Ek bhool - 19 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 19

એક બાજુ મીરા, મિહિર, આશી, મીત અને આરવ પૂરી તૈયારી સાથે રાત પાડવાની રાહમાં હતાં ત્યારે બીજી બાજુ વિહાન ઘણાં સમયથી રાધિકાના રૂમનો દરવાજો ખખડાવી રહ્યો હતો પણ રાધિકા ન તો દરવાજો ખોલી રહી હતી કે ન તો કોઈ જવાબ આપી રહી હતી.

હવે વિહાને દરવાજો જ તોડવાનું નક્કી કરી લીધું. તે સહેજ પાછળ ગયો. પછી જેવો જોરથી ધક્કો મારવાં ગયો ત્યાં જ રાધિકાએ દરવાજો ખોલ્યો અને વિહાન રાધિકા સાથે ભટકાયો. બંને પડતાં પડતાં બચી ગયાં.

વિહાનની નજર રાધિકા તરફ પડી. તેનાં હમણાં જ ધોયેલાં ભીનાં વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. વાળમાંથી આવતી સુગંધે વિહાનને મંત્રમુગ્ધ કરી દીધો. રાધિકાનાં ચહેરા પરની તાજગી તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. વિહાન તેની સુંદરતામાં ખોવાઈ ગયો.

" આ શું કરતો હતો તું? દરવાજા હારે શેનું ફાઈટીંગ હાલતું તું તારું સવાર સવારમાં? તારાં ફાઈટીંગનાં ચક્કરમાં હમણાં મને લાગી જાત. " રાધિકા બોલી.

રાધિકાનો અવાજ સાંભળીને વિહાન તેનાં વિચારોમાંથી બહાર આવ્યો.

" મારું કંઈ કોઈની હારે શેનું ય ફાઈટીંગ નહોતું ચાલતું. હું ક્યારનો દરવાજો ખખડાવી રહ્યો હતો પણ તું ન તો જવાબ આપી રહી હતી કે ન તો દરવાજો ખોલી રહી. એટલે મને તારી ચિંતા થવાં લાગી એટલે હું દરવાજો તોડીને અંદર આવતો હતો ત્યાં તે ખોલ્યો. " વિહાન બોલ્યો.

" ઘડીકવાર ખમી ન શકાય તારાથી. હું નહાવા ગઈ 'તી એટલે વાર લાગી. ઉતાવળો તેમાં. " રાધિકાએ હળવો ગુસ્સો કર્યો.

" સારું હવે. અમિત અત્યારે છે નહીં એટલે હું એક વાત કહેવાં આવ્યો છું. "

વિહાને કહ્યું અને રૂમમાં આવીને દરવાજો બંધ કર્યો. પછી રાધિકાનો હાથ પકડી તેને ખુરશી પર બેસાડી અને પોતે તેની સામેની ખુરશી પર બેઠો.

" બોલ, શું કહેવું છે તારે? " રાધિકાએ પૂછ્યું.

" મીરાને શોધવાં આપણે અમિત પર નજર રાખવી પડશે. એ પણ તેને શક ન જાય એ રીતે. એ જ્યાં જ્યાં જાય ત્યાં તેની સાથે રહેવું પડશે અને શું કરે છે તેની પર નજર રાખવી પડશે. " વિહાને કહ્યું.

" હા તો એનાં માટે શું કરવાનું? કેમ કે હું તો અહીં બેઠાં બેઠાં કઈ કરી શકું નહીં, ને મને તો બહાર જવાની પણ મનાઈ છે. " રાધિકાએ કહ્યું.

" રાધિકા, આજે શનિવાર છે. " વિહાન બોલ્યો.

" હા તો? " રાધિકાને કંઈ સમજાયું નહીં.

" અરે ભૂલી ગઈ તું? અમિત દર શનિવારે સિલ્વર નાઇટમાં જાય છે. એટલે તે આજે પણ જશે જ. આજે હું તેની સાથે જઈશ. ત્યાં તે કોની કોની સાથે શું વાત કરે છે તે પરથી કદાચ મીરા વિશે કાંઈ ખબર પડી જાય પછી તો આપણે મીરાને શોધી લઈશું. " વિહાન રાધિકાને સમજાવતાં બોલ્યો.

