સંઘર્ષ - (ભાગ-9) Roshani Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - (ભાગ-9)

પ્રિયાંશીની રસોઈ બનતા બનતા તો તેનું મોં આખુ લાલ થઈ ગયું .... ઉનાળાની ગરમી અને ઉપર જતા આ ચૂલાની, માંડમાંડ રાંધીને બહાર આવી. આખી લાઈફમાં નથી કર્યું એટલું કામ બાએ આજના એક જ દિવસમાં કરાવી દીધું. પ્રિયાંશીની હાલત ખરાબ થઈ ગઈ... પણ કેવું કોને ?

પ્રિયાંશીના હાથની રસોઈ પહેલી વાર સૌએ ખાધી બધાએ ખુબ વખાણ કર્યા ..... પણ પ્રિયાંશીને જ ના ગમી. કઈ કાચું રહી ગયું તો કઈ દાઝી ગયું હતું .... તે થોડું ખાઈ ઉભી થઈ ગઈ. આમ પણ જે રસોઈ બનાવે તેને ઓછું જ ખાવાનું ભાવે .... અડધા તો રાંધીને ધરાઈ ગયા હોય ...

રાત પડી.... પ્રિયાંશી ફોન લેવાનું વિચારતી જ હતી ત્યાં બા બોલ્યા ..." અમિત શું આયો તારનો ફોન લઈને ચોટયો છે .... બહુ ફોન નહીં સારો ....માં બાપને ફોનની લત હોય તો છોકરાને શું કેવાનું ...? "

સાંભળતા જ અમિતભાઇ ફોન મૂકી દીધો ... પ્રિયાંશી હજુ લેવા જ જતી હતી પણ માંડી વાળ્યું .... ખોટા બા ચોંટી પડશે અને કલાકનું ભાષણ નફાનું. એના કરતા સૂઇ જાઉં સારુ, એમ પણ બાએ આજે કામ કરાવી ચટણી કરી નાખી છે.

બા ફરી બોલ્યા " વહેલા સૂઇ જાઓ પછી વહેલા પણ ઉઠવાનું છે "
" બા ....ક્યાંય બહાર જવાનું છે ? " પ્રિયાંશી નવાઈથી બોલી.

" ના ... ના ... આ થોડું તમારું શેર છે. મોડા ઉઠો તો પાણી જતું રે ... પછી તલાય નાવા જાવું પડશે ? "
" શું ....? આવું થોડું હોતું હશે ...? કેટલા વાગે ઉઠવાનું ? "

" 5 વાગ્યે ... હું તો રોજ ચાર વાગે ઉઠી પ્રભાત ફેરીમાં જાઉં .... પછી મંદિર જઈએ .... "

પ્રિયાંશી બા સામે જોઈ જ રહી આ તો હોસ્ટેલથી પણ જાય એવી જિંદગી છે. આવી રીતે થોડું જીવાય ... ? પણ મારે ક્યાં કાયમ રહેવું છે મામાં આવશે એટલે હું તો તેમની સાથે જતી રહેવાની ..... વિચારો કરતા સૂઇ ગઈ.

સવારે 5 વાગ્યે બાએ બુમ મારી બેટા ..પ્રિયાંશી ઉઠ. પ્રિયાંશી બાનો અવાજ સાંભળતા ઉઠીને તૈયાર થવા જતી રહી. પછી બાએ કહ્યું " હું ભેંસ દોહીને આવું ત્યાં સુધી તું ચકલીએથી આવતું પાણી ડોલે ડોલે કરી ટાંકી ભરી દે ..."

પ્રિયાંશીએ તો ક્યારેય ડોલ પણ નથી ભરી અને આ તો ડોલથી આખી ટાંકી ? બા ગયા ... તરતઅમિતભાઇએ આવીને પ્રિયાંશીને ટાંકી ભરાવી દીધી. બા આવીને તાજા દુધનો કટોરો ભરી પ્રિયાંશીને આપી બોલ્યા " આ શેરના દુધ ખાઈ કેવા લાકડા જેવા થઈ ગયા .... આપણા દુધની વાત થાય? પણ આજકાલના છોકરાને તોય શેર ગમે ... ગામમાં તો ખબર નહીં શું ખટકે છે આજની પ્રજાને ? "

પ્રિયાંશી બાના ભાષણથી કંટાળી બા કહે એ ગમે કે ના ગમે કર્યે જતી. આજે બોલ્યા વગર ... બોનવિટા વગરનું દુધ પી ગઈ. અમિતભાઇ અને મનીષા તો જોતા જ રહી ગયા. આજતો બા એ ચમત્કાર કરી દીધો. જે 8 વાગ્યે ઉઠી ... પોતાનું કામ પણ જાતે નોતી કરતી એ બાના ઈશારે આખા ઘરનું કામ કરતી થઈ ગઈ.

એમ કરતા એક અઠવાડિયા થયું ... બા બધું જ દિકરી પ્રિયાંશી પાસે જ કરાવતા. આજે તો હદ થઈ ગઈ બા પ્રિયાંશીને ભેંસ દોતાં શીખવવા લઇ ગયા. એક તો પ્રિયાંશીને દૂરથી જ ડર લાગતો છતાં બાએ બેસાડી ...બા એ આંચર પકડાવી કહ્યું હું પવાલુ પકડું તું દુધ નીકાળ... પ્રિયાંશી બહુ જોર કર્યું પણ એક છાંટો પણ દુધ ના નીકળ્યું ....

