સંઘર્ષ - (ભાગ-6) Roshani Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - (ભાગ-6)

દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશન માટે તેઓ નીકળ્યા.... પિહુએ તેના પપ્પાને કહ્યું " પપ્પા ગામડે જવુ છે દર વર્ષની જેમ?" મમ્મી સાથે તો મતભેદ થઈ ગયો છે ..... ત્યાં તો કોઈ જવાબની અપેક્ષા જ ના રખાય.
" હા ...... "
" અમદાવાદ લઇ લેજો ..... આનંદને મળતા જઈએ ..." મનીષા આટલુ બોલી બારી બહાર જોતી રહી.

પિહુ આ સાંભળી ખુશ થઈ ગઈ તેને ગામડે જવુ નહોતું ગમતું, તે હંમેશા વેકેશનમાં તેના મામાંના ઘેર જ રોકાઈ જતી.

જોત જોતામાં અમદાવાદ પહોંચી ગયા. પિહુ તો મામાંને જોતા જ ખુશ થઈ ગઈ. મામાંની અને ફઈની લાડકી બહુ હતી. આનંદ અને મનીષાના લગ્ન સામ સાટે થયેલા. આ બન્ને ભાઈ બેન અને પેલી બાજુ અમિત અને પારુલ, તો મામાંનું ગણો કે ફઈનું એક જ ઘર થયું. મામી હોય તો ઓછું રાખે પણ આતો ફઈ પણ હતા જે તેના મમ્મી પપ્પા કરતા પણ વધારે લાડ કરતા હતા. આંનદ નામ પ્રમાણે જ ખુશ મિજાજી અને પોતાનામાં મસ્ત રહેવાનું જ પસંદ કરતો હતો. બાળકોને તેમનું આ નેચર બહુ ગમતું. પણ કોને ખબર કાયમી હસતો ચહેરો બહુ બધું છુપાવી બેઠો હોય છે જેની તેના સિવાય કોઈને ખબર નથી હોતી.

ઘણીવાર લોકો માત્ર પોતાનું દુઃખ છુપાવવા પોતાનો આખો સ્વભાવ બદલી, ખુશ અને હસતા રહેતા હોય છે. તેઓ બસ પોતાના લોકોને ખુશ જોઈ જ ખુશ થતા હોય છે....તેમનું તો કોઈ અસ્તિત્વ જ હોતું નથી. તેઓ તો માત્ર કિસ્મતના હાથની કસપુતડી બની રહી ગયા હોય છે. જ્યાં તેમની પસંદની તેમને પોતાને જ કોઈ કદર રહેતી નથી. જિંદગી કોઈએ જોઈ નથી અને કિસ્મતની માયાજાળમાંથી કોઈ છૂટી શક્યું પણ નથી.

ઘેર પહોંચતા જ પિહુએ બુમ મારી " મામુ મહેમાન જોઈએ છે કે નહીં ..?"
અવાજ સાંભળી તરત જ પારુલ બહાર આવી ગઈ ...." ઓહ શું વાત છે.... બધા આમ અચાનક ? "

" બસ તમને મળવાની ઈચ્છા થઈ ગઈ, હું તો અહીં રોકવાની છું ...પૂરો એક મહિનો "
" પહેલા અંદર તો આવો પછી વાત કરજો" બોલતા પારુલ પાણી લઇ આવી. " કેમ અમિત અચાનક ? બાકી ફોન કર્યા વગર તું નથી આવતો."

આનંદભાઈ આવતા જ વચ્ચે વાત અટકાવી બોલ્યા " પિહુને વેકેશન નહીં ? "
" હા તો મામાં, આ વખત તો આખુ અમદાવાદ ફરવું છે. બહુ મજા આવશે"

" શું થયું મનીષા ? " મનીષાનો ઉદાસ ચહેરો જોઈ આનંદ બોલ્યો. તે તેની બહેનને નાનપણથી ઓળખતો ગમે તેટલી મુશ્કેલી હોય, ક્યારેય કોઈ પ્રશ્ન કરવો તે એના સ્વભાવમાં જ નહોતું, તે બધી જ મુશ્કેલી બોલ્યા વગર જ સહન કરી લેતી, પણ આજે કંઈક અલગ લાગ્યું.
" ભાઈ ગામડે જવું છે ..."

" હા ... તો શું પ્રશ્ન છે ? "
" પિહુને પણ આ વેકેશનમાં ગામડે લઇ જવી છે. "

પિહુ તો સાંભળતા જ સ્થિર બની ગઈ ને બોલી " હું નહીં આવું, હું અહીં જ રોકાઈ જવાની, દર વર્ષની જેમ."
" તને પૂછ્યું પણ કોને છે ? આ તને મારો ઓર્ડર છે કે તારે ગામડે આવવાનું છે બરાબર." ગુસ્સો થતા મનીષા બોલી.

પારુલ અને આનંદ પરિસ્થિતિ સમજી ગયા કે મનીષા જે ક્યારેય એક શબ્દ ના બોલતી એ અત્યારે આગનો ગોળો બની ગઈ છે તો જરૂર કોઈ મોટી વાત જ હશે. પણ બન્ને માં દીકરી વચ્ચે આ વર્તન સારુ નથી.

" મામાં તમે જ મમ્મીને સમજાવો ને ? મને શાંતિ બા સાથેની અશાંતિ નથી પચતી..." મોં બગાડતા પિહુ બોલી.
" તું ચિંતા ના કર હું છું ને બેટા, જા તારો ભાઈ તને બહાર બોલાવતો હતો. અત્યાર હાલ ક્યાં તમારે જવાનું છે. ત્યાં સુધી તો મજા કર. "

" ના, અમારે અત્યારે જ નીકળવું છે. આતો ભાભીની થોડી વસ્તુ આપવી હતી એટલે અહીંથી નીકળ્યા, બાકી સીધા જ જતા રહ્યા હોત. બરોડા જતી વખતે રોકાસુ અત્યારે નહીં ભાઈ."

" પણ ....."
આનંદ કઈ બોલે તે પહેલા જ પિહુ વચ્ચે બોલી " હું નથી આવવાની. "
" કેમ આપણું ગામ નથી ગમતું અને સાહીલનું તો બહુ મોટું શહેર છે નહીં ? "

આનંદે મનીષાના એક જ વાક્ય પર આખી વાતનો તાગ મેળવી લીધો. તે મનીષાનો ગુસ્સો કરવાનું કારણ સમજી ગયો. હવે માં તેની દિકરી માટે જે કરે છે તેમાં વચ્ચે પડવું યોગ્ય નથી. મનીષાનો ગુસ્સો યોગ્ય છે. પણ આમ દિકરીને ગુસ્સાથી સમજાવવું એ પણ ખોટું છે. મનીષા ક્યાંક તેનો ભૂતકાળ તેની દિકરીમાં જોઈ રહી હતી... તેને ડર હતો ક્યાંક મારાં જેવું તો મારી દિકરીની જિંદગીમાં નહીં થાય ને ? આ ડર હતો ગુસ્સાનું કારણ. હવે મનીષાને સમજાવી શકાશે નહીં. પિહુને સમજાવું વિચાર કરતા આનંદભાઈ પિહુની નજીક જઈને ધીમેથી કહ્યું " તું ચિંતા ના કર બે દિવસમાં હું તને ત્યાં આવી લઇ જઈશ. તારી મમ્મીએ ખુશ અને તારા દાદી પણ.... તને જોઈ તારા દાદી કેટલા ખુશ થશે એનો તો વિચાર કર. બહુ મજા આવશે"
" સારુ પણ બે જ દિવસ ..... હો "

" હા ....પાક્કું પણ બે દિવસમાં તારી મમ્મીનું બધું કામ કરવાનું, તેનો પગ હજુ બહુ સારો નથી. "
" સારુ " બોલતા પિહુ તૈયાર તો થઈ ગઈ પણ આ હિટલર દાદી તેની શું હાલત કરશે એના વિચારે જ ડરી ગઈ અને મોં પરની હસી પણ જતી રહી.

વધુ આગળના અંકે..........