શાતિર - 12 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાતિર - 12

( પ્રકરણ : બાર )

‘કબીર બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કરવાના ગુનાસર આઠ વરસની સજા કાપીને હજુ  આજે જ જેલમાંથી બહાર આવ્યો હતો, અને અત્યારે હવે તે ફરી પાછો એજ બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કરવાની વાત કરી રહ્યો હતો ! આ કબીરનું મગજ ફરી ગયું હતું કે, શું ? !’ તાન્યા આવા વિચારમાં પડી ગઈ હતી, ત્યાં જ અત્યારે તાન્યાના ખભા પર કબીરનો હાથ મુકાવાની સાથે જ એના કાને કબીરનો અવાજ સંભળાયો : ‘શું થયું, તાન્યા ? ! તું આમ ચૂપ કેમ થઈ ગઈ ? !’

‘કબીર !’ તાન્યા બોલી : ‘બેન્કમાં ચોરી કરવાની તારી વાત મારા મગજમાં...’

‘...તાન્યા !’ કબીર તાન્યાની વાત કાપતાં બોલ્યો : ‘મારી પાસે સમય નથી, અને આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી.’

‘કબીર !’ તાન્યા બોલી : ‘આપણે કોઈ હાલતે એ બેન્કમાં પહોંચીને પચાસ કરોડ રૂપિયા ચોરી શકીએ એમ નથી, અને એ પણ આમ ધોળા દિવસે તો શકય જ નથી !’

‘તાન્યા ! તું મને બરાબર ઓળખે છે !’ કબીર બોલ્યો : ‘અને જો તું મારી સાથે હોઈશ તો આ શકય બની જશે. હું જરૂર બેન્કમાંથી પચાસ કરોડ ચોરીને..’

‘...કબીર !’ તાન્યા બોલી : ‘મેં તને કહેલું છે કે, હું આ બધું છોડી ચૂકી છું.’

‘મને ખબર છે, પણ...’

‘...અને તું પણ આટલા વરસે જેલમાંથી બહાર આવ્યો છે, અને એટલે હવે તું પણ હરગિઝ આ કામ નહિ કરે !’

‘મારી કાંચીનો જીવ જોખમમાં છે, તાન્યા...!’ કબીરનો અવાજ દયામણો થઈ ગયો : ‘હરમન મારી કાંચીને મારી નાખશે.’

તાન્યા કબીર સામે જોઈ રહી.

‘મેં મોબાઈલ પર હરમનની વાતો સાંભળી છે. મેં એના અવાજમાં રહેલા પાગલપણાંનેે અનુભવ કર્યો છે.’ કબીર બેચેન અવાજે બોલ્યો : ‘એ પહેલાં કરતાં પણ વધુ ખતરનાક બની ગયો છે. જો હું રાતના એક વાગ્યા સુધીમાં એને પચાસ કરોડ રૂપિયા નહિ પહોંચાડું તો એ ચોક્કસ મારી કાંચીને મારી નાંખશે !’

તાન્યા કબીરને જોઈ રહી.

‘તાન્યા ! હરમન ખરેખર મારી દીકરીને મારી નાંખશે.’ કબીરની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં, તેનો અવાજ ગળગળો થઈ ગયો : ‘પ્લીઝ, તાન્યા ! મારી કાંચીને બચાવવામાં મારી મદદ કર !’

‘ઠીક છે !’ તાન્યા બોલી : ‘તું કહે એમ કરવા હું તૈયાર છું. બોલ, મારે શું કરવાનું છે ? !’

અને કબીરની આંખોમાંથી બે આંસુ ટપકી પડયાં : ‘થૅન્કયૂ...,’ કહેતાં તે તાન્યાને વળગી પડયો : ‘...થૅન્કયૂ વેરી મચ !’ અને તે તુરત જ તાન્યાથી અળગો થયો : ‘ચાલ !’ અને તે તાન્યાનો હાથ પકડીને ગાર્ડનની બહારની તરફ આગળ વધી ગયો.

દૃ દૃ દૃ

હરમનની ટેકસીની કંપનીના મેનેજર પીટરને હરમન વિશેની પૂછપરછ કરીને જીપમાં આગળ વધી રહેલા ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલે વચ્ચે વાતચીત ચાલી રહી હતી.

‘...તો કબીરની વાત સાચી છે. હરમન જીવતો છે અને એણે કબીરની દીકરી કાંચીનું કિડનેપિંગ કર્યું છે.’ ગોખલે બોલ્યો : ‘અને હરમન કબીરને એની દીકરી કાંચીને જીવતી-જાગતી પાછી સોંપવા માટે કબીર પાસેથી બેન્ક લૂંટના પચાસ કરોડ રૂપિયા માંગી રહ્યો છે.’

‘હા !’ સાઈરસે કહ્યું : ‘અને કબીરે આપણને કહેલી વાત આપણે માની લઈએ કે, બેન્ક લૂંટ પછી એણે પોતાની જાતને આપણાં હવાલે કરી એ પહેલાં તેણે પચાસ કરોડ રૂપિયા સળગાવી માર્યા હતા, તો પછી હવે કબીર પાસે એક જ રસ્તો બાકી રહે છે...,’

‘...કયાંક બીજેથી એ પચાસ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી !’ ગોખલેએ કહ્યું.

‘કયાંક બીજેથી એટલે...? !’ સાઈરસે કહ્યું : ‘...કબીર બેન્કમાંથી પચાસ કરોડની વ્યવસ્થા કરશે-એ બેન્કમાં ચોરી કરશે !’

‘શું તમને લાગે છે કે, બેન્ક લૂંટવા બદલ આઠ વરસની જેલની સજા કાપીને હજુ આજે જ બહાર આવેલો કબીર ફરીવાર બેન્કમાં ચોરી કરવાનું જોખમ લેશે ?’

‘મારું માનવું છે કે, એક બાપ પોતાની દીકરીનો જીવ બચાવવા માટે પોતાના જીવ પર ખેલી જઈ શકે !’ સાઈરસે કહ્યું : ‘અને એટલે કબીર પોતાની દીકરી કાંચીને પાગલ હરમનના હાથમાંથી જીવતી પાછી મેળવવા માટે, બેન્કમાં ચોરી કરવાના ગુનાસર ફરી જેલભેગા થઈ જવાનું જોખમ ખેડતાં જરાય નહિ અચકાય !’

‘તો...!’ ગોખલેએ કહ્યું : ‘હવે એ સવાલ ઊભો થયો કે, ‘‘કબીર કઈ બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કરશે ? !’’

‘મારું માનવું છે કે, એણે છેલ્લે જે પાંચ બેન્કોમાંથી ચોરી કરી હતી, એ બેન્કોમાંથી કોઈ એક બેન્કમાં એ ચોરી કરશે.’ સાઈરસે કહ્યું : ‘છેલ્લી બેન્કનું નામ તો આપણને યાદ છે, પણ આગળની ચાર બેન્કોના નામ પૂછી લે.’

‘હા !’ કહેતાં ગોખલે પોતાની ઑફિસમાંથી આની જાણકારી મેળવવા માટે, પોતાની ઑફિસનો સંપર્ક કરવા લાગ્યો.

દૃ દૃ દૃ

તાન્યા બેન્કમાં ચોરી કરવા માટે સાથ આપવા માટે તૈયાર થઈ, એટલે કબીરે તાન્યાને લઈને પહેલાં તો એક ગલીમાં પડેલી ટેકસી ચોરી. પછી કબીરે એ ટેકસીમાં બેસીને બેન્કમાં ચોરી કરવા માટેના સાધનોની વ્યવસ્થા કરી, ત્યારે સાંજના સાડા ચાર વાગવા આવ્યા હતા.

અને કબીરે ટેકસી બેન્કથી થોડેક દૂર આવેલી, ખાસ્સા મોટા વિસ્તારમાં ફેલાયેલી બંધ મિલના મેઈન ઝાંપાની અંદર લીધી.

તાન્યાનું હૃદય વધુ ઝડપે ધબકવા માંડયું. પણ કબીરના હૃદયના ધબકારા સામાન્ય હતા. તેના મગજમાં, તે બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયા ચોરી લેવામાં સફળ થઈ ચૂકયો છે, એવો વિચાર ફરી રહ્યો હતો.

કબીરે બંધ મિલની અંદરની તરફ ટેકસી આગળ વધારે રાખી. મોટા-પહોળા રસ્તાઓની બન્ને બાજુ બનેલી મિલની વિશાળ ઈમારતો બિસ્માર થઈ ચૂકી હતી. એક જમાનામાં જ્યાં આ મિલ રાત-દિવસ મશીનો અને માણસોથી ધમધમતી હતી, ત્યાં અત્યારે ચકલુંય ફરકતું નહોતું.

કબીરે મિલના છેક પાછળના ભાગમાં ટેકસી પહોંચાડીને ઊભી રાખી. અહીં પણ સન્નાટો હતો. કબીર ટેકસીની બહાર નીકળ્યો.

તાન્યા પણ બહાર નીકળી. ‘કબીર ! અહીંથી તો બેન્ક પોણોે-એક કિલોમીટર દૂર હશે !’

‘હા, મને આ વાતનો ખ્યાલ છે !’ કહેતાં કબીરે ટેકસીની ડીકી ખોલી અને એમાંથી બે મોટી-વજનદાર હેન્ડબેગ અને એક ફૉલ્ડીંંગ સ્ટુલ કાઢયું. ‘જેલમાં રહીને મારું મગજ સડી ગયું નથી. તું મારી પર, મારી ગણતરી પર ભરોસો રાખ !’

તાન્યા મલકી. ‘કબીર પર એને પૂરો ભરોસો હતો. કબીર જાણે કોઈ સામાન્ય ખેલ ખેલતો હોય એટલી હળવાશ અને મસ્તી સાથે ચોરી કરતો હતો. આઠ વરસ પહેલાંની એ રાતે જો કમનસીબે બેન્કમાંથી બહાર નીકળ્યા પછી કબીર અને હરમનને પેલો કચરાવાળો મળ્યો ન હોત, અને કબીર તેમજ હરમન વચ્ચે ચકમક ઝરી ન હોત તો કબીર પોલીસના હાથમાં પકડાયો ન હોત. અને તો આજે કબીરે ફરીવાર આમ ચોરી કરવા માટે મજબૂર બનવું પડયું ન હોત. જોકે, આજે હરમનના હાથે કબીરની દીકરી કાંચીનો જીવ જોખમમાં હતો, એટલે બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયા ચોરી કરવામાં કોઈ અડચણ ન આવે એ જરૂરી હતું.’ વિચારતાં તાન્યા કબીરને જોઈ રહી.

કબીર નજીકમાં રહેેલી ગટરનું ઢાંકણું ખોલી રહ્યો હતો. વરસોથી બંધ હોવાને કારણે ગટરનું ઢાંકણું ખોલવામાં કબીરને તકલીફ પડી પણ પછી તેણે એ ઢાંકણું ખોલી નાંખ્યું. તેણે ગટરમાં નજર નાંખી અને પછી બાજુમાં પડેલી બન્ને હેન્ડબેગ અને ફોલ્ડિંગ સ્ટુલ તેણે અંદર ગટરમાં નાંખ્યું. તે ગટરમાં ઉતર્યો ને પછી તેણે તાન્યાને ગટરમાં ઉતરવામાં મદદ કરી.

કબીરે હેન્ડબેગમાંથી બે હેલમેટ કાઢી. એ હેલમેટની આગળ ટોર્ચ લાગેલી હતી. તેણે અને તાન્યાએ હેલમેટ પહેરી અને હેલમેટની ટોર્ચ ચાલુ કરી.

-બન્નેએ ટોર્ચના અજવાળામાં જોયું. ખાસ્સી ઊંચી-પહોળી ગટર ખાસ્સે દૂર સુધી જતી હતી. ગટરમાં પગની પાની ડૂબે એટલું પાણી હતું.

કબીરે એક હાથમાં હેન્ડબેગ અને બીજા હાથમાં ફોલ્ડિંગ સ્ટુલ ઉઠાવ્યું ને આગળ વધતાં બોલ્યો : ‘આપણે ચાળીસ મીટર પછી ડાબી બાજુ વળીશું !’

‘યસ !’ તાન્યા બોલી, અને હાથમાં બીજી હેન્ડબેગ ઊઠાવી લેતાં એ કબીર પાછળ આગળ વધી. તાન્યાને વિશ્વાસ હતો, ‘જો કબીર કહેતો હતો, એટલે ચાળીસ મીટરે ડાબી બાજુ ગટર લાઈન વળતી જ હશે !’

અને બરાબર ચાળીસ મીટરે જ ગટર લાઈન આગળ જવાની સાથે જ, ડાબી બાજુ પણ વળીને આગળ વધી જઈ રહી હતી.

કબીર ડાબી બાજુ વળીને આગળ વધ્યો.

તે ચોરી કરવા માટે ગટરમાં ચાલી રહ્યો હતો, એવું કોઈ ટેન્શન તેના ચહેરા પર વર્તાતું નહોતું. તેના ચહેરા પર જાણે તે વહેલી સવારના ગાર્ડનમાં ચાલી રહ્યો હોય એટલી હળવાશ દેખાતી હતી.

બીજા પાંત્રીસેક મીટર ચાલ્યા પછી ગટર જમણી બાજુ વળી, એટલે કબીર એ તરફ વળીને ઊભો રહ્યો.

તાન્યા પણ ઊભી રહી.

‘સામે પચાસ પગલાં પછી, ઉપર બેન્કની મોટી-લોખંડી તિજોરી આવેલી છે !’ બોલીને કબીર મનોમન પગલાં ગણતો આગળ વધ્યો.

તાન્યા પણ આગળ વધી.

કબીર પચાસ પગલાં ચાલીને ઊભો રહી ગયો. ‘મારી ગણતરી પ્રમાણે આની બરાબર ઉપર પેલી તિજોરી છે, જેમાંથી અમે આઠ વરસ પહેલાં પચાસ કરોડ રૂપિયા ચોર્યા હતા.’ કહેતાંં કબીર હેન્ડબેગમાંથી ગટરનો ઉપરનો ભાગ તોડવા-કાપવાનું મશીન કાઢવા માંડયો.

તાન્યાને ભરોસો હતો, જો કબીર કહેતો હતો તો પછી બરાબર ઉપર જ એ તિજોરી હોવામાં કોઈ બે મત નહોતા.

કબીરે લોખંડનું જાડું પડ કપાઈ જાય એવું મશીન ચાલુ કર્યું અને આંખમાં તણખા ન જાય એ માટે ગોગલ્સ પહેર્યા અને પછી એ મશીનથી ઉપરની છતને કાપવા માંડયો.

કબીરથી થોડાંક પગલાં દૂર, આંખમાં તણખા ન પડે એની તકેદારી સાથે તાન્યા કબીરને કામ કરતો જોઈ રહી.

-ધીરે-ધીરે ઉપરની છત કપાવા લાગી.

-ઉપર તિજોરીવાળો રૂમ બંધ હતો અને એ બંધ રૂમની પેલી તરફ અત્યારે બેન્કના સ્ટાફની સાથે જ, બેન્કના ગ્રાહકો હાજર હતા. એ બધાં લોકો પોત-પોતાના કામમાં મશગૂલ હતાં, એમાંથી કોઈનેય એ વાતનો ખ્યાલ નહોતો કે, અત્યારે એમની બેન્કમાં ચોરી થઈ રહી છે !

અત્યારે હવે તિજોરીવાળા રૂમની જમીનની નીચે-તિજોરીની બરાબર નીચે ઊભેલા કબીરે છત કાપી નાંખી હતી અને તિજોરીના તળિયાનો ભાગ કાપી રહ્યો હતો. ‘તિજોરી કપાશે, એની પાંચ મિનિટમાં ફાયર એલાર્મ વાગી ઊઠશે !’ કબીર બોલ્યો.

‘આટલી મિનિટોમાં આપણે રૂપિયા લઈને અહીંથી નીકળી જઈ શકીશું ને ? ! ?’ તાન્યાએ પૂછયું : ‘આપણને આટલો સમય ઓછો તો નહિ પડે ને ? !’

કબીરે કોઈ જવાબ આપ્યો નહિ. તેણે તિજોરી કાપવાનું ચાલુ રાખ્યું. ‘આપણે પહોંચી ગયાં !’ કબીરે કહ્યું.

તાન્યાએ જોયું તો ઉપર- તિજોરીમાં મોટું બાકોરું પડી ચૂકયું હતું.

તાન્યાએ ફોલ્ડિંગ સ્ટૂલ ખોલવા માંડયું.

કબીરે છત કાપવાનું મશીન પાછું હેન્ડબેગમાં મૂકી દીધું.

તાન્યાએ તિજોરીમાં પડેલા બાકોરાની નીચે સ્ટૂલ મૂકયું.

કબીર એ સ્ટૂલ પર ચઢયો અને એ બાકોરામાંથી તિજોરીમાં, કમર સુધી દાખલ થયો.

રૂમ જેટલી મોટી એ તિજોરીમાં હજાર-હજાર અને પાંચસો-પાંચસો રૂપિયાની નોટોના બંડલો ગોઠવાયેલા હતા.

કબીરે નજીકમાં પડેલા હજાર-હજાર રૂપિયાની નોટોના બંડલો લઈને, નીચે ઊભેલી તાન્યાને આપવા લાગ્યો.

તાન્યા એ બંડલો હેન્ડબેગમાં મૂકવા માંડી.

ત્યારે કબીરને કે, તાન્યાને ખબર નહોતી કે, બેન્કનું એલાર્મ વાગી ચૂકયું છે.

જ્યારે કે, જીપમાં આગળ વધી રહેલો સબ ઈન્સ્પેકટર ગોખલે મોબાઈલ ફોન પર એની ઑફિસમાંથી, ‘કબીરે છેલ્લે કઈ પાંચ બેન્કોમાં ચોરી કરી હતી ?’ એની માહિતી મેળવી રહ્યો હતો.

ગોખલેએ આ માહિતી લઈને કૉલ કટ્‌ કર્યો, અને બાજુમાં બેઠેલા સાઈરસને એ બેન્કોના નામ કહ્યા.

સાઈરસ ‘આ પાંચ બેન્કોમાંથી કબીર કઈ બેન્કમાં ચોરી કરવા જઈ શકે ? !’ એનો અંદાજો લગાવવા લાગ્યો, ત્યાં જ ગોખલેના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી.

ગોખલેએ મોબાઈલ ફોનમાં સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી અને પછી તુરત સાઈરસને કહ્યું : ‘કબીરે છેલ્લે જે બેન્કમાં ચોરી કરી હતી, એ બેન્કનું ફાયર એલાર્મ વાગ્યું છે !’

‘તો નક્કી આ કબીરનું જ કામ છે !’ સાઈરસ બોલી ઊઠયો : ‘અત્યારે કબીર જ એ બેન્કમાં ચોરી કરી રહ્યો છે !’

અને સાઈરસની આ વાત સાંભળતાં જ ગોખલેએ જીપને વળાવી અને અત્યારે કબીર જે બેન્કની તિજોરીમાંથી રૂપિયા ચોરી રહ્યો હતો એ બેન્ક તરફ દોડાવી. તો સાઈરસ પોતાના સાથી પોલીસવાળાઓને એ બેન્કમાં બોલાવવા માટે એમનો સંપર્ક સાધવા લાગ્યો.

ત્યારે ત્યાં, એ બેન્કની નીચે હજાર-હજાર રૂપિયાની નોટોના બંડલોથી એક હેન્ડબેગ ભરાઈ ગઈ, એટલે તાન્યાએ બીજી હેન્ડબેગ ખોલી અને એમાં કબીરના હાથમાંથી નોટોના બંડલો લઈ-લઈને ભરવા માંડયા. ‘કબીર !’ તાન્યા બોલી : ‘મને લાગે છે કે, અત્યાર સુધીમાં તો બેન્કનું એલાર્મ વાગી ચૂકયું હશે.’

‘હજુ પચાસ કરોડ પૂરા થયા નથી !’ કબીરે સ્ટૂલ પર સહેજ વધુ અદ્ધર થઈને, હાથ લંબાવીને થોડેક દૂર પડેલા હજાર-હજાર રૂપિયાની નોટોના બંડલો લઈને તાન્યાને આપતાં કહ્યું : ‘પચાસ કરોડમાં જો એક રૂપિયો પણ ઓછો હશે, તો શયતાન હરમન મારી કાંચીને નહિ છોડે !’

હવે તાન્યા કંઈ બોલી નહિ. એણે ચિંતાભેર કબીરના હાથમાંથી નોટોના બંડલો લઈને હેન્ડબેગમાં ભરવાનું કામ ચાલુ રાખ્યું.

બરાબર આ પળે જ સાઈરસે પોતાના જે સાથી પોલીસવાળાઓને બેન્ક પર પહોંચવાનું કહ્યું હતું, એ દસ પોલીસવાળાઓ બે જીપમાં ભરાઈને, બેન્કના મુખ્ય દરવાજા પાસે આવી પહોંચ્યા, અને આની ત્રીજી જ પળે ગોખલેએ એમની જીપની બાજુમાં પોતાની જીપ લાવીને ઊભી રાખી.

ગોખલે અને સાઈરસ બન્ને જણાંએ જીપમાંથી રીતસરની બહાર છલાંગ લગાવી.

‘ચાલો, અંદર !’ સાઈરસે પોતાના સાથી પોલીસવાળાઓને હુકમ આપ્યો, અને બેન્કની અંદરની તરફ ધસ્યો. ગોખલે પણ એની સાથે દોડયો. તો એમના દસે-દસ સાથી પોલીસવાળા પણ પોત-પોતાની બંદૂકો સંભાળતા એમની પાછળ બેન્કમાં દાખલ થઈ ગયા !

( વધુ આવતા અંકે )