આખરે બા હસી પડ્યા અને બોલ્યા ...." જા તારાથી નહીં થાય આજના જમાના પ્રમાણે તને આવડવું જોઈએ તે બધું જ શીખી ગઈ ....તું મારી પરીક્ષામાં પાસ થઈ.... દિકરા. હવે તારા લગન ગમે ત્યાં થાય ..ગામ હોય કે શેર....? તું ક્યાંય પાછી નહીં પડે ..." બાએ આજે પહેલીવાર આટલો પ્રિયાંશી પર પ્રેમ વર્ષાવ્યો.

પ્રિયાંશી ખુશ થઈ સીધી જ તેની મમ્મી પાસે ગઈ ....." મમ્મી બાએ મને પાસ કરી દીધી .... તું કેતી હતી કે ગામડે રહેવું સહેલું નથી .... પણ મેં કરી બતાવ્યું .... બોલ હવે તો માનીસને મારાંને સાહીલના મેરેજ કરાવવા...? "

હવે મનીષા પાસે કોઈ રસ્તો નહોતો ..... આખરે તેને દિકરીની જીદ સામે હાર માનવી પડી. તેને સાહીલનો સ્વીકાર કરવો પડ્યો ......તેને તેનાથી બનતા બધા જ પ્રયત્ન કર્યા પણ હવે પ્રિયાંશીના નશીબ પર બધું છોડી દેવાનું વિચાર્યું. એમ પણ દિકરી સંસ્કારનો ભંડાર હતી એમાં બાકી હતું એ બાએ શીખવી દીધું. મનીષા કંઈક બોલવા જતી હતી ત્યાં જ આનંદનો અવાજ સાંભળ્યો ....

આનંદ આવતા જ બોલ્યો " બહુ હેરાન કરી તે પ્રિયાંશીને હું તેને લેવા જ આવ્યો છું ...... દિકરી પર કોઈ આટલુ અત્યાચાર કરતુ હશે ...? તમે એના દુશ્મન થોડા છો.. ?"
મનીષા કઈ બોલ્યા વગર જ ઉભી રહી ...પણ પ્રિયાંશી બોલી " મામુ પણ મજા પડી બાની પરીક્ષામાં હું પાસ થઈ ગઈ .... મમ્મીના કારણે હું ઘણું શીખી ......."

" શું વાત છે ? .... શાંતિ બાની પરીક્ષા ? બહુ અઘરું છે. પણ તું ભાણી કોની આપણી જ ને .... તો પછી .? પણ હા મનીષા હું જ હવે પ્રિયાંશીના મેરેજ માટે છોકરાને પસંદ કરીશ. તેને ગમતો હોય એને પણ મળીશ. "
" ભાઈ એતો તમે ના કીધું હોત તો પણ તમને જ કહેત, અમે ક્યાં કોઈને ઓળખીએ છીએ. "

બહુ બધી વાતો પછી નક્કી થયું કે સાહીલ અને તેના મમ્મી પપ્પાને અમદાવાદ આનંદ મામાંના ઘેર બોલવવા. બાએ કહ્યું " તમે જોઈ લો પછી હું આવીશ. એમ પણ તમારા જેટલી મને આજકાલના છોકરામાં ખબર ના પડે .."

બધા બાના આશીર્વાદ લઇ અમદાવાદ જવા રવાના થયા. પ્રિયાંશી બા પાસે જઈને બોલી " હું તો બા દર વેકેશનમાં અહીં જ આવવાની .... મને બહુ મજા આવી ..." તેના ચહેરા પર સાહીલને મળવાની અને તેની સગાઇ થવાની છે તેની ખુશી છલકાઈ રહી હતી.

બા તેના માથે હાથ મુકતા બોલ્યા " બેટા તું તો સાસરે નહીં જતી રે .....? દિકરી તો સાસરે જ શોભે. તું તારા સાસરે ખુશીથી રે એમાંજ અમારી ખુશી છે..... ખુશ રે ને ભગવાન દુનિયાની બધી જ ખુશી તારી ઝોળીમાં ભરી દે ..." બોલતા બાની આંખમાં આંશુ આવી ગયા.

મનીષાબોલી " સાચું બા .... દિકરી પાસે કોઈ જ આશા નહીં રાખવાની એ તો પારકું પારેવું ક્યારે ઉડી જાયે કોને ખબર .....? એને તો કોઈની અમાનત જ માની મોટી કરવી ... નહિતર તેનો વિરહ બહુ કપરો છે. મારું તો ઘર ખાલી થઈ જશે ..." મનીષા પણ રડી પડી.

" અરે શું કરો છો સાસુ વહુ ? આજે જ વળાવી નથી દેવાની મારી દિકરી ! " આનંદ કરુણા ભર્યું વાતાવરણ બદલવા બોલ્યો.

" અરે મમ્મી અને બા હું તો હજુ તમારું લોહી પીવા રેવાની છું ..... આ આસું બાકી રાખો વિદાય માટે ... " બોલતા પિહુ તેની મમ્મીને ભેટી પડી.

ઘણા સમયના માં દિકરીના અબોલા તૂટ્યા જોઈ .... બધા ખુશ થઈ ગયા. અને હસતા હસતા અમદાવાદ તરફ ગાડીને અમિતભાઇએ દોડાવી. આજે ઘણા સમય પછી એ જ પરિવાર સાથે હતો. કોઈમતભેદ કે મનભેદ નહોતા. પણ મુશ્કેલી ક્યાં કોઈ ટકોર કરીને આવે છે. એતો વગર સરનામે ગમે ત્યાં આવી જાય.

ક્રમશ :