શાતિર - 3 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

શાતિર - 3

( પ્રકરણ : ત્રણ )

ગલીના બન્ને નુક્કડ તરફથી પોલીસની બે જીપો આવી રહી હતી અને કબીર બેન્કમાંથી ચોરેલા પચાસ કરોડ રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ સાથે ગલીની વચ્ચે ઊભો હતો.

અત્યારે કબીર પાસે વિચારવાનો સમય નહોતો, અને તે વિચારવા રોકાયો પણ નહિ. કબીર ગલીના જે નુક્કડ પરથી તેના સાથીઓ તાન્યા, જયસિંહ અને હરમનની વેન તેને લીધા વિના ચાલી ગઈ હતી, એ બાજુના નુક્કડ તરફ દોડયો.

કબીરને આ રીતના પોતાની જીપ તરફ દોડી આવતો જોતાં જ એ જીપમાં બેઠેલા પોલીસવાળાએ જીપ ઊભી રાખી દીધી.

પણ કબીર રોકાયો નહિ.

જીપની ડ્રાઈિંવંગ સીટની બાજુની સીટ પર બેઠેલો પોલીસવાળો બહાર નીકળીને, પોતાની બંદૂક કબીર તરફ તાકવા ગયો, પણ ત્યાં જ કબીરે પોતાના હાથમાંની હેન્ડબેગ ખૂબ જ જોરથી એ પોલીસવાળાના ચહેરા તરફ ફેંકી દીધી. હેન્ડબેગ પોલીસ-વાળાના ચહેરા પર એવી રીતના વાગી કે, પોલીસવાળાની ગરદન એક આંચકા સાથે પાછળની તરફ વળી ગઈ અને એના હાથમાંની બંદૂક સાથે એ જમીન પર પડયો.

આટલી વારમાં ડ્રાઈવિંગ સીટ પરથી જીપની બહાર નીકળી આવેલો બીજો પોલીસવાળો કબીર સામે બંદૂક તાકવા ગયો, પણ કબીર એ પોલીસવાળા કરતાં વધુ ઝડપી ને ચપળ સાબિત થયો. કબીરેે જીપના બોનેટ પર પોતાના બન્ને હાથનું વજન નાંખી દીધું અને હવામાં અદ્ધર થઈને પોતાની એક લાત એ પોલીસવાળાના હાથ પરની બંદૂક પર અને બીજી લાત પોલીસવાળાના મોઢા પર મારી દીધી. પોલીસવાળાના હાથમાંની બંદૂક છૂટી ગઈ અને એના નાકનું હાડકું તૂટી ગયું. એનું માથું ચકરાયું. એ પોતાના નાક પર હાથ દબાવતાં જમીન પર બેસી પડયો.

કબીરે જમીન પરથી પચાસ કરોડ રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ ઉઠાવીને જીપમાં મૂકતાંં ગલીના બીજા નુકક્ડ તરફ નજર દોડાવી.

એ તરફથી આવેલી પોલીસની બીજી જીપ ગલીની વચમાં કચરાગાડી ઊભી હતી, એટલે કચરાગાડીની પેલી તરફ ઊભી રહી ગઈ હતી ને એમાંથી ઊતરી આવેલો સબ ઈન્સ્પેકટર ગોખલે એના સાથી પોલીસવાળા સાથે આ તરફ દોડી આવતો દેખાયો.

કબીર જીપની ડ્રાઈિંવંગ સીટ પર બેસી ગયો. જીપનું એન્જિન ચાલુ જ હતું.

‘ઊભો રહી જા..,’ ગોખલેએ એના સાથી પોલીસવાળા સાથે કબીરની જીપ તરફ દોડી આવતાં કબીર તરફ ધમકી ઊછાળી : ‘...નહિંતર ગોળી મારી દઈશ !’

કબીરે જીપને રિવર્સ ગિયરમાં નાંખી અને એક આંચકા સાથે જીપને પાછળની તરફ દોડાવી.

