રાજકારણની રાણી - ૩૫ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૩૫

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૫

સુજાતાબેનની છાતી પર ગોળી ચાલ્યા પછી બૂમાબૂમ થવા લાગી. બધાંને સુજાતાબેનની ચિંતા થવા લાગી. ગોળીબાર કરનારી યુવતી દોડીને બાઇક પર બેસી ફરાર થઇ ગઇ. કેટલાક લોકો એની પાછળ દોડ્યા ત્યારે તેણે પાછળ વળીને એમના પર રિવોલ્વર તાકી. બધાં જ ગભરાઇને અટકી ગયા. બાઇકસવાર યુવાન યુવતીને લઇ આંખના પલકારામાં અદ્રશ્ય થઇ ગયો.

સુજાતાબેન ચીસ પાડીને કારમાં બેસી પડ્યા હતા. તેમણે છાતી ઉપર હાથ મૂક્યો. ગોળી તેમની છાતી સાથે ટકરાઇને સાડીમાં ઘસરકો કરી કારમાં પડી ગઇ હતી. જનાર્દનને નવાઇ લાગી. સુજાતાબેન સલામત હતા. તેમને ગોળી વાગી હતી પરંતુ લોહીનું એક ટીપું નીકળ્યું ન હતું. ગોળી મારનાર યુવતીનો ઇરાદો સુજાતાબેનની હત્યા કરવાનો જ હોય શકે. તે છાતીમાં ગોળી મારીને સુજાતાબેનના બચવાની શકયતા રાખવા માગતી ન હતી. અત્યારના ચૂંટણીના માહોલમાં આવી ઘટના બનવાનો ભય હતો જ.

જનાર્દને ડર સાથે પૂછ્યું:"બેન, તમે સલામત છો ને?"

"હા. મેં પહેરેલા બખ્તરને કારણે બચી ગઇ છું..." કહી સુજાતાબેન વિચારમાં પડી ગયા. તેમને પોતાને નવાઇ લાગી રહી હતી કે પોતાના પર ગોળી ચલાવવાની હિંમત કોણે કરી હશે?

જનાર્દને કાર તરત જ ચાલુ કરી. કાર્યકરોએ કારને જવા દેવા માટે જગ્યા કરી આપી. સુજાતાબેન બચી ગયા છે એ જોઇ બધાંને રાહત થઇ હતી. હિમાનીએ સુજાતાબેનને પોતાની ઓઢણી ઓઢવા આપી દીધી હતી.

"જનાર્દન, કારને પોલીસ મથક પર લઇ લે..."

"બેન, આપણે ફરિયાદ નોંધાવી જ દઇએ..."

"ના, ફરિયાદ કરવા નહીં માત્ર પોલીસને જાણ કરવા જ જઇશું...મને કંઇ થયું નથી."

"જો આપણે ફરિયાદ નહીં કરીએ તો આવા લોકો ફરી હુમલો કરી શકે..."

"મને નથી લાગતું કે હું બચી ગઇ છું એટલે ફરી કોઇ હિંમત કરશે..."

જનાર્દનને સમજાતું ન હતું કે સુજાતાબેન કેમ આવું કહી રહ્યા છે. તો શું ખુદ સુજાતાબેનનો જ આ કોઇ સ્ટંટ હશે? ચૂંટણીમાં જીત માટે ઉમેદવારો જાતજાતના તુક્કા લગાવતા હોય છે. પ્રચારમાં રહેવા ખોટી પોલીસ ફરિયાદો કરતા હોય છે.

જનાર્દન સુજાતાબેન પર શંકા વ્યક્ત કરતો હતો ત્યારે સુજાતાબેન તેના પર શક કરવા લાગ્યા:"જનાર્દન, ક્યાંક આ તારું તો કોઇ ગતકડું નથી ને?"

સુજાતાબેન સહજ સ્વરમાં હસીને બોલ્યા હતા. પણ જનાર્દન ચોંકી ગયો. સાથે હિમાનીને પણ આંચકો લાગ્યો.

જનાર્દન નવાઇથી બોલ્યો:"બેન, આવું કામ હું વિચારી શકું પણ નહીં. તમને પૂછયા વગર હું અલગ કોઇ રીતથી પ્રચાર પણ કરતો નથી. તમે બખ્તર પહેરો છો એની પણ મને ખબર નથી..."

સુજાતા હસવા લાગી:"જનાર્દન, હું તો અમસ્તું જ કહું છું. તેં મને વચ્ચે ચેતવી હતી એટલે જ બખ્તર પહેરવાનું શરૂ કર્યું છે...એ વાત તમને બંનેને કરવાની રહી ગઇ હતી."

જનાર્દન કહે:"બેન, તમારી સુરક્ષા માટે હવે વધારે વ્યવસ્થા કરવી પડશે. હું હમણાં પોલીસમાં અરજી આપી જ દઉં છું..."

"ના-ના, મારે કોઇ પ્રકારની સુરક્ષા જોઇતી નથી. એમ કરવાથી તો એવું ચિત્ર ઉભું થશે કે આ પક્ષના રાજમાં કોઇ સુરક્ષિત નથી. ઉમેદવારને સુરક્ષાની જરૂરિયાત છે એનો એવો અર્થ કાઢવામાં આવશે કે કાયદો-વ્યવસ્થા ખાડે ગઇ છે..."

જનાર્દન ચૂપ થઇ ગયો. સુજાતાબેનના વિચારો અને ગણતરીઓને તે માન આપતો થઇ ગયો હતો.

સુજાતાબેન પોલીસ મથક પર પહોંચ્યા ત્યાં સુધીમાં અખબારો અને ટીવી ચેનલોના પત્રકાર ત્યાં દોડી આવ્યા. સુજાતાબેન બધાંને રાહ જોવાનું કહી પોલીસ મથકમાં ગયા અને દસ જ મિનિટમાં બહાર પાછા ફર્યા. તેમણે પત્રકારોના સવાલો સાંભળ્યા અને શાંતિથી જવાબ આપતાં કહ્યું:"આપ સૌની દુઆથી હું સલામત છું. મારા પર જીવલેણ હુમલો થયો હોય એવું લાગતું નથી. માત્ર મને ડરાવવા માટે આ ઘટના ઊભી કરવામાં આવી હશે. ગોળી બખ્તરને ઘસાઇને નીકળી ગઇ છે. મને શંકા છે કે કોઇ ઉમેદવારે પોતે હારી જવાના ડરથી મને ડરાવવાનો પ્રયત્ન કર્યો છે. હું એ વાતને સામાન્ય લઉં છું. મેં પોલીસ ઇન્સ્પેક્ટર સહેબને વિનંતી કરી છે કે મને કંઇ થયું નથી એટલે કોઇ સામે ફરિયાદ નોંધાવતી નથી. જરૂર લાગશે તો સુરક્ષા આપવા અરજી કરીશ. આ સાથે હું એ વ્યક્તિને પણ કહેવા માગીશ કે તે ચૂંટણીમાં મારા પર હુમલો કરી લોકોનું ધ્યાન ખેંચવાને બદલે લોકોનું દિલ જીતવા કોઇ પ્રયત્ન કરે. જીત મારી થાય કે બીજાની એ મહત્વનું નથી. પ્રજાના કલ્યાણના કામો થવા જોઇએ..."

પત્રકારોને કંઇ પૂછવા જેવું રહ્યું જ ન હતું. સુજાતાબેને ઘટના ઉપરાંત વધારાનું પણ કહી દીધું હતું. છતાં બે પત્રકારોએ સવાલ પૂછવાની પરંપરા નિભાવી. "સુજાતાબેન, તમને શું લાગે છે? આ વખતની તમારી જીત નક્કી છે? તમે આ ક્ષેત્રમાં નવા છો. તમારા કરતાં બીજા પક્ષમાં અનુભવીઓ છે. તમને એમનો ભય નથી?"

"ભાઇ, હું ચૂંટણી જીતવા માટે લડતી નથી એ પહેલાંથી જ કહેતી આવી છું. લોકોએ જ નક્કી કરવાનું છે કે તેમણે કોને જીતાડવાના છે. હું એમના વિચારોને માન આપીશ. લોકો પોતાની પરિપકવતા બતાવશે એનો મને વિશ્વાસ છે..."

પોલીસ મથકથી ઘરે આવ્યા પછી સુજાતાબેન પહેલી વખત વિચારમાં પડી ગયા હતા. એવું કોણ હશે જે મારા પર ગોળી ચલાવીને મને મદદ કરવા માગે છે? કે ચેતવણી આપે છે? રતિલાલ કે અંજના તો ભૂલેચૂકે આમ ના કરે. જતિનની તો વાત જ કરવા જેવી રહી નથી. રવિના પક્ષની જ છે. તે પાલિકા પ્રમુખ છે. તે એવું નહીં ઇચ્છતી હોય કે આ રીતથી મને વધારે પ્રચાર મળે. કોઇ અપક્ષના ઉમેદવારનું આ કારસ્તાન હોય શકે છે. હું બખ્તર પહેરું છું એવી એને કે બીજાને કેવી રીતે ખબર પડી? જનાર્દનને પણ આ વાત મેં કરી ન હતી. એવી કોઇ વ્યક્તિ છે જે મારા પર નજર રાખી રહી છે. તેમને સમજાતું ન હતું કે આ રીતે હુમલો કરવાનો એનો આશય શું હશે?

