શાતિર - 13 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

શાતિર - 13

( પ્રકરણ : તેર )

‘ચાલો, અંદર !’ ઈન્સ્પેકટર સાઈરસે પોતાના સાથી પોલીસવાળાઓને હુકમ આપ્યો, અને બૅન્કની અંદરની તરફ ધસી ગયો, તો સબ ઈન્સ્પેકટર ગોખલે પણ એની સાથે દોડયો. તો એમના દસે-દસ સાથી પોલીસવાળા પણ પોત-પોતાની બંદૂકો સંભાળતા એમની પાછળ બેન્કમાં દાખલ થઈ ગયા હતા.

બેન્કનું ફાયર એલાર્મ વાગ્યું હતું, એટલે ગ્રાહકો તેમજ બેન્કના મોટાભાગના કર્મચારી બહાર નીકળી ગયા હતા, પણ બેન્કનો મેનેજર પોતાના બે સાથી કર્મચારી સાથે અંદર જ ઊભો હતો. તે એલાર્મ વાગ્યા પછી આખી બેન્કમાં ફરી વળ્યો હતો, પણ તેને કયાંય આગ લાગ્યાના કે, ચોરી થયાના અણસાર દેખાયા નહોતા.

સાઈરસ અને ગોખલેને આમ પોતાના સાથી પોલીસવાળા સાથે ધસી આવેલા જોતાં જ મેનેજરે રાહત અનુભવવાની સાથે જ કહ્યું : ‘સર ! એલાર્મ વાગ્યું છે, પણ કયાંય આગ નથી લાગી અને...’

‘અહીં ચોરી થઈ છે.’ સાઈરસ મેનેજરની વાતને કાપતાં બોલ્યો : ‘જલદી તિજોરીવાળો રૂમ ખોલો !’

બેન્કમાં ચોરી થયાની વાતથી મેનેજરના ચહેરા પર ટેન્શન આવી ગયું. ‘હું હમણાં ચાવી લઈ આવું છું.’ અને મેનેજર પોતાની કેબિન તરફ દોડી ગયો.

સાઈરસ અગાઉ બેન્કની મેઈન તિજોરી સુધી પહોંચી ચૂકયો હતો, એટલે તે પોતાના દસ સાથી પોલીસવાળા સાથે તિજોરીવાળા રૂમ તરફ ધસ્યો,

ગોખલે મેનેજરને ચાવી સાથે જલદીથી તિજોરીવાળા રૂમમાં લઈ જવા માટે મેનેજરની કેબિન તરફ આગળ વધી ગયો.

તો હજુ પણ કબીરનું ચોરીનું કામ ચાલુ જ હતું. તે બેન્કની તિજોરીની નીચેની ગટરમાં મુકાયેલા સ્ટુલ પર ઊભો હતો અને તેણે બેન્કની મેઈન તિજોરીનું તળિયું કાપીને જે ગાબડું પાડયું હતું એ ગાબડામાંથી કમર સુધી તિજોરીમાં ઘુસેલો હતો. તે હાથ લંબાવીને, તિજોરીમાં પડેલા હજાર-હજાર રૂપિયાની નોટોના બંડલો લઈને ગટરમાં ઊભેલી તાન્યાને આપી રહ્યો હતો.

તાન્યા કબીરના હાથમાંથી નોટોના બંડલો લઈને ઝડપભેર બીજી હેન્ડબેગમાં ભરી રહી હતી, પણ એના મનમાં જાણે ચેતવણીની ઘંટડી વાગી રહી હતી, ‘અત્યાર સુધીમાં તો બેન્કનું એલાર્મ વાગી ચૂકયું હશે, અને ગમે એ પળે પોલીસ આવી પહોંચશે. આવામાં આ કબીર હવે અહીંથી જલદીથી નીકળે તો સારું.’ અને તાન્યાએ પોતાના મનની ચિંતા કબીર સામે ઠાલવી : ‘કબીર મને લાગે છે કે, હવે અહીં વધારે રોકાવામાં સાર નથી. ગમે તે પળે પોલીસ આવી પહોંચશે. આપણે વહેલામાં વહેલી તકે અહીંથી નીકળી જવું જોઈએ !’

