શાતિર - 7 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

શાતિર - 7

( પ્રકરણ : સાત )

બપોરના બે વાગ્યા હતા. મુંબઈની એ સડક પર વાહનો પોત-પોતાની રીતના આગળ વધી રહ્યા હતા. એ વાહનો વચ્ચે બદમાશ હરમનની ટેકસી પણ આગળ વધી રહી હતી.

હરમનના ચહેરા પર તાણ હતી. તે કબીર પાસેથી બેન્ક ચોરીના પચાસ કરોડ રૂપિયા મેળવવા માટે પાગલ બન્યો હતો. તે કબીરની દીકરી કાંચીને ટેકસીની ડીકીમાં નાંખીને મુંબઈના રસ્તા પર રખડી રહ્યો હતો. તેને એમ હતું કે, ડીકીમાં હજુ પણ કાંચી બેહોશ પડી છે.

જ્યારે કે, અસલમાં કાંચી હોશમાં આવી ચૂકી હતી, અને અત્યારે તે હરમનની ચુંગાલમાંથી છુટવા માટેના પ્રયત્નમાં લાગેલી હતી.

અત્યારે કાંચીએ તેણે ટેકસીની પાછલી સીટની પીઠમાં તેણે પાડેલા હૉલમાં બે આંગળીઓ નાંખીને, સીટ પર પડેલા પેલા યુવાનના મોબાઈલ ફોનને પકડી લીધો હતો.

‘બસ ! હવે બે આંગળીઓથી મોબાઈલ ફોન સીટની પીઠના હૉલમાંથી અંદર ખેંચાઈ આવે, એટલે તે મોબાઈલ પરથી પોલીસને ફોન કરીને પોતાની હાલત વિશે જણાવી દેશે. પછી ટૂંક સમયમાં જ પોલીસ તેને આ બદમાશની ચુંગાલમાંથી છોડાવી દેશે !’ કાંચીએ આવા આશાભર્યા વિચાર સાથે તેની બે આંગળીઓમાં પકડાયેલા મોબાઈલ ફોનને વધુ નજીક ખેંચ્યો. બરાબર આ પળે જ ટેકસીએ એકદમથી ટર્ન લીધો અને આની સાથે જ કાંચીની બે આંગળીઓમાં પકડાયેલો મોબાઈલ ફોન છૂટી ગયો અને સીટ પર આમથી તેમ થવા લાગ્યો.

‘ઓફ...!’ કાંચીના મોઢેથી નિરાશાભર્યો શબ્દ સરી પડયો. તેણે સીટ પર આમથી તેમ થઈ રહેલા મોબાઈલ ફોનને પોતાની બે આંગળીઓથી પકડવા માટેનો પ્રયત્ન ફરી શરૂ કર્યો.

દૃ દૃ દૃ

કબીરે તેના પુરાણા સાથી જયસિંહના ઘરના દરવાજામાં લાગેલું લેચ-કીવાળું લૉક માસ્ટર-કીથી ખોલી નાંખ્યું. તેણે દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયો. તેણે દરવાજો પાછો બંધ કર્યો.

ત્યારે આ ઘરની બહાર, રસ્તા પર ઊભેલો સબ ઈન્સ્પેકટર ગોખલેનો સાથી પોલીસવાળો રવિન્દર મોબાઈલ પર ગોખલેને મેસેજ આપી રહ્યો હતો : ‘સર ! કબીર જયસિંહના ઘરનું લૉક ખોલીને અંદર ગયો છે !’

‘તું ત્યાં જ રહે ને એની પર નજર રાખ !’ રવિન્દરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાં સામેથી ગોખલેનો અવાજ સંભળાયો : ‘અમે થોડી વારમાં જ ત્યાં પહોંચીએ છીએ !’ અને આ સાથે જ સામેથી ગોખલેએ રવિન્દર સાથેની વાત પૂરી કરી દીધી.

રવિન્દરે મોબાઈલ ફોન ખિસ્સામાં મૂકયો, અને જયસિંહના ઘરના બંધ દરવાજા પર નજર જમાવી.

તો એ બંધ દરવાજાની અંદર-રૂમમાં ઊભેલો કબીર ચારે બાજુ નજર ફેરવી રહ્યો હતો.

એ એક મોટો રૂમ હતો. એ રૂમમાં પલંગ, ખુરશી, ટી. વી. ટેબલ વગેરે પડયું હતું. એ બધું અસ્તવ્યસ્ત અને ગંદુ પડયું હતું.

કબીરની એવી ગણતરી હતી કે, હરમને તેની દીકરી કાંચીને કિડનૅપ કરવાના કામમાં જયસિંહની મદદ લીધી જ હશે, અને તેને એવી આશા હતી કે, હરમને કાંચીને અહીં જયસિંહના ઘરમાં છુપાવી હોઈ શકે. પણ અહીં કાંચી નહોતી. અને જયસિંહ પણ ઘરમાં નહોતો.

હવે જયસિંહ ક્યારે પાછો આવે એ તેને ખબર નહોતી. અને તે હાથ પર હાથ ધરી રાખીને, જયસિંહ અહીં આવે એની વાટ જોતો બેસી રહી શકે એમ નહોતો.

હરમને તેને પચાસ કરોડ રૂપિયાના બદલામાં કાંચીને છોડી મૂકવા માટેનો, બાર કલાકનો સમય આપ્યો હતો. બપોરના એક વાગ્યે તેની મોબાઈલ ફોન પર હરમન સાથે વાત થઈ હતી, અને અત્યારે બે વાગી ચૂકયા હતા. એક કલાકથી પણ વધુ સમય વિતી ચુકયો હતો.

હરમને આપેલો બાર કલાકનો સમય પૂરો થાય એ પહેલાં તેણે હરમન સુધી પહોંચવાનું હતું અને કાંચીને હરમનના શિકંજામાંથી સહી-સલામત છોડાવવાની હતી.

કબીરે જયસિંહના એ રૂમમાંની વસ્તુઓ પર નજર ફેરવવા માંડી. તે એ બધી વસ્તુઓમાંથી કોઈ એવી કડી શોધી કાઢવા માંગતો હતો જેનાથી તેને હરમન અત્યારે તેની દીકરી કાંચી સાથે કયાં છે, એની ખબર પડી શકે.

કમનસીબે કબીરની નજરે એવી કોઈ કડી પડી નહિ.

કબીર ટેબલ તરફ આગળ વધ્યો. ટેબલ પર એક ચિઠ્ઠી પડી હતી. એની પર તેની ઍકસ વાઈફ સોનાલીના ઘરનું ઍડ્રેસ લખાયેલું હતું.

‘હં, તો તેની ગણતરી સાચી જ હતી. કાંચીનું કિડનૅપ કરવામાં હરમન સાથે જયસિંહ પણ સામેલ હતો !’ વિચારતાં કબીરે ટેબલનું ખાનું ખોલ્યું.

ખાનામાં રિવૉલ્વર પડી હતી.

કબીર ખાનું પાછું બંધ કરવા ગયો, ત્યાં જ તેને પીઠ પાછળથી-બંધ દરવાજા બહારથી જયસિંહનો ગીત ગાવાનો અવાજ સંભળાયો.

કબીરે ટેબલના ખાનામાંથી રિવૉલ્વર લઈ લીધી અને મેઈન દરવાજા તરફ ધસ્યો.

ખટ્‌ ! મેઈન દરવાજાનું લૅચ કી-વાળું લૉક ખૂલવાનો અવાજ આવ્યો.

કબીર હાથમાં રિવૉલ્વર સાથે દરવાજા પાસે ઊભો રહ્યો.

દરવાજો ખૂલ્યો અને જયસિંહ અંદર આવ્યો.

કબીરે એકદમથી જ દરવાજાને લાત મારીને બંધ કરી દીધો અને જયસિંહ તરફ રિવૉલ્વર તાકી.

‘કબીર તું ? !’ જયસિંહના મોઢામાંથી આશ્ચર્ય ને આંચકાભર્યો સવાલ સરી પડયો.

‘તારા હાથમાંની થેલી નીચે મૂકી દે !’ કબીરે જયસિંહને હુકમ આપ્યો.

‘આમાં તો મારું ખાવાનું છે.’ જયસિંહ કબીરના હાથમાં પકડાયેલી રિવૉલ્વર તરફ જોતાં બોલ્યો : ‘આ રિવૉલ્વર તો મારી છે !’

‘થેલી નીચે મૂક !’ કબીરે ફરી જયસિંહને હુકમ આપ્યો.

જયસિંહે થેલી નીચે મૂકી.

કબીરે જયસિંહના નાક પર મુક્કો ઝીંકી દીધો. જયસિંહના મોઢામાંથી પીડાભર્યો અવાજ નીકળવાની સાથે જ એણે નાક પર હાથ દબાવી દીધો અને નજીકમાં પડેલી ખુરશી પર બેસી પડયો.

કબીરે જયસિંહના કપાળ તરફ રિવૉલ્વરની અણી તાકતાં પૂછયું : ‘બોલ ! હરમન કયાં છે ? !’

‘હરમન..,’ જયસિંહે નાક પરથી હાથ હટાવતાં-પીડાભરી આંખે કબીર તરફ જોતાં કહ્યું : ‘...હરમન તો મરી ચૂકયો છે !’

કબીરે જયસિંહના કપાળ પર રિવૉલ્વરની અણી અડાડી દીધી : ‘ફરીથી બોલ તો...? !’

‘જો, કબીર !’ જયસિંહ બોલ્યો : ‘હું તને સાચું કહું છું, મેં એને નથી જોયો.’

‘હં, તો તેં એને નથી જોયો ? કંઈ વાંધો નહિ !’ કબીર બોલ્યો : ‘તો પછી હું ગોળીથી તારી ખોપરી ઊડાવી દઉં છું !’

જયસિંહના ચહેરા પર ભય આવ્યો.

‘પણ, ના ! હું તારી ખોપરી ઉડાવીશ તો તને ખબરેય નહિ પડે અને તું મરી જઈશ !’ કબીરે જયસિંહના મોટા-ફૂલેલા પેટ તરફ રિવૉલ્વરની અણી તાકી : ‘હું તારા પેટમાં ગોળી મારીશ. એનાથી તું તુરત નહિ મરે. તું થોડાંક કલાકો સુધી ખૂબ જ પીડાઈશ અને પછી મરીશ !’

‘એક મિનિટ ! એક મિનિટ !’ જયસિંહ બોલી ઊઠયો : ‘તું મારી પાસે જાણવા શું માંગે છે ?’

‘હરમન અને તું શું કરી રહ્યા છો ?’

‘ચોરી, લૂંટ-ફાટ, હેરાફેરી અને એવું બધું !’ જયસિંહ ગળા નીચે થૂંક ઉતારતાં બોલ્યો : ‘હરમને એક પેકેટમાં મોબાઈલ ફોન નાંખીને મને આપ્યો, અને એ પેકેટ તારી ભૂતકાળની પત્ની સોનાલીના ઘરે પહોંચાડવાનું કહ્યું, અને મેં એ પહોંચાડી દીધું, બસ !’

‘અને મારી દીકરી કાંચી ? !’ કબીરે પૂછયું : ‘કાંચી કયાં છે ?’

‘તને..તને ખબર છે, કબીર !’ જયસિંહ બોલ્યો : ‘તારા પકડાયા પછી અમારી હાલત કેવી થઈ ગઈ હતી ? ! જો.., તું મને જો ! મારા આ ઘરને જો ! અમે કેવી હાલતમાં જીવી રહ્યા છીએ ! એટલે બસ હવે અમને એ લૂંટના પચાસ કરોડ રૂપિયા જોઈએ ! પચાસ કરોડ રૂપિયા ! !’

અને કબીરે જયસિંહના પેટમાં લાત મારી. જયસિંહ ખુરશી સાથે જમીન પર પટકાયો.

કબીરે લાત મારીને ખુરશીને દૂર ધકેલી અને જમીન પર પડેલા જયસિંહ તરફ રિવૉલ્વર તાકી : ‘તને પચાસ કરોડ રૂપિયા જોઈએ, અને મને મારી દીકરી જોઈએ !’ કબીરે જયસિંહ તરફ રિવૉલ્વર તાકેલી રાખતાં-દાંત કચકચાવતાં કહ્યું : ‘બોલ ! કાંચી કયાં છે ? નહિતર ગોળી મારી દઈશ !’

જયસિંહ કબીર સામે જોઈ રહ્યો.

‘હું સાચું કહી રહ્યો છું !’ કબીરે કહ્યું : ‘જલદીથી બકી મર, નહિતર હું તને મારી નાંખીશ.’

‘કાંચી..,’ કબીરની આંખોમાં ઊતરી આવેલું લોહી જોઈને જયસિંહે કબૂલી લીધું : ‘...કાંચી અત્યારે હરમન સાથે છે ! હરમનની ટેકસીની ડીકીમાં ! હરમન કાંચીને લઈને આખા શહેરમાં ફરી રહ્યો છે !’

‘એ..., કબીર કંપી ઊઠયો : ‘...એ મારી કાંચીને ટેકસીની ડીકીમાં લઈને ફરી રહ્યો છે ? !’

‘અને કબીર ! તને સાચું કહું ? !’ જયસિંહે કહ્યું : ‘હરમને તારી દીકરીને કિડનેપ કરવાની વાત કરી, એ મને જચી નહોતી. કારણ કે..., કારણ કે, તારા જેવા મુંબઈના સહુથી મોટા બૅન્કચોર પાસેથી તો કોઈ માણસ કોઈ વસ્તુની ચોરી કરી શકે જ નહિ ને ? !’

કબીર જયસિંહ સામે ધૂંધવાટભેર જોઈ રહ્યો.

જયસિંહ ધીરેથી ઊભો થયો.

‘કબીર !’ જયસિંહ બોલ્યો : ‘હરમનનો પગ કપાયા પછી એ ખૂબ જ બદલાઈ ગયો. એ પહેલાં કરતાં પણ વધુ કઠોર ને માથાફરેલ બની ગયો. આપણાં હાથમાં બૅન્ક ચોરીના પચાસ કરોડ રૂપિયા ન આવ્યા અને એનો પગ કપાવવો પડયો, એ માટે એ તને જવાબદાર માને છે !’

કબીર જયસિંહને સાંભળી રહ્યો.

‘અને કબીર ! હું સાચું કહું તો હકીકતમાં પણ હરમનનો પગ કપાવવા તેમજ એના આમ પાગલ અને શયતાન બનવા પાછળનુુંં કારણ તું જ છે !’

કબીર કંઈક બોલવા ગયો, ત્યાં જ બહારથી કોઈ વાહનની બ્રેકની ચિચિયારી સંભળાઈ. કબીર બે પગલાં પાછળ હટ્યો અને તેણે સહેજ બારી ખોલીને બહાર નજર નાંખી.

થોડેક દૂર આવેલી ફૂટપાથ પાસે ઊભેલા પોલીસવાળા રવિન્દરની નજીક પોલીસની જીપ આવીને ઊભી રહી ગઈ હતી. એ જીપમાંથી ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલેની સાથે જ બીજા ચાર પોલીસવાળા ઊતરતા દેખાયા.

કબીર પાછો જયસિંહ તરફ જોવા ગયો, પણ એ પહેલાં જ જયસિંહે પાસે પડેલી કાચની બોટલ ઊઠાવીને કબીરના રિવૉલ્વરવાળા હાથ તરફ ફેંકી દીધી હતી.

કાચની એ બોટલ કબીરના હાથ પર જોરથી વાગી. કબીરના હાથમાંથી રિવૉલ્વર દૂર જઈ પડી ને સાથે જ બોટલ પણ દૂર પડીને ફૂટી. અને આ પળે જ જયસિંહ આખલાની જેમ કબીર તરફ ધસી આવ્યો. પણ એ કબીરના પેટમાં પોતાનું માથું મારે એ પહેલાં જ કબીર બાજુ પર હટી ગયો ને સાથે જ કબીરે જયસિંહની પીઠમાં મુક્કો મારી દીધો.

‘તારી તો..,’ બોલતાં જયસિંહ કબીર તરફ ફર્યો, અને કબીર એને બીજો મુક્કો મારે એ પહેલાં જ એ કબીરને વળગી પડયો અને કબીરને લઈને જમીન પર પટકાયો.

હવે બન્ને વચ્ચે મારામારી અને ઝપાઝપી ચાલવા લાગી.

ત્યારે આ ઘરના બંધ દરવાજા બહાર ઈન્સ્પેકટર સાઈરસ પોતાના સાથી સબ ઈન્સ્પેકટર ગોખલે તેમજ બીજા ચાર પોલીસવાળા સાથે આવી પહોંચ્યો હતો.

ગોખલેએ પોતાના હાથમાંની રિવૉલ્વર તો ચારે પોલીસ-વાળાઓએ પોત-પોતાના હાથમાંની બંદુકોની અણી જયસિંહના ઘરના મેઈન દરવાજા તરફ તાકી અને ઈન્સ્પેકટર સાઈરસ સામે જોયું.

સાઈરસ હાથમાંની રિવૉલ્વર જયસિંહના ઘરના દરવાજા તરફ તાકી રાખીને ઊભો હતો. અંદરથી કબીર અને જયસિંહના એકબીજા સાથે લડવાનો-ગાળો બકવાનો-વસ્તુઓના આમતેમ પડવા-પછડાવાનો અવાજ આવી રહ્યો હતો.

‘હમણાં બન્નેને અંદરો-અંદર લડવા દો ! થોડાંક ઢીલા પડવા દો !’ સાઈરસે પોતાના સાથી ગોખલે તેમજ બીજા પોલીસ-વાળાઓ તરફ નજર ફેરવતાં કહ્યું : ‘પછી આપણે એ બન્નેને પકડીએ છીએ !’

ત્યારે બંધ દરવાજાની અંદર, કબીર અને જયસિંહ બન્ને બાથમબાથ આવીને જમીન પર આમથી તેમ થઈ રહ્યા હતા.

કબીરને તેનાથી થોડેક જ દૂર પડેલી રિવૉલ્વર દેખાઈ. તેણે જયસિંહથી પોતાની જાતને છોડાવી. તેણે જયસિંહને લાત મારીને દૂર ધકેલ્યો અને પછી જમીન પર લેટેલી હાલતમાં જ રિવૉલ્વર તરફ સરકયો.

તો એ જ પળે જયસિંહે નજીકમાં જ પલંગ નીચે પડેલી બંદૂક ખેંચી કાઢી અને કબીર તરફ ફર્યો. ત્યાર સુધીમાં કબીરના હાથમાં પણ રિવૉલ્વર આવી ગઈ હતી અને તે પણ જયસિંહ તરફ ફરી ચૂકયો હતો.

જયસિંહે બંદૂકનો ઘોડો દબાવી દીધો.

કબીરે દૂર છલાંગ લગાવી દીધી. કબીરને સહેજમાં જ ગોળી વાગતા રહી ગઈ. તે ટેબલની ઓથમાં ચાલ્યો ગયો. ત્યાં જ ધમ્‌ કરતાં ઘરનો મેઈન દરવાજો ખૂલી ગયો.

જયસિંહ દરવાજા પાસે જ ઊભો હતો. જયિસંહ દરવાજા બહાર ઈન્સ્પેકટર સાઈરસ તેમજ બીજા પોલીસવાળાઓને ઊભેલા જોતાં જ અવાચક્‌ બની ગયો. જયસિંહના હાથમાંની બંદૂકની અણી સાઈરસ તરફ થઈ અને સાઈરસે પોતાની રિવૉલ્વરમાંથી જયસિંહ તરફ ગોળી છોડી દીધી.

જયસિંહના હાથમાંથી બંદૂક છુટીને જમીન પર પડવાની સાથે જ જયસિંહ પોતે પણ જમીન પર પટકાયો.

કબીર અત્યાર સુધીમાં ઘરના પાછલા દરવાજા પાસે પહોંચી ચૂકયો હતો. તેે પાછલો દરવાજો ખોલીને બહાર નીકળ્યો અને બહારથી દરવાજો બંધ કરી દીધો.

આજ પળે અંદર આવેલા સાઈરસે એ દરવાજો બંધ થવાનો અવાજ સાંભળ્યો. રૂમમાં કબીર દેખાયો નહિ, એટલે સાઈરસ સમજી ગયો કે, એ દરવાજામાંથી જ કબીર બહાર નીકળી ગયો છે.

સાઈરસ એ દરવાજા તરફ ધસ્યો. એણે દરવાજાને ખેંચ્યો. દરવાજો ખુલ્યો નહિ.

કબીરે બહારથી દરવાજાને સ્ટોપર લગાવી દીધી હતી.

સાઈરસ બાજુની બારી તરફ ધસી ગયો. અત્યાર સુધીમાં ગોખલે અને ચાર પોલીસવાળા અંદર આવી ચૂકયા હતા. બે પોલીસવાળા જયસિંહ પાસે રોકાઈ ગયા હતા, જ્યારે ગોખલે બે પોલીસવાળા સાથે સાઈરસની નજીક આવી પહોંચ્યો હતો.

સાઈરસે બારી બહાર નજર ફેંકી તો કબીર પાછળની એ લાંબી ગલીના જમણી બાજુના નુક્કડ તરફ દોડી જતો દેખાયો.

‘કબીર ! ઊભો રહે, નહિતર ગોળી છોડી દઈશ !’ સાઈરસે બૂમ પાડી. કબીર રોકાયો નહિ.

‘ચાલો જલદી, પકડો એને..!’ સાઈરસ હુકમ આપતાં બારીમાંથી બહાર નીકળીને ગલીમાં આવ્યો.

એણે ગલીના નુક્કડ નજીક પહોંચેલા કબીર તરફ રિવૉલ્વરની અણી તાકી !

( વધુ આવતા અંકે )

રેટ કરો અને રિવ્યુ આપો

Aarti Dharsandia

Aarti Dharsandia 9 માસ પહેલા

Beena Jain

Beena Jain 9 માસ પહેલા

Pradyumn

Pradyumn 9 માસ પહેલા

Tejal

Tejal 1 વર્ષ પહેલા

શ્રેયસ ભગદે

શ્રેયસ ભગદે 1 વર્ષ પહેલા