’

‘પીટર ! તને એક વાત  પૂછું ?’ મોબાઈલમાં સામેથી બલ્લુનો અવાજ સંભળાયો, એટલે પીટર બોલ્યો : ‘બલ્લુ ! તેં મને નોકરી પર નથી રાખ્યો, પણ મેં તને નોકરી પર રાખ્યો છે ! છતાં પૂછ, શું પૂછવું છે ? !’

ત્યારે ત્યાં, સ્પીડમાં આગળ વધી રહેલી ટેકસીમાં, ટેકસી દોડાવી રહેલા કબીરની બાજુમાં બેઠેલા બલ્લુના ચહેરા પર પરસેવો આવી ગયો હતો. બલ્લુને ડર હતો કે, એની કમરે રિવૉલ્વરની અણી દબાવીને ટેકસી દોડાવી રહેલો આ માણસ એની નાની અમથી ભૂલથી ગુસ્સે ભરાઈને એને ગોળી મારી ન દે. ‘પીટર !’ બલ્લુએ ઉતાવળા અવાજે મોબાઈલ ફોનમાં પીટર સાથે વાત કરી : ‘મારે આપણી કંપનીના એક ડ્રાઈવર વિશે જાણવું છે.’

‘એ ડ્રાઈવરનો એક પગ નકલી છે !’ કબીરે ધીમેથી બલ્લુને કહ્યું, એટલે બલ્લુએ મોબાઈલ ફોનમાં પીટરને કહ્યું : ‘એ ડ્રાઈવરનો એક પગ નકલી છે.’

‘અને કદાચ એના હાથની કેટલીક આંગળીઓ પણ કપાયેલી છે !’ કબીરે કહ્યું,

‘એમ ?’ બલ્લુએ કબીર સામે જોતાં પૂછયું : ‘એની આંગળીઓ પણ નથી !’

‘હું કહું છું એ જલદી પૂછ, પીટરને !’ અને કબીરે ફરી બલ્લુની કમરે રિવૉલ્વરની અણી દબાવી.

‘હા-હા !’ કહેતાં બલ્લુએ મોબાઈલ ફોનમાં પીટરને કહ્યું : ‘અને પીટર ! એ ડ્રાઈવરના હાથની કેટલીક આંગળીઓ પણ કપાયેલી છે !’

‘શું તું એની સાથે લડવા માંગે છે ? !’ મોબાઈલ ફોનના સ્પીકરમાંથી પીટરનો અવાજ ગૂંજ્યો : ‘તારે વળી એનું શું કામ છે ? !’

‘મારેે.,’ અને બલ્લુ ખચકાયો.

‘બલ્લુ !’ કબીરે કહ્યું : ‘પીટરને કહે કે, એ ડ્રાઈવર ટેકસીના ભાડામાંથી રૂપિયા ચોરી રહ્યો છે !’

‘એ ડ્રાઈવર આપણી કંપનીને બેવકૂફ બનાવી રહ્યો છે.’ બલ્લુએ કહ્યું : ‘એ આપણાં ટેકસી ભાડામાંથી અમુક રૂપિયા પોતાના ખિસ્સામાં નાંખી રહ્યો છે !’

‘એમ ? !’ મોબાઈલમાંથી પીટરનો આશ્ચર્યભર્યો અવાજ ગૂંજયો : ‘તારું એમ કહેવું છે કે, એ લંગડો ડ્રાઈવર કંપનીના રૂપિયા હજમ કરી રહ્યો છે ? ! કંપનીના રૂપિયા લૂંટી રહ્યો છે ? !’

‘હા !’ બલ્લુએ કહ્યું.

‘એ ડ્રાઈવર અત્યારે કયાં  છે ? એ જાણવાનો પ્રયત્ન કર !’ કબીરે બલ્લુને કહ્યું.

‘પીટર !’ બલ્લુએ મોબાઈલમાં પૂછયું : ‘એ ચોર અત્યારે છે, કયાં ? !’

‘તારે એ જાણીને શું કામ  છે ? !’ બલ્લુના હાથમાં પકડાયેલા મોબાઈલ ફોનમાંથી પીટરનો સામો સવાલ સંભળાયો.

‘હું એ દગાબાજને પકડીશ ! તારા માટે-આપણી કંપની માટે !’ બલ્લુએ કહ્યું, અને સામેથી ચુપકીદી છવાઈ ગઈ.

કબીરે ટેકસી આગળ વધારવાનું ચાલુ રાખ્યું.

‘શું તું ખરેખર મારા માટે-આપણી કંપની માટે એને પકડીશ ? !’ થોડીક પળો પછી બલ્લુના હાથમાં પકડાયેલા મોબાઈલ ફોનમાંથી પીટરનો સવાલ ગૂંજ્યો.

‘પીટર ! તારા માટે...,’ કબીર તરફ જોઈ રહેતાં બલ્લુએ મોબાઈલ ફોનમાં કહ્યું : ‘તારા માટે-કંપની માટે મારી જાન હાજર છે !’

કબીરે હકારમાં ગરદન હલાવીને કહ્યું કે, એણે પીટર સાથે બરાબર વાત કરી છે.

‘અત્યારે એ..,’ બલ્લુના હાથમાં પકડાયેલા મોબાઈલ ફોનમાંથી પીટરનો અવાજ ગૂંજ્યો : ‘..એ ચોપાટી પર ઊભો છે !’

‘થૅન્કયૂ !’ બલ્લુએ કહ્યું.

‘શાબ્બાશ !’ કબીરે બલ્લુને બિરદાવતાં ચોપાટી તરફ જતા રસ્તા પર ટેકસી વળાવી અને આગળ વધારી : ‘હવે એની ટેકસીનો નંબર પૂછ !’

‘બૉસ !’ આ વખતે બલ્લુએ પીટરને બૉસ કહીને બોલાવ્યો : ‘એની ટેકસીનો નંબર શું છે ? !’

‘આપું છે, પણ એની સાથે સાવચેતીથી કામ લેેજે !’ બલ્લુના હાથમાં પકડાયેલા મોબાઈલ ફોનમાંથી પીટરનો અવાજ ગૂંજ્યો : ‘એ માણસ માથાનો ફરેલ છે.’

અને આ સાથે જ કબીરે ટેકસી ઊભી રાખી. ‘બસ ! હવે તારું કામ પૂરું થયું.’ કબીરે બલ્લુને કહ્યું : ‘તું ઊતરી જા.’

‘પણ મારી ટેકસી...!’

‘તારી ટેકસીને કંઈ નહિ થાય. તારો મોબાઈલ મૂકીને ઊતર !’ કબીરે બલ્લુના કપાળ તરફ રિવૉલ્વરની અણી કરતાં કહ્યું.

‘ઊતરું છું-ઊતરું છું !’ કહેતાં બલ્લુએ એનો મોબાઈલ ફોન ડેશબોર્ડ પર મૂક્યો. એ ટેકસીનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો. એણે દરવાજો પાછો બંધ કર્યો, એ સાથે જ કબીરે ટેકસી દોડાવી.

કબીરે ડેશબોર્ડ પર પડેલો બલ્લુનો મોબાઈલ ફોન ઊઠાવ્યો, ત્યાં જ એના સ્પીકરમાંથી પીટરનો અવાજ ગૂંજ્યો : ‘સાંભળ, બલ્લુ ! એ ડ્રાઈવરની ટેકસીનો નંબર છે...,’ અને પીટર નંબર બોલી ગયો.

કબીરે હરમનની ટેકસીનો નંબર મગજમાં નોંધી લેતાં મોબાઈલ ફોનમાં કહ્યું : ‘થૅન્કયૂ, દોસ્ત ! તેં એક ખૂબ જ મોટુ કામ કર્યું છે !’

‘અરે ? ! તારો આ અવાજ કેમ બદલાઈ ગયો ? !’ મોબાઈલ ફોનમાંથી પીટરનો અવાજ ગૂંજ્યો : ‘તું વળી કોણ છે ? બલ્લુને મોબાઈલ આપ !’

પણ કબીરે પીટર સાથેનો કૉલ કટ્‌ કરીને મોબાઈલ ફોનને ડેશબોર્ડ પર ફેંકયો.

અત્યારે હવે કબીરને હરમનની ટેકસીનો નંબર મળી ગયો હતો અને હરમનની ટેકસી ચોપાટી પર ઊભી હતી, એની ખબર પણ પડી ચૂકી હતી.

‘કાંચી બેટા ! બસ હવે હું થોડી વારમાં જ તને હરમનના શિકંજામાંથી છોડાવી લઈશ !’ મનોમન બોલી જતાં કબીરે ચોપાટી તરફ આગળ વધી રહેલી ટેકસીની ઝડપ ઓર વધારી !

( વધુ આવતા અંકે )

રેટ કરો અને રિવ્યુ આપો

Aarti Dharsandia

Aarti Dharsandia 9 માસ પહેલા

Beena Jain

Beena Jain 9 માસ પહેલા

Pradyumn

Pradyumn 9 માસ પહેલા

Zakhmi

Zakhmi 1 વર્ષ પહેલા

Tejal

Tejal 1 વર્ષ પહેલા