‘બસ, પચાસ કરોડ પૂરા થવામાં હવે થોડાંક બંડલો જ ઘટે છે.’ બોલતાં કબીરે બીજા થોડાં બંડલો લઈને તાન્યાનેે આપ્યા.

ત્યારે ઉપર, આ તિજોરીવાળા રૂમના દસ બાય દસ ફૂટના મોટા લોખંડી દરવાજા બહાર, સાઈરસ હાથમાં રિવૉલ્વર સાથે ઊભો હતો. જ્યારે એના દસ સાથી પોલીસવાળાઓ પણ હાથમાં બંદુકો સાથે તૈયાર ઊભા હતા.

ત્યાં જ ગોખલે મેનેજરને લઈને આવી પહોંચ્યો.

‘જલદી, ખોલો !’ સાઈરસે મેનેજરને કહ્યું.

મેનેજરે કોઈ જવાબ આપ્યો નહિ. એણે પોતાના હાથમાંની ચાવીઓમાંથી એક ચાવી તિજોરીવાળા રૂમના મોટા દરવાજાના લૉકમાં લગાવી, અને ચાવીને ફેરવી.

-‘ખટ’્‌ના અવાજ સાથે લૉક ખુલ્યું.

‘ચાલો !’ સાઈરસે પોતાના સાથી પોલીસવાળાને કહેતાં દરવાજાને ધક્કો માર્યો, પણ દરવાજો ખુલ્યો નહિ.

‘એક મિનિટ, સર !’ મેનેજરે કહ્યું : ‘બીજું તાળું ખોલવું પડશે.’ અને મેનેજરે બીજી ચાવી, બીજા લૉકમાં ભેરવી.

કબીરને ઝડપી લેવા માટેની સાઈરસની અધીરાઈ હદ વટાવી ગઈ હતી.

ખટ્‌ ! મેનેજરે લૉકમાં ચાવી ફેરવી, એટલે અવાજ થયો.

મેનેજરે લૉકમાંથી ચાવી કાઢી ને દરવાજાનું હેન્ડલ પકડીને દરવાજાને ધકેલીને ખોલ્યો.

અને આ સાથે જ સાઈરસ હાથમાં રિવૉલ્વર સાથે અંદર-તિજોરીવાળા મોટા રૂમમાં દાખલ થઈ ગયો. ગોખલે પણ હાથમાં રિવૉલ્વર સાથે એની સાથે જ અંદર દાખલ થયો.

બન્નેએ જોયું.

રૂમમાં કોઈ નહોતું ! !

‘જલદી...,’ સાઈરસે રૂમના દરવાજા પાસે, સાથી પોલીસવાળા સાથે ઊભેલા મેનેજરને કહ્યું : ‘...તિજોરી ખોલો !’

‘હા !’ કહેતાં મેનેજર ખાસ્સી મોટી લોખંડી સૅફ-તિજોરી પાસે પહોંચ્યો.

સાઈરસ અને ગોખલે મેનેજરની આજુબાજુ ઊભા રહ્યા.

મેનેજર તિજોરીનું નંબરવાળો લૉક ખોલવા લાગ્યો.

સાઈરસ, ગોખલે અને દસ પોલીસવાળા જોઈ રહ્યા, ત્યાં જ મેનેજરને લાગ્યું કે, પોલીસવાળા તિજોરીનું લૉક ખોલવાનો નંબર જોઈ રહ્યા છે, એટલે એ આગળના નંબર દબાવતાં અટકી ગયો, અને એ તિજોરીની સહેજ વધુ નજીક થયો અને એવી રીતના ઊભો રહ્યો કે, કોઈ એ જે નંબર દબાવી રહ્યો હતો એ નંબર જોઈ ન શકે.

‘જરા જલદી કરો.’ સાઈરસના ચહેરા પર હદ બહારની અધિરાઈ અને ધૂંધવાટ આવી ગયાં હતાં.

‘હા, સર !’ કહેતાં મેનેજર લૉકના આગળના નંબરો દબાવવા લાગ્યો,

બરાબર એ જ પળે, અંદર-તિજોરીની અંદર રહેલા કબીરે હજાર રૂપિયાની નોટોનું એક બંડલ લીધું ને તાન્યાને હાથમાં આપતાં સ્ટૂલ પરથી નીચે ઊતરીને ગટરમાં પહોંચ્યો.

તાન્યાએ એ બંડલ હેન્ડબેગમાં મૂકીને હેન્ડબેગની ચેઈન બંધ કરી.

‘ચાલ !’ કહેતાં કબીર રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ લઈને જ્યાંથી તેઓ ગટરમાં દાખલ થયા હતા, એ તરફ આગળ વધ્યો.

કબીરની પાછળ-પાછળ તાન્યા પણ હેન્ડબેગ લઈને આગળ વધી. જોકે, રૂપિયાના બંડલોથી હેન્ડબેગ એટલી બધી વજનદાર થઈ ગઈ હતી કે, તાન્યાએ હેન્ડબેગ ઘસડવી પડતી હતી.

બન્ને જણાં બને એટલી ઝડપે ગટરમાં આગળ વધી રહ્યાં હતાં,

ત્યારે ઉપર, તિજોરીના લૉકનો છેલ્લો નંબર લગાવીને મેનેજરે તિજોરીનું હેન્ડલ પકડયું અને તિજોરીનો દરવાજો ખેંચીને ખોલ્યો.

સાઈરસ, ગોખલે, મેનેજર અને ત્યાં ઊભેલા બાકીના પોલીસવાળા તિજોરીમાં જોઈ રહ્યાં.

-તિજોરીમાં સળંગ હજાર- હજાર રૂપિયાની નોટોના બંડલો ગોઠવાયેલા પડયા હતાં.

‘સર !’ મેનેજરે રાહત અનુભવતાં સાઈરસ સામે જોતાં કહ્યું : ‘આમાં તો રૂપિયા અકબંધ છે !’

‘એલાર્મ વાગ્યું હતું ને ? !’ સાઈરસે એ જ રીતે નોટોના બંડલો તરફ તાકી રહેતાં મેનેજરને પૂછયું.

‘હા, સર !’ મેનેજરે જવાબ આપ્યો : ‘એલાર્મ તો વાગ્યું જ હતું.’

‘તો એનો મતલબ એ કે, ચોરી તો થઈ જ છે.’ સાઈરસ બોલ્યો, અને એણે તિજોરીમાં રહેલા બંડલોમાંથી એક બંડલ ઊઠાવ્યું, ત્યાં જ એ બંડલોની થપ્પી અંદર-તિજોરીની અંદરની તરફ ઢળી પડી, અને એ સાથે જ તિજોરીનું કપાયેલું તળિયું દેખાયું.

‘અરે ! આ શું ? !’ મેનેજરના મોઢેથી આંચકાભર્યા શબ્દો સરી પડયા : ‘ચોર તિજોરીનું તળિયું કાપીને રૂપિયા ચોરી ગયો ? !

‘હું કહેતો હતો ને કે, કબીર આ બેન્કમાં જ ચોરી કરશે !’ સાઈરસે ગોખલે સામે જોતાં ધૂંધવાટભેર કહ્યું : ‘પણ એ હજુ વધુ દૂર નહિ પહોંચ્યો હોય. ચાલો જલદી !’ અને આટલું કહેતાં જ સાઈરસ તિજોરીમાં દાખલ થઈ ગયો અને તિજોરીના કપાયેલા તળિયામાંથી નીચે-ગટરમાં ઊતર્યો.