" હા, પણ તને એ લઈ જશે? કેમ કે આજ સુધી તો તું ક્યારેય ગયો નથી અને આજે તું કહીશ તો એને તારી પર શક તો નહીં જાય ને? " રાધિકાએ પૂછ્યું.

" ના, એવું કાંઈ નહીં થાય. અમિત હમણાં જ આવશે. હું એને કહીશ. અને હા, જ્યાં સુધી અમે ઘરમાં નહીં હોઈએ ત્યાં સુધી તારી પાસે સમય છે. તું કાંઈક પેનડ્રાઇવ શોધી રહી હતી ને. તે શેની છે તે તો મને નથી ખબર. પણ જો તે બહુ ખાસ જરૂરી હશે તો અમિતે તેને મેં કાલે કહ્યું હતું તે ચાવીવાળા બોક્સમાં જ મૂકી હશે. " વિહાને કહ્યું.

" હા પણ તે કહ્યું હતું ને કે તેને અમિત સીવાય બીજું કોઈ ટચ પણ કરે તો તેને ખબર પડી જાય. તો હું કેમ ખોલું તે? " રાધિકા વિહાનની ગઈ કાલ રાતની વાત યાદ કરીને બોલી.

" હા કહ્યું હતું પણ બધી વસ્તુનો ઈલાજ હોય જ. આનો પણ છે. તું પહેલાં અમિતનાં રૂમમાં જઈને તેનો કબાટ ખોલજે. તેમાં નીચેની સાઈડમાં ડાબી બાજુમાં ત્રણ ખાનાં હશે. તેમાંથી વચ્ચેનું ખોલીશ એટલે તેમાં એક સ્પેશિયલ ગ્લોવ્ઝ હશે. તે પહેરી લેજે અને પછી તે ચાવીને અડીશ તોય વાંધો નહીં આવે. સમજાઈ ગયું ને? " વિહાને પૂછ્યું.

" હા ઓકે. એ થઈ જશે. " રાધિકા પૂરાં વિશ્વાસથી બોલી.

" કઈ રીતે થશે.. કહે તો.. " વિહાન બોલ્યો.

" તે કીધું એમ. " રાધિકા બોલી.

" એમ, કબાટ કઈ રીતે ખોલીશ? ચાવી છે? " વિહાને કહ્યું.

" અરે હા, એનું શું કરશું? " રાધિકા માથા પર હાથ દઈને બેસી ગઈ.

વિહાને તેનો હાથ પકડયો અને તેનાં હાથમાં ચાવી મૂકીને કહ્યું,

" આ છે એના કબાટની ચાવી. આનાથી ખોલજે. ખોઈ ન દેતી. "

" અરે વાહ, તારી પાસે ક્યાંથી આવી? " રાધિકાએ ચાવી જોઈને હરખાઈને પૂછ્યું.

" એમ તો મને પણ આવાં કાંડ કરતાં આવડે હોં. " વિહાન કોલર ઊંચા કરીને બોલ્યો, " આજે જ સવારે અમિત ગયો પછી હું તેનાં રૂમમાં ગયો હતો. ત્યાં મેં જોયું તો ચાવી પડી હતી. તે કદાચ ઘરે જ ભૂલી ગયો હશે. એટલે તે લઈને સવારમાં જ બહાર તેની ચાવી લઈને ગયો અને તેની ડુપ્લીકેટ બનાવી લીધી. " વિહાને આંખ મારીને બોલ્યો.

" ઓહો.. મગજ તો છે હો તારે ય. " રાધિકા હસતાં હસતાં બોલી.

" હા, તો હવે કંઈ મુશ્કેલી નથી ને? " વિહાને પૂછ્યું.

" ના... અ.. હા છે. પેઇન્ટિંગ પાછળ ચાવી છે તે છે શેની? મતલબ તે જે બોક્સમાં જરૂરી સામાન રાખે તે છે ક્યાં? " રાધિકાએ પૂછ્યું.

" હા, એ તો મેઇન વાત હતી. અમિતનાં રૂમમાં જે ડાઈનીંગ ટેબલ છે. તેમાં જોજે. એક ખાનું નહીં ખુલે. તેને ચાવીથી ખોલીશ એટલે તે ખુલી જશે." વિહાને કહ્યું.

" ઓકે " રાધિકાએ કહ્યું.