ગોખલેએ કબીરની જીપ તરફ દોડવાનું ચાલુ રાખતાં કબીરની જીપના ટાયર તરફ ગોળી છોડી દીધી, પણ ગોળી ખાલી ગઈ.

કબીરે જીપને ગલીના નુક્કડની બહાર લીધી અને જે બાજુ જયસિંહ વેન દોડાવી ગયો હતો એ બાજુ જીપ દોડાવી મૂકી.

આની પાંચમી-સાતમી પળે ગોખલે અને એનો સાથી પોલીસવાળો એ નુક્કડ પર આવી પહોંચ્યા. ત્યાં જ ડાબી બાજુના રસ્તેથી ધસી આવેલી પોલીસની ત્રીજી જીપ એમની નજીક આવીને ઊભી રહી.

‘તું ગલીમાંના બન્ને પોલીસોને સંભાળ !’ ગોખલેએ પોતાના સાથી પોલીસવાળાને ઉતાવળે સૂચના આપી : ‘કન્ટ્રોલ રૂમને ખબર કર !’ અને ગોખલેએ તેની નજીક ઊભેલી જીપની સીટ પર ઝંપલાવતાં ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા પોલીસવાળાને હુકમ આપ્યો : ‘આ આગળ આપણી જીપ જાય છે, એનો જલદી પીછો કર ! સાલ્લો આપણાં બે સાથીઓને મારીને એમાં ભાગ્યો છે !’

અને આ સાંભળતાં જ જીપની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા પોલીસવાળાએ આગળ થોડાંક મીટર દૂર દોડી જઈ રહેલી કબીરની જીપનો પીછો શરૂ કર્યો.

ત્યારે અત્યારે જયસિંહ વેનને મુંબઈની બહાર કાઢી ચૂકયો હતો અને પૂના હાઈવે પર દોડાવી જઈ રહ્યો હતો.

‘...આપણે બચી ગયા !’ જયસિંહ બોલ્યો.

‘જયસિંહ ! તારે કબીરને આ રીતના છોડીને વેન ભગાવવાની જરૂર નહોતી !’ જયસિંહની બાજુમાં બેઠેલી તાન્યા ચિંતાભર્યા અવાજે બોલી.

‘આપણે કબીરને લેવા રોકાયા હોત તો આપણે પકડાઈ જાત !’ જયસિંહ બોલ્યો.

‘હા, પણ જો કબીર પકડાઈ જશે તો આપણે થોડા બચી શકીશું ? !’ વેનની પાછળની સીટ પર પડેલો હરમન પગમાં ગોળી વાગ્યાની પીડાથી કણસતાં બોલ્યો : ‘કબીર પોલીસ આગળ આપણાં ત્રણેયના નામ લઈ લેશે !’

‘ઈશ્વરને પ્રાર્થના કરો કે, કબીર પોલીસના હાથમાં પકડાય નહિ !’ તાન્યા બોલી, અને તે મનોમન ‘કબીર પોલીસના હાથમાં પકડાય નહિ,’ એ માટેની પ્રાર્થના કરવા માંડી.

ત્યારે અહીંથી ખાસ્સા કિલોમીટર અંદર, મુુંબઈની સડક પર કબીર પોલીસની જીપમાં બેઠો હતો અને જીપને પૂર ઝડપે દોડવી રહ્યો હતો. તે વારે ઘડીએ તેની જીપનો પીછો કરતી આવી રહેલી સબ ઈન્સ્પેકટર ગોખલેની જીપ તરફ જોઈ લેતો હતો.

કબીરે જીપની ઝડપ ઓર વધારી, ત્યાં જ જીપમાં રહેલા વાયરલેસમાંથી અવાજ ગૂંજ્યો : ‘બે પોલીસવાળા પર હુમલો થયો છે ! અપરાધી પોલીસની જીપ લઈને ભાગ્યો છે ! અત્યારે એ ગોલ્ડન સર્કલ તરફ આગળ વધી રહ્યો છે.’

કબીરથી નિશ્વાસ નંખાઈ ગયો. ‘હરમને બાજી બગાડી હતી, જો હરમન કચરાવાળાને મારી નાંખવાની બેવકૂફીએ ચઢયો ન હોત તો અત્યાર સુધીમાં તો તેઓ પચાસ કરોડ રૂપિયા સાથે સલામત સ્થળે પહોંચી ચૂકયા હોત. જોકે, અત્યારે અફસોસ કરવાનો સમય નહોતો. અત્યારે પોલીસથી સહી-સલામત પીછો છોડાવવા માટેનો છેલ્લામાં છેલ્લો પ્રયત્ન કરી લેવાનો હતો.’ અને હજુ તો કબીરે આટલું વિચાર્યું, ત્યાં જ તેને સામેના રસ્તા પરથી પોલીસની જીપ આ તરફ આવતી દેખાઈ.

-એ જીપમાં ઈન્સ્પેકટર સાઈરસ હતો !

જીપ દોડવી રહેલા પોલીસ-વાળાની બાજુમાં બેઠેલા સાઈરસની નજરે પણ કબીરની જીપ ચઢી ચૂકી હતી. ‘સરસ !’ સામેથી દોડી આવી રહેલી કબીરની જીપને જોઈ રહેતાં સાઈરસ વાયરલેસ પર બોલી ગયો : ‘એ બદમાશ અમને મળી ગયો !’ અને પછી તુરત એણે જીપ દોડાવી રહેલા પોલીસ-વાળાને હુકમ આપ્યો : ‘આ સામેથી આવી રહેલી જીપમાં બેઠેલા બદમાશને જ ઝડપવાનો છે.’

‘યસ, સર !’ પોલીસવાળાએ કહ્યું, અને એણે કબીરની જીપ તરફ પોતાની જીપ દોડાવવવાનું ચાલુ રાખ્યું.

તો એ જીપમાં બેઠેલા કબીરે સાઈરસની જીપને પોતાની તરફ આવી રહેલી જોઈને તુરત જ પાછળના રસ્તા તરફ જોયું.

-પાછળ..., તેનો પીછો કરતી સબ ઈન્સ્પેકટર ગોખલેની જીપ આવી રહી હતી !

તેની જીપ અને પાછળની ગોખલેની જીપ તેમજ આગળની સાઈરસની જીપ વચ્ચે થોડાંક મીટરનું જ અંતર બાકી રહ્યું હતું.

કબીરે ધ્યાનથી જોયું તો સહેજ આગળ ડાબી બાજુ એક ગલી દેખાતી હતી. કબીરે એ ગલીમાં જીપ વળાવી દીધી અને જીપ આગળ વધારી, પણ ત્યાં જ તેના મોઢામાંથી શબ્દો સરી પડયા : ‘હત્તેરી કી !’

-સામે-થોડાંક મીટર આગળ જ આ ગલી પૂરી થઈ જતી હતી !

-સામે-ગલીના છેડા પર એક જૂનું કૉમર્શિયલ કૉમ્પ્લેક્ષ ખડુુંં હતું.

કબીરે પાછળ ફરીને જોયું.

આગળ-પાછળના રસ્તેથી આવીને તેની જીપને આ ગલીમાં વળી જવા માટે મજબૂર કરનાર ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલેની જીપ આ ગલીમાં વળીને તેની જીપ પાછળ ધસી આવવા લાગી.

કબીર હવે પાછો ફરી શકે એમ નહોતો ! તેણે સામેના કૉમ્પ્લેક્ષમાં જીપ લઈ ગયા વિના છૂટકો નહોતો.

કબીરે એ કૉમ્પ્લેક્ષના કમ્પાઉન્ડના અધખુલ્લા અને તૂટેલા ઝાંપા સાથે જીપને ટકરાવી. ઝાંપો પૂરો ખૂલી ગયો.

કબીરે જીપને અંદરની તરફ જવા દીધી. સામે જ બે ભંગાર ટ્રક પડી હતી. કબીરે જીપ જમણી તરફ વળાવી, ત્યાં બેસમેન્ટ-ભોંયરું હતું. તેણે ભોંયરામાં જીપ જવા દેવા સિવાય છુટકો નહોતો. તેણે ભોંયરામાં-ઢાળ પર જીપ લીધી. જીપ ઢાળ પરથી સડસડાટ ઊતરીને ભોંયરામાં પહોંચી.

કબીરે જીપ આગળ વધારવાની સાથે જ ભોંયરામાંથી બહાર નીકળવા માટેનો બીજો રસ્તો શોધવા માટે નજર દોડાવી.

થોડેક-થોડેક દૂર ત્રણ પતરાના ડ્રમમાં તાપણું-આગ સળગતી દેખાઈ. પણ બહાર નીકળવાનો બીજો રસ્તો દેખાયો નહિ.

કબીરે જીપ ભોંયરામાં ફેરવવાની સાથે જ ફરી ચારેબાજુ જોઈ લીધું, પણ તેના કમનસીબે ભોંયરામાંથી બહાર નીકળવા માટેનો બીજો કોઈ રસ્તો હતો જ નહિ.

કબીરે તાપણાંવાળા ડ્રમની બાજુમાં જીપ ઊભી રાખી દીધી.

જીપની હેડલાઈટના અજવાળામાં કબીરને ભોંયરાની સામેની દીવાલ પાસે કેટલાંક ગુંડા-બદમાશો જુગાર રમતા ને નશીલા પદાર્થનું સેવન કરતાં દેખાયા.

કબીરે જીપની હેડલાઈટ બંધ કરી.

-સામે બેઠેલા બદમાશોમાં બૂમાબૂમ થઈ ગઈ.

‘‘ભાગો પોલીસ છે !’’

‘‘મરી ગયા !’’

‘‘જલદી ભાગો !’’

-એ બદમાશો બૂમો પાડતાં દોડયા.

કબીરે એ બદમાશો કઈ તરફ દોડી જઈ રહ્યા છે, એ ધ્યાનથી જોવા માંડયું. જો એ બદમાશો બીજા રસ્તેથી બહાર નીકળતા દેખાય તો કબીર પચાસ કરોડ રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ સાથે એ રસ્તેથી બહાર નીકળી જઈ શકે એમ હતો.

પણ...

...પણ એ બધાં બદમાશો કબીર જે રસ્તા પરથી-જે ઢાળ પરથી નીચે ભોંયરામાં ઊતરી આવ્યો હતો, એ જ રસ્તા પરથી બહાર નીકળી ગયા.

કબીર જીપની બહાર નીકળ્યો, ત્યાં જ તેના કાને ભાગીને ઉપર ગયેલા બદમાશોમાંથી એક જણનો ધીમો અને ગભરાટભર્યો અવાજ સંભળાયો : ‘અરે ! અહીં તો ઝાંપાની બહાર પણ પોલીસ ઊભી છે ! ચાલો ! પાછળની દીવાલ કૂદીને ભાગો !’

અને આની પાછળ-પાછળ જ ઈન્સ્પેકટર સાઈરસનો ઊંચો ને ગુસ્સાભર્યો અવાજ સંભળાયો : ‘એકેય બદમાશ છટકવો ન જોઈએ. કોમ્પ્લેક્ષને ચારે બાજુથી ઘેરી લો ! જલદી ! કમ ઑન-કમ ઑન...!’

કબીરે નજીકમાં સળગી રહેલા ડ્રમના તાપણાંના અજવાળામાં સામેની ભોંયરાની હવાબારીઓ તરફ જોયું.

-હવાબારીઓમાં લોખંડની જાળીઓ લાગેલી હતી.

કબીરે નિશ્વાસ નાંખ્યો. તેણે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો, ત્યાં જ જીપમાં રહેલા વાયરલેસમાંથી અવાજ ગૂંજ્યો : ‘ચોર અને ચોરાયેલી જીપનો પત્તો મળી ચૂકયો છે. એ અત્યારે ‘સુપ્રિમ કોમ્પ્લેક્ષ’ના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં છે. જલદી ‘સુપ્રિમ કોમ્પ્લેક્ષ’ પર પહોંચો. આઈ રિપિટ...!’ અને વાયરલેસ પર ફરી આ જ સંદેશો ગૂંજવા માંડયો.

કબીરે મોબાઈલ ફોનનું બટન દબાવ્યું.

મોબાઈલ ફોનના સ્ક્રીન પર એક ફોટો દેખાયો.

-એ ફોટામાં તે સોફા પર બેઠો હતો. તેની બાજુમાં તેની એકની એક અને લાડકવાયી દીકરી કાંચી બેઠી હતી. કાંચીની બાજુમાં તેની વાઈફ સોનાલી બેઠી હતી. ત્રણેયના ચહેરા પર હાસ્ય હતું.

‘સૉરી, કાંચી !’ કબીરે એક બળબબળતો નિશ્વાસ નાંખતાં મોબાઈલ ફોન ખિસ્સામાં મૂકયો, ત્યાં જ તેના કાને ભોંયરાના ઉપરના ભાગમાંથી ઈન્સ્પેકટર સાઈરસનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો : ‘મારી વાત ધ્યાનથી સાંભળ ! તું ચારે બાજુથી ઘેરાઈ ચૂકયો છે. રૂપિયા લઈને બહાર આવી જા. કોઈ હોંશિયારી-કોઈ ચાલાકી કરવાની કોશિશ પણ ના કરીશ !’

કબીર નજીકમાં ડ્રમમાં સળગી રહેલા તાપણાં-આગ તરફ તાકી રહ્યો. મનોમન કંઈક વિચારી રહ્યો, પછી તે જીપ તરફ ફર્યો.

તેણે જીપમાં આગળની સીટ પર પડેલી હેન્ડબેગ ખોલી અને એમાંના હજાર-હજાર રૂપિયાની નોટોના બંડલો બહાર કાઢયા અને પાછળની તરફ ફર્યો.

ત્યારે ભોંયરાની ઉપર-કમ્પાઉન્ડના ઝાંપાની બહાર સળંગ જીપો ઊભી રખાવીને વચ્ચે ઊભેલા ઈન્સ્પેકટર સાઈરસે પોતાની આજુબાજુ જોયું.

સબ ઈન્સ્પેકટર ગોખલે તેમજ એેમના પંદર સાથી પોલીસવાળા હાથમાંની બંદુકોની અણી ભોંયરાના ઢાળ તરફ તાકીને ઊભા હતા.

સાઈરસે ફરી ભોંયરા તરફ નજર દોડાવતાં બૂમ પાડી : ‘ફરીવાર તને કહું છું. તું ચારેબાજુથી ઘેરાઈ ચૂકયો છે, જલદી બહાર આવી જા !’ સાઈરસે હાથમાંની રિવૉલ્વરને આમતેમ ફેરવી : ‘જો તું બહાર નહિ આવે તો પછી હું પોલીસ પલટન સાથે અંદર આવીશ, અને તો પછી...’ અને સાઈરસ પોતાની આ ધમકી પૂરી કરે એ પહેલાં જ સાઈરસને ભોંયરામાંથી બહાર આવી રહેલો કબીર દેખાયો.

-કબીરના બન્ને હાથ ખાલી હતા ! તેના બન્ને હાથ અધ્ધર થયેલા હતા ! !

‘બસ...,’ કબીર સાઈરસથી આઠ-દસ પગલાં દૂર રહ્યો, ત્યાં જ સાઈરસ બોલી ઊઠયો : ‘...ત્યાં જ ઊભો રહી જા !’

કબીર ઊભો રહી ગયો.

‘પાછળની તરફ ફરી જા.’ સાઈરસે કબીરને હુકમ આપ્યો.

કબીર પાછળની તરફ ફરી ગયો. હવે તેની પીઠ સાઈરસ અને એના સાથી પોલીસવાળાઓ તરફ થઈ ગઈ.

‘ચાલ !’ સાઈરસે કબીરને હુકમ આપ્યો : ‘જમીન પર ઘૂંટણિયે બેસી જા.’

કબીરે સાઈરસના હુકમનો અમલ કર્યો-તે ઘૂંટણિયે બેસી ગયો.

એક તરફ ઊભેલો સબ ઈન્સ્પેકટર ગોખલે પોતાના ચાર સાથી પોલીસવાળાઓ સાથે કબીર પાસેથી પસાર થયો ને ભોંયરાની અંદરની તરફ દોડી ગયો.

સાઈરસ ઘૂંટણિયે બેઠેલા કબીરની પીઠ તરફ હાથમાંની રિવૉલ્વરની અણી તાકેલી રાખતાં કબીર તરફ આગળ વધ્યો.

કબીર એ જ રીતના, હાથ અદ્ધર કરેલી હાલતમાં ઘૂંટણિયે બેસી રહ્યો.

સાઈરસ કબીરની નજીક પહોંચ્યો અને એણે ગુસ્સાભેર કબીરની પીઠ પર લાત મારી.

કબીર છાતીભેર જમીન પર પડયો, ને એમ જ પડયો રહ્યો.

‘મને મારા લગ્નનો દિવસ, અને...’ સાઈરસ કબીરની પીઠ તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખતાં-દાંત કચકચાવતાં બોલ્યો : ‘...અને મારા ઘરે જોડિયા દીકરા જન્મ્યા એ દિવસ તેમજ આજનો આ દિવસ હંમેશ-હંમેશ માટે યાદ રહેશે !’ અને સાઈરસે થોડેક દૂર ઊભેલા પોતાના સાથી પોલીસવાળાને હુકમ આપ્યો : ‘આને હાથકડીઓ પહેરાવો !’

એ પોલીસવાળો હાથકડી સાથે કબીરની નજીક દોડી આવ્યો અને કબીરના બન્ને હાથ પાછળ લઈને, કબીરના હાથમાં હાથકડીઓ પહેરાવવા લાગ્યો.

આની બીજી જ પળે સબ ઈન્સ્પેકટર ગોખલે દોડતો ભોંયરાનો ઢાળ ચઢી આવ્યો.

ગોખલેેના હાથમાં કબીરની ખાલી હેન્ડબેગ હતી. ‘...અંદર રૂપિયા નથી !’ બોલતાં ગોખલેએ ખાલી હેન્ડબેગ જમીન પર ફેંકી.

‘...રૂપિયા કયાં છે ? !’ પૂછતાં સાઈરસે કબીરને લાત મારી, પણ કબીર કંઈ બોલ્યો નહિ.

સાઈરસે ધૂંધવાટ સાથે જમીન પર પડેલી કબીરની હેન્ડબેગને લાત મારી.

ગોખલે અને એના સાથી પોલીસવાળા કબીરને ઊભો કરીને, એને લઈને જીપ તરફ ચાલ્યા.

થોડી વારમાં જ સાઈરસ અને ગોખલે જીપમાં કબીરને લઈને પોલીસ ચોકી તરફ આગળ વધ્યા, ત્યારે...

...ત્યારે કબીરને તેે પકડાઈ ગયો હતો અને તેને જેલની સજા થવાની હતી, એનો તેને જેટલો અફસોસ હતો, એના કરતાં પણ, ‘‘તેના વિના હવે તેની સાત વરસની દીકરી કાંચી કેવી રીતના જીવશે ? !’’ એ ચિંતા વધુ હતી.

( વધુ આવતા અંકે )