સાઈરસની પાછળ-પાછળ ગોખલે ગટરમાં ઊતર્યો અને પછી એના સાથી પોલીસવાળા પણ તિજોરીમાં દાખલ થઈને ગટરમાં ઉતરવા લાગ્યા.

સાઈરસે જોયું તો ગટર-ગટર લાઈન બન્ને બાજુએ જતી હતી.

‘અડધા આ તરફ જાવ, અને ગોખલે, બાકીનાઓને લઈને તું મારી સાથે આવ !’ સાઈરસે કહ્યું, એટલે પાંચ સાથી પોલીસવાળા કબીર અને તાન્યા જે બાજુ ગયા હતા, એની બીજી બાજુએ આગળ વધ્યા, તો સાઈરસ પોતે ગોખલે તેમજ એના બાકીના પાંચ સાથી પોલીસવાળા સાથે જે તરફ કબીર અને તાન્યા ગયા હતા, એ તરફ આગળ વધ્યો.

બરાબર એ જ પળે, ગટરની બહાર નીકળી આવેલા કબીર અને તાન્યાએ ટેકસીની ડીકીમાં બન્ને હેન્ડબેગ મૂકી.

કબીર ઝડપભેર ટેકસીની પાછલી સીટ પર ગોઠવાયો. જ્યારે તાન્યા ટેકસીની ડ્રાઈવિંગ સીટ પર બેઠી અને એણે ટેકસીને મિલના પાછળના ઝાંપા તરફ દોડાવી મૂકી.

આની ગણતરીની સેકન્ડોમાં જ, જે ખુલ્લી ગટરમાંથી કબીર અને તાન્યા બહાર નીકળી આવ્યાં હતાં, એ ગટરમાંથી ઈન્સ્પેકટર સાઈરસનું ડોકું બહાર નીકળ્યું.

‘કબીરનો બચ્ચો અહીંથી જ દાખલ થયો છે અને અહીંથી જ ભાગ્યો છે !’ બોલી જતાં સાઈરસ ગટરની બહાર નીકળી આવ્યો. એની પાછળ-પાછળ ગોખલે અને પાંચ સાથી પોલીસવાળા પણ ગટરમાંથી બહાર નીકળી આવ્યા.

ત્યાર સુધીમાં જમીન પરની ધૂળમાં પડેલાં ટેકસીના ટાયરના તાજા નિશાન પારખી લેતાં સાઈરસ બોલી ઊઠયો : ‘ચાલો ! કબીર કોઈ વાહનમાં આ રસ્તેથી જ ભાગ્યો છે !’ અને તે મિલના પાછળના ઝાંપા તરફ દોડયો.

એની પાછળ-પાછળ ગોખલે અને એની પાછળ એના પાંચ સાથી પોલીસવાળા પણ દોડયા.

સાઈરસ મિલના પાછળના ઝાંપાની બહાર નીકળ્યો.

બહાર મિલના કમ્પાઉન્ડની દીવાલને અડીને સળંગ ઝુંપડપટ્ટી હતી. વચ્ચે ખસ્સો પહોળો રસ્તો હતો અને એ પછી સામે પાછી ઝુંપડપટ્ટી વસેલી હતી. રસ્તા પર ટ્રાફિકની અવરજવર ચાલુ હતી, તો બન્ને બાજુની ઝુંપડપટ્ટીની આસપાસ લોકો પોત-પોતાની મસ્તીમાં હરી-ફરી ને પોતાના કામકાજ કરી રહ્યાં હતાં.

તો આમ અચાનક જ સાઈરસને પોલીસ પલટન સાથે મિલના ઝાંપામાંથી બહાર ધસી આવેલો જોતાં જ, નજીકમાં જ બીડી ફૂંકતો બેઠેલોે યુવાન ઊભો થઈ ગયો.

‘એ...ય !’ સાઈરસે તેની તરફ જોતાં સવાલ પૂછયો : ‘હમણાં અહીંથી કોઈ વાહન બહાર નીકળ્યું હતું ? !’

‘હા, સાહેબ !’ યુવાને કહ્યું : ‘એક ટેકસી થોડી વાર પહેલાં જ બહાર નીકળી હતી, અને સાહેબ !’ એ યુવાને સાઈરસ એને આગળ પૂછપરછ કરે એ પહેલાં જ પોતાના તરફથી માહિતી આપી : ‘એ ટેકસી એક છોકરી ચલાવી રહી હતી, અને એ પણ સાહેબ ફૂલ સ્પિડમાં ! હું તો ગભરાઈને ઊભો જ થઈ ગયો હતો ! !’

‘ટેકસીમાં એકલી છોકરી જ હતી ? !’

‘ના સાહેબ !’ યુવાન બોલ્યો : ‘છોકરીની બાજુમાં એક માણસ બેઠો હતો ને એક બીજો માણસ પાછલી સીટ પર પણ બેઠો હતો.’

‘ઠીક છે !’ સાઈરસે ઊતાવળા અવાજે યુવાનને પૂછયું : ‘એ ટેકસી કઈ તરફ ગઈ !’

‘આ તરફ !’ એ યુવાને જમણી બાજુના રસ્તા તરફ આંગળી ચિંધી.

‘એ ટેકસીનો નંબર તેં જોયો હતો ? !’ સાઈરસે પૂછયું.

‘હા, સાહેબ ! એ ટેકસીનો નંબર એવો હતો કે, એ તુરત જ યાદ રહી જાય !’ અને એ યુવાન ટેકસીનો નંબર બોલ્યો.

સાઈરસે ગોખલે સામે જોયું : ‘ગોખલે ! જલદી જે તરફ ટેકસી ગઈ છે એ તરફની નાકાબંધી સાથે જ બીજે બધે પણ નાકાબંધી કરાવ અને કબીર પાછળ બીજી પોલીસ પણ દોડાવ.’

ગોખલેે મોબાઈલમાં નંબર લગાવવા ગયો, ત્યાં જ મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી.

ગોખલેએ જોયું તો ત્યાં ગટરમાં બીજી દિશામાં ગયેલા તેના બાકીના પાંચ પોલીસવાળામાંથી એકનો કૉલ હતો. ગોખલેએ મોબાઈલનું બટન દબાવીને વાત કરી : ‘જલદી બોલ !’

‘સર ! અમે બેન્કની આગળના ભાગમાંથી ગટરમાંથી બહાર નીકળી આવ્યા છીએ. અંદર અમને કોઈ મળ્યું નથી.’

‘તમે આપણી બધી જીપ લઈને મિલના પાછળના ઝાંપા પાસે આવી જાવ.’ ગોખલેએ એ પોલીસવાળાને હુકમ આપ્યો અને એની સાથેની વાત કટ્‌ કરી નાંખી. અને પછી તે મોબાઈલ ફોન પર પોલીસવાળાઓને નાકાબંદી કરવાની તેમજ બીજા પોલીસોને કબીરને ઝડપી લેવા માટેની સૂચનાઓ આપવા માંડયો.

ગોખલેએ આ કામગીરી પતાવી, ત્યાં તો પેલા પાંચ પોલીસવાળાઓ ત્રણ જીપ લઈને આવી પહોંચ્યા.

ગોખલેની જીપ લઈ આવનાર પોલીસવાળો ડ્રાઈવિંગ સીટ પરથી નીચે ઊતર્યો, એટલે ગોખલે જીપની ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો. સાઈરસ એની બાજુની સીટ પર બેસી ગયો.

આટલીવારમાં ત્યાં ઊભેલા પાંચ પોલીસવાળા પણ પોતાની જીપમાં ગોઠવાઈ ચૂકયા હતા.

ગોખલેએ કબીરની ટેકસી જે તરફ ગઈ હતી એ તરફ પોતાની જીપ દોડાવી. એની પાછળ પાછળ જ એના દસ સાથી પોલીસોની બે જીપો પણ દોડી.

ત્યારે અહીંથી થોડાંક કિલોમીટર આગળ, તાન્યાએ એક ગલીમાંથી ટેકસી બહાર કાઢી અને પાછી રસ્તા પર લઈને ધીમી સ્પિડમાં આગળ વધારી.

તો ગોખલે ફૂલસ્પિડમાં જીપ આગળ વધારી રહ્યો હતો. અત્યારે ગોખલેના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી.

ગોખલેેની બાજુમાં ટેન્શનભર્યા ચહેરે બેઠેલા સાઈરસે એની સામે જોયું.

ગોખલેએ મોબાઈલમાં વાત કરી : ‘હા, બોલો ! શું ? !  ગુડ !’ એ બોલ્યો અને એણે સાઈરસ સામે જોયું : ‘કબીરની ટેકસી મળી ચૂકી છે. બલરાજ જીપમાં એનો પીછો કરી રહ્યો છે.’

‘લાવ !’ સાઈરસે ગોખલેના હાથમાંથી મોબાઈલ લઈને કાને મૂકયો, ત્યાં જ સામેથી બલરાજનો સવાલ સંભળાયો : ‘એને રોકીને પકડી લઉં ને, સર !’

‘ના !’ સાઈરસે કહ્યું : ‘તું એનો પીછો કરવાનો ચાલુ રાખ, અમે પહોંચીએ પછી જ એને ઘેરીને પકડીએ છીએ !’ અને સાઈરસે બલરાજ સાથેનો કૉલ ચાલુ જ રાખ્યો.

ગોખલેએ કબીરની ટેકસી જે તરફ હતી એ તરફ ફૂલ સ્પિડમાં જીપ દોડાવી જ મૂકી હતી.

અને..., ...અને સાતમી મિનિટે તો ગોખલે અને સાઈરસને એમની જીપની સામેથી કબીરની ટેકસી આવતી દેખાઈ.

સાઈરસે કંઈ કહેવાની જરૂર નહોતી. ગોખલેએ પહેલાં સીધી જ જીપ જવા દીધી, પણ જેવી કબીરની ટેકસી નજીક આવી કે, એણે એકદમથી જ જીપને વાળીને કબીરની ટેકસીની આગળ ઊભી રાખી દીધી.

જીપની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી તાન્યાએ ‘ચીઈંઈંઈં...’ની ચીચીયારી સાથે બ્રેક મારીને ટેકસી ઊભી રાખી દીધી ને પાછળ જોયું.

-પાછળ પોલીસની જીપ ઊભી હતી !

તાન્યાએ આજુબાજુ જોયું, તો ગોખલેના દસ સાથીઓની બન્ને જીપો એની ટેકસીની આજુ-બાજુ ઊભી રહી ગઈ, અને એમાંથી પોલીસો હાથમાં બંદૂકો સાથે ઊતરવા લાગ્યા.

તાન્યાએ આગળ જોયું, તો એની ટેકસીની આગળ ઊભેલી જીપમાંથી સાઈરસ અને ગોખલે ઊતરી આવ્યા હતા, અને હાથમાં રિવૉલ્વર સાથે એની તરફ ધસી આવી રહ્યા હતા !

( વધુ આવતા અંકે )

રેટ કરો અને રિવ્યુ આપો

Aarti Dharsandia

Aarti Dharsandia 9 માસ પહેલા

Pradyumn

Pradyumn 9 માસ પહેલા

Tejal

Tejal 1 વર્ષ પહેલા

Viral

Viral 1 વર્ષ પહેલા

Atul Gala

Atul Gala 1 વર્ષ પહેલા