" હવે કોઈ પ્રોબ્લેમ? " વિહાને પૂછ્યું.

" ના ના, હવે આજે રાત્રે તમે જશો એટલે હું મારું કામ કરી લઈશ. " રાધિકા બોલી.

" સારું તો હું જઉં છું. હમણાં અમિત આવે એટલે તેની સાથે વાત કરી લઉં. તું રાત માટે રેડી રહેજે. ઓકે. બાય. " કહીને વિહાન ત્યાંથી નીકળી ગયો.

બહાર આવીને સોફા પર બેઠો ત્યાં અમિત આવ્યો. તેને જોઈને વિહાને તેને પૂછ્યું,

" અમિત, આજે રાતનો તારો શું પ્રોગ્રામ છે? "

" તને ખબર તો છે આજની રાત.. સિલ્વર નાઇટમાં. પણ કેમ શું થયું? તારે કંઈ કામ હતું? તો હું નહીં જાઉં. " અમિતે પૂછ્યું.

" ના ના, મારે તો કાંઈ કામ નથી. પણ આ તો શું આજે થોડો કંટાળો આવતો હતો તો મને થયું કે ક્યાંક બહાર જઈએ. પણ આજે તો શનિવાર છે એ તો મને યાદ પણ નહોતું. કંઈ વાંધો નહીં. તું જજે. " વિહાન ખોટું નાટક કરતાં બોલ્યો.

" બસ એટલી જ વાત. આજે તું પણ મારી સાથે આવજે. તને મજા આવશે. દારૂની સાથે સાથે છોકરીઓની મજા માણજે. " અમિત બોલ્યો.

" ના ના, તને તો ખબર છે ને હું એ બધાં નશાથી દુર જ રહું છું. મને એ બધું ન ફાવે. " વિહાનને જે જોતું હતું તે અમિત સામે ચાલીને આપી રહ્યો હતો.

" હા તો કંઈ નહીં. ખાલી થોડીવાર બેસજે. પછી તને પણ મન થઈ જશે. આજે તો તને લઈ જ જવો છે. ક્યાં સુધી આમ શરીફ માણસોની બોરિંગ જિંદગી જીવીશ. થોડું એન્જોય કરતાં પણ શીખ. આજે 10 વાગે રેડી રહેજે. તું પણ મારી સાથે આવવાનો છો અને હવે હું તારી 'ના' સાંભળવા નથી માંગતો."

અમિત કહીને અંદર જતો રહે છે. વિહાન મનોમન ખુશ થઈ ગયો. કેમ કે રાતનો પ્લાન પણ ફિક્સ થઈ ગયો અને અમિતને શંકા પણ ન ગઈ.

બંને બાજુથી પૂરું પ્લાનીંગ થઈ ગયું હતું. હવે બસ રાત થવાની રાહ હતી.

***

" હેલો, મિહિર.. અમે બસ તારાં ઘર પાસે પહોંચવા જ આવ્યા છીએ. તું અને મીરા ફટાફટ નીચે આવો. એટલે ખોટું ઊભું ન રહેવું અને આપણે જલ્દીથી નીકળી જઈએ. " આશીએ મિહિરને કોલ કર્યો અને કહ્યું.

મીત, આશી અને આરવ ત્રણેય નક્કી કર્યું એ મુજબ રાત્રે આઠ વાગે ઘરેથી નીકળી ગયાં અને રસ્તામાં મિહિર અને મીરાને પણ નીચે આવવાં કહી દીધું.

" ચાલ મીરા, આપણે નીચે જઈએ. તે લોકો હમણાં જ પહોંચી જશે. " મિહિરે ઉતાવળે કહ્યું.

" ઓકે ચાલ. " મીરાએ કહ્યું.

મિહિર અને મીરા હજુ નીચે આવ્યાં ત્યાં સામેથી એક કાર આવતી દેખાઈ. પ્રકાશ સીધો આંખમાં આવતો હતો. મિહિર સરખું જોઈ પણ નહોતો શકતો. કાર તેની પાસે આવીને ઊભી રહી. મિહિર અને મીરા તેને ઓળખી નહોતાં શકતાં.

" ક્યું, ચોંક ગયે ના. " મિહિર અને મીરાને જોઈને આશી બોલી.

