શાતિર - 2 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાતિર - 2

( પ્રકરણ : બે )

વહેલી સવારના ચાર વાગ્યા ને ઉપર પાંચ મિનિટ થઈ હતી.

અત્યારે ઈન્સ્પેકટર સાઈરસ પોતાની હથિયારબંધ પોલીસ પલટન સાથે ‘દિવાન જ્વેલર્સ’માં દાખલ થઈ ચૂકયો છે, એ હકીકતથી બેખબર કબીર એ રૂમમાંની મોટી-લોખંડી તિજોરીનું લૉક ખોલવામાંં પરોવાયેલો હતો.

તો પોલીસ પલટન સાથે ‘દિવાન જ્વેલર્સ’ના આગળના હૉલમાં, મોટા શો-રૂમમાં પહોંચેલા સાઈરસે નજર દોડાવી. એ હૉલમાંં કોઈ નહોતું.

મેઈન તિજોરી ડાબી બાજુના રૂમમાં-માલિકની ઑફિસમાં હતી.

સાઈરસે સબ ઈન્સ્પેકટર ગોખલેને તિજોરીવાળા રૂમ તરફ આગળ વધવાનો ઈશારો કર્યો.

ગોખલે રિવૉલ્વર સાથે ડાબી બાજુના એ રૂમના દરવાજા તરફ સરક્યો. ત્યાં ઊભેલા તેના સાથી પંદર પોલીસવાળાઓમાંથી દસ પોલીસવાળા તેની પાછળ ચાલ્યા.

તો પેલા રૂમની અંદર, કબીર તિજોરીનું નંબરવાળું લૉક ખોલી રહ્યો હતો. કબીરે લૉક વધુ ફેરવ્યું, એ સાથે જ ખટ્‌ એવો અવાજ થયો. ‘પહેલું લૉક ખુલી ગયું !’ કબીર ખુશીભેર બોલ્યો.

‘સરસ !’ કબીરની બાજુમાં ઊભેલો હરમન બોલી ઊઠયો.

કબીર હવે તિજોરીનું બીજું લૉક ખોલવા લાગ્યો.

તો ‘દિવાન જ્વેલર્સ’ના તિજોરીવાળા રૂમના દરવાજાની પેલી તરફ ઊભેલા સબ ઈન્સ્પેકટર ગોખલેએ જોરથી દરવાજાને ધક્કો મારીને ખોલી નાંખ્યો. તેે રિવૉલ્વર સાથે અંદર દાખલ થઈ ગયો. તેની પાછળ-પાછળ પાંચ પોલીસવાળા પણ સામેની તરફ બંદૂક તાકેલી રાખતાં અંદર ધસી આવ્યા અને...

....અને બધાં ચકરાઈ ગયા.

-અંદર કબીર અને એનો સાથી નહોતો ! સામે તિજોરી બંધ હતી, સહી-સલામત હતી ! !

ગોખલે એ રૂમમાંથી નીકળીને હૉલમાં આવ્યો ને પોલીસ-વાળાઓ સાથે ઊભેલા સાઈરસને કહ્યું : ‘એ બન્ને અંદર નથી !’

‘તો પછી એ બન્ને ગયા કયાં ? !’ બોલતાં સાઈરસે આ શો-રૂમ અને બાજુના રમકડાંના સ્ટોર વચ્ચેની દીવાલ તરફ જોયું.

-એ દીવાલ તૂટેલી નહોતી !

‘આ શો-રૂમ અને બાજુની રમકડાંના સ્ટોર વચ્ચેની દીવાલ તૂટેલી નથી.’ સાઈરસ બોલ્યો : ‘જલદી, રમકડાંના સ્ટોરમાં તપાસ કરો.’ અને એે ‘દિવાન જવેલર્સ’ના મેઈન દરવાજા તરફ દોડયો. એની પાછળ ગોખલે અને એના સાથી પોલીસવાળાઓ પણ ધસ્યા.

તો ત્યાં એ રૂમની મોટી, લોખંડી તિજોરીનું બીજું લૉક ખોલી ચૂકેલા કબીરે તિજોરી ખોલી.

-અંદર હજાર-હજાર અને પાંચસો-પાંચસો રૂપિયાની નોટોના બંડલોના બંડલો ગોઠવાયેલા પડયા હતા.

કબીર હજાર રૂપિયાની નોટોવાળા બંડલો લઈને હેન્ડબેગમાં ભરવા માંડયો.

ત્યારે ત્યાં, ‘દિવાન જ્વેલર્સ’ની બાજુના રમકડાંના સ્ટોરમાં પોતાના સાથી પોલીસવાળાઓ સાથે પહોંચેલા ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલેએ જોયું તો સ્ટોરના પાછળના ભાગની દીવાલ તૂટેલી હતી.

‘અહીં તૂટેલી દીવાલ પાછળ તો લાંબી સુરંગ જેવું છે !’ એક પોલીસવાળાએ હાથમાંની ટોર્ચનું અજવાળું બખોલની અંદરની તરફ રેલાવ્યું, એટલે ગોખલેના મોઢામાંથી શબ્દો સરી પડયા.

‘એમણે આપણને ગેરમાર્ગેર્ દોર્યા છે !’ સાઈરસ ધૂંધવાટભેર બોલી ઊઠયો : ‘અત્યારે એ બદમાશો આ રમકડાંના સ્ટોરની પેલી બાજુએ આવેલી બૅન્કમાં ચોરી કરી રહ્યા હશેે !’

‘ઓહ, નો !’ ગોખલેના મોઢામાંથી શબ્દો સરી પડયાં.

‘ગોખલે ! તું પાંચ સાથીઓ સાથે આ સુરંગમાં થઈને એમની પાછળ બૅન્કમાં પહોંચ !’ સાઈરસે કહ્યું : ‘હું એ બદમાશોને બહારથી ઘેરું છું !’ અને સાઈરસ બાકીના પોલીસવાળાઓને ‘ચાલો !’નો હુકમ આપતાં રમકડાંના સ્ટોરની બહારની તરફ દોડી ગયો.

ગોખલે રિવૉલ્વર સામેની તરફ તાકેલી રાખતાં એ સુરંગમાં દાખલ થયો. એની પાછળ-પાછળ પાંચ પોલીસવાળાઓ પણ બંદૂકો સાથે દાખલ થઈ ગયા.

ત્યારે રમકડાંના સ્ટોરની બહાર પહોંચેલા સાઈરસે પોતાની સાથેના દસ પોલીસવાળાઓને હુકમ આપ્યો : ‘જીપમાં બેસો અને અલગ-અલગ રસ્તે આગળ વધીને પાછળની બૅન્કને ઘેરી લો !’ અને બધાં થોડેક દૂર પડેલી ત્રણ જીપ અને એક વેન તરફ દોડી ગયા.

એક જીપમાં સાઈરસ ધુંધવાટભેર ગોઠવાયો. એની સાથે બે પોલીસવાળા બેઠા. બાકીની બે જીપો અને એક વેનમાં બાકીના પોલીસવાળા ઝડપભેર ગોઠવાઈ ગયા. આની બીજી જ પળે એ ત્રણ જીપો અને એક વેન અલગ-અલગ રસ્તેથી કબીર અને હરમને જે બૅન્કમાં ચોરી કરી હતી, એ બૅન્ક પર પહોંચવા માટે દોડી.

ત્યારે ત્યાં, અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં કબીરની વાટ જોઈ રહેલા જયસિંહ અને તાન્યાના કાનમાં મુકાયેલા બ્લુ ટુથમાંથી કબીરનો અવાજ સંભળાયો : ‘કામ પતી ગયું છે !’

‘ઓ. કે. ! અમે ત્યાં પહોંચીએ છીએ !’ કહીને તાન્યા વેનની ડ્રાઈવિંગ સીટ પર બેઠી.

‘તો હવે આપણે માલામાલ થઈ ગયા !’ તાન્યાની બાજુમાં બેઠેલો જયસિંહ બોલી ઊઠયો.

તાન્યાએ મુસ્કુરાતાં વેન ચાલુ કરી અને અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની બહારની તરફ દોડાવી મૂકી.

ત્યારે ત્યાં બૅન્કમાં, કબીર અને હરમન બૅન્કમાંથી બહાર નીકળવા માટે બૅન્કના દરવાજા તરફ દોડી રહ્યા હતા.

બરાબર એ જ પળે સાઈરસની જીપ વિશાળ બેન્કના મેઈન દરવાજા પાસે આવીને ઊભી રહી. પાછળ જ બીજી બે જીપો આવી પહોંચી, એમાંથી પોલીસવાળાઓ

ઊતરવા માંડયા.

‘જલદી !’ જીપની બહાર નીકળી આવેલા સાઈરસે બૂમ પાડી : ‘બૅન્કને ઘેરી લો !’

પોલીસવાળાઓ બૅન્કને ઘેરવા લાગ્યા, ત્યાં જ પોલીસ વેન આવી પહોંચી.

‘વેનને દરવાજા પાસે લગાવો.’ સાઈરસે બૂમ પાડી : ‘આપણે બૅન્કનો દરવાજો તોડવો પડશે !’

વેનના ડ્રાઈવરે દરવાજા પાસે વેન ગોઠવી, એટલે અંદરથી બીજા ત્રણ પોલીસવાળા ઊતરી આવ્યા. એ પોલીસવાળાઓએ ફટાફટ વેન અને બૅન્કના દરવાજા સાથે સાંકળ લગાવી અને પછી વેનને ચાલુ કરીને આગળ વધારી. ચેઈન ખેંચાઈ અને એ બૅન્કનો કાચનો દરવાજો તૂટી ગયો.

‘ચાલો, જલદી અંદર !’ સાઈરસે હુકમ આપ્યો અને બૅન્કની અંદરની તરફ ધસ્યો.

ત્યારે રમકડાંના સ્ટોરમાં કબીરે બનાવેલી સુરંગમાં થઈને સબ ઈન્સ્પેકટર ગોખલે પોતાના પાંચ સાથી પોલીસવાળાઓ સાથે બેન્કમાં દાખલ થયો. ‘ચાલો-જલદી ! એ બદમાશો જરૂર તિજોરીવાળા રૂમમાં હશે !’ અને ગોખલે પોલીસવાળાઓને લઈને આગળ વધ્યો.

બરાબર એ જ પળે બૅન્કના પાછળના દરવાજા પાસે પહોંચેલા કબીરે દરવાજો ખોલ્યો, અને બહાર સાંકડી ગલીમાં આવ્યો. તેની પાછળ-પાછળ હરમન પણ બહાર એ ગલીમાં આવ્યો.

ઝાંખા અજવાળાવાળી એ ગલીમાં એક જાડિયો કચરાવાળો કચરા- ગાડીમાં કચરો ભરી રહ્યો હતો ! કબીર અને હરમનને આ રીતના એકદમથી બહાર આવેલા જોઈને એ જાડિયા કચરાવાળાના મોઢેથી અનાયસે નીકળી ગયું : ‘એ...ય ! તમે બન્ને અત્યારેે અહીં શું કરી રહ્યા છો ? !’

અને આ સાંભળતાં જ હરમન રોકાઈ ગયો ને કચરાવાળા તરફ ફર્યો. એણે કચરાવાળાના મોઢા પર એટલા જોરથી મુકકો ઝીંકયો કે, કચરાવાળો પીડાભરી ચીસ સાથે જમીન પર પડી ગયો.

‘આપણે ચુપચાપ અહીંથી નીકળી જવાની જરૂર હતી.’ કબીરે જમીન પર પડેલા કચરાવાળા તરફ જોતાં કહ્યું : ‘તારે આને આટલા જોરથી મારવાની શું જરૂર હતી ?’

‘આણે આપણાં ચહેરા જોઈ લીધાં છે !’ હરમને ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢી અને બેઠા થઈ રહેલા કચરાવાળા તરફ તાકી.

‘રિવૉલ્વર નીચી કર !’ કબીર બોલી ઊઠયો : ‘આને આપણે મારવાનો નથી !’

‘ના !’ હરમન બોલી ઊઠયો : ‘હું ફરીવાર જેલમાં જવા માંગતો નથી !’

કબીર હરમનને હાથમાંની નોટોના બંડલોથી ભરાયેલી બેગ બતાવતાં બોલ્યો : ‘આમાં એટલા રૂપિયા છે કે, આપણે આસાનીથી આખી જિંદગી વિતાવી શકીશું. ચાલ આપણે નીકળી જઈએ !’

અને એ જ પળે ગલીના નુકકડ પર કબીરની સાથી તાન્યાએ વેન લાવીને ઊભી રાખી.

તાન્યા અને એની બાજુમાં બેઠેલા જયસિંહે ગલીમાં નજર દોડાવી તો લાઈટના ઝાંખા અજવાળામાં એમને કબીર અને હરમન દેખાવાની સાથે જ હરમનનો અવાજ પણ સંભળાયો : ‘મેં કહ્યું ને કે, હું એકવાર જેલ જઈ ચૂકયો છું, અને મને ત્યાં રહેવાનું ગમ્યું નહોતું.’

‘આ બન્ને આખરે કરી શું રહ્યા છે ? !’ તાન્યા બબડી.

બરાબર આ જ પળે બૅન્કની અંદર, ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલે પોતાના સાથી પોલીસવાળાઓ સાથે તિજોરીવાળા રૂમમાં પહોંચ્યા.

-તિજોરી ખુલ્લી હતી !

કબીર રૂપિયાની ચોરી કરી ગયો હતો એ જોઈને સાઈરસ અને ગોખલે જાણે સડક થઈ ગયા.

તો આ બૅન્કની પાછળની સાંકડી ગલીમાં કબીર અને હરમન વચ્ચે હજુ પણ ‘તેમને જોઈ ગયેલા કચરાવાળાને ગોળીએ દેવો કે, નહિ ? !’ એની રકઝક ચાલી રહી હતી.

‘તું સમજ ! આને જીવતો જવા દઈશું તો આપણે મરી જઈશું !’ બોલતાં હરમને જમીન પર બેઠેલા કચરાવાળા તરફ રિવૉલ્વર તાકી.

‘ના, રહેવા દે !’ હાથમાંની રૂપિયાવાળી હેન્ડબેગ જમીન પર પડતી મૂકતાં કબીરે હરમનનો રિવૉલ્વરવાળો હાથ પકડીને બીજી તરફ કર્યો.

હરમને રિવૉલ્વરવાળો હાથ ફરી એ કચરાવાળા તરફ કરવા માટે જોર લગાવ્યું, તો કબીરે હરમનના હાથ પરની પોતાની પકડ વધુ મજબૂત કરી અને હરમનનો રિવૉલ્વરવાળો હાથ કચરાવાળાથી દૂર લઈ જવા માટે જોર લગાવ્યું, અને..., ...અને આ ખેંચતાણમાં હરમનથી રિવૉલ્વરનો ઘોડો દબાઈ ગયો-રિવૉલ્વરમાંથી ગોળી છૂટી ગઈ !

‘આ...,’ ગલીના નુક્કડ પર, વેનની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી તાન્યાએ આંખો ખેંચીને ઝાંખા અજવાળાવાળી ગલીમાં જોવાનો પ્રયત્ન કર્યો : ‘...આ ગોળી કેમ છૂટી ? ! આ બન્ને આખરે કરી શું રહ્યા છે ? !’

ત્યાં જ તાન્યાના કાને હરમનનો અવાજ સંભળાયો : ‘તેં...તેં મને ગોળી મારી ? !’

અને તાન્યા તેમજ તેની બાજુની સીટ પર બેઠેલા જયસિંહે જોયું, તો કબીર હરમનને ટેકો આપીને, એને લઈને વેન તરફ આવવા લાગ્યો.

તો અત્યારે અંદર, બૅન્કમાં ખુલ્લી તિજોરી પાસે ઊભેલો ઈન્સ્પેકટર સાઈરસ ચિલ્લાયો : ‘ચાલો હવે જલદી જીપમાં બૅન્કની પાછળના ભાગમાં પહોંચીને તપાસ કરો ! એ બદમાશો ભાગી જાય એ પહેલાં એમને પકડો !’ અને ગોખલેની સાથે જ તેના સાથી પોલીસવાળા તિજોરીવાળા રૂમની બહારની તરફ દોડયા. સાઈરસ પણ ધસ્યો.

તો બૅન્કની પાછળની ગલીમાં હરમન પીડાથી કણસી રહ્યો હતો : ‘ઓહ ! મારો પગ !’

‘ચૂપ રહે !’ કબીરે હરમનને ટેકો આપીને, એને લઈને વેન તરફ ચાલવાનું ચાલુ રાખતાં કહ્યું.

‘આ તેં શું કરી નાંખ્યું ? !’ હરમન બોલ્યો, ત્યાં જ કબીર એને લઈને વેન નજીક પહોંચ્યો.

‘આ શું થયું ? !’ વેનની નીચે ઊતરી આવેલી તાન્યાએ પૂછયું.

‘આણે પોતાના પગમાં ગોળી મારી દીધી !’ કબીરે હરમનને વેનની પાછલી સીટ પર બેસાડયો.

‘ના,’ હરમને કહ્યું : ‘કબીરના બચ્ચાએ જ મને ગોળી મારી !’

અને આ પળે જ કબીરને પચાસ કરોડ રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ યાદ આવી : ‘ઓફ્‌ફ્‌ ! રૂપિયા તો ત્યાં જ રહી ગયા !’ અને કબીર પાછો ગલીની અંદરની તરફ દોડયો.

‘રોકાઈ જા ! આપણી પાસે સમય નથી !’ તાન્યા ચિલ્લાઈ, પણ કબીર રોકાયો નહિ. કબીરે ગલીની અંદરની તરફ દોડવાનું ચાલુ રાખ્યું.

ત્યારે અત્યારે ઈન્સ્પેકટર સાઈરસ પોતાના સાથી સબ ઈન્સ્પેકટર ગોખલે તેમજ સાથી પોલીસવાળાઓ સાથે બેન્કની આગળના-મેઈન દરવાજાની બહાર નીકળી ચૂકયો હતો. બધાં ઝડપથી જીપમાં ને વેનમાં બેસી રહ્યા હતા. ‘મને કોઈપણ હાલતે એ બદમાશોે પકડાયેલા જોઈએ !’ સાઈરસ જીપમાં બેસતાં ચિલ્લાયો.

અને આ સાથે જ એક પછી એક ત્રણ જીપો અને એક વેન અલગ-અલગ રસ્તેથી બેન્કની પાછળની સાંકડી ગલી તરફ દોડી.

બરાબર આ પળે જ કબીર એ સાંકડી ગલીની અધવચમાં ઊભેલી કચરાગાડી અને તેની પાસે જ બેઠેલા પેલા જાડિયા કચરાવાળા પાસે પહોંચ્યો.

તો ગલીના નુકકડ પર ઊભેલી વેનની ડ્રાઈવિંગ સીટ પર બેસી ચૂકેલા જયસિંહે વેન ચાલુ કરતાં, તેની બાજુની સીટ પર બેસી રહેલી તાન્યા તરફ જોતાં કહ્યું : ‘મને કંઈ ઠીક નથી લાગી રહ્યું !’

તાન્યા બોલી નહિ. એ ગળે આવી ગયેલા જીવ સાથે ગલીની અધવચમાં-કચરાગાડી પાસે પહોંચેલા કબીરને જોઈ રહી હતી.

કબીરે કચરાગાડી પાસે બેઠેલા કચરાવાળાના પગ પાસે પડેલી પચાસ કરોડ રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ ઉઠાવી. તે પાછો વેન તરફ દોડયો, પણ ત્યાં જ તેના પગ સાથે જમીન પર પડેલી હરમનની રિવૉલ્વર અથડાઈ. રિવૉલ્વરને દૂર સરકી ગયેલી જોઈને કબીર પાછો એ રિવૉલ્વર લેવા માટે વળ્યો.

ત્યાં જ પોલીસની જીપોની સાઈરનો સંભળાવા લાગી.

‘હવે આપણે અહીં રોકાઈ નહિ શકીએ !’ ગલીના નુક્કડ પરની વેનમાં બેઠેલા જયસિંહે કબીરને હજુય ગલીની અધવચ્ચે જ રહેલો જોતાં કહ્યું.

‘નહિ ! થોડીવાર ઊભો રહે.’ તાન્યા બોલી, પણ એટલી વારમાં તો જયસિંહે વેન દોડાવી મૂકી.

‘તારી વેન તો ચાલી ગઈ...!’ જાડિયા કચરાવાળાએ જમીન પર પડેલી રિવૉલ્વર ઉઠાવી ચૂકેલા કબીરને કહ્યું.

કબીરે ગલીના નુક્કડ તરફ જોયું, તો તેને જમણી બાજુના રસ્તે આગળ વધી ગયેલી તેમની કાળી વેનનો પાછળનો ભાગ દેખાયો.

‘એ..ય જયસિંહ...!’ કબીર બૂમ પાડતો વેન તરફ બે પગલાં દોડયો, ત્યાં તો વેન દેખાતી બંધ થઈ ગઈ. છતાં કબીરે ગલીના નુક્કડ તરફ દોડવાનું ચાલુ રાખ્યું.

તે ગલીના નુક્કડથી માંડ દસ-બાર પગલાં દૂર રહ્યો, ત્યાં જ ડાબી બાજુથી સાઈરન વગાડતી પોલીસની જીપ દોડી આવી અને આ ગલીમાં વળી.

કબીરે પાછળ ફરીને કચરા-ગાડી ઊભી હતી એની પાછળના નુક્કડ તરફ જોયું.

એ તરફથી પણ પોલીસની જીપ દાખલ થતી દેખાઈ.

-ગલીના બન્ને નુક્કડ તરફથી પોલીસની બે જીપો આવી રહી હતી, અને કબીર...,

....કબીર બૅન્કમાંથી ચોરેલા પચાસ કરોડ રૂપિયાથી ભરાયેલી હેન્ડબેગ સાથે ગલીની વચ્ચે ઊભો હતો ! ! !

( વધુ આવતા અંકે )