એ દિવસે સ્થાનિક અને રાજ્ય કક્ષાની ટીવી ચેનલોના સમાચારોમાં સુજાતાબેન પર થયેલા ગોળીબારનો મુદ્દો જ ચર્ચાતો રહ્યો. બીજા દિવસના અખબારોમાં પણ સુજાતાબેન પર ગોળીથી થયેલા હુમલાના સમાચાર છવાયેલા રહ્યા. એક અખબારે તો લખ્યું હતું કે 'સુજાતાબેનનું દિલ મોટું છે. છાતી પર ગોળી મારવાના પ્રયાસ પછી પણ તેમણે અજાણ્યા આરોપી સામે ફરિયાદ કરવાનું ટાળ્યું છે.' બીજા અખબારે તંત્રી લેખમાં લખ્યું કે,'આ ઘટના પરથી એવું લાગે છે કે ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. પરંતુ આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. ચૂંટણીમાં આવી હરકત ચલાવી લેવી ના જોઇએ. કોઇ પોતાના સ્વાર્થ માટે ભયનો માહોલ ઉભો કરે એ રીત ખોટી છે. ચૂંટણી મુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં થવી જોઇએ. વાતાવરણ ડહોલાવું ના જોઇએ. પોલીસ પ્રશાસને હવે વધારે સતર્ક રહીને કામગીરી કરવી પડશે. સુજાતાબેન પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. તે રાજકારણથી બહુ પરિચિત નથી. એમના જેવા ઉમેદવારો આવી બાબતોથી દૂર રહેતા આવ્યા છે અને લોકોમાં એક નવી જ ચેતના જગાવી રહ્યા છે ત્યારે આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એવી અપેક્ષા રાખીએ."

અખબારોએ પોલીસ સૂત્રોના હવાલાથી એમ જણાવ્યું હતું કે હુમલામાં વપરાયેલી બાઇક ગામતળાવ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી છે. તેની માલિકીની તપાસ કરતાં કોઇએ મોડીફાઇ કરીને બાઇક બનાવી હોવાથી કોઇ પત્તો લાગવાની આશા નથી. હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલી રિવોલ્વર પણ પરપ્રાંતથી ચોરી કરીને લાવવામાં આવી હોવાની શંકા છે. હુમલો કરનાર વ્યક્તિ ચાલાક લાગી રહી છે.

*

સુજાતાબેનની રેલીઓ અને કાર્યક્રમો પર નજર રાખતા એક કાર્યકરે જ્યારે રતિલાલને ફોનથી સમાચાર આપ્યા કે કોઇએ ગોળીથી તેમના પર હુમલો કર્યો છે ત્યારે એમને થયું કે કોઇ એમને હટાવવા માગે છે. જો સુજાતાબેન ડરીને કે મરીને ખસી ગયા તો અપક્ષ તરીકે અંજનાની શક્યતા વધી જશે. રતિલાલે જાણ્યું કે સુજાતાબેન મીડિયામાં છવાઇ ગયા. સુજાતાબેન પર થયેલા ગોળીબારથી તેમના નામનો પ્રચાર આપોઆપ થવા લાગ્યો હતો. એ વાતથી રતિલાલની ચિંતા વધી ગઇ. સાથે તેમણે સમાચારો સાંભળીને એ વાતથી રાહત અનુભવી કે તેમના પર સુજાતાબેન કે મીડિયાએ શંકા વ્યક્ત કરી નથી.

*

સુજાતાબેનને છાતી પર ગોળી ચલાવીને યુવતી સ્ફૂર્તિથી ભાગી નીકળી હતી. ઘટના સ્થળની નજીકમાં જ અગાઉના આયોજન મુજબ એક યુવાન તેને લઇ જવા બાઇકનું ગિયર પાડીને ઊભો હતો. યુવતી સવાર થઇ કે તરત જ તેણે બાઇકને ભગાવી મૂકી. યુવતીએ પાછળ દોડતા લોકોને રિવોલ્વર બતાવી અટકાવી દીધા પછી આગળ જોવા લાગી. પૂરઝડપે બાઇક ભગાવીને દૂર ગામતળાવ પાસેના એક મોટા વૃક્ષ પાસે જઇ બંને ઉતરી ગયા. નંબર વગરની બાઇકને ત્યાં જ છોડી દીધી અને બીજી બાઇક અગાઉથી મૂકાવી રાખી હતી એ લઇને નીકળી ગયા.

બંનેએ કામ સોંપનાર પાસે જઇ આજની એમની કામગીરીનો અહેવાલ આપ્યો.

ક્રમશ:

***