આશીનો અવાજ સાંભળીને મિહિર અને મીરા ચોંકી ગયાં. તે ઘડીકવાર સુધી તો મીત અને આશીને જોતા જ રહ્યાં. મીતે લાલ કલરનો શર્ટ પહેર્યો હતો અને તેની એક સ્લીવ કોણી સુધી વળેલી રાખી હતી અને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું. હાથમાં એક મોટું કળુ પહેરેલ હતું. કપાળ પર રૂમાલ બાંધી દીધો હતો. એક કાનમાં ડાયમંડ વાળી બુટ્ટી પહેરેલી હતી. થોડીવાર સુધી તો મિહિર મીતને ઓળખી પણ ન શક્યો. બાજુમાં આશીને જોઈને પણ એવું લાગતું હતું કે તે આવાં પબની ડેઈલી કસ્ટમર હશે. બ્લેક કલરનું સ્લીવલેસ ટીશર્ટ અને શોર્ટસ્. તેની પાતળી લચીલી કમર જોઈને કોઈપણ તેની પર ત્યાં જ ફિદા થઈ જાય. આશી એમ પણ સુંદર જ હતી પણ આજે તે કોઈને પણ આકર્ષવા માટે કાફી હતી.

બંનેમાં એક વસ્તુ કોમન હતી. અને એ છે ટેટૂં. આશી અને મીત બંનેના હાથમાં તે દોરેલ હતું.

" આ બધું શું છે? આ તમે લોકો એકદમ ટપોરી ટાઇપ કેમ થઈ ગયાં? " મીરાએ પૂછ્યું.

" ચાલો પહેલાં અંદર તો બેસો. પછી બધી વાત. " આરવે કહ્યું.

મીરા અને મિહિર બંને અંદર આવ્યાં અને પછી મીતે ગાડી સ્ટાર્ટ કરી અને ફુલ સ્પીડમાં હકાવી.

" હવે તો કહો કાંઈક.. " મિહિર બોલ્યો.

" અરે આ જો ને યાર. કેવાં કપડાં પહેરાવ્યાં છે સાવ. " મીત મોં બગડતાં બોલ્યો.

" તો તારે શું કોઈનાં મેરેજમાં જતો હોય તેમ સૂટ પેરીને જવું તું. આવાં કપડાં જ પહેરવાં પડે નહીંતર એને તરત ખબર પડી જાય. " આશી મીતને ખીજાતાં બોલી.

" હા હો, વાત તો સાચી છે તારી. થેન્ક યુ આશી. તું ન હોત તો ખબર નહીં શું થાત. " મીરાએ કહ્યું.

" હા, આજ તો અમિત ગયો. " મિહિરે કહ્યું અને બધાં હસી પડ્યાં.

10 વાગવાને હજું વાર હતી ત્યાં તે લોકો પબ પાસે પહોંચી ગયાં. મીતે ગાડી થોડી દુર ઉભી રાખી. બધાં નીચે ઉતર્યા. ત્યાં એક બિલ્ડિંગનું બાંધકામ અધૂરું હતું. જોઈને જ લાગતું હતું કે તે કેટલાંય સમયથી બંધ હશે. આસપાસ સાવ ખંઢેર જેવું હતું. તેમાં નીચેની સાઇડ એક જગ્યાએ સિલ્વર નાઇટ લખેલા બોર્ડ પર અલગ અલગ કલરની લાઇટ્સ થઈ રહી હતી.

" એ જો ત્યાં લાઇટ દેખાય છે. તે જ પબ લાગે. " આશીએ ત્યાં ઈશારો કરીને કહ્યું.

હજુ એક ડગલું આગળ ભરે ત્યાં પાછળથી કોઈ બોલ્યું,

" કોન હો તુમ લોગ? "

આ સાંભળીને બધાંના હોંશ ઉડી ગયાં. હજું તો પ્લાન શરૂ પણ નહોતો થયો તેની પહેલાં જ મુશ્કેલી આવી ગઈ.

***

વધું આવતાં ભાગમાં...

વાંચતાં રહો અને પ્રતિભાવો આપતાં રહો...
આ રચનાને લગતી કોઈ મુશ્કેલી કે સુજાવ માટે ઈન્સ્ટાગ્રામ id @hinzsss પર મેસેજ કરીને જણાવી શકો છો...
આભાર

જય શ્રી ક્રિષ